સોશિયલ મીડિયા માણસની માનસિકતા છતી કરી દે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા પર આડેધડ કંઇપણ મૂકવામાં ધ્યાન રાખજો!

સોશિયલ મીડિયા માણસની

માનસિકતા છતી કરી દે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—–0—–

આપણે બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા લાગ્યા છીએ. સોશિયલ મીડિયા

બધાની જિંદગીનો એક હિસ્સો બની ગયું છે. સોશિયલ મીડિયામાં આપણે

જે કંઇ કરીએ છીએ એનાથી આપણે મપાઇ જતા હોઇએ છીએ.

આપણા મૂડથી માંડીને આપણી મથરાવટી પણ સોશિયલ મીડિયા છતી કરી દે છે.

જે કંઇ કરો એ સમજી વિચારીને કરજો. થોડુંક એ પણ વિચારજો કે,

હું જે કરું છું એનું પરિણામ શું આવી શકે એમ છે?

જસ્ટ ફોર ફન કે કરવા ખાતર કંઇ કરીએ ત્યારે પણ

થોડોક વિચાર તો કરવો જ જોઇએ!    

—–0—–

હમણાંની એક સાવ સાચી વાત છે. એક યુવાનનો જોબ માટે ઇન્ટરવ્યૂ હતો. તે પહેલેથી જ રેન્કર હતો. બધામાં બેસ્ટ જ હોય. ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવેલા તમામે તમામ જવાબ તેને આવડ્યા હતા. ઇમ્પ્રેસન પણ સારી જમાવી શક્યો હતો. બધું જ સારું હોવા છતાં જોબ માટે તેને સિલેક્ટ કરવામાં ન આવ્યો. એ યુવાને પોતાના સોર્સ મારફત તપાસ કરી કે, આખરે એવું તે શું થયું કે, હું બધી રીતે લાયક હોવા છતાં મારી પસંદગી કરવામાં ન આવી? એ યુવાન સોશિયલ મીડિયા પર બિન્ધાસ્ત ફોટા મૂકતો હતો અને ગમે એના માટે મન ફાવે એવું લખતો હતો. એને કહેવામાં આવ્યું કે, સોશિયલ મીડિયા ઉપર તમારા જે પરાક્રમો છે એના કારણે તમારા નામ પર ચોકડી મૂકી દેવામાં આવી છે.

આવો જ એક બીજો કિસ્સો પણ જાણવા જેવો છે. છોકરા અને છોકરીના પરિવારજનોએ લગ્ન માટે બંનેની મુલાકાત કરાવી. છોકરા અને છોકરીએ બંનેએ સાથે બેસીને વાતો કરી. બંને એક-બીજા માટે પોઝિટિવ હતા. છોકરો વેલ એજ્યુકેટેડ હતો. સારી જોબ કરતો હતો. બંને પક્ષે એમ જ હતું કે, ઓકે થઇ જ જવાનું છે. બે દિવસ પછી છોકરીએ લગ્ન માટે ના પાડી દીધી. છોકરીના પિતાએ કારણ પૂછ્યું. છોકરીએ સોશિયલ મીડિયા પર છોકરાની પ્રોફાઇલ અને એણે જે કંઇ અપલોડ કર્યું હતું એ બધું જ બતાવી દીધું. મિત્રો સાથે દારૂની પાર્ટી, છોકરીઓ સાથે ધમાલ અને બીજું ઘણું બધું છોકરાએ અપલોડ કર્યું હતું. છોકરીએ કહ્યું, મને નથી લાગતું કે, હું આની સાથે રહી શકીશ.

તમે માનો કે ન માનો, આવું થાય છે. કંઇ પણ વાત હોય એટલે લોકો ફટ દઇને સામેવાળી વ્યક્તિની સોશિયલ મીડિયા એક્ટિવિટી ચેક કરી લે છે. વિદેશમાં ઘણી કંપનીઓ એવી છે જે, કોઇ પણ વ્યક્તિને સોશિયલ મીડિયા ચેક કર્યા વગર લેતી જ નથી. આપણે સોશિયલ મીડિયા પર જે કંઇ લખીએ છીએ કે જે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ છીએ તેનાથી આપણી માનસિકતા છતી થઇ જાય છે. આપણી વિચારસરણી કેવી છે? આપણે શું માનીએ છીએ? કોને સપોર્ટ કરીએ છીએ? આપણને શું ગમે છે? એના પરથી આપણે એક માણસ તરીકે કેવા છીએ એનો પણ તાળો મળી આવતો હોય છે. આપણે ઘણી વખત એવી દલીલ પણ કરતા હોઇએ છીએ કે, માણસની પર્સનલ લાઇફ પણ હોયને? હા, બિલકુલ હોય પણ આપણી પર્સનલ લાઇફ આખરે તો પ્રોફેશનલ લાઇફને અસર કરવાની જ છે. સોશિયલ મીડિયા પર જે કંઇ કરીએ છીએ એ ભલે આપણને પર્સનલ લાગતું હોય પણ એ ખાનગી હોતું નથી. ઘણા લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ રાખે છે. અમુક લોકોને જ ફ્રેન્ડ રાખે છે, સિલેક્ટેડ લોકોને જ ફોલો કરે છે. તમને ખબર છે? વિદેશમાં અમુક કંપનીઓ જોબ ઓફર કરે એ સાથે લેખિતમાં તમારા સોશિયલ મીડિયા વિશે જાણવાની પરવાનગી માંગી લે છે. કંપનીની ફ્રેન્ડ રિકવેસ્ટને તમે ના ન કહી શકો. એટલું જ નહીં, કોઇ કંપની એવું કહે કે તમારે તમારી પેલી પોસ્ટ હટાવી લેવી પડશે તો કોઇ જાતની દલીલ વગર દૂર કરવી પડે છે. કંપની કહે છે કે, તમારી ઇમેજ સાથે અમારી પ્રેસ્ટિજ જોડાયેલી છે. તમે કંઇ કરશો એટલે તરત જ એવો સવાલ થશે કે, ભાઇ અથવા તો બેન શું કરે છે? ક્યાં નોકરી કરે છે? એક કંપનીએ કહ્યું હતું કે, અમારા દરેક કર્મચારી અમારા બ્રાંડ એમ્બેસેડર છે. એમની પણ જવાબદારી બને છે કે, એ અમારી બ્રાંડને જરાયે હાની પહોંચે એવું કંઇ ન કરે. ઇન્ટેલિજન્સ, સિક્યોરિટી અને સિક્રસીનું કામ કરતી અનેક સરકારી અને ખાનગી કંપનીઓ તો સોશિયલ મીડિયા એક્ટિવિટીની છૂટ જ નથી આપતી. આવી કંપનીઓ કહે છે કે, તમારા ઉપર દુશ્મનો અને હરીફોની નજર હોય છે. તમારી હિલચાલ જોઇને એ કંઇ પણ કરી શકે છે.

એક ક્રાઇમની ઘટનામાં એવું બન્યું જ હતું. એક વ્યક્તિને નિશાન બનાવવાનો હતો. સોશિયલ મીડિયામાં તેના પર વોચ રાખવામાં આવતી હતી. સોશિયલ મીડિયાની હિસ્ટ્રીના આધારે એવું શોધી કઢાયું કે, આ માણસ દર બે મહિને એક હિલ સ્ટેશન પર જાય છે, આ હોટલમાં રોકાય છે અને આવી આવી પ્રવૃતિઓ કરે છે. આ સ્થળે જઇને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આપણે ઘણી વખત જસ્ટ ફોર ફન કે કરવા ખાતર કંઇ કરતા હોઇએ છીએ ત્યારે આપણને એની કલ્પના નથી હોતી કે તેના પરિણામો શું આવી શકે છે. આપણે જાણે અજાણે કરેલી ભૂલો પણ ભોગવવી પડતી હોય છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર ઓલી રોબિન્સને અત્યારે એવો જ અનુભવ થઇ રહ્યો છે. 2012માં રોબિન્સને એશિયનો અને મુસ્લિમો વિશે સોશિયલ મીડિયા પર અનુચિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીનો સ્ક્રીન શોટ હમણા ફરતો થતા વિવાદ સર્જાયો છે. યુકેના એક પ્રધાને રોબિન્સનને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. આ વિવાદ પછી બ્રિટનની ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પે પસંદગીકારોને એવું કહ્યું કે, હવે કોઇ ખેલાડીની પસંદગી કરતા પહેલા તેનો સોશિયલ મીડિયા હિસ્ટ્રી બરાબર તપાસી જવી પડશે. નવ વર્ષ પહેલાનું ભૂત હવે ધૂણતું થતા રોબિન્સન ટેન્શનમાં મૂકાયો છે. રોબિન્સનના કિસ્સામાંથી એ જ શીખવાનું છે કે, આજે તમે કંઇ કરો તો એના પરિણામો પાંચ દસ કે વીસ પચીસ વર્ષ પછી પણ આવી શકે છે. કોણ તમારા સ્ક્રીન શોટ લઇને સાચવી રાખે અને ક્યારે તેનો કેવો ઉપયોગ કરે એ કહી શકાય નહીં. તમે પેલું રિલ જોયું છે? જેમાં એક છોકરો એની ફ્રેન્ડને પૂછે છે કે, કોઇ છોકરી તમને આઇ લવ યુનો મેસેજ કરે તો શું કરાય? તેની ફ્રેન્ડ કહે છે કે, સૌથી પહેલા તો સ્ક્રીન શોટ લઇ લેવાય! આ વાત મજાકમાં કહેવાય છે પણ તેની પાછળ જે દાનત હોય છે એ સમજવા જેવી છે. આપણે જે કંઇ મેસેજ કરીએ છીએ એનો પણ ગમે એવો ઉપયોગ થઇ શકે છે. ક્યારેક આપણે ભાવુક થઇને કોઇના માટે કંઇક લખીએ છીએ, કોઇની ફેવર કરીએ છીએ અથવા તો વિરોધ કરીએ છીએ. ઘણા લોકો એ ભૂલતા નથી. પહેલા લોકો દાઢમાં રાખતા હતા, હવે સ્ક્રીન શોટ લઇને ફોનની ગેલેરીમાં સાચવી રાખે છે!

આપણા ક્રિકેટર હરભજનસિંહે હમણા ખાલિસ્તાન આતંકવાદી જર્નેલ ભિંદરણવાલેનો ફોટો મૂકીને એને શહીદ ગણાવ્યા એના કારણે ઉહાપોહ થયો હતો. ઘણા નેતા, અભિનેતા કે સેલિબ્રિટી ક્યારેક ઇરાદાપૂર્વક તો ક્યારેક અજાણતા ભાંગરા વાટી દેતા હોય છે. હોબાળો થાય પછી માફી માંગી લે છે. એમને ખબર નથી હોતી કે, બુંદ સે ગઇ હોજ સે નહીં આતી! ક્યારેક કોઇના પ્રેમમાં હોઇએ, કોઇ સાથે દોસ્તી હોય કે કોઇએ આપણા માટે કંઇક કર્યું હોય ત્યારે આપણે તેમના પર સમરકંદ બુખારા ઓવારી જતા હોય છે. એવું કરવામાં કંઇ ખરાબી નથી પણ માણસ સારી રીતે ઓળખાઇ જાય પછી જે તેના વિશે કંઇક જાહેર અભિપ્રાય આપવો જોઇએ. આપણી દાનત ખરાબ ન હોય તો પણ ક્યારેક આપણી વાતના જુદા મતલબો કાઢવામાં આવતા હોય છે. એ સિવાય આપણે જે કંઇ અપલોડ કરતા હોઇએ એનાથી આપણી છાપ કેવી પડશે એ પણ થોડુંક વિચારવું જોઇએ. આપણને અમુક વખતે એવો વિચાર આવી જાય કે, જેને જે માનવું હોય એ માને, ધારવું હોય એ ધારે અને બોલવું હોય એ બોલે, આ મારી લાઇફ છે, મને ગમે હું રહીશ! આઇ ડોન્ટ કેર! ફાઇન, લાઇફ તમારી છે પણ એ તમારા સુધી જ રહે એ પણ ક્યારેક જરૂરી બને છે. આપણી અંગત વાતો, અંગત ક્ષણો, અંગત લાગણી, આપવી વેદના અને આપણી સંવેદના નોમાઇશ માટે નથી. એને પોતાના અને પોતાના લોકો પૂરતી જ મર્યાદિત રાખવામાં માલ છે. જમાનો જાળવીને જીવવા જેવો છે! સાચી વાત કે નહીં?

હા, એવું છે!

સૌથી વધુ સ્ટ્રેસ 18થી 33 વર્ષના લોકોમાં જોવા મળે છે. જિંદગીને થાળે પાડવામાં દરેકને બહુ તણાવનો સામનો કરવો પડતો હોય છે, એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. 48ની ઉંમર પછી સ્ટ્રેસ ધીમે ધીમે ઓછો થાય છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 જૂન 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: