આજનો યંગસ્ટર્સ લાઇફ અને કરિયર પ્રત્યે બેદરકાર છે? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

આજનો યંગસ્ટર્સ લાઇફ અને

કરિયર પ્રત્યે બેદરકાર છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

મોબાઇલ અને મનોરંજન પાછળ આજનું

યુવાધન એની જિંદગી વેડફે છે. દરેકનું

કંઇક ને કંઇક લફરું હોય છે. આ વાત સાચી છે?

એનો સ્પષ્ટ જવાબ છે, ના.

આજનો યંગસ્ટર્સ અગાઉની તમામ પેઢીઓ કરતાં

વધુ ડાહ્યો, મહેનતુ, સમજદાર અને ક્રિએટિવ છે.

આપણને એની સારી બાજુ દેખાતી જ નથી.

આખી દુનિયાની સરખામણીમાં આપણા દેશમાં યંગસ્ટર્સની સંખ્યા સૌથી વધુ છે. પોલિટિકલ પાર્ટી હોય કે કોઇપણ વસ્તુ બનાવતી કંપની, એનો મેઇન ટાર્ગેટ યુવાનો જ છે. સોશિયલ મીડિયા પર યંગસ્ટર્સ બિન્ધાસ્ત રીતે પોતાનું મંતવ્ય રજૂ કરે છે. તમે શું માનો છો, આજની યુવાપેઢીને કંઇ જ ખબર નથી પડતી? એ પોતાની લાઇફ અને કરિયર પ્રત્યે બેદરકાર છે? એનામાં કોઇ ક્રિએટિવિટી નથી? એનો ચોખ્ખો ને ચટ જવાબ છે, ના. જો કોઇ એવું માનતું હોય તો એ એની ગેરસમજ છે. હા, અમુક કિસ્સાઓ એવા હશે કે કોઇ યુવાન આડારસ્તે હોય પણ એકલ-દોકલ ઘટનાઓને કારણે બધા જ યુવાનોને દોષ દેવો વાજબી નથી.

એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝ થોડા સમય પહેલાં આપણા દેશની મુલાકાતે આવી ગયા. એમણે સારી ભાષામાં ભારતીય યુવાનોની ટીકા કરી. એણે શું કહ્યું એની વાત કરતા પહેલાં તેનો થોડોક પરિચય જાણી લઇએ. એપલ કંપનીના સ્ટીવ જોબ્સ સહિત મુખ્ય ત્રણ સ્થાપકો પૈકીના તેઓ એક છે. હવે તેઓ એપલ સાથે નથી પણ ટેક્નો વર્લ્ડમાં તેમનું મોટું નામ છે. 67 વર્ષના સ્ટીવ વોઝનું સાચું નામ સ્ટીફન ગેરી વોઝનીયાક છે. તેમણે ચાર લગ્ન કર્યાં છે. ભારતની મુલાકાત વખતે તેમણે કહ્યું કે, અહીંના યુવાનોમાં ક્રિએટિવિટીની કમી છે. મ્યુઝિક, સ્પોર્ટ્સ અને આર્ટમાં બહુ પાછળ છે. એ નોકરી મેળવવા ભણે છે. નોકરી મળે પછી બંગલો અને લકઝુરિયસ કાર ખરીદે છે. તેમનું કહેવાનું આડકતરી રીતે એ હતું કે પછી કંઇ કરતા નથી. માની લઇએ કે આપણા દેશનું એજ્યુકેશન જોબ ઓરિએન્ટેડ છે, યંગસ્ટર્સનો ઉદ્દેશ સારી નોકરી મેળવવાનો જ છે, તો પણ એમાં વાંક યુવાનોનો નથી, વાંક આપણી સિસ્ટમનો છે. મ્યુઝિક, ડાન્સ, સ્પોર્ટ્સ, પેઇન્ટિંગ, એક્ટિંગ, રાઇટિંગ અને બીજી કોઇ ક્રિએટિવ લાઇનમાં કરિયર કે ઇન્કમની કોઇ ગેરન્ટી નથી. આપણા સમાજમાં નોકરી કે બિઝનેસ કરતા હોય એને જ સજ્જન માનવામાં આવે છે. આર્ટની દુનિયામાં જેનું નામ થઇ જાય છે એનું થઇ જાય છે, બાકીના લોકો રહી જાય છે. આપણી કમનસીબી એ છે કે ભણવામાં હોશિયાર હોય એને જ તેજસ્વી અને ડાહ્યા માનવામાં આવે છે. ક્રેઝી યંગસ્ટર્સ આપણને પસંદ જ નથી. એને આપણે રખડુ અને બેફિકર કહીને ઉતારી પાડીએ છીએ. યુવાપેઢીમાં સર્જનાત્મકતા તો છલોછલ છે પણ એને દબાવી દેવી પડે છે. છોકરો હોય કે છોકરી, એણે કમાવવું પડે છે, ઘર ચલાવવું પડે છે, પરિવાર અને સમાજને જવાબ દેવો પડે છે. એટલે ઘણુંબધું ગમતું છોડીને સારો પગાર મળે એવું કામ કરવું પડતું હોય છે. ઘણા કિસ્સાઓમાં આપણો યુવાન ડિસ્ટર્બ હોય તો એનું કારણ એ છે કે ક્રિએટિવ કામ કરી શકતો નથી અને ન ગમે એવી નોકરી કર્યે રાખે છે.

યંગસ્ટર્સ વિશે મન ફાવે એમ વાતો કરતી એક આખી ફોજ આપણા સમાજમાં પણ છે. એની પાસે યુવાનો વિશે ઢગલાબંધ ફરિયાદો છે. અત્યારનો યુવાન આખો દિવસ મોબાઇલ લઇને જ બેઠો હોય છે, એને પોતાના સિવાય કોઇની પડી નથી, રૂપિયા કમાવવાની કોઇ ગતાગમ નથી, જે કમાય છે એના વિશે એવું કહે છે કે બચત કરવાની તો ટેન્ડન્સી જ નથી, કમાય એટલું વાપરી નાખવું છે, દરેકને કોઇ ને કોઇ લફરું હોય છે. પોતાના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડમાં જ રચ્યાપચ્યા હોય છે. માનમર્યાદા જેવું કંઇ છે જ નહીં. સંબંધો રાખવા છે પણ લગ્ન કરવા નથી, લિવ-ઇનમાં રહેવું છે. લગ્નની વાત કરતાં પહેલાં આપણે પૂછવું પડે કે કંઇ હોય તો પહેલાંથી કહી દેજે પછી કંઇ તમાશા ન જોઇએ. ઘણા બધા વડીલો પાસેથી આવી વાતો સાંભળવા મળતી રહે છે. આ અંગે એક સમાજશાસ્ત્રીએ કહ્યું કે, માની લો કે આવું છે તો પણ શું યંગસ્ટર્સને બેદરકાર કહી દેવો વાજબી છે? ના. એ પોતાની રીતે વિચારે છે, એને ખબર છે કે આ મારી લાઇફ છે, એ જે કરે છે એનાં પરિણામો ભોગવવા પણ તૈયાર હોય છે. ભૂલોમાંથી પણ એ શીખતો રહે છે.

એક એવો આક્ષેપ પણ કરવામાં આવે છે કે આજના યુવાનો ઇન્ફર્મેશન અને નોલેજમાં ભેદ પારખી શકતા નથી. ટેક્નોલોજીના કારણે તેની પાસે બધી જ ઇન્ફર્મેશન હાથવગી છે, પણ રીડિંગ અને બીજા ક્રિએટિવ શોખ ન હોવાના કારણે જ્ઞાનની કમી વર્તાય છે. જિંદગીમાં નાજુક પળો આવે ત્યારે એ સામનો કરી શકતા નથી. હતાશ થઇ જાય છે. અમુક કિસ્સામાં જલદીથી ગુસ્સે થઇ જાય છે. આ વાત સંપૂર્ણપણે ખોટી નથી પણ સવાલ એ થાય કે નોલેજ કેવી રીતે મળે? નોલેજ મેળવવાની અગાઉની રીત જ સાચી હતી? યુવાનોની પોતાની રીત ન હોઇ શકે? એ બીજા કશામાંથી નહીં શીખે તો પોતાની ભૂલોમાંથી શીખશે.

મોટાભાગે આપણે યુવાનોમાં જે ખામીઓ હોય છે એને જ જોતા હોઇએ છીએ, એનામાં જે ખૂબીઓ છે એને નજરઅંદાજ કરીએ છીએ. જેઓને કંઇક કરી બતાવવું છે એ રાત-દિવસ જોયા વગર મંડ્યા રહે છે. બધા જ યુવાનો જિનિયસ હોય એવું જરૂરી નથી અને એવું શક્ય પણ નથી. જે કરવાના છે એ કંઇક કરી જ છૂટવાના છે, અને જે નથી કરવાના એ ગમે એટલા ધમપછાડા કરો તો પણ નથી જ કરવાના. દરેક યુગમાં આવું જ થયું છે. વડીલોનું કામ યુવાનોને માર્ગદર્શન આપવાનું ચોક્કસપણે છે પણ યુવાપેઢીમાં કંઇ દમ જ નથી એવું કહેવું તો ગેરવાજબી છે. યુવાનોને સ્પેસ આપો, એનો રસ્તો એ શોધી લેશે અને તમે વિચારતા હશો એના કરતાં એ રસ્તો વધુ બહેતર જ હશે.

 

પેશ-એ-ખિદમત

વો કિસી કો યાદ કર કે મુસ્કુરાયા થા ઉધર,

ઔર મૈં નાદાન યે સમઝા કિ વો મેરા હુઆ,

દાસ્તાનેં હી સુનાની હૈં તો ફિર ઇતના તો હો,

સુનને વાલા શૌક સે યે કહ ઉઠે ફિર ક્યા હુઆ.

-ઇકબાલ અશહર

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 15 એપ્રિલ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *