ધ્યાન રાખજો, માથું ફાડી નાખે એવી ગરમી છે! : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

ધ્યાન રાખજો, માથું ફાડી

નાખે એવી ગરમી છે!

 દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ


અમીરો માટે કાળઝાળ ગરમી એ ચર્ચાનો વિષય છે,

મધ્યમ અને ગરીબ વર્ગ માટે

ગરમી એ સહન કરવાનો સમય છે.

ગરમીની શારીરિક અને માનસિક અસરો

ખતરનાક હોય છે એની સામે સાવચેતી જરૂરી છે.

 

લૂ લાગી જાય તો મોત પણ થઇ શકે છે.

શરીરને ગરમી સામે લડવા તૈયાર કરવું પડે છે.

 

‘હું દસ-પંદર મિનિટ પછી ઘરે જવાનો છું. ગાડીનું એસી ચાલુ કરી દે, ગાડી કૂલ થઇ જાય.’ ઘણા માલેતુજાર લોકો બપોરના સમયે ઘરે જતાં પહેલાં ડ્રાઇવરને મોબાઇલ પર આવી સૂચના આપી દે છે. એ લોકો કહે છે, બપોરના સમયે તડકામાં પડેલી કાર તો ઓવન જેવી થઇ જાય છે, આપણે તો આખેના આખા બફાઇ જઇએ. ગાડી કૂલ હોય તો મજા આવે. ઘરમાં, કારમાં અને ઓફિસમાં જે લોકો પાસે એસી છે એના માટે ગરમીનો પારો ટીવી અથવા તો મોબાઇલના સ્ક્રીન પર જોવાતો એક આંકડો છે. ઓહ, કેવી ગરમી છે નહીં? બધા લોકોના નસીબમાં આવી જાહોજલાલી નથી હોતી, એ લોકો તો દિવસો ગણતા હોય છે કે ક્યારે વરસાદ આવે અને ધગધગતી ધરા થોડીક ટાઢી પડે!

મધ્યમ અને ગરીબ વર્ગ ગરમીથી બચવા દેશી નુસખાઓ શોધે છે. મા કાચી કેરી અને ડુંગળીનું છીણ કરી આપે છે. છાશ અથવા ગોળનું પાણી ટિફિન સાથે લઇ જવાય છે. કોઇ વળી રૂમાલ ભીનો કરીને માથે બાંધી દે છે. સ્કિન કાળી ન પડી જાય એ માટે છોકરીઓ માથે દુપટ્ટો બાંધી દે છે અને હાથમાં ખભા સુધીના ગ્લોવ્ઝ પહેરી લે છે. હેલ્મેટ તો માથે ગરમાગરમ કૂકર મૂકી દીધું હોય એવો ત્રાસ આપે છે. બહાર જવું તો પડે ને. સેલ્સમેન કે ડિલિવરી બોય માટે આ કપરો સમય છે. હોમ ડિલિવરી વધી જાય છે, આવી ગરમીમાં બહાર કોણ નીકળે?

બધા લોકો પોતપોતાના વિસ્તારના વાતાવરણની વાતો કરે છે. અમદાવાદ સિટીમાં તો અડધી રાતે પણ બફારો લાગે છે. જોકે બોપલ કે ઘુમામાં થોડીક ઠંડક હોય છે. રાજકોટવાળા કહેશે કે દિવસે ભલે ગમે એટલી ગરમી પડે, રાતે તો અમારે ત્યાં ઠંડક થઇ જ જાય. સુરતવાસીઓ માટે દરિયો નજીક છે એટલે ટેમ્પરેચર થોડુંક ઓછું હોય છે. વાતો કરવાનો સૌથી મોટો વિષય જ ગરમી છે.

ગરમીથી બચવાના ઉપાયો ચર્ચાતા રહે છે. શું ખાવું અને શું પીવું એની વાતો થતી રહે છે. મેડિકલ જગતના લોકો પણ પ્રિકોશનરી મેઝર્સ બતાવતાં રહે છે. આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી તો પીવું જ જોઇએ. કિડનીની બીમારી હોય તો 6 થી 8 લિટર પાણી પીવું. આખું શરીર ઢંકાય એવાં સુતરાઉ કપડાં પહેરવાં જોઇએ. એસીમાંથી સીધું તડકામાં ન જવું એવી જ રીતે તડકામાંથી સીધા એસીમાં ન જવું. બોડીને જરાક સેટલ થવા દેવું. બહારથી આવીને તરત જ ઠંડું પાણી પણ ન પીવું. આ સિવાય બીજા જે પરંપરાગત નુસખાઓ છે એ અપનાવવા જોઇએ. ગરમી સામે લડવાનો એક માત્ર ઉપાય એ જ છે કે શરીરને એવી રીતે તૈયાર કરવું કે વાંધો ન આવે.

ગરમી તો વધતી જ જાય છે એવું સતત સાંભળવા મળે છે. જોકે ગરમી તો પહેલાં પણ પડતી હતી. હવે કદાચ થોડીક વધુ પડે છે. કદાચ આપણે થોડાક વધુ કૂણા થઇ ગયા છીએ. લાઇફ સ્ટાઇલ પણ બદલાઇ છે. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, ઓઝનનું પડ, સૂરજનાં સીધાં જ કિરણો અને ગ્રીનહાઉસ ગેસ જેવાં કારણો અપાતાં રહે છે. કારણો એ ઉપાય નથી. ઉપાય તો એક જ છે કે કાળજી રાખવી. ધ્યાન ન રાખીએ તો સનસ્ટ્રોક લાગી જાય અને આપણી હાલત દયાજનક થઇ જાય!

લૂ લાગી જાય તો માણસનું મોત પણ થઇ શકે છે. બાય ધ વે, આ લૂ કેમ લાગે છે? ચલો, સરળ ભાષામાં થોડુંક સમજી લઇએ. આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે. ફેરનહીટમાં કહીએ તો 98.6 હોય છે. શરીરનું તાપમાન વધે અને થર્મોમીટર 98.6થી વધુ બતાવે તો આપણે કહીએ છીએ કે તાવ આવ્યો છે. એક આડ વાત. મેડિકલ સાયન્સ એમ કહે છે કે તાવ એ કોઇ રોગ નથી પણ રોગનું લક્ષણ છે. વધુ તાવ એ કોઇ બીજા રોગની વધુ તીવ્રતા બતાવે છે.

આપણા શરીરમાં એવી કુદરતી રચના છે કે અમુક ગરમી સુધી આપણને ટકાવી રાખે. ગરમી વધે એટલે શરીરનું પાણી પરસેવારૂપે બહાર આવે છે અને શરીરનું તાપમાન મેઇનટેઇન રાખે છે. ગરમી જો 45 ડિગ્રી જેટલી થાય તો શરીરની કુદરતી રીતે ઠંડા થવાની પ્રક્રિયા અવરોધાય છે. શરીરનું તાપમાન 37 ડિગ્રીથી વધવા માંડે છે. શરીરનું તાપમાન જો 42 ડિગ્રી થઇ જાય તો લોહી ગરમ થવા લાગે છે. લોહીમાં રહેલું પ્રોટીન ઊકળવા લાગે છે. સ્નાયુઓ કડક થઇ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લોહી જાડું થાય છે. પ્રેશર ઘટે છે. મગજમાં લોહીનો પુરવઠો પહોંચતો નથી. માણસ ચક્કર ખાઇને પડી જાય છે. લૂની અસર વધુ હોય તો શરીરનાં અંગો એક પછી એક કામ કરતાં બંધ થઇ જાય છે, અને મોત થાય છે. જોકે આ તો એક્સસ્ટ્રીમ સ્થિતિ છે. બધાને આવું ન થાય. એ પહેલાં તો રાહત મળે એવું કંઇક માણસ કરી લેતો હોય છે, હા, ઝાડા-ઊલટી કે ચક્કર આવી જવાં જેવું થઇ શકે છે. બેસ્ટ અને સાવ સરળ ઉપાય એ છે કે પૂરતું પાણી પીતા રહો.

હવે થોડીક ગરમીની માનસિક અસરો વિશે વાત કરીએ. ઘણાને રાતા-પીળા જોઇને આપણે કહીએ છીએ કે એના મગજમાં ગરમી ચડી ગઇ છે, હા ખરેખર ગરમી મગજમાં ચડી જતી હોય છે. માણસનું કોઇ કારણ વગર અથવા તો સાવ સામાન્ય કારણોસર મગજ છટકે છે. જાણીતા સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, વધુ પડતી ગરમીથી ઇમોશન રેગ્યુલેટરી સિસ્ટમ ખોરવાય છે. પર્સનાલિટી ડિસઓર્ડર, મૂડ સ્વિંગ, સ્ક્રિન્ઝોફેનિયા અને બીજી કેટલીક બીમારીથી પીડિત લોકો વધુ આક્રમક બની જાય છે. સામાન્ય માણસો પણ ગરમીને લીધે મગજનું બેલેન્સ ગુમાવે છે. તેનું કારણ એ છે કે ગરમીથી મગજનાં રસાયણોમાં ફેરફાર થાય છે અને માણસ નાની-નાની વાતમાં ચીડાઇ જાય છે ને ઝઘડા ઉપર ઊતરી આવે છે.

તમે માર્ક કરજો. રોડ ઉપર કોઇ વાહન સાથે સામાન્ય ટચ થાય કે કોઇએ ખોટી રીતે વાહન પાર્ક કર્યું હોય તો પણ ગરમીમાં આપણું મગજ છટકે છે. આવા સમયમાં બને ત્યાં સુધી આર્ગ્યુમેન્ટમાં ન પડવું કારણ કે ગરમીની અસર સામા માણસને પણ થતી જ હોય છે. વાતનું વતેસર થઇ જતાં વાર નથી લાગતી! એમાં પણ જે લોકોને વધુ પડતો ગુસ્સો આવતો હોય એણે પોતાની મેળે જ પોતાના માટે સેલ્ફ વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરવી જોઇએ અને પોતાની જાતને કહેતા રહેવું જોઇએ કે તારે ગુસ્સો કરવાનો નથી. આંખને બ્રેઇન સાથે સીધો સંબંધ છે એટલે સારા માયલા ગોગલ્સ પહેરી રાખવાની પણ ડોક્ટર સલાહ આપે છે.

અગાઉના સમયમાં પાઘડી કે ટોપી પહેરાતી, બહેનો માથે ઓઢતી, લોકો ફાળિયું બાંધતા એટલે ગરમીથી રક્ષણ મળતું હતું. હવે સમય બદલાયો છે એટલે રક્ષણના રસ્તા પણ બદલાયા છે. ગરમી સામે ફરિયાદો કરવાથી ગરમી ઘટવાની નથી કે એની અસર પણ ઓછી નથી થવાની. પચાસ ડિગ્રી કરતાં પણ વધુ ગરમી જ્યાં પડે છે ત્યાં પણ માણસો આરામથી રહે છે. જરૂર હોય છે, થોડીક સાવધાની વરતવાની.

ગરમીથી બચવા ઘણા લોકો બપોરના સમયે મોલમાં ચાલ્યા જાય છે એવી મજાક પણ થાય છે. નથિંગ રોંગ. ભલેને જાય. ઘરે એસી ન હોય અને ઓફિસ સેન્ટ્રલી એસી હોય ત્યારે કર્મચારીઓ ઓફિસે વહેલા પહોંચી જાય છે અથવા તો ઓફિસમાં ગયા પછી બહાર ભટકવાનું ટાળે છે. બધા પોતપોતાની રીતે રાહત મેળવવાના પ્રયાસો કરતા રહે છે. બસ એ જ તો ગરમી સામે લડવાનો બેસ્ટ ઉપાય છે. આમ તો કુદરતે આપણા શરીરમાં જ એટલી ક્ષમતા મૂકી  છે કે અમુક હદ સુધી આપણે સર્વાઇવ થઇ જઇએ. બાકીનું ધ્યાન આપણે રાખવાનું. થોડા દિવસોની જ તો વાત છે, હમણાં વરસાદ આવશે અને પાછું બધું તરબતર થઇ જશે. સો, ટેઇક કેર, ગરમી તો આવે ને જાય!

 

પેશ-એ-ખિદમત

ઇસ શહર મેં કહીં પે હમારા મકાઁ ભી હો,

બાઝાર હૈ તો હમ પે કભી મહેરબાઁ ભી હો,

ઇક દોસ્ત ઐસા હો કિ મિરી બાત બાત કો,

સચ માનતા હો ઔર જરા બદ-ગુમાઁ ભી હો.

(બદગુમાઁ: શંકાશીલ, અવિશ્વાસુ)

– મોહમ્મદ અલ્વી.

 

(અમદાવાદના ઉર્દૂ શાયર જનાબ મોહમ્મદ અલ્વીને તેમના સંગ્રહ ‘ચોથા આસમાન’ને ઉર્દૂ લિટરેચરનો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. તેમની શાયરીમાં ઉમદા પ્રકારના ઊંડાણ અને તાજગી દિલને સ્પર્શે છે.)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 30 એપ્રિલ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: