બોલો લ્યો, છોકરીઓ હવે ભાવિ
સાસુ સાથે કુંડળી મેળવે છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
સાસુ અને વહુના સંબંધો દિવસે ને દિવસે
વધુ ને વધુ કોમ્પલિકેટેડ થતા જાય છે. સાસુ સાથે
ફાવશે કે નહીં, એ જાણવા માટે છોકરીઓ હવે
જ્યોતિષીઓની મદદ લે છે!
સાસુ-વહુના ઝઘડાઓમાં સૌથી કફોડી હાલત
પતિની થાય છે, એ બિચારો બેમાંથી કોઇને
કંઇ કહી શકતો નથી!
લેખની શરૂઆત કરતા પહેલાં એક નમ્ર નિવેદન. જ્યોતિષમાં માનવું કે ન માનવું એ દરેકનો વ્યક્તિગત પસંદ કે નાપસંદનો સવાલ છે. જ્યોતિષમાં ન માનતા હોય તેમણે નારાજ ન થવું.
હવે વાત સાસુ-વહુના સંબંધોની. સાસુ વહુનો સંબંધ એક અલગ જ ધરી ઉપર જિવાતો હોય છે. ઘણી યુવતીઓને સાસુ સાથે મા-દીકરી જેવું બનતું હોય છે. જોકે આવા કિસ્સાની સરખામણીએ સાસુ સાથે ન બનતું હોય તેવી ઘટનાઓ વધુ હોય છે. આપણે બધા જ લોકો આવા કિસ્સાઓ આપણી આજુબાજુમાં જોતા હોઇએ છીએ. એક છોકરીએ કહેલી આ વાત છે, સાસુ ચાહે સક્કર કી ક્યું ન હો, વો ટક્કર જરૂર દેતી હૈ! આપણા સમાજમાં એવા ઢગલાબંધ કિસ્સાઓ છે કે પત્નીને પતિ સાથે તો સારું બનતું હોય છે પણ સાસુ સાથે બારમો ચંદ્રમા હોય છે. વાત વણસીને ત્યાં સુધી પહોંચી જાય છે કે પત્ની પતિને કહી દે, તું નક્કી કરી લે કે તારે મારી સાથે રહેવું છે કે તારી મા સાથે?
સાસુ-વહુના ઝઘડામાં સોથી ખરાબ હાલત જો કોઇની થતી હોત તો એ પતિની છે. એ પોતાની વહાલી માને કંઇ કહી શકે નહીં અને પત્ની પાસે કંઇ ચાલે નહીં. ઘણા પતિઓ પત્ની પર દાદાગીરી કરીને પણ કહેતા હોય છે કે તારે મમ્મી સાથે તો સરખી રીતે જ રહેવું પડશે. જોકે જબરજસ્તીથી ક્યારેય સંબંધોમાં મીઠાશ આવતી નથી. દિલ્હીમાં ગયા વર્ષે 29 વર્ષના મુકેશ પાંડે નામના આઇએએસ યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પત્ની અને માતા વચ્ચેના ઝઘડાથી ત્રાસી જઇ તેણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. દર વખતે સાસુનો વાંક જ હોતો નથી, આજની યુવતીઓથી પણ તેની લાઇફમાં કોઇ એન્ક્રોચમેન્ટ સહન થતું નથી. ઝઘડાઓ શા માટે થાય છે એ વાતમાં બહુ પડવું નથી, વાત એની કરવી છે કે હવે યુવતીઓ સાસુ સાથે ફાવશે કે નહીં એ જાણવા સાસુની કુંડળી સાથે પોતાની કુંડળી મેચ કરાવે છે. યુવતીઓને પણ લગ્ન પછી કોઇ કકળાટ નથી જોઇતો હોતો, સાસુ સાથે પંગા ન થાય એવું એ પણ ઇચ્છે છે એટલે કુંડળી મેળવે છે એવી એક વાત દિલ્હીના જ્યોતિષી પંડિત વિવેક શાસ્ત્રીએ કરી હતી. જ્યોતિષીઓનું કહેવું છે કે ભાવિ સાસુ સાથે બનશે કે નહીં એ કુંડળી પરથી જાણી શકાય છે.
આખી દુનિયા જાણે છે કે ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીને પોતાની પુત્રવધૂ અને સ્વ. રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધી સાથે સારું બનતું હતું. બીજી તરફ સ્વ. સંજય ગાંધીનાં પત્ની મેનકા સાથે તેમને ફાવતું ન હતું. જ્યોતિર્વિદ પવન કુમારે ઇંદિરાજીની કુંડળી સાથે સોનિયા અને મેનકા ગાંધીની કુંડળી મેળવીને કારણો સહિત કહ્યું હતું કે એકની સાથે કેમ બનતું હતું અને બીજી પુત્રવધૂ સાથે કેમ ફાવતું ન હતું. મુંબઇના એક ઉદ્યોગપતિનાં લગ્ન પહેલાં ભાવિ પત્નીની કુંડળી ભાવિ સાસુ સાથે મેળવવામાં આવી હતી અને કુંડળી મેચ થઇ પછી જ મેરેજ નક્કી કરાયાં હતાં.
છોકરીઓ ખરેખર ભાવિ સાસુ સાથે કુંડળી મેળવે છે? અથવા તો કુંડળી ઉપરથી સાસુ-વહુના સંબંધો કેવા રહેશે એ જાણી શકાય કે કેમ? એ વિશે જાણીતા જ્યોતિષી ડો. પંકજ નાગર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હા અનેક છોકરીઓ ભાવિ સાસુ સાથે કુંડળી મેળવવા માટે આવે છે. તેમણે એમ કહ્યું કે છોકરીની કુંડળીમાં સાતમું સ્થાન પતિનું સ્થાન કહેવાય છે અને દસમું સ્થાન પતિની માતા એટલે કે સાસુનું સ્થાન કહેવાય છે. આ દસમા સ્થાનમાં જો શનિ, રાહુ, મંગળ, કેતુ જેવા ક્રૂર ગ્રહો બિરાજમાન હોય તો છોકરીને સાસુની કનડગત રહે છે અને બંનેના સંબંધો વણસે છે. લગ્ન પછી પણ સાસુ સાથે ફાવતું ન હોય તો છોકરીઓ બતાવવા આવે છે અને તેનો ઉકેલ પણ પૂછે છે.
દરેક છોકરી લગ્ન કરે ત્યારે આંખોમાં ભાવિનાં સુંદર સપનાઓ આંજીને આવતી હોય છે. મોટાભાગની માતાઓ પણ એવું જ ઇચ્છતી હોય છે મારો દીકરો અને વહુ સુખી થાય. સાથે રહેતાં હોઇએ એટલે થોડીઘણી તકલીફ તો થવાની જ છે, સમજુ હોય એ વાત વણસવા નથી દેતાં. નવી આવેલી વહુ ઘરમાં પોતાની રીતે રહેવા ઇચ્છતી હોય છે અને સાસુ ઘરની પરંપરા અને રીતરિવાજને અનુસરતી હોય છે. કપડાં કેવાં પહેરવાં જોઇએ તે મુદ્દે પણ બંનેની પોતપોતાની ચોઇસ અને માન્યતાઓ હોય છે. કિચનથી માંડી લાઇફ સ્ટાઇલ સુધીના ઇસ્યુ હોય છે. વહુ નોકરી કરતી હોય ત્યારે તેનું ધ્યાન રાખતી હોય એવી ઘણી સાસુઓ પણ છે. હમણાંનો જ એક કિસ્સો છે, નોકરિયાત વહુએ બાળકને જન્મ આપ્યો પછી નોકરી કરતી સાસુએ બાળકનું ધ્યાન રાખવા નોકરી છોડી દીધી અને વહુને કહ્યું કે મારે તો હવે રિટાયરમેન્ટની આડે બે જ વર્ષ છે, તારી આખી કેરિયર પડી છે, આટલું બધું ભણી છો તો તું કામ ચાલુ કરી દે, બાળકને હું મોટું કરીશ. સમાજમાં સારા અને નરસા કિસ્સાઓ જોવા મળે છે, એવાં સાસુ-વહુ પણ છે જેણે જિંદગીમાં કોઇ દિવસ જ્યોતિષનો સહારો ન લીધો હોય છતાં પ્રેમથી રહેતાં હોય. સરવાળે તો સમજદારી, એકબીજા પ્રત્યે લાગણી અને આદર જ સંબંધો સરળ, સાત્ત્વિક અને સજીવન રાખવામાં મદદરૂપ થતાં હોય છે. આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ જેને આવડે છે એને કોઇની જરૂર પડતી નથી, જ્યોતિષીઓની પણ નહીં.
પેશ-એ-ખિદમત
કૂ-એ-કાતિલ હૈ મગર જાને કો જી ચાહે હૈ,
અબ તો કુછ ફૈસલા કર જાને કો જી ચાહે હૈ,
કત્લ કરને કી અદા ભી હસીં કાતિલ ભી હસીં,
ન ભી મરના હો તો મર જાને કો જી ચાહે હૈ.
( કૂ-એ-કાતિલ-માશૂકાના ઘરનો રસ્તો) -કલીમ આઝિઝ
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 29 જુલાઇ 2018, રવિવાર)
kkantu@gmail.com