જિંદગીની તો ફિતરત જ સરપ્રાઇઝ આપવાની છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીની તો ફિતરત જ

સરપ્રાઇઝ આપવાની છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જિંદગી,

લિફાફામાં બંધ કોં ઇનામ જેવી જિંદગી,

સાચવીને એકઠું કરજો જે અહીંયાં રહી જશે,

સિકંદરના આખરી અંજામ જેવી જિંદગી.

-અજિત પરમાર ‘આતુર’

જિંદગીનું એક અદભુત સૌંદર્ય હોય છે. એવું સૌંદર્ય જે સતત બદલતું રહે છે. કાયમ એકસરખી રહેવું જિંદગીને ગમતું નથી. રોજ નવા નવા રંગે અને રોજ જુદાં જુદાં રૂપે જિંદગી પ્રગટ થતી રહે છે. જિંદગી ક્યારેક આશ્ચર્ય આપે છે તો ક્યારેક આંચકો પણ આપે છે. જિંદગીની બે આંખોમાંથી એકમાં સુખ અને એકમાં દુ:ખ અંજાયેલું રહે છે. એકમાં વિસ્મય તો બીજીમાં વેદના હોય છે. આનંદ અને આઘાત આપતા રહેવું જિંદગીને ફાવે છે. ક્યારેક તો જિંદગી આપણને એ મુકામ પર લઇ જાય છે જ્યારે એક આંખ હસતી અને બીજી આંખ રડતી હોય! જિંદગી આપણને પાઠ ભણાવતી રહે છે. જિંદગી ક્યારેક એવું કહે છે કે બધું જ છોડી દે. મુક્ત થઇ જા બધામાંથી. છુટકારો મેળવી લે બધી જ ઝંઝટથી. ક્યારેક એવું કહે છે કે બધું જ અપનાવી લે. જે છે એ બધું તારું જ છે. કુદરતે આ સૃષ્ટિનું સર્જન પણ તારા માટે જ કર્યું છે. તારી અંદર પ્રેમનો વિશાળ દરિયો છે. બધાને ભીંજવી દેવાની એનામાં તાકાત છે. ક્યારેક વળી એવું પણ લાગે કે જાણે આખેઆખો દરિયો સુકાઇ ગયો છે. તરસનું પણ તળિયું આવી ગયું છે. જિંદગી ક્યારેક વસૂકી જતી હોય છે.

જિંદગી સાથે સતત સંવાદ ચાલતો રહે છે. યાર, શું આમ રોજેરોજ બદલતી રહે છે. સારો મૂડ રાખવા માટે કેટલી બધી મહેનત કરવાની? થોડીક તો દયા રાખ. થોડોક તો રહેમ વરત. ક્યારેક વળી જિંદગી સાથે ઝઘડો પણ થાય છે. હવે તારે જે કરવું હોય એ કર, તારામાં તાકાત હોય એટલી પરેશાની આપ! આખરે જિંદગીને આપણે પટાવવી પડે કે મનાવવી પડે છે. એક પ્રિયતમની માફક. આખરે તો એ જેવી છે એવી આપણી જ છે. એનાથી ભાગીને જઇ જઇને ક્યાં જવાના? પાછા એની તરફ જ વળવું પડે છે. એ વળી આપણને ગળે વળગાડી દે છે.

એક યુવાને જિંદગીને સવાલ કર્યા. તું કેમ દરરોજ બદલે છે? એક સરખી કેમ નથી રહેતી? જિંદગી ખડખડાટ હસી પડી. જિંદગીએ સામા સવાલો કર્યા. તું કેમ દરરોજ કપડાં બદલે છે? એક જ રંગનાં અને એક જ ટાઇપનાં કપડાં રોજ કેમ નથી પહેરતો? રોજ કેમ તને જુદું જુદું ખાવાનું જોઇએ છે? રોજ નવું જાણવા અને નવું માણવા કેમ જોઇએ છે? તને રોજ ચેઇન્જ જોઇએ તો મને ન જોઇએ? થોડુંક બારીકાઇથી નિરીક્ષણ કરજે. અંતે તો તને જે જોઇએ છે તે હું જ છું! હું જ તારી અંદર છું. હું જ તારી બહાર છું. તારો પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું બહાર હોઉં ત્યારે તું મને તારી અંદર શોધે છે. હું અંદર હોઉં ત્યારે મને બહાર શોધે છે. તું મને પકડી જ ક્યાં શકે છે. એક વાત યાદ રાખ, જિંદગીને પકડતાં ન આવડે તો એ છટકી જાય છે. તું ગઇ કાલમાં અને આવતી કાલમાં જ ફરતો રહે છે. આજે જે હું તારા માટે સૌંદર્ય સર્જું છું એની તરફ તો તારી નજર જ નથી હોતી! જિંદગીની તરફ નજર ન માંડ અને પછી એવી ફરિયાદ કરે કે જિંદગીની નજર મારા તરફ નથી એ કેટલું વાજબી છે?

એક છોકરી ફિલોસોફર પાસે ગઇ. તેણે સવાલ કર્યો, જિંદગી આટલી અઘરી કેમ લાગે છે? ફિલોસોફરે કહ્યું કે, તું અઘરી માને છે એટલે! તું શું એમ માને છે કે બધું સરળ, સહજ, સાત્ત્વિક અને સુંદર જ હોય? જિંદગી એક પેકેજ ડીલ છે. તેમાં સારા સાથે નરસું, ગુડ સાથે બેડ, રૂપ અને રુદન, ઉત્કટતા સાથે ઉદાસી અને પ્રેમ સાથે પીડા હોવાની જ છે. આપણે કહીએ છીએ કે દરેક કાળા વાદળને સોનેરી કિનાર હોય છે. તમે વાદળને જ જોતા રહો તો કાળાશ જ દેખાવાની છે. પડકારને તમે અઘરા માની લો છો. મુશ્કેલી આવે તો મૂંઝાઇ જાવ છો. સમસ્યાથી સંતાપ પામો છો. એવું થોડું ચાલે? તમારે એ બધું જ અપનાવવું પડે, સ્વીકારવું પડે અને તેને પણ જીતવા પડે!

જિંદગી ભલે એક અને સળંગ લાગતી હોય, પણ એ ટુકડાઓમાં વહેંચાયેલી હોય છે. સમયે સમયે નવા નવા ટુકડામાં જિંદગી સામે આવતી રહે છે. અમુક ટુકડાઓ એવા હોય છે જે આપણા પણ ટુકડા કરી નાખતા હોય છે. ક્યારેક આપણે વહેંચાઇ જઇએ છીએ, ક્યારેક વેતરાઇ જઇએ છીએ અને ક્યારેક વેરાઇ જોઇએ છીએ. વેરાઇ ગયા પછી આપણે જ એ ટુકડાઓને ભેગા કરવા પડે છે. જોડવા પડે છે. સાંધવા પડે છે. અમુક ટુકડામાં અમુક લોકો આપણી જિંદગીમાં આવે છે. એ ટુકડો ક્યારેક ચમકે છે, ક્યારેક બુઝાઇ જાય છે, ક્યારેક ખાખ થઇ જાય છે. એ પછી એક રાખ ઊઠે છે. એ રાખ આંખોમાં છવાઇ જાય છે. બધું ધૂંધળું લાગે છે. એ રાખ હટાવવામાં મહેનત પડે છે. ક્યારેક આંખોમાંથી વહેતાં આંસુ એ રાખને ઓગાળી નાખે છે. રાખની સાથે આપણે પણ થોડાક ઓગળીએ છીએ. જૂના જખમની જેમ એ રાખ ક્યારેક જામી જાય છે. એક ગઠ્ઠો બની જાય છે. ખૂબ મહેનત છતાં એ ગઠ્ઠો તૂટતો નથી. કેટલાક ગઠ્ઠાઓ આપણા અંતિમ સંસ્કાર વખતે જ ઓગળે છે. એ આપણી સાથે જ પંચમહાભૂતમાં વિલીન થાય છે.

જિંદગીના ટુકડાઓ પણ ગજબના હોય છે. કોઇ નાનો ટુકડો, કોઇ મોટો ટુકડો. સુખ, ખુશી અને આનંદના ટુકડા કેમ નાના જ હોતા હશે? જલદીથી ખૂટી જાય એવા અને જલદીથી તૂટી જાય એવા! જિંદગી એટલે થોડાક સુખના ટુકડા, થોડાક દુ:ખના ટુકડા. થોડાક તડકાના ટુકડા તો થોડાક છાંયાના ટુકડા! થોડાક પ્રેમના ટુકડા તો થોડાક વેદનાના! ક્યારેક તો શ્વાસ પણ ટુકડે ટુકડે ચાલતા હોય એવો અહેસાસ થાય છે. આંસનું ટીપું હોય કે ટુકડો? દરિયો કેટલી નદીના ટુકડાઓથી બન્યો હશે? મેઘધનુષ એ બીજું કંઇ નથી, પણ સાત રંગોના ટુકડાઓ જોડીને કુદરતે બનાવેલી એક કવિતા હોય છે. ગુલમહોરની એક પાંદડીમાં કે મોરના એક પીંછામાં રંગોના કેટલા બધા ટુકડાઓ ગોઠવાયેલા હોય છે? અમુક લોકો આપણી જિંદગીમાં ટુકડાની જેમ જીવતા હોય છે. એ આખેઆખા આપણા હોતા નથી, પણ એકાદ ટુકડો આપણો બની જાય છે. આપણે એ ટુકડામાં આપણું પ્રતિબિંબ જોઇને પાછો એ ટુકડો સાચવીને મૂકી દઇએ છીએ. ભલે ને ક્યારેક એ વેતરે કે ક્યારેક એ છેતરે! આપણે એ ટુકડાથી મુક્ત થઇ શકતા નથી!

રાત પણ ક્યારેક ટુકડા ટુકડામાં આવતી હોય છે. ઊંઘ ઊડી જાય પછી અમુક ટુકડા સૂવા નથી દેતા. એ વલોપાત મચાવતા રહે છે. પથારીમાં આપણે તરફડતા રહીએ છીએ. પથારીમાં પ્રાણ હોત તો એ કદાચ આપણને સાંત્વના આપી શકત કે કેમ તું આટલો ઉચાટમાં છે? જે થયું છે એ તારી નજર સામે થયું છે. ઘણું તો તેં જ થવા દીધું છે. તારું હતું એને તેં જ જવા દીધું છે. ફૂલ જેવું હતું એને તેં જ ખરવા દીધું છે. રાતનો કયો ટુકડો સપનું બની જતો હશે? જો એ સમય નોંધી શકાતો હોત તો કદાચ આપણે દર વર્ષે એને પણ યાદ રાખીને સપનાનું સેલિબ્રેશન કરતા હોત! સપનાની એનિવર્સરી મનાવતા હોત! જે સપનાં મરી ગયાં હોય છે એની શ્રદ્ધાંજલિ સભા ભરત ખરા? અમુક સપનાંઓ આંખોમાંથી છટકીને બહાર ચાલ્યાં જતાં હોય છે. એક પ્રેમિકાનું મિલન તેના પ્રેમી સાથે ન થયું. એ જ્યારે એને જોતી ત્યારે એને થતું, જાણે મારું સપનું મારી આંખોની બહાર ચાલ્યું ગયું છે. એ પછી એને થતું કે, તો પછી આંખોમાં છે એ શું છે? પછી તેને જ વિચાર આવે છે કે, તૂટેલા સપનાની અમુક કરચો રહી ગઇ છે, અમુક ટુકડાઓ હજુ આંખોમાં છે, જે ખટક્યા રાખે છે!

જિંદગી સામે સવાલ ન કરો. સવાલ કરો તો એ જે જવાબ આપે એ સમજવાની, સ્વીકારવાની અને સહન કરવાની તૈયારી રાખો. જિંદગી સામે ફરિયાદ પણ ન કરો. ફરિયાદ કરશો તો ક્યારેક તમે જ આરોપી નીકળશો. જિંદગી જેવી છે એવી જીવો. જિંદગીને માણો. સારા ટુકડાઓને સાચવી રાખો. જિંદગીને જીવવા માટે થોડાક ટુકડાઓ જ પૂરતા હોય છે. આપણે બસ એ નક્કી કરવાનું હોય છે કે કયો ટુકડો સારો છે અને કયો ટુકડો મારો છે! આપણને મોટા ભાગે જિંદગી એટલે પણ સારી લાગતી નથી હોતી, કારણ કે આપણે જે ટુકડાઓ ભેગા કરી રાખ્યા હોય છે એ ખરાબ ટુકડાઓ હોય છે! સારા ટુકડાઓ જ સુખ આપી શકતા હોય છે!

છેલ્લો સીન:

જિંદગી સામે ફરિયાદ કરીએ ત્યારે આપણે એ ભૂલી જતા હોઇએ છીએ કે, આ તો આપણે આપણી સામે જ ફરિયાદ કરીએ છીએ. એ આખરે તો આપણી જ જિંદગી છે ને?                 –કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 મે 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગીની તો ફિતરત જ સરપ્રાઇઝ આપવાની છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to Krishnkant Unadkat Cancel reply

%d bloggers like this: