બધા હોવા છતાં મને
કેમ એકલું લાગે છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે,
પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે,
બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા,
આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે,
આંગળી કોની અડે એના ઉપર આધાર છે,
સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’
દરેક માણસને એક એવી વ્યક્તિની જરૂર હોય છે, જેની પાસે એ મોકળા મને વ્યક્ત થઈ શકે, જેની સાથે એ મુક્ત મને હસી શકે, જેની સામે એ પોક મૂકીને રડી શકે. કોઈ પણ જાતના ભય વગર પોતાના દરેક સિક્રેટ્સ શેર કરી શકે. જેના ઉપર ગળા સુધીનો ભરોસો હોય કે તેને કહેલી વાત તેના સુધી જ રહેશે. દરેકના નસીબમાં આવા લોકો હોતા નથી. તમારી પાસે આવી કોઈ વ્યક્તિ છે? જો હોય તો તમે નસીબદાર છો. અમુક લોકો આપણી જિંદગીની એવી મૂડી હોય છે જે છેક સુધી એકસરખી મૂલ્યવાન રહે છે. આખી દુનિયા માણસોથી ઠસોઠસ ભરેલી છે. એમાંથી કેટલા આપણા હોય છે? તમારું વર્તુળ કેવડું છે? એ વર્તુળમાં એવું કોણ છે જે તમારી જિંદગીનું સેન્ટર પોઇન્ટ છે? જો એકાદ હોય તો ‘એકે હજારા’ છે.
બે મિત્રો હતા. સાથે બેસીને વાતો કરતા હતા. એક મિત્રએ આગલી રાતે મિત્રો સાથે કરેલી પાર્ટીનો એક ફોટો વોટ્સએપ સ્ટેટસમાં અપલોડ કર્યો. અડધો કલાક પછી તેણે જોયું કે કેટલા લોકોએ મારું સ્ટેટસ જોયું? એ બોલ્યો કે, અડધા કલાકમાં 44 લોકોએ જોયું. એક પછી એક નામ ઉપર એ નજર ફેરવતો ગયો અને એના વિશે પોતાનો પ્રતિભાવ બોલવા લાગ્યો. આ મારું સ્ટેટસ જોઈને બોલ્યો હશે કે, જલસા કરે છે! બીજાના વિશે કહ્યું કે, આને તો એમ થયું હશે કે આને તો બસ મજા જ કરવી છે! ત્રીજાએ એમ વિચાર્યું હશે કે, બાપના પૈસે જલસા કરે છે. આ તો મારું સ્ટેટસ જોઈને બળ્યો હશે. પેલાને થયું હશે કે મને પાર્ટીમાં ન બોલાવ્યો! એને વિચાર આવ્યો કે કોણ રાજી થયું હશે? કોને એમ થયું હશે કે આ જિંદગી મોજથી જીવે છે? તેણે સાથે બેઠેલા મિત્રને પૂછ્યું, આમાંથી કોઈ કેમ એવું નથી જે આ ફોટો જોઈને ખુશ થયું હોય? મિત્રએ હળવેકથી પૂછ્યું, પહેલા મને તું એ કહે કે, તું કોનું સ્ટેટસ જોઈને રાજી થાય છે? કોના અપડેટ્સ જોઈને તને ખુશી મહેસૂસ થાય છે? કોના માટે તને ગર્વ થાય છે? તને જે નથી થતું એની અપેક્ષા તું બીજા પાસે કેવી રીતે રાખી શકે? એક બીજી વાત પણ પૂછું? તેં આ ફોટો અપલોડ કર્યો ત્યારે તારા મનમાં શું હતું? તારે પણ કોઈને બતાવવું હતું! તારે પણ કોઈને બાળવા હતા! એક વાત યાદ રાખ, આપણે પણ સમાજનો જ હિસ્સો છીએ. બીજાને શું થયું હશે, બીજાએ શું વિચાર્યું હશે એની સાથે થોડુંક એ વિચાર કે મને શું થાય છે? મને કેમ આવું થાય છે? કોઈ તારા વિશે શું માને છે એ વિચારતા પહેલાં થોડુંક એ પણ વિચારવું જોઈએ કે હું કોઈના વિશે શું માનું છું?
હવેનો સમય એવો છે કે આપણી આજુબાજુમાં હંમેશાં એક ટોળું હોય છે. વર્ચ્યુઅલ ક્રાઉડ. પાંચ બાય પાંચની સ્ક્રીનનો મોબાઇલ પકડો એટલે એ ટોળું તમારી નજર સામે આવી જાય છે. ફોનબુકમાં ઢગલો નંબર છે. ફેસબુકમાં લાંબું ફ્રેન્ડલિસ્ટ છે, જે માત્ર એક આંકડો બનીને રહી જાય છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની મોટી સંખ્યા છે. મેસેજીસ ધડાધડ આવતા રહે છે. મોબાઇલ બંધ કરો ત્યારે એ ટોળું ચાલ્યું નથી જતું, એ તો ત્યાંનું ત્યાં જ હોય છે. એ તમને જુએ છે. તમારા વિશે અભિપ્રાય બાંધે છે. એક પિતા એના યુવાન દીકરા સાથે એક ફિલોસોફરને મળવા ગયા. દીકરા વિશે વાત કરી કે, આજકાલ આ બહુ વિચિત્ર વર્તન કરે છે. ફિલોસોફરે એ યુવાનને સમજાવ્યો કે, જિંદગીને નજીકથી જો, દૂરથી નહીં. તારામાં જે ગુસ્સો છે, તારામાં જે ઉદાસી છે, તારામાં જે નારાજગી છે એનું કારણ શોધ અને એને હટાવ! યુવાને બધી વાત સાંભળી પછી દૂર ચાલ્યો ગયો. તેના પિતાએ ફિલોસોફરને પૂછ્યું, મને એક વાત નથી સમજાતી કે તે આવું કેમ કરે છે? અમે તો તેને બધી સુખ-સવગડ આપીએ છીએ. એના મનમાં આવા વિચારો આવે છે ક્યાંથી? ફિલોસોફરે આ વાત સાંભળીને કહ્યું કે, તમને એમ છે કે એ ઘરમાં એકલો રહે છે અને તમે આપેલી સુખ-સગવડથી એને સંતોષ છે. તેણે કહ્યું કે, તમને ખબર છે, તમારો દીકરો તમારા ઘરમાં જ એકલો નથી રહેતો, એની સાથે એનો આખો ક્લાસ રહે છે. મોબાઇલના માધ્યમથી એના તમામ સાથીદારો એની સાથે જ હોય છે. એ બધાની અસર તો તેના પર આવવાની જ છે ને? કોઈ ફરવા ગયું હોય એના ફોટા જોઈને એને શું થતું હશે? હું તો ક્યાંય ગયો જ નથી! કોઈને સારા માર્ક્સ આવ્યા હોય કે કોઈ ઇનામ મળ્યું હોય એ જોઈને પણ એ એવું જ વિચારે છે કે એ હોશિયાર છે એટલે સીનસપાટા કરે છે! આપણી સાથે પણ હવે ઘણા લોકો જીવે છે. દરેક ઉપર આજે સૌથી મોટી જવાબદારી પોતાના વિચારો સાબુત અને મજબૂત રાખવાની છે? થોડીક જુદી રીતે એ પણ વિચારવાની જરૂર છે કે, આપણે એ ટોળાનો હિસ્સો તો નથી બની ગયા ને? ટોળામાં રહેવું અને દૂર ઊભા રહીને ટોળાને નિહાળવું એમાં વિચારોનો જ ફર્ક છે. હવેની સાધુતા પણ વર્ચ્યુઅલ છે. બધામાં હોવા છતાં પોતાનું અલગારીપણું કે પોતાની યુનિકનેસ જાળવવાની આવડત કેળવવી પડે એમ છે.
માણસે પોતાની સાથે રહેવાની કળા પણ હવે શીખવી પડે તેમ છે. આપણે બધાની સાથે રહીએ છીએ. આપણે બસ આપણી સાથે નથી રહેતા. આપણે આખી દુનિયાને ઓળખવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આપણે આપણને કેટલા ઓળખીએ છીએ? આપણા સ્વભાવનો આપણને કેટલો પરિચય હોય છે? મોબાઇલના કેમેરામાં ફોટો પાડીને આપણે એને ફાઇન ટ્યૂન કરીએ છીએ. આપણી ‘ઇમેજ’ને આપણે કેટલી ઓળખીએ છીએ? આપણે ક્યારેય આપણી વ્યક્તિ કે આપણા મિત્રોને પૂછીએ છીએ કે હું કેવો માણસ છું? આપણે નથી પૂછતા! કોઈક ક્યાંક સાચું બોલી દે તો? આપણી ખામી, આપણી નાદાની અને આપણી ફિતરત વિશે નબળું સાંભળવાની આપણી તૈયારી જ હોતી નથી. માનો કે કોઈ સાચી વાત કહે તો પણ આપણે એમ જ કહીશું કે, હું આવો છું એનું કારણ આ છે. આપણે આપણી માન્યતા અને માનસિકતા જરાયે બદલવા તૈયાર જ નથી હોતા! તૈયાર તો ત્યારે હોઈએ ને, જ્યારે આપણે એ સ્વીકારીએ કે આપણામાં કંઈ બદલવા જેવું છે! આપણે તો આપણી જાતને હંમેશાં પરફેક્ટ, વાજબી, યોગ્ય અને ઉત્તમ જ ગણતા હોઈએ છીએ!
એક મોટી ઉંમરના ભાઈ હતા. એક દિવસ તેના પરિવારના યુવાનને પૂછ્યું કે, તને મારામાં શું ખામી લાગે છે? પેલા યુવાને સાવ સાચી વાત કરી કે તમે તમારી જીદ પકડી રાખો છો. બીજાની વાત સાંભળતા જ નથી. તમારું ધાર્યું ન થાય તો તરત જ તમારું મગજ છટકી જાય છે. આ વાત સાંભળીને પેલા ભાઈએ કહ્યું, ઠીક છે હવે! પછી એ એવું બોલ્યા કે પોણી જિંદગી તો ચાલી ગઈ છે. બીજી વાત એ કે, પાકા ઘડે કાંઠા ન ચડે! આવો જવાબ સાંભળી યુવાને કહ્યું કે માની લઈએ કે તમારી વાત સાચી છે. પાકા ઘડે કાંઠા ન ચડે, પણ પાકેલા ઘડાનો કાંઠો શણગારી તો શકાય ને? હું ક્યાં કહું છું કે કાંઠો બદલાવી દો, તેને થોડોક વધુ રંગીન કરો. થોડાક કલર પૂરો. એનાથી ઘડો વધુ સારો જ લાગશે!
માણસમાં પરિવર્તનની શક્યતા દરેક ક્ષણે રહેલી છે. જિંદગીના કોઈ પણ પડાવ ઉપર માણસ પોતાને બદલી શકે. આપણે હોઈએ તેના કરતાં થોડાક વધુ સારા બનવાનો પ્રયાસ સતત ચાલવો જોઈએ. સારા બનવા માટે ઘણું બધું છોડવું પડે છે. થોડોક ઈગો, થોડીક ઈર્ષા, થોડીક નારાજગી, થોડોક ગુસ્સો અને થોડીક માનસિકતા જ બદલવાની હોય છે. આપણે એકલા પડી જતા હોઈએ તેના માટે આપણે પણ ઘણા બધા કારણભૂત હોઈએ છીએ. માણસ ક્યારેક એવું બોલતો હોય છે કે મારો કોઈ ભાવ પૂછતું નથી! ભાવ એનો જ પુછાતો હોય છે જે પોતાનું મૂલ્ય જાળવી રાખે છે. આપણાથી લોકો દૂર ભાગતા હોય ત્યારે એ વાત સમજવાની હોય છે કે મારામાં નજીક આવવા જેવું કંઈક ખૂટી ગયું છે. ફૂલની સુગંધ લોકોને તેની તરફ ખેંચે છે. ઉકરડાથી લોકો દૂર ભાગતા રહે છે. જેમ આપણને એકલું લાગે છે, જેમ આપણે ઇચ્છીએ છીએ કે કોઈ મને પ્રેમ કરે, કોઈ મારી કેર કરે, એવું જ આપણી વ્યક્તિને પણ થતું જ હોય છે! આપણે કેમ એના માટે ‘એવા’ થઈ શકતા નથી?
એકલું લાગે ત્યારે આપણે કોઈની રાહ જોઈએ છીએ, આપણે કેમ કોઈની પાસે જતા નથી? દુનિયામાં થોડાક લોકો તો એવા હોય જ છે જેને તમારા પ્રત્યે લાગણી છે. જેને તમારી ફિકર છે, જે તમને સદાયે ખુશ જોવા ઇચ્છે છે. આપણે એના માટે કેવા હોઈએ છીએ? સુખી થવા માટે એ જરૂરી છે કે આપણને પોતાના લોકોની ઓળખ હોય અને સાથોસાથ આપણે આપણને પણ ઓળખતા હોઈએ. જેને પોતાના લોકોની ઓળખ છે એને ક્યારેય એકલું લાગતું નથી!
છેલ્લો સીન :
એકલતા ખંખેરવા માટે અંધારામાંથી બહાર આવવું પડે. અજવાળામાં આવશો તો જ તમે તમારા લોકોને દેખાશો ને? આપણી એકલતા માટે દરેક વખતે આપણા લોકોને જ દોષી ઠેરવવાની વૃત્તિ વાજબી હોતી નથી. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com