જિંદગી સંબંધો સુધારવાનો મોકો આપે જ છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી સંબંધો સુધારવાનો

મોકો આપે જ છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે,

ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે,

અવિરત ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે,

તું કોશિશ કર તો સંભવ છે કે એનો તાલ બદલાશે.

-ઉર્વીશ વસાવડા

કુદરત બહુ જ કરામતી છે. કુદરત માણસને જિંદગીમાં બધું જ કરવાની તક આપે છે. સાચું કરવાની તક અને ખોટું કરવાના મોકા પણ કુદરત આપતી રહે છે. સંબંધો બાંધવાની, સંબંધો તોડવાની અને સંબંધો સુધારવાની તક પણ કુદરત આપે જ છે. જે ડાળી પરથી ફૂલ મૂરઝાઈને ખરી ગયું હોય છે એ જ ડાળી પર નવી કળી પણ ખીલે છે. દરેક ફૂટતી કૂંપળ એ વાતની સાબિતી છે કે કુદરત સક્રિય છે. કુદરત ક્યારેય એનો ક્રમ તોડતી નથી. સૂરજ રોજ ઊગે જ છે. ક્યારેક વાદળ છવાઈ જાય અને સૂરજ ન દેખાય તો એમાં વાંક સૂરજનો નથી હોતો. સૂરજ તો હોય જ છે. આપણામાં વાદળ હટવાની રાહ જોવાની આવડત હોવી જોઈએ. ક્યારેક કોઈ દુ:ખ ચડી આવે છે. એ પણ હટવાનું જ હોય છે. થોડીક રાહ તો જુઓ. સંબંધ પણ ક્યારેક નાજુક તબક્કામાંથી પસાર થવાના જ છે. કુદરત ક્યારેય એકધારું કંઈ આપતી નથી. ન તો સુખ એકધારું આપે છે ન તો દુ:ખ. એકસામટું કંઈ મળતું નથી. પહેલી જ મુલાકાતમાં કોઈ આત્મીય બની જતું નથી. ધીમે ધીમે કોઈ નજીક આવે છે. દિલના દરવાજા ફટાક દઈને ખૂલી જતા નથી. આપણે પણ તરત જ કોઈને દિલ સુધી આવવા દેતા નથી. દિલના રસ્તા પર દિમાગનો પડાવ આવે છે. પામતાં પહેલાં આપણે ઘણું બધું માપતા હોઈએ છીએ. આની સાથે ફાવશે? આ મારાં નખરાં ઉઠાવશે? હું એની ઇચ્છાઓને પૂરી કરી શકીશ? અમારો સંબંધ લાંબો ટકશે? કોઈને નજીક લાવતા પહેલાં આપણે આપણી જાતને જ અનેક સવાલો કરીએ છીએ, જવાબો મેળવીએ છીએ. ‘પાસિંગ માર્ક્સ’ હોય તો જ એને પાસે આવવા દઈએ છીએ.

એક જ્યોતિષી હતો. જિંદગી વિશે તેણે કહ્યું કે, જિંદગી પણ જ્યોતિષ જેવી જ છે. ગ્રહો પણ સમયની સાથે બદલતા રહે છે. અમુક શત્રુ ગ્રહ છે, એ સાથે કે સામે થઈ જાય ત્યારે ચકમક ઝરે છે. અમુક મિત્ર ગ્રહો હોય છે, એ ભેગા થાય ત્યારે સુંદર સંજોગ સર્જાય છે. જો ગ્રહોમાં પણ શત્રુ અને મિત્ર હોય તો આપણે તો માણસ છીએ! ક્યારેક અમે જાતકને એવું કહીએ છીએ કે બસ આટલો સમય સાચવી લેજો. હમણાં કોઈ વાતે ઉતાવળ ન કરતા. કોઈ મુદ્દે ચડભડ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. જિંદગીનું પણ આવું જ છે, ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું એ ખબર પડી જાય તો કંઈ વાંધો આવતો નથી. તમે જો તમારા મૂડ, માનસિકતા, મહેચ્છા અને મથરાવટીને ઓળખી શકો તો તમે સમજદાર છો. આપણું મન અને મગજ આપણને સિગ્નલ્સ આપતું જ હોય છે કે હમણાં આવું કરવા જેવું નથી. ક્યારેક દિલ એવું પણ કહે છે કે, અત્યારે રાઇટ સમય છે. જિંદગી સંબંધો સુધારવાની તક પણ આપતી જ હોય છે. આપણે એ તક ઝડપતા હોતા નથી.

તમારે સંબંધ નથી રાખવો? જો ન રાખવો હોય તો કોઈ સવાલ નથી. જો તમારે સંબંધ રાખવો હોય, સંબંધ નિભાવવો હોય કે સંબંધ બચાવવો હોય તો કુદરત તક આપે ત્યારે તેને ઝડપી લેવી જોઈએ. સંબંધો જેટલા ગાઢ હોય એટલો એ આનંદ આપે છે. ગાઢ સંબંધ તૂટે અથવા તો એમાં જરાકેય આંચ આવે ત્યારે એ સૌથી વધુ પીડા આપે છે. દૂર હોય એ થોડાક દૂર જાય તો એનાથી બહુ ફેર પડતો નથી, પણ જે લગોલગ હોય એ જરાકેય અલગ થાય ત્યારે વેદના થાય છે. આલિંગન આપતા હોય એ હાથ મેળવતા થઈ જાય ત્યારે વર્તાતું ડિસ્ટન્સ ડિસ્ટર્બિંગ હોય છે. રિલેશનમાં ગેપ આવે એટલે આપણને તરત જ ખબર પડી જાય છે. ખબર પડી જતી હોવા છતાંયે આપણે ડિસ્ટન્સને નજરઅંદાજ કરીએ છીએ. જ્યારે નજીક જવાનું હોય ત્યારે આપણે નજીકને બદલે દૂર જઈએ છીએ. એને નથી પડી તો મનેય ક્યાં પડી છે? એને ફેર નથી પડતો તો મનેય ફેર નથી પડતો. આપણે એવું કેમ નથી વિચારતા કે એને ભલે ન પડી હોય, મને પડી છે, એને ફેર ભલે ન પડતો હોય, મને ફેર પડે છે. ફેર તો પડતો જ હોય છે, ફેર ન પડતો હોત તો તો પછી આટલી વેદના જ ન હોત. આટલા વિચાર જ ન હોત. તમને એના વિચાર આવે છે, તમને એ યાદ આવે છે, તમને એ જોઈએ છે, એ જ બતાવે છે કે તમને ફેર પડે છે. ફેર ન પડતો હોય તો સંબંધ પૂરો કરી નાખો. એક ઘાને બે કટકા. ભૂલી જાવ એને સદંતર રીતે. એના વિશે કોઈ વિચાર ન કરો. મુક્ત થઈ જાવ તમામ લાગણીઓથી. એવું કરી શકો છો? ન કરી શકતા હોય તો નજીક જાવ. ચાન્સ આપો. દિલના કોઈ ખૂણામાં જરાકેય જગ્યા કોઈ રોકીને બેઠું હોય તો એના હાલચાલ પૂછી જુઓ. સંબંધ પૂરો કરવો એ કોઈ મોટી વાત નથી, સંબંધને સુધારવો એ જ સાચી વાત છે.

જિંદગીમાં ઘણું બધું એવું હોય છે જે આપણા હાથની વાત હોય છે. આપણા હાથની વાત હોવા છતાં ઘણી વખત આપણે હાથ લંબાવતા હોતા નથી. જેની ઝંખના હોય એ સામે હોય તો પણ મૂઠીઓ બંધ રાખીએ છીએ. સાવ નજીક હોય એની સાથે પણ બનતું હોતું નથી. ક્યારેક ભાઈ સાથે, ક્યારેક બહેન સાથે, મિત્ર સાથે, પ્રેમી કે પ્રેમિકા સાથે અણબનાવ બને છે. એવું થતું રહેવાનું છે. સંબંધની ફિતરત જ એવી છે. ક્યારેક કોઈ શહેરમાં જઈએ ત્યારે એવો વિચાર આવે છે કે, કેટલા બધા નજીકના લોકો આ શહેરમાં છે, પણ ક્યાંય જવા જેવું નથી. ક્યાંય જવાનું મન થતું નથી. જે ઘરે રોજ જવાનું થતું હતું એ રસ્તો જ જાણે બંધ થઈ ગયો છે. અમુક ગલીઓમાંથી કોઈ આહટ સંભળાતી હોય છે. અમુક સ્થળો સ્મરણો તાજાં કરી દે છે. અમુક સંવાદો કાનમાં ગુંજતા રહે છે. એ બધું જ હતું ત્યાં ને ત્યાં જ હોય છે. આપણને એમ થાય છે કે બધું જ છે, પણ એ સંબંધ હવે નથી. ઘણી વખત આપણને લાગતું હોય એવું હોતું નથી. ઘણું બધું આપણે માની લેતા હોઈએ છીએ. આપણે જે માનતા હોઈએ છીએ એમાંથી આપણે બહાર પણ આવતા નથી. ક્યારેય ચાન્સ પણ આપતા નથી, જોઈએ તો ખરા કે હું જે માનું છું એ સાચું છે કે નહીં?

બે સંબંધીઓની આ વાત છે. એક સમયે બંને બહુ નજીક હતા. કોઈ વાતે અણબનાવ બન્યો. બંને જુદા થઈ ગયા. કડવાશ મનમાં ઘર કરી ગઈ હતી. એક સંબંધી શહેરમાં આવ્યા. જેના ઘરે ઊતર્યા હતા તેણે બીજા સંબંધીને ફોન કર્યો. એ આવ્યો છે, તું આવને! આપણે બધા કેટલી સારી રીતે રહ્યા છીએ? પેલા સંબંધીએ કહ્યું, મારું મન નથી માનતું. રહેવા દેને, કારણ વગરનું દુ:ખ થશે. મારે નથી આવવું. આ વાત સાંભળીને પેલા ભાઈએ કહ્યું કે, જિંદગી સંબંધ સુધારવાની તક આપતી હોય છે. એ તક જતી ન કર. થઈ થઈને શું થવાનું છે? તમારે તો આમેય નથી બનતું, જો મજા ન આવે તો ચાલ્યો જજે, પણ સાવ ના તો ન પાડ. કદાચ સારું થઈ જાય! આપણને જિંદગી આવા ચાન્સ આપે ત્યારે આપણે ઝડપતા હોઈએ છીએ ખરા? માઇલોનું અંતર ક્યારેક ક્ષણોમાં કપાતું હોય છે. બરફનો પહાડ એક ઝાટકે ઓગળતો હોય છે. આંસુઓ પણ ક્યારેય રૂપ બદલવા ઉત્સુક હોય છે, એને પણ ખુશીનાં આંસુ થવું હોય છે. એક મોકો તો આપો.

આપણે ક્યારેક એટલું બધું પકડી રાખીએ છીએ કે કોઈ આવી જ ન શકે. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. બંને દૂર થઈ ગયાં. એક વખત ત્રીજા મિત્રને ઘરે એક મિત્ર આવ્યો. ત્રીજા મિત્રએ ફોન કર્યો કે આવ ને, અમે ભેગા થયા છીએ. મિત્રએ કહ્યું, મારે મળવું નથી એને મળવું હોય તો પૂછી જો. બીજા મિત્રને પૂછ્યું, તો એણે એવું કહ્યું કે, એને મળવું હોય તો મને વાંધો નથી. વચ્ચે જે મિત્ર હતો એ અડધું વાક્ય કાપીને એટલું જ બોલ્યો કે એને વાંધો નથી. બધા મિત્રો મળ્યા અને દોસ્તી પાછી હતી એવી ને એવી થઈ ગઈ. દોસ્તી કે સંબંધ તો આપણે પણ રાખવા જ હોય છે. બસ, ઇગોને દૂર થવા દેવો હોતો નથી. ઇગો આપણા દિલની ઘણી બધી જગ્યા રોકી લે છે. એ બીજા કોઈને આવવા દેતો નથી. કોઈને આવવા દેવા માટે જગ્યા તો કરવી પડે ને! ઇગો હટાવી દો, જગ્યા થઈ જશે!

સંબંધો સાચવવા અને સંબંધો બચાવવા માણસે પોતાની વ્યક્તિ શું કરે છે એ નહીં, પણ પોતે શું કરે છે એનો વિચાર કરવો જોઈએ. મોટાભાગના અભાવ સ્વભાવના કારણે સર્જાય છે. ઘણા લોકો તો પોતે જ છટકબારી શોધે છે. એક યુવાનની આ વાત છે. એક નંબરનો તોછડો. ઘડીકમાં મગજ ગુમાવી દે. ગમે તેવું સંભળાવી દે. થોડા સમય પછી સામેથી વાત પણ કરે. એક છોકરી તેની દોસ્ત હતી. કંઈ વાત થાય કે છોકરો એનું મોઢું તોડી લે. એક વખત છોકરીએ કહી દીધું કે આપણી દોસ્તી પૂરી. થોડો સમય થયો પછી છોકરાએ ફરીથી તેની ફ્રેન્ડને ફોન કર્યો. સોરી કહ્યું. પછી તેણે કહ્યું કે, તને તો મારા સ્વભાવની ખબર છે ને! હું બોલી દઉં છું, પણ પછી મારા મનમાં કંઈ હોતું નથી! છોકરીએ કહ્યું, હા મને તારા સ્વભાવની ખબર છે, પણ તનેય તારા સ્વભાવની ખબર છે ને? તો પછી તું કેમ તારો સ્વભાવ સુધારતો નથી? તું કહી દે પછી તારા મનમાં કંઈ હોતું નથી, પણ બીજાના મનનું શું? તું બોલી દે એનાથી અમારા મનમાં જે થાય છે એનું તને ભાન છે? તારા મનમાં કંઈ હોતું નથી, પણ અમારા મનમાંથી એ ઘડીકમાં નીકળતું નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે જે બોલીએ કે જે વર્તન કરીએ એની અસર બીજાના મન પર કેવી થાય છે? સંબંધ સાચવવા માટે આપણને માત્ર આપણા મનની જ નહીં, આપણી વ્યક્તિના મનની પણ દરકાર, ખેવના અને પરવા હોવી જોઈએ. સંબંધો બગડે ત્યારે આપણને આપણો વાંક દેખાતો હોતો જ નથી. વાંક ગમે તેનો હોય, તમને જો તમારા સંબંધની જરાયે પડી હોય તો તમારી જીદને તમારા પર હાવી થવા ન દો. સંબંધ સુધારવાની તક જિંદગી આપતી જ હોય છે. સંબંધ સુધારવાની તક ન મળે તો તકને ઊભી કરો. સાત્ત્વિક સંબંધો ક્યારેય સુકાતા નથી, એ લીલાછમ જ હોય છે. બસ, એને સીંચતા રહેવાની સજાગતા આપણામાં હોવી જોઈએ!

છેલ્લો સીન :

પોતે કદી પકડાવાનો નથી એ જાણ્યા પછી માણસ શું કરે છે એ ઉપરથી એનું ચારિત્ર્ય મપાય છે.     -થોમસ મેકોલે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 ઓગસ્ટ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગી સંબંધો સુધારવાનો મોકો આપે જ છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *