તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે રંગબેરંગી નોઇસ! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

તુલસી ઇસ સંસારમેં ભાત

ભાત કે રંગબેરંગી નોઇસ!

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

આપણે જે સંગીત સાંભળીએ છીએ તેને અલગ અલગ

રંગ સાથે જોડવામાં આવ્યા છે. વ્હાઇટ નોઇસ અત્યારે ઇનથિંગ

છે! તમને ક્યા કલરનો નોઇસ પસંદ પડે છે?

*****

વ્હાઇટ નોઇસ મનને સુકુન આપે છે. તેનાથી કોન્સન્ટ્રેશન

વધે અને ઊંઘ પણ સારી આવે છે. ધ્વનિ આપણા દિલ, દિમાગ

અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે!

*****

અવાજ, ધ્વનિ, નોઇસ! તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમારી આસપાસ કેટલી જાતના અવાજો આવતા રહે છે? બે ઘડી આંખો બંધ કરીને સાંભળીએ તો ખબર પડે કે કેટલી બધી જાતના અવાજો સતત આવતા રહે છે! ક્યાંક કોઇક પંખી બોલી રહ્યું છે, કોઇ વાહન પસાર થાય છે, ક્યારેક કોઇ બાળકના હસવાનો અવાજ આવે છે, કોઇ ઝઘડતું હોય ત્યારે એના બરાડાઓ સંભળાય છે, ઘરનું ફ્રિજ સતત જીણો અવાજ કરતું રહે છે. એરકન્ડિશન સતત ગાજતું રહે છે. કંઇ હોય ત્યારે ઘડિયાળની ટિક ટિક પણ સંભળાતી રહે છે. આપણને કેટલાંક અવાજોની એવી આદત પડી ગઇ હોય છે કે, આપણે એના વગર એક અજાણ્યો ખાલીપો લાગવા માંડે છે. ભગવાને આપણને સાંભળવાની અદભૂત શક્તિ આપી છે. એનો એક માઇનસ પોઇન્ટ પણ છે કે, આપણે ઘણું બધું ધરાર સાંભળવું પડે છે. સાંભળવાની ઇચ્છા હોય તો પણ કેટલાક અવાજો કાને અથડાતા રહે છે. કોઇક અવાજ ખુશી પણ આપે છે. બજારમાં વાંસળી વેચવા નીકળેલો માણસ વાંસળી વગાડતો હોય અને એમાં આપણું કોઇ ગમતું ગીત વાગતું હોય ત્યારે મન થોડીક ક્ષણો ઝૂમી ઉઠે છે. રોજ નિશ્ચિત સમયે આપણી શેરીઓમાંથી કેટલાક ફેરિયાઓ કંઇકને કંઇક વેચવા નીકળે છે. શાકભાજી, ફ્રૂટ વેચનારા કે પસ્તી ખરીદનારા અનેરા લહેકામાં અવાજો આપતા હોય છે. ઘરમાં જો કોઇ નાનું બાળક હોય તો પોતાની સ્ટાઇલમાં એના ચાળા પણ પાડતું હોય છે. કોઇક દિવસ ફેરિયો નીકળે ત્યારે એની સાથે કોઇ નાતો હોવા છતાંયે યાદ આવી જાય છે! બધા તો અનાયાસે આવતા અવાજો છે, ઘણું બધું આપણે આપણી ઇચ્છાથી સાંભળતા હોઇએ છીએ. સમયે સાંભળવાની આપણી માનસિક તૈયારીઓ હોય છે. મન ઠેકાણે હોય ત્યારે આપણને ગમતું કંઇક વાગતું હોય તો પણ એમાં આપણું ધ્યાન હોતું નથી.

તમને શું સાંભળવું ગમે છે? તમે જે સાંભળો છો એનો રંગ કયો છે? તમને કદાચ એમ થશે કે, અવાજના કંઇ રંગ થોડા હોતા હશે? હા, નોઇસના પણ કલર હોય છે. દુનિયામાં આજકાલ વ્હાઇટ નોઇસ ખૂબ ચર્ચામાં છે. વ્હાઇટ નોઇસ એટલે એવું સંગીત જે આપણા દિલ અને દિમાગને શાંતિ આપે. વ્હાઇટ નોઇસ આજકાલ ઇનથિંગ છે. લોકો શાંતિના અહેસાસ માટે શાંત મ્યુઝિક એટલે કે વ્હાઇટ નોઇસ સાંભળવાનું પસંદ કરે છે. મ્યુઝિકલ પ્લેટફોર્મ સ્પોટીફાયના ચાર્ટમાં વ્હાઇટ નોઇસ ટોપ પર હતું. ડિવોશનલ મ્યુઝિક સાંભળીને લોકો શાતા મેળવવાનો પ્રયાસ કરે છે. હવે તો પાર્લરોમાં પણ બ્યૂટીની સાથે બ્રેઇનને પણ સુંદરતા બક્ષે એવું સંગીત વગાડવાનો ટ્રેન્ડ છે. હવે ઊંઘવા માટે સ્લીપા મ્યુઝિક છે. સંગીત તમને રિલેક્સ કરી દે છે અને મીઠી ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. અલબત્ત, એક્સપર્ટ્સ તો એવું પણ કહે છે કે, મ્યુઝિક તો અસર કરશે જો તમારું મગજ ઠેકાણે હશે અને મન સ્થિર હશે. કોન્સન્ટ્રેશન માટે સંગીત છે પણ સૌથી પહેલા તો સંગીત પર કોન્સન્ટ્રેટ કરવું પડે છે.

સંગીતની શક્તિનો ઇનકાર કોઇ કરી શકે એમ નથી. ખેતરમાં સંગીત વગાડવાથી પાક સારો થાય છે થી માંડીને ગાયભેંસને સંગીત સંભળાવવામાં આવે તો દૂધ વધારે આપે છે ત્યાં સુધીના પ્રયોગો થયા છે. આજકાલ વ્હાઇટ નોઇસ મશીન ધડાધડ વેચાઇ રહ્યા છે. ગૂગલ પર સર્ચમાં વ્હાઇટ નોઇસ મશીન એટલું આપજો એટલે તમને ખબર પડશે કે કેટલી બધી વરાઇટીઝ અવેલેબલ છે અને તેનું કેવડું મોટું માર્કેટ છે! નાનકડા બાળકને સૂવડાવવા માટે પણ ખાસ મશીન હોય છે! હવે હાલરડાં ગાવાનો તો આમેય કઇ મા પાસે સમય છે? જેની પાસે સમય છે એને હાલરડાં આવડતા નથી!

વ્હાઇટ ઉપરાંત બીજા રંગના પણ નોઇસ હોય છે. પિંક નોઇસ, બ્લૂ નોઇસથી માંડીને વોયોલેટ, ગ્રે, રેડ, ગ્રીન સહિત અનેક પ્રકારના કલરફૂલ નોઇસ છે. આપણને મુખ્ય રંગો માટે જા નિ વા લી પી ના રા ની ખબર છે પણ જુદા જુદા અવાજોને તો તેનાથી પણ વધુ રંગોમાં વિભાજીત કરાયા છે. ઓડિયો એન્જિનિયરિંગમાં તો આવું બધું ભણાવવામાં પણ આવે છે. ઓડિયો સિગ્નલ્સથી માંડીને ઓડિયો ટેક્સચર સુધીનું અવાજોનું પણ ગજબનું સાયન્સ છે. અમુક અવાજો એકદમ લાઇટ એટેલે કે હલકા ફૂલકા હોય છે. અમુક એવો તીવ્ર હોય છે કે, આપણા મગજની નસો ફાટફાટ થવા લાગે. ઘરની બાજુમાં કોઇ બિલ્ડીંગ બનતું હોય કે બાજુના ઘરમાં ફર્નીચરનું કામ ચાલતું હોય ત્યારે આપણી સહનશક્તિ મપાઇ જાય છે. કાનમાં પૂમડાં ભરાવી દઇએ તો પણ અમુક અવાજો પીછો છોડતા નથી.

અમુક અવાજો આપણી જિંદગી સાથે જોડાઇ ગયા હોય છે. પોતાની વ્યક્તિ આપણને લાડકા નામે અને એક ચોક્કસ લહેકામાં પોકારે છે. અવાજ વ્યક્તિ પાસે હોય ત્યારે પણ ક્યારેક સંભળાતો રહે છે. આપણને ભાસ થાય છે કે, એણે મને બોલાવ્યો કે એણે મને બોલાવી, એવા અવાજ જિંદગીની મૂડી જેવા હોય છે. અમુક લોકોનો અવાજ તો એવો કર્કશ હોય છે કે, આપણને એવું થાય કે હવે બંધ થાય તો સારું. અમુકનો અવાજ સંગીત જેવો હોય છે, એવું થાય કે સાંભળતા રહીએ! આપણે અવાજોથી સતત ઘેરાયેલા રહીએ છીએ, આપણે અવાજોની કેદમાં હોઇએ છીએ એવું કહીએ તો પણ કંઇ ખોટું નથી. કોઇ ફરવાના સ્થળે જઇએ ત્યારે એવું થાય છે કે, કેવી શાંતિ છે? માણસના મન હવે હદે વિહવળ અને વિચલીત થતા જાય છે કે પોતાની આજુબાજુમાંથી આવતા અવાજો સાથે પણ કનેક્ટ થઇ શકતા નથી. નોઇસ ગમે તે રંગનો હોય પણ મન મૂરઝાયેલું હોય તો ગમે તે રંગનો અવાજ બ્લેક લાગે છે!

————————

પેશ-એ-ખિદમત

મુમકિન હૈ વો દિન આએ કિ દુનિયા મુજે સમજે,

લાજિમ નહીં હર શખ્સ હી અચ્છા મુજે સમજે,

હૈ કોઇ યહાં શહર મેં એસા કિ જિસે મૈં,

અપના ન કહૂં ઔર વો અપના મુજે સમજે.

-રસા ચુગતાઇ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 07 ફેબ્રુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: