બધા એવું જ સમજે છે કે હું બહુ ખુશ છું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધા એવું જ સમજે છે

કે હું બહુ ખુશ છું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

માણસને શું કહેવું મારે? સૂરજનું સરનામું માગે,

તારાઓ પર કરે કવિતા, અંધારાની ઓળખ માગે.

શબ્દોનાં એ સમીકરણ ને ભાષાની ભૂમિતિ માગે,

સુગંધના ફોટા પાડે ને, હાસ્યના હસ્તાક્ષર માગે.

-ડો. મુકેશ જોષી

‘એને ક્યાં કંઈ પ્રોબ્લેમ છે. મસ્ત લાઇફ છે. મજા કરે છે એ તો. અમુક લોકો નસીબ લઈને જન્મ્યા હોય છે. એની લાઇફ આપણા જેવી ટફ નથી. આપણાં નસીબમાં જ ઢસરડા લખ્યા છે!’ માણસ કોઈના વિશે કાયમ અંદાજ બાંધતો રહે છે. પોતાના સિવાય એ બધાને સુખી અને ખુશ સમજે છે. પોતાની જાતને કોસવી, પોતાના નસીબને દોષ દેવો અને પોતાને જ વખોડતા રહેવા જેવી બૂરી આદત બીજી કોઈ નથી. કોઈને સુખી જોઈને આપણે ખરેખર કેટલા સુખી થતા હોઈએ છીએ? એને તો જલસા છે એવું આપણે કહીએ ત્યારે આપણે આડકતરી રીતે એવું કહેતા હોઈએ છીએ કે મારે એવું નથી. મારે જલસા નથી. મારે દુ:ખ છે. મારી સાથે જ બધું થાય છે.

એક વાત યાદ રાખવા જેવી હોય છે. જે આપણી સાથે થતું હોય એવું અથવા તો એના જેવું બધાની સાથે થતું હોય છે. દુનિયામાં તમે એક જ દુ:ખી નથી, તમને એકલાને જ પીડા નથી થતી, તમને એકલાને જ મુશ્કેલી નથી. દરેકના ભાગે પોતપોતાની પીડા, વેદના, દર્દ, મુશ્કેલી, સમસ્યા અને સંઘર્ષ હોય છે. સૌથી મોટો સવાલ એ હોય છે કે તમે તમારા વિશે શું ધારો છો? તમે તમને કેવા માનો છો? તમને ખબર છે કે તમે તમારા પૂરતા સુખી છો જ, પણ ના, આપણે આપણા પૂરતા સુખી આપણને માનતા જ નથી. આપણા પૂરતું દુ:ખ આપણે શોધી લઈએ છીએ અને પછી તેને ગાયા રાખીએ છીએ. મજા આવતી હોય છે આપણને એવું કરવાની અને એવું કહેવાની!

કોઈ પૂછે કે શું ચાલે છે? તો આપણે કહેવા લાગીએ છીએ કે, જવા દેને યાર, કંઈ કહેવા જેવું નથી. કામ બરાબર ચાલતું નથી, કામનું બહુ પ્રેશર છે, રોજ એક કામ પતાવો ત્યાં બીજા ચાર ઊભાં થઈ જાય છે, ઘરના પણ કેટલા બધા ઇસ્યૂઝ છે, સોશિયલમાં પણ પહોંચી શકાતું નથી, લાઇફ જેવું કંઈ લાગતું જ નથી, રોજે રોજ કોઈ ને કોઈ રામાયણ હોય છે! આવું કંઈક આપણને બધાને થતું જ હોય છે. વાત ખોટી પણ નથી હોતી! આવું ખરેખર હોય જ છે, પણ આવું કંઈ આપણને એકલાને નથી હોતું, બધાને હોય છે. આપણે એને કેવી રીતે લઈએ છીએ એ મહત્ત્વનું છે!

આપણે એવું કેમ સમજી નથી શકતા કે રોજેરોજ કંઈક ઇસ્યૂઝ હોવાના જ છે. જિંદગી છે ત્યાં સુધી એ રહેવાના જ છે. એ જિંદગીનો એક ભાગ જ છે અને તેનાથી ક્યારેય ભાગી શકવાના નથી. ભાગવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ, કારણ કે આપણે ભાગીને ક્યાંય પહોંચી શકવાના જ નથી. ચેલેન્જીસ આવવાની જ છે. તમારે એને ફેસ કરતા રહેવાનું છે. જરાયે કંટાળવાનું નથી. જરીકેય થાકવાનું નથી. જો થાકીએ કે કંટાળીએ તો એ ધીમે ધીમે વધુ હાવી થવા લાગશે. હતાશા એ બીજું કંઈ નથી, પણ નબળા વિચારોનો સમૂહ છે. નિરાશા, હતાશા, ઉદાસી કે ડિપ્રેશન એક ઝાટકે નથી આવતા, એ ધીમે ધીમે આવે છે, ઘૂંટાતા રહે છે અને ઘટ્ટ થતા રહે છે. એકને એક વિચાર જ આપણને બદલતો હોય છે. મને તકલીફ છે, હું દુ:ખી છું એવું સતત વિચારતા રહીએ તો આપણે ખરેખર દુ:ખી થઈ જઈએ છીએ. હું સુખી છું એવો વિચાર આપણને સુખી કરે છે. આપણે આપણી જાતને જ જો ‘બિચારી’ સમજવા માંડીએ તો એક સમયે આપણે ખરેખર બિચારા થઈ જઈએ છીએ. લોકો આપણા વિશે જેવું માનવા લાગે છે એવું જ આપણે અગાઉથી જ આપણા વિશે માનવા લાગતા હોઈએ છીએ. તમે તમારી નિષ્ફળતાનાં ગાણાં ગાતાં રહેશો તો લોકો તમને નિષ્ફળ જ સમજવાના. તમે એમ કહેશો કે ઠીક છે યાર, હજુ ક્યાં જિંદગી પૂરી થઈ ગઈ છે, તમે લખી રાખજો એક દિવસ બંદાનો ડંકો વાગવાનો જ છે, તો લોકો કહેશે કે દાદ દેવી પડે હોં એની હિંમતની, જોજો એક દિવસ એ કંઈક કરીને બતાવશે!

આપણે જ આપણને જો ‘ફેલ’ કહીએ તો કોઈ આપણને ‘પાસ’ કહે એવું ક્યાંથી બનવાનું? આપણી છાપ ઊભી કરવામાં આપણો ફાળો પણ નાનોસૂનો હોતો નથી. માણસની સૌથી મોટી ખામી કંઈ હોય તો એ છે કે એ પોતાની જાતને અંડરએસ્ટિમેટ કરે છે. પોતાની ક્ષમતાને ઓછી આંકી લે છે. પોતાનાથી આગળ હોય એની સાથે સરખામણી કરતો રહે છે. યાર, એનું કેટલું બધું નામ છે, એ તો સેલિબ્રિટી બની ગયો છે, એની પોસ્ટને કેટલી બધી લાઇક મળે છે, એનું ફેન ફોલોવિંગ ગજબનું છે. આપણે તો એના જેટલું કરી જ ન શકીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે એના જેટલું નથી કરવાનું, આપણે આપણાં જેટલું કરવાનું છે. કોઈની સાથે સરખામણી કરતા પહેલાં એ વિચારો કે એ એની સરખામણી તમારી સાથે કરે છે? જો એ નથી કરતો તો તમે શા માટે તમારી સરખામણી એની સાથે કરો છો?

ઘણાનો પ્રોબ્લેમ વળી સાવ જુદો હોય છે. બધા એને સુખી, ખુશ અને લકી સમજતા હોય છે, પણ એ પોતાને જ દુ:ખી સમજતા હોય છે. મોટાભાગના લોકો આવું જ કરતા હોય છે. એક યુવાન સાધુ પાસે ગયો. સાધુને તેણે કહ્યું કે, બધાને એમ છે કે હું બહુ ખુશ છું, મારે કંઈ પ્રોબ્લેમ જ નથી, મારે તો જલસા જ છે, એ લોકોને ખબર નથી કે હું કેટલા સંઘર્ષનો સામનો કરું છું. બધાને મારી સારી વાતો, મારી નામના અને મારી પ્રેસ્ટિજ જ દેખાય છે, મારી જે પીડા છે એ કોઈને દેખાતી જ નથી! સાધુ ખડખડાટ હસવા લાગ્યા! તેણે કહ્યું, તને મારી પીડા દેખાય છે? તને એમ લાગે છેને કે હું ખુશ છું, સંતોષી છું, શાંત છું, હસતો રહું છું, તને એવું થાય તો એ સાચું છે. હવે હું તને એમ કહું કે, તને દેખાય છે એવું કંઈ નથી. મારે પણ કેટલાયે પ્રોબ્લેમ છે. નાનકડી ઝૂંપડીમાં રહું છું, જીવ-જંતુનાં જોખમ છે, ખાવાનું કોઈ આપે ત્યારે મળે છે, બીજા સાધુ કરતાં મારા શિષ્યો ઓછા છે, મારે આશ્રમ નથી. આ બધી વાત પણ સાચી છે. સવાલ એ જ છે કે, હું મારી સ્થિતિ વિશે શું માનું છું. તને બધા સુખી અને ખુશ સમજે છે તો તું તારી લાઇફમાંથી દુ:ખ અને ઉદાસી ન શોધ. આપણને આપણામાંથી પણ છેલ્લે એ જ મળતું હોય છે જે આપણે આપણામાં શોધતા હોઈએ છીએ. જિંદગી છેને સમુદ્રમંથન જેવી છે. જીવવાની સાથે સમુદ્રમંથન થતું રહે છે અને એમાંથી બધું નીકળતું રહે છે, સારું અને ખરાબ પણ, સુખ અને દુ:ખ પણ, ઉદાસી અને ઉત્સાહ પણ, પ્રેમ અને નફરત પણ, આપણે શું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેકને કુદરતે બધું જ થોડું થોડું આપ્યું જ છે, કોઈ સંપૂર્ણ સુખી હોતું નથી, કોઈ સંપૂર્ણ દુ:ખી હોતું નથી, તમારા હિસ્સામાં જે આવ્યું છે એમાંથી તમે કઈ વાતને પંપાળ્યા રાખો છો તેના ઉપરથી તમે તમારી જાતને સુખી કે દુ:ખી સમજતા રહો છો.

જિંદગી બહુ સરળ અને સહજ છે, પણ આપણને એવી લાગતી નથી. એનું કારણ એ હોય છે કે આપણે જ એને ગૂંચવી નાખી હોય છે. આપણા વિચારો, આપણું વર્તન અને આપણી માનસિકતાથી આપણે બધું જ એટલું બધું અઘરું કરી દઈએ છીએ કે આપણને કંઈ જ સહેલું લાગતું નથી. જિંદગીને એટલી બધી ગૂંચવી ન નાખો કે એની ગૂંચ આપણે જ ન ઉકેલી શકીએ. નાનકડી ગૂંચ વળે ત્યાં એને ખોલી નાખો. જો ગૂંચ વધતી ગઈ તો એ પછી નહીં ઉકેલાય. આપણે મોટાભાગે આપણે જ સર્જેલી સ્થિતિમાં કેદ હોઈએ છીએ. આપણે આપણાં મનમાં જ સ્વર્ગ કે નર્ક સર્જતા હોઈએ છીએ અને પછી એને જ અનુભવતા રહીએ છીએ.

આપણને ઘણી વખત એ સમજાતું નથી કે આપણાથી ઓછું ભણેલા, આપણાથી ઓછી મિલકત ધરાવતા, આપણાથી ઓછા સફળ લોકો આપણાથી વધુ સુખી અને ખુશ કેમ હોય છે? એનું કારણ એ હોય છે કે એ પોતાને સુખી માનતા હોય છે.

એક ધનવાન મહિલાની આ વાત છે. તેના ઘરે એક કામવાળી આવે. એ સદાયે હસતી હોય. વાળતી વખતે કે પોતાં કરતી વખતે પણ ગીત ગણગણતી હોય. એનો ચહેરો જ બતાવી દે કે એ ખુશ છે. એક વખત શેઠાણીએ પૂછ્યું, કે તું સુખી છે? તેણે કહ્યું, હા એકદમ સુખી છું. મારું કામ કરું છું અને મજામાં રહું છું અને હા, મારા સુખનું સૌથી મોટું કારણ એ છે કે હું મારી સરખામણી તમારી સાથે કરતી નથી. તમારે તમારી સરખામણી મારી સાથે કરવી હોય તો તમને છૂટ છે. સરખામણી કરી જોજો, તમને તમારા કરતાં હું વધારે સુખી અને ખુશ લાગીશ, એનું કારણ એ જ છે કે હું ખુશ છું અને હું સુખી છું. મને ખુશ રહેતા કે સુખી થતા કોઈ રોકી ન શકે, કારણ કે મારે સુખી રહેવું છે, મારે ખુશ રહેવું છે. મારે રોદણાં રડવાં નથી. નાના લોકો ઘણી વખત મોટી વાત સમજાવી જતાં હોય છે, એ વાત જુદી છે કે આપણે એનામાંથી કંઈ શીખતા કે સમજતા નથી. આપણે તો એને પણ આપણી ફૂટપટ્ટીથી જ માપતા હોઈએ છીએ, ક્યારેક એની ફૂટપટ્ટીથી માપી જોજો, એ આપણાથી ઘણા મોટા, ઘણા ખુશ અને ઘણા સુખી લાગશે.

જિંદગીને સમજો અને જેવી છે એવી સ્વીકારો. એમાંથી સુખ, આનંદ, ખુશી, લાગણી અને પ્રેમ શોધો. દુ:ખ, ઉદાસી, નારાજગી, નફરત, હતાશાને નજરઅંદાજ કરો. જિંદગીમાંથી તમારે જે જોઈતું હોય એ મળી જ રહેશે. હા, આપણે નક્કી કરવાનું હોય છે કે, આપણે આપણી જાતને સુખી સમજવી છે કે દુ:ખી!

છેલ્લો સીન :

ઓળખ મેળવવાનો સૌથી સહેલો માર્ગ એ છે કે આપણે ‘આપણા’ જેવા બનીએ.     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 જાન્યુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: