TOXIC RELATIONSHIP
આવા સંબંધો તોડી
નાખવામાં કશું ખોટું નથી
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જે સંબંધો સતત પેઇન આપતા હોય એનાથી છુટકારો
મેળવવો જ હિતાવહ હોય છે. એવી ક્યારે ખબર
પડે કે આ સંબંધોમાં હવે કંઇ બચ્યું નથી?
———–
સંબંધો છે તો જિંદગી છે. સંબંધો છે તો સુખ છે. માણસને બધા વગર ચાલે, પણ સંબંધ વગર ચાલતું નથી. સારા સંબંધો સૌભાગ્યની નિશાની છે. સંબંધો વિશે આવી ઘણી બધી વાતો સતત કહેવાતી રહે છે. એ બધી વાતો સાવ સાચી પણ છે. જોકે, દરેક સંબંધ સુખ, શાંતિ અને શાતા જ આપે એવુ જરૂરી નથી, કેટલાક સંબંધો ત્રાસ, પીડા, વેદના અને ઉત્ત્પાત જ આપતા હોય છે. કેટલાક સાવ નજીકના લોકો જ આપણને પીડા આપીને સેડેસ્ટિક પ્લેઝર મેળવે છે. આપણાથી સહન ન થાય એવા કેટલાક સંબંધો આપણને વારસામાં મળે છે, તો કેટલાક આપણે પોતે નોતરેલા હોય છે. સંબંધ બંધાય, દોસ્તી કે પ્રેમ થાય, મેરેજ થાય ત્યારે બધું જ સારું હોય છે, ધીમે ધીમે સમજાય છે કે, આની સાથે સંબંધ બાંધીને મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. સંબંધને એક તક આપવી જોઇએ, સંબંધ જાળવી રાખવા પ્રયાસો કરવા જોઇએ, થોડુંક જતું કરી દેવું જોઇએ, માફ કરી દેવું જોઇએ, એવી બધી વાતો પણ આપણે ખૂબ વાંચતા અને સાંભળતા આવ્યા છીએ, પણ દરેક કિસ્સામાં આવું થઇ શકતું નથી. જતું કરવામાં વાંધો ન હોય, પણ સવાલ ત્યારે આવે કે કેટલી વાર જતું કરવું? કેટલો ત્રાસ સહન કરવો? આપણો કોઇ વાંક ન હોય તો પણ ક્યાં સુધી ભોગવ્યા રાખવાનું? એક હદ થાય પછી કેટલાક સંબંધો તોડી નાખવામાં કંઇ જ ખોટું હોતું નથી. જિંદગીમાં સુખ ક્યારેક કોઇનાથી છુટકારા બાદ જ આવતું હોય છે.
રિલેશન ટોક્સિક થઇ જાય અને સંબંધો ઝેર જેવા લાગવા માંડે ત્યારે માણસે પોતાનો રસ્તો પસંદ કરવો પડતો હોય છે. ઘણા લોકોને પોતાના પર જ ભરોસો નથી હોતો. ઘણા લોકો સમાજના ડરથી થથરતા રહે છે. રોજેરોજ મરી મરીને જીવતા આવા લોકોની સંખ્યા બહુ મોટી છે. માણસે પોતાનું સુખ અને પોતાનું દુ:ખ મોટા ભાગે પોતે જ પસંદ કરેલું હોય છે. ઘણાને તો એ જ ભાન પડતું નથી કે, હવે આ સંબંધના સત્ત્વ જેવું કંઇ રહ્યું નથી. જ્યારે સામેની વ્યક્તિને એમ લાગવા માંડે કે હવે આની પાસે બીજો કોઇ રસ્તો જ નથી ત્યારે એનો અત્યાચાર વધી જતો હોય છે. વેલ, ક્યારે ખબર પડે કે, હવે અમારા સંબંધો ટોક્સિક થઇ ગયા છે? આ વિશે નિષ્ણાતોએ કેટલીક વાતો કહી છે. જ્યારે તમારા અસ્તિત્ત્વનો જ સ્વીકાર ન હોય ત્યારે સમજવું કે હવે સંબંધમાં કંઇ રહ્યું નથી. ગમે એટલું કરીએ તો પણ ટીકા જ કરવામાં આવે. તને કંઇ આવડતું નથી, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે જ નહીં, કોણ જાણે તારામાં ક્યારે સમજ આવશે? તારે બધાં કામમાં લોચા જ મારવા છે, આવી વાતો સતત સાંભળવા મળે ત્યારે સમજવું કે, હવે આ સંબંધ ખતમ થઇ રહ્યો છે. દરેક માણસમાં કંઇક ખામી હોવાની જ છે, ક્યારેક ભૂલ થવાની જ છે. સાચો સંબંધ એ છે જેમાં પોતાની વ્યક્તિ જેવી છે એવી એનો સ્વીકાર થાય. ભૂલ થાય તો સુધારવામાં મદદ કરે અને હતાશ થાય તો મોટિવેટ કરે. ઉતારી પાડવાની જ વાત હોય તો સંગાથ માત્ર નામ પૂરતો રહી જાય છે.
ટોક્સિક રિલેશન્સનાં બીજાં કેટલાંક ઉદાહરણો પણ છે. આપણી વ્યક્તિ જ આપણને કંટ્રોલ કરવા લાગે, આધિપત્ય જમાવવા લાગે અને એવું જ ઇચ્છે કે એનું ધાર્યું જ થાય અને એ કહે એમ જ કરવાનું તો સમજી લેવાનું કે આ સંબંધમાં કોઇ માલ નથી. ક્યારેક ભોળપણથી તો ક્યારેક ચાલાકીથી લોકો કંટ્રોલ કરતા હોય છે. મોઢે સારી સારી વાતો કરે, પણ અંદરખાને તો એની દાનત એવી જ હોય છે કે, એ ઇચ્છે એમ જ થાય. ઇમોશનલ એબ્યૂઝ અને ફિઝિકલ એબ્યૂઝ પણ ટોક્સિક રિલેશન્સ છતા કરે છે. ઘણા કિસ્સામાં નાની નાની વાતમાં હાથ ઉપાડી લેવામાં આવે છે. માર તો કોઇ સંજોગોમાં ચલાવી લેવો જ ન જોઇએ. ઘણા કિસ્સામાં લોકો મારતા નથી, પણ માનસિક રીતે અત્યાચાર વર્તાવે છે. ટોણાં મારે છે, મજાક કરે છે, બધાની વચ્ચે હલકા દેખાડવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત સતત અવિશ્વાસ પણ સંબંધો માટે જોખમી છે. કેટલાક કિસ્સામાં એવું જોવા મળે છે કે, એક વ્યક્તિ ગમે એટલી સાચી હોય, સામેની વ્યક્તિને વિશ્વાસ જ નથી આવતો. નાની નાની વાતમાં શંકા જ કરે છે. શંકાશીલ માણસ પોતાની વ્યક્તિનું જીવવું હરામ કરી નાખે છે. માણસ પોતાની નિર્દોષતાના પુરાવાઓ આપી આપીને થાકી જાય તો પણ એને શંકા જ થયે રાખે છે. ટોક્સિક રિલેશન્સનો એક વિચિત્ર પ્રકાર પણ છે. એમાં બેમાંથી એક વ્યક્તિ સતત ડ્રામા જ કરે છે. વાત વાતમાં એને વાંધા પડે છે. મોઢું ફૂલી જાય છે અને ખૂણામાં બેસી જાય છે. દરેક વાતમાં ભાવ ખાય છે. એને નાની નાની વાતમાં લાગી આવે છે. એવી વ્યક્તિ સાથે રહેવામાં એ જ ટેન્શન રહે છે કે ક્યાંક આને ખરાબ ન લાગી જાય, ક્યાંક આનું ફટકે નહીં. માણસ ધ્યાન રાખી શકે ત્યાં સુધી તો રાખતો જ હોય છે, પણ એક તબક્કે એવું લાગે છે કે, મારે સતત એ જ ટેન્શનમાં રહેવાનું કે આને ક્યાંક ખરાબ ન લાગી જાય? આવું થોડું હોય?
પોતાની વ્યક્તિ જાહેરમાં સન્માન જાળવે એ પણ જરૂરી છે. ક્યારેક મિત્રો સાથે થોડીક મજાક મસ્તી ઠીક છે, પણ જ્યારે મહત્ત્વના લોકો હોય ત્યારે પોતાની વ્યક્તિનું વર્તન બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અમુક કિસ્સામાં પતિ કે પત્ની એકબીજાનું જાહેરમાં અપમાન કરતાં હોય છે. આપણી જ વ્યક્તિ આપણી કદર ન કરે તો બીજા લોકો ક્યારેય કરવાના નથી. સાચો સંબંધ એ છે જેમાં બેમાંથી એકની કંઇ ખામી કે ભૂલ હોય તો તેને ઢાંકવાનો અને સંભાળી લેવાનો પ્રયાસ થાય, નહીં કે ઉતારી પાડવાનો. બધાની વચ્ચે ઝઘડી પડનારાં કપલ્સને આપણે જોયાં જ હોય છે. એને પોતાની જ પડી હોય છે, બીજાને કેવું લાગશે કે બીજા શું ઇમ્પ્રેશન લઇને જશે એની એને કોઇ પરવા હોતી નથી. ઘણા કિસ્સામાં ખાનગીમાં પણ લોકો એકબીજા વિરુદ્ધ અયોગ્ય વાતો કરતા રહે છે. એ છે જ એવી કે એ છે જ એવો, શું થાય હવે નિભાવવું પડે છે.
સંબંધમાં સૌથી મોખરે જો કંઇ હોય તો એકબીજાનું સન્માન અને આદર છે. ગમે તે થાય મારી વ્યક્તિનું ખરાબ દેખાવું ન જોઇએ. સંબંધનો ગ્રેસ છતો થવો જોઇએ. કેટલાંક કપલને જોઇએ એટલે એમ લાગે છે કે, એ બંને મેડ ફોર ઇચ અધર છે. કેટલાંકને જોઇને જ સમજાઇ જાય કે, આ બંને વચ્ચે મેળ નથી. પતિ-પત્ની વચ્ચે ક્યારેક ઝઘડા થાય એ સ્વાભાવિક છે. સમયાંતરે થતા ઝઘડાઓને તો રિલેશન્સ માટે હેલ્ધી પણ ગણવામાં આવે છે. અલબત્ત, એની ફ્રીક્વન્સી કેટલી છે એના પર પણ નજર રાખવી પડે છે. રોજેરોજ અને નાની નાની વાતોમાં વાંધો પડે, ઝઘડા થાય અને મગજની નસો તણાય તો એ સંબંધ માટે જોખમી બને છે. તમારા સંબંધોને ચેક કરતા રહો. તમારી વ્યક્તિ દૂર હોય ત્યારે તમને મજા ન આવે, એની રાહ જોવાતી હોય, એનો અવાજ સાંભળવાની ઉત્સુકતા હોય અને એટલી ખાતરી હોય કે એને મારી પરવા છે અને એને મારાથી ફેર પડે છે તો એ પૂરતું છે. સંબંધો જિંદગી અને સુખ માટે નો ડાઉટ જરૂરી છે, જો એ સારા હોય તો!
———
પેશ-એ-ખિદમત
ગમ-એ-હયાત કા ઝઘડા મિટા રહા હૈ કોઇ,
ચલે ભી આઓ કે દુનિયા સે જા રહા હૈ કોઇ,
કહો અજલ સે જરા દો ઘડી ઠહર જાએ,
સુના હૈ આને કા વાદા નિભા રહા હૈ કોઇ.
-સરદાર અંજુમ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 ઓગસ્ટ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com