સુખ પણ નેગેટિવ નહીં,
સાત્વિક હોવું જોઈએ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
વિચારો એક બે વાવી તમારું ધ્યાન દોરું છું,
બધાંએ બીજ ફણગાવી તમારું ધ્યાન દોરું છું,
તમારા હાથમાં તો છે તમારા દુ:ખનું ઓસડ,
હસીને હાથ લંબાવી તમારું ધ્યાન દોરું છું.
-નીતિન વડગામા
માણસ એની આખી જિંદગીમાં જે કંઈ પણ કરતો રહે છે એ બધું અલ્ટિમેટલી શા માટે કરતો હોય છે? સુખ માટે! રોજ સવાર પડે છે અને સુખની શોધ શરૂ થાય છે. દરેકને સુખી થવું છે. સુખી થવું જ જોઈએ. સુખી થવા અને સુખી રહેવા માટે એ પણ જોવું જરૂરી છે કે આપણે કેવી રીતે સુખી થઈએ છીએ? સાત્ત્વિકતાના પાયા ઉપર સુખની ઇમારત ચણાયેલી હોવી જોઈએ. પાયો જેટલો સાત્ત્વિક હશે એટલું સુખ વધુ ટકશે. ઘણાં સુખ છેતરામણાં હોય છે. આપણને લાગે કે આપણે સુખ અનુભવીએ છીએ, પણ એવું હોતું નથી. દુ:ખ એવાં છેતરામણાં સુખની પાછળ છુપાઈને ઊભેલું હોય છે. અચાનક જ એ આવીને આપણને વળગી જાય છે.
ખોટું કરવાવાળા ઘણું બધું ખોટું સુખ મેળવવા માટે કરતા હોય છે. એને એવું થાય છે કે થોડુંક ખોટું કરી લઉં પછી સુખ આવશે અને હું ખોટું કરવાનું છોડી દઈશ. ખોટું છૂટતું નથી. એનો કોઈ અંત નથી. એ ચાલતું જ રહે છે અને છેલ્લે એ જ સુખનું ગળું ઘોંટી નાખે છે. ટૂંકા રસ્તાઓ ક્યાંય જતા હોતા નથી. શોર્ટકટ હંમેશાં જોખમી હોય છે. ઝડપથી બહુ મેળવવાની લાય દુ:ખ પણ વધુ ઝડપથી લઈને આવે છે. દરેક માણસ પાસે સુખની અનુભૂતિ થઈ શકે એટલું હોય જ છે. આપણે માત્ર સુખ જોઈતું હોતું નથી, આપણને બીજા કરતાં વધુ સુખ જોઈતું હોય છે અને આપણાં દુ:ખનું કારણ પણ એ જ હોય છે. એની પાસે આટલું છે, મારી પાસે એટલું નથી. એ મારાથી આગળ છે. જે લોકો બીજાના સુખ ઉપર જ નજર રાખે છે એને પોતાનું સુખ દેખાતું નથી. સુખને આપણે સંપત્તિ અને સાધનોથી માપવા લાગ્યા છીએ. બેન્ક બેલેન્સ સુખની ગેરંટી આપતું નથી. સુખનો વીમો ઊતરતો નથી. દુનિયામાં કોઈ એવી સ્કીમ નથી કે તમે દુ:ખી હશો તો અમે તમને સુખી કરી દેશું! સુખી તો માણસે પોતે જ થવું પડે. સુખી થતાં પણ શીખવું પડે છે. સુખી થવા માટે જે હોય એને મહેસૂસ કરતાં આવડવું જોઈએ.
કુદરતે જે આપ્યું છે એ સુખી થવા માટે પૂરતું છે. ઈશ્વરે દરેક માણસને દિલ આપ્યું છે, દિમાગ આપ્યું છે, સરસ શરીર આપ્યું છે અને એ બધાને એકસરખું આપ્યું છે. સૂરજ બધા માટે સરખો જ ઊગે છે. સંધ્યા બધા માટે એકસરખી જ ખીલે છે. રાત અંધારું આપવામાં અન્યાય કરતી નથી, બધાને સરખું જ અંધારું આપે છે. પક્ષી માત્ર પૈસાદાર માટે ટહેકતાં નથી. ઝરણાંનો ધ્વનિ એવો નથી કે જુદા જુદા લોકોને અલગ અલગ સંભળાય. ઝાકળનાં બિંદુનું સૌંદર્ય બધા માટે એકસરખું જ છે. હવા બધાને એકસરખી ટાઢક આપે છે. કુદરતે દરેક માણસને સંવેદના, લાગણી, સ્નેહ, કરુણા અને આત્મીયતા પણ એકસરખી જ આપી છે. આપણે તેનો ઉપયોગ કરતા નથી અથવા તો જે રીતે ઉપયોગ કરવો જોઈએ એ રીતે કરતા નથી.
નવી કોઈ વસ્તુ લઈએ તો એને ચલાવતા અને વાપરતા શીખવું પડે છે. એનું એક ‘મેન્યુઅલ’ હોય છે. કેવી રીતે એ ચીજનો ઉપયોગ કરવો અને કેવી રીતે તેને જાળવવી એ વિશે ડિટેઇલમાં જાણકારી આપી હોય છે. તમને ખબર છે જિંદગીનું પણ મેન્યુઅલ હોય છે. સુખ કેમ મળે? શાંતિ કેવી રીતે ફીલ થાય? પ્રેમ કેમ પામી શકાય? કરુણાને કેમ જીવતી રખાય? જિંદગી કેવી રીતે જીવાય? આવું ઘણું બધું જિંદગીના મેન્યુઅલમાં હોય છે, પણ એ લખેલું હોતું નથી, એને તો ઉકેલવું પડે. એને સમજવું પડે અને એને જીવવું પડે! દરેકની જિંદગી યુનિક હોય છે. એક માણસ જે રીતે સુખી થયો હોય એવી રીતે બીજો માણસ સુખી ન થઈ શકે. તમારા સુખની રીત તમારે શોધવી પડે. આ બધામાં એટલું તો સાચું જ છે કે સુખ સાત્ત્વિક હોવું જોઈએ. સાત્ત્વિક સુખ જ શ્રેષ્ઠ હોય છે.
આપણું સુખ કેટલું સાત્ત્વિક હોય છે? તમે ક્યારેક તમારા સુખ વિશે થોડોકેય વિચાર કર્યો છે? એક દંપતીની આ વાત છે. આ દંપતીને એક દીકરો છે. ભણવામાં એવરેજ છે. તેના પિતા એ વાતે દુ:ખી રહે કે તેનો દીકરો સ્ટડીમાં હોશિયાર નથી. આ માટે એ પોતાના નસીબને પણ દોષ દે! જેવાં આપણાં નસીબ! કુદરતે આવું જ ધાર્યું હશે એવું કહેતો રહે! એક વખત આ દંપતી તેના એક રિલેટિવને મળવા ગયાં. એ કપલને પણ એક દીકરો હતો. એ દીકરો જન્મથી જ અપંગ હતો. ચાલી શકતો નહોતો. એની કેટલી માવજત કરવી પડે છે તેની વાત જાણીને બંને હચમચી ગયાં.
ઘરે આવ્યાં પછી પતિ-પત્ની વાતો કરતાં હતાં. પતિએ કહ્યું કે એનો દીકરો તો કેવો છે નહીં? બિચારાની દયા આવે છે. એનાં મા-બાપને પણ કેટલી ચિંતા રહેતી હશે. આપણો દીકરો કેવો સાજો સારો છે! આ વાત સાંભળી પત્નીએ કહ્યું કે, તને સારું લાગે છેને? પણ તારું આ સુખ નેગેટિવ છે. તું કોઈનું દુ:ખ જોઈ, હું દુ:ખી નથી એવું માનીને સુખ મેળવી રહ્યો છે! આ વાત યોગ્ય નથી. તારા સુખને સાત્ત્વિક રાખ. જે છે એ છે. જે છે એ સારું છે, જે છે એ પૂરતું છે એવું કેમ નથી વિચારતો? સરખામણી શા માટે કરતો રહે છે! કોઈનો છોકરો આપણા કરતાં ભણવામાં વધુ સારો છે એ જોઈને તું દુ:ખી થાય છે અને આપણો છોકરો બીજાના અપંગ છોકરા કરતાં સાજો સારો છે એ જોઈને તું સુખ અનુભવે છે. આ તે કેવી સુખની સમજ છે?
તને ખબર છે એ અપંગ બાળકનાં માતા-પિતા આપણાં કરતાં વધુ સુખી છે અને એનું કારણ એ છે કે એને જિંદગી સામે કોઈ ફરિયાદ નથી. દીકરો અપંગ છે તો છે, અમે તેની બેસ્ટ કાળજી લઈએ છીએ. અમને અમારા દીકરાનો ગર્વ છે. એનો દીકરો અપંગ છે એના કારણે તું એને દુ:ખી માની લે છે એ પણ બહુ વિચિત્ર છે. તારી સુખની વ્યાખ્યા બદલાવ નહીંતર તું દુ:ખી જ થયા રાખીશ. આપણે આપણા સુખની શોધ કરવાની હોય છે. આપણે સુખી જ છીએ, પણ તું માનવા ક્યાં તૈયાર છે? તું આપણને સુખી નહીં માને તો સુખ ક્યારેય ફીલ થવાનું જ નથી!
માણસ દુ:ખને એટલું વાગોળતો રહે છે કે એને સુખ સ્પર્શતું જ નથી. આપણે દુ:ખ ઉપર જ વિચારતા રહીએ છીએ. પ્રોબ્લેમ, સમસ્યા, ઉપાધિ, ફિકર, ચિંતાને જ લઈને ફરતા રહીએ છીએ અને કહેતા રહીએ છીએ કે હળવાશ જ લાગતી નથી. ક્યાંથી લાગે, આપણે આપણા ઉપર જે સવાર છે એને ઉતારીએ તો હળવાશ લાગેને! એક યુવાનની આ વાત છે. એ સફળ છે. સારી એવી સંપત્તિ પણ છે. એનું કહેવું હતું કે બધું છે, પણ સુખનો અહેસાસ નથી. એણે પોતાના બચપનની વાત કરી. મધ્યમવર્ગના ફેમિલીમાંથી તે આવે છે. પિતા સામાન્ય ક્લર્ક હતા. માતા હાઉસવાઇફ હતી. એક બહેન અને એક પોતે. તેણે કહ્યું કે ઘરનું માંડ માંડ પૂરું થતું. બધું ગણી ગણીને વાપરવા મળતું. ઘરમાં કંઈ ખાસ સગવડ ન હતી. એ પછી તેણે જે વાત કરી એ મહત્ત્વની છે. તેણે કહ્યું કે એ વખતે ઘણું બધું ન હતું, છતાંયે ક્યારેય એવું લાગતું ન હતું કે અમે દુ:ખી છીએ. અભાવ હતો, પણ સુખ છલોછલ હતું. થોડુંક મળતું એમાં એટલી બધી ખુશી થતી જાણે બધું જ મળી ગયું! કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગમાંથી આગળ આવ્યા હોય એને પૂછી જોજો, એ આવું જ કહેશે! આવું કેમ થાય છે? એનું સૌથી મોટું કારણ એ હોય છે કે ત્યારે જે કંઈ મળે એમાં આપણને સુખ જ મળે છે. આપણી નજર સામે સુખ જ હોય છે. ધીમે ધીમે એવું સુખ નજર સામેથી ખસતું જાય છે. સુખ સાવ ઝીણું અને નાનું-નાનું થતું જાય છે અને સાવ નાનું દુ:ખ પણ મોટું લાગવા માંડે છે. આપણે આપણી જિંદગીમાં જેને પંપાળતા રહીએ એ જ આપણો સ્વભાવ બની જાય છે. માણસ દુ:ખી હોતા નથી, માણસ પોતાને દુ:ખી માનતા હોય છે.
ઘણાને તો દુ:ખની એવી આદત પડી ગઈ હોય છે કે એને સુખ માફક જ આવતું નથી! એક પતિ-પત્ની બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યાં. ધીમે ધીમે ઇચ્છતાં હતાં એ બધું એમણે મેળવ્યું. વાત નીકળે ત્યારે પત્ની એવું કહે કે આપણે કેવાં દુ:ખી હતાં, નહીં? એક દિવસ પતિએ બહુ પ્રેમથી કહ્યું કે, તું એવું નહીં વિચાર કે કેવાં દુ:ખી હતાં, એવું વિચાર કે કેવાં સુખી છીએ! દુ:ખને શા માટે યાદ રાખે છે? સુખને ફીલ કરવા માટે દુ:ખને યાદ કરતા રહેવું જરાયે જરૂરી નથી. સુખ બહુ સૂક્ષ્મ ચીજ છે, એને સમજી શકીએ તો જ એને અનુભવી શકીએ!
તમે માનો છો કે તમે સુખી છો? જો માનતા હશો તો તમે સુખી હશો. જિંદગીમાં દુ:ખ હોય છે, પણ દુ:ખ હોય એના કરતાં સુખ અનેકગણું વધારે હોય છે. આપણે એક દુ:ખને ગાતા રહીએ છીએ એટલે સો સુખ દેખાતું નથી. એક ચિંતા, એક તકલીફ, એક સમસ્યા અને એક ઘટનાને આપણે એવડી મોટી બનાવી દઈએ છીએ કે મોટું સુખ પણ તેની આગળ નાનું લાગવા માંડે છે. તમારી પાસે છે એ જિંદગી જીવવા માટે પૂરતું છે. તમારી સરખામણી બીજા સાથે ન કરો. કોઈનું સુખ જોઈને દુ:ખી ન થાવ અને કોઈને દુ:ખી જોઈને પણ તમને સુખી સમજવાનો પ્રયાસ ન કરો. આપણું સુખ સાત્ત્વિક અને પોઝિટિવ હોવું જોઈએ. એ આપણી અંદર હોય જ છે, એના ઉપર બસ એક નજર નાખવાની હોય છે. સુખને તમારામાં જ શોધવાનો પ્રયાસ કરો, મળી જશે, એ તો હાથવગું જ હોય છે!
છેલ્લો સીન:
ઉદાસીનતા એ હંમેશાં ભૂતકાળનો વારસો હોય છે. દુ:ખ એ સ્મૃતિની તકલીફો હોય છે. –અજ્ઞાત.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com