તમે બદલો લેવામાં માનો છો કે જતું કરવાનું તમને ગમે છે? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

તમે બદલો લેવામાં માનો છો

કે જતું કરવાનું તમને ગમે છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે

કે જ્યાં સુધી એ બદલો ન લે ત્યાં સુધી એને

ચેન નથી પડતું. તેના મગજમાં એકની એક

વાત ઘૂમતી રહે છે કે એને કેમ પાડી દઉં?

 

જે લોકો જતું કરી શકે છે એ લોકો

જિંદગીને સારી રીતે માણી શકે છે. જોકે

બધામાં એ તાકાત નથી હોતી.

 

એક યુવાન કાર લઇને જતો હતો. અચાનક એક બાઇકસવાર આવ્યો અને અથડાતાં અથડાતાં રહી ગયો. વાંક બાઇકસવારનો હતો, છતાં પણ એણે કારચાલકને ગાળ દીધી. ગાળ સાંભળીને કારવાળા યુવાનનો પિત્તો ગયા. બાઇકસવારને પકડવા તેણે પીછો કર્યા. બાઇકસવાર પતલી ગલીમાંથી છૂમંતર થઇ ગયો. કારવાળો યુવાન સમસમી ગયો. તેને બાઇકનો નંબર યાદ રાખી લીધો. લાગવગ વાપરી આરટીઓમાંથી એ બાઇકના માલિકનું નામ અને સરનામું શોધ્યું. પોતાના બે માણસો મોકલ્યા કે જાવ, એને પકડી આવો. એ યુવાનને હાજર કરાયો. બે-ચાર થપ્પડ મારી અને કહ્યું કે તારી એવી કેવી હિંમત કે તું ગાળ દે! પેલાએ હાથ-પગ જોડીને માફી માંગી ત્યારે કારના માલિકને હાશ થઇ.

અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે એને કોઇએ કંઇ કહ્યું કે એના સાથે કંઇ કર્યું તો જ્યાં સુધી એ બદલો ન લે ત્યાં સુધી એને શાંતિ વળતી નથી. પોતાને નુકસાન જતું હોત તો પણ એ જવા દેશે પણ એને છોડશે નહીં. આપણને એમ થાય કે આનો સ્વભાવ તો ગજબનો વિચિત્ર છે, એક વાતનો કેડો પકડે પછી મૂકતો જ નથી. તમારો સ્વભાવ કેવો છે? કોઇ તમને કંઇ કહી જાય તો તમને એમ થાય છે કે સંબંધ બગડવા હોય તો ભલે બગડે, પણ હું કંઇ સાંભળી લઉં નહીં.

કોઇ એવું કહે કે પેલો માણસ છે ને, એ તમારા વિશે ઘસાતું બોલતો હતો, તો તમને શું થાય? સામાન્ય સંજોગોમાં એમ થાય કે, આવવા દે હાથમાં, એને પણ મારી અસલિયત ખબર પડશે. એનાથી આવું બોલી જ કેમ શકાય? બધા લોકો બધી જ વાતને શાંતિથી ટેકલ કરી શકતા નથી, તરત જ બાંયો ચડાવી લે છે. એના બાપનું રાજ છે? એ પોતાની જાતને સમજે છે શું? અમે કંઇ બંગડીઓ પહેરી છે? બંગડીઓ ઉપરથી યાદ આવ્યું, એવું ન સમજતા કે માત્ર પુરુષો જ આવું કરે છે, આવી મેન્ટાલિટીમાં પુરુષ કે સ્ત્રીઓનો ભેદ નથી. અમુક કિસ્સાઓમાં તો સ્ત્રીઓ પુરુષો કરતાં પણ બળૂકી સાબિત થાય છે. પતિને કોઇએ કંઇ કહ્યું હોય તો એ કચકચાવીને જવાબ આપી દેશે.

પર્સનાલિટી ઓફ સોશિયલ સાઇકોલોજી જર્નલમાં પ્રોફેસર ડેવિડ ચેસ્ટરે માણસની બદલો લેવાની ભાવના અંગે અભ્યાસ કરીને એક લેખ લખ્યો છે. પ્રો. ડેવિડનું કહેવું છે કે, જ્યારે માણસને કોઇ વાત પસંદ ન પડે, કોઇ કામ ન ગમે, કોઇ અપમાન કરે, કોઇ ઉપેક્ષા કરે અથવા કોઇ પ્રકારની હાનિ પહોંચાડે ત્યારે ઇમોશનલ ઇમબેલેન્સ સર્જાય છે. એ પછી એ જ્યાં સુધી બદલો લઇ ન લે ત્યાં સુધી એને મજા આવતી નથી. બદલો એ ઇમોશનલ રિપેરિંગ ટૂલનું કામ કરે છે. એને જે કરવું હોય એ કરી લે, એ પછી માણસ પોતાની રીતે જ બેલેન્સ થઇ જાય છે!

જ્યાં સુધી બદલો ન લે ત્યાં સુધી એ જ વાત એના મનમાં ઘૂંટાયા રાખે છે. આપણે પણ આમ તો ઘણી વખત એવું બોલતા અને વિચારતા રહીએ છીએ કે મનમાં રાખીને મૂંઝાવવા કરતાં મોઢામોઢ કહી દેવું સારું. આવા લોકોને આપણે આખાબોલા પણ કહેતા હોઇએ છીએ. આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો હોય છે જેના વિશે કંઇ બોલાય એટલે એની કમાન તરત જ છટકે છે. એ રોકડું પરખાવી દેવામાં માહેર હોય છે. ઘણાને તો ખબર પડે કે એના વિશે કોઇ નબળું કે ખરાબ બોલતો હતો તો એ મોકાની પણ રાહ નથી જોતા, ફોન લગાવીને તરત જ ખખડાવી નાખે છે.

અમુક લોકો મોકાની રાહમાં હોય છે. એ સમય આવ્યે એને જે કહેવું હોય એ કહે છે. જોકે જ્યાં સુધી એને મોકો મળતો નથી ત્યાં સુધી એ અંદર ને અંદર ધૂંધવાતા રહે છે. મેળ પડે ત્યારે એને હાશ થાય છે. એટલે જ કહે છે કે મનમાં કંઇ ન રાખો, જે કંઇ કહેવું હોય એ કહી દો. અલબત, તમે કેવી રીતે કહો છો એ પણ મહત્ત્વનું છે. તમારા સંબંધને દાવ પર લગાડીને કહો છો કે પછી પ્રેમથી કહો છો એ સમજદારી ઉપર નિર્ભર કરે છે. જો ધ્યાન ન રહે તો લેને કે દેને પડ શકતે હૈ.

ઘણા લોકો બિન્ધાસ્ત એવું કહેતા હોય છે કે, સંબંધ બગડવો હોય તો ભલે બગડે પણ આપણે કંઇ એમ સાંભળી લઇએ નહીં. અમારી પણ કંઇક આબરૂ છે, અમે કંઇ હાલી-મવાલી થોડા છીએ, એ પોતાને કંઇક સમજતો હોય તો એના ઘરે, આપણને કંઇ પડી નથી, બાકી બધું બરોબર છે પણ અપમાન સહન ન થાય. ઇગોને ઠેસ પહોંચે ત્યારે માણસ બાંયો ચડાવીને મેદાનમાં આવી જાય છે.

જોકે આવી વૃત્તિ જોખમી છે. જતું કરનારો માણસ વધુ સુખી રહે છે. બધા જતું કરી શકતા નથી. જો બધા જતું કરી શકતા હોત તો તો દુનિયામાં શાંતિ જ ન હોત! એવું ભલે કહેવાતું હોય કે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય, પણ જો પ્રયાસ કરવામાં આવે તો પ્રકૃતિમાં સુધારો તો કરી જ શકાય. બાથ ભીડતાં પહેલાં માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે આખરે મારે સાબિત શું કરવું છે અને બહાદુરી બતાવીને મને મળી શું જવાનું છે? જરૂરી હોય ત્યાં લડીએ એ બરાબર છે પણ બધી જ જગ્યાએ બથોડા લેવામાં શાણપણ તો નથી જ હોતું. બાય ધ વે, તમે કંઇ જતું કરી શકો છો કે પછી બતાડી દેવામાં માનો છો?

પેશ-એ-ખિદમત

તૂ ને કુછ ભી ન કહા હો જૈસે,

મેરે હી દિલ કી સદા હો જૈસે,

યૂં તેરી યાદ સે જી ગભરાયા,

તૂ મુજે ભૂલ ગયા હો જૈસે,

ઇસ તરહ તુજ સે કિયે હૈ શિકવે,

મુજ કો અપને સે ગિલા હો જૈસે.

-સૂફી તબસ્સુમ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 21 જાન્યુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *