એ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ મારી જિંદગીનો સૌથી

ખરાબ સમય હતો!

 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

તું જો આવે તો અછોવાનાં કરું, ને ગઝલથી સૌનાં મોં મીઠાં કરું,

સાત સપનાંની ધરી દઉં છાબડી, બે’ક સૂકાં પાંદડાં લીલાં કરું.

જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું એવાં ક્રિયાપદ બધાં ભેગાં કરું,

કેટલી પ્રીતિ ને પીડા કેટલી, એનાં કયાં લેખાં અને જોખાં કરું.

-અદમ ટંકારવી.

 

સમયને રંગ નથી હોતો. આમ છતાં સમય રંગ બતાવતો રહે છે. સમય રંગ બદલતો રહે છે. ગુલાબી રંગ અચાનક જ મરૂન થઈ જાય છે. સફેદ રંગ ક્યારેક કાળાશ ઓઢી લે છે. રંગ બદલવા સમયને ફાવે છે. એ જ તો એની પ્રકૃતિ છે. ક્યારેક એવો પણ વિચાર આવે કે સમયને દોષ દેવો વાજબી છે? સમય રંગ બદલતો હોય છે કે આપણા ઢંગમાં પરિવર્તન આવતું હોય છે? ગમે તે હોય આપણે ક્યારેક ને ક્યારેક તો સમય સાથે ઝઘડીએ જ છીએ.

જિંદગીમાં ક્યારેક એવું બને છે કે આપણે એવું બોલી દઈએ છીએ કે આવો સમય તો ભગવાન દુશ્મનને પણ ન બતાવે! એ કેવો અઘરો સમય હશે જે આપણને દુશ્મન કરતાં પણ વધુ ખરાબ લાગે છે! હોય છે, જિંદગીમાં આવો સમય આવતો હોય છે. એ સમયે આપણું ક્યાંય ધ્યાન નથી પડતું. હાથમાં હોય એ સરકતું જતું હોય છે. આપણી નજર સામે બધું થતું હોય છે અને આપણે કંઈ જ કરી શકતા નથી. મનને આશ્વાસન આપીએ છીએ. આ સમય પણ પસાર થઈ જશે. જોકે, એ પસાર થતો હોય છે ત્યારે સાંગોપાંગ વેતરતો જતો હોય છે.

સમય સામે બાંયો ચડાવી શકાતી નથી. સમય સામે લડવા આપણે તૈયાર થઈએ છીએ. ઘા ઝીલવાની પણ તૈયારી હોય છે. સમયના પ્રહારથી બચવા આપણે બખ્તર પહેરીએ છીએ. હું ગભરાવાનો નથી. સમય આપણી સામે હસે છે. હું ક્યાં તને ડરાવવા આવ્યો છું! હું તારી કસોટી કરવા પણ નથી આવ્યો. હું તો તને સફળ કરવા આવ્યો છું. નીકળી જા આમાંથી. સ્વસ્થ થઈ જા. તું મારા વિશે ગમે તે ધારી લે એમાં હું શું કરું? મને તો બધા બદનામ જ કરે છે. ક્યારેક મને વેરી માની લે છે. મારા વિશે એવું કહેવામાં આવે છે કે હું તો ગતિ છું. ચાલતો જ રહેવાનો છું. બદલતાં રહેવું એ જ તો મારી ફિતરત છે. તમને ક્યારેય મારા વિશે સહાનુભૂતિ કેમ નથી થતી? મને તો ક્યારેક એવું લાગે છે કે દુનિયામાં કંઈ સ્થિર હોય તો એ હું જ છું. પસાર તો તમે બધા થાવ છો. સમય બોલતો નથી. સમયને અવાજ હોત તો એનો સંવાદ કદાચ સાવ જુદો જ હોત.

જ્યોતિષીઓની એક અલગ જ દુનિયા છે. ભવિષ્ય ભાખી શકાતું નથી છતાં આખી દુનિયામાં આવા પ્રયાસો થતા રહ્યા છે. હજુ પણ થતા રહેવાના છે. બાય ધ વે, ગ્રહો મુજબ સમય બદલે છે કે સમયને ગ્રહો અનુસરે છે? સમયને જુદો પાડી શકાય? કેટલોક સમય સારો હોય છે. કેટલોક ખરાબ. ક્યારેય સમય સારો પણ નથી હોતો કે ખરાબ પણ નથી હોતો. બસ, ખેંચાતો હોય છે. ચાલતો રહે છે. સમય ડાહ્યો થઈને સીધી લીટીમાં આવી જાય છે. અચાનક એની ડાગળી ચસકે છે. સીધી લીટીમાં એને ફાવતું નથી. ક્યારેક તો એવું લાગે કે સમય પણ માણસ જેવો જ છે. એકસરખો રહેતો જ નથી. કદાચ બોર થઈ જતો હશે. એને પણ ચેઇન્જ જોઈતો હશે. એને પણ ફ્રસ્ટ્રેશન આવતું હશે. એને પણ એક્સાઇટમેન્ટ થતું હશે. એને થતું હશે, ચલને જરાક રમત કરું. કદાચ કંઈક મજા આવશે.

એક માણસને સમય સાથે સંવાદ થયો. એ મજામાં ન હતો. સમયને કહ્યું, તું અત્યારે મારી સાથે ખરાબ ચાલી રહ્યો છે. સમયે કહ્યું કે ચાલ માની લઈએ કે અત્યારે હું ખરાબ છું, પણ એમાં મારી સાથે ઝઘડો કરવાનો? તું થોડોક હિસાબ માંડ. અત્યાર સુધીમાં હું તારી સાથે કેટલો સારો રહ્યો છું? ત્યારે તો તેં ક્યારેય ન કહ્યું કે અત્યારે તું સારો ચાલી રહ્યો છે. ખરાબ હોય ત્યારે જ હું તને યાદ આવું છું. હું કંઈ તને યાદ આવું એટલે ખરાબ રહેતો નથી.

ઓટ આવે ત્યારે દરિયાને થતું હશે કે મારો ખરાબ સમય ચાલે છે. પાનખરમાં વસંતે ક્યારેય એવી ફરિયાદ કરી છે કે મારો ખરાબ સમય શરૂ થયો છે. ઓટનું સૌંદર્ય જાળવી રાખે તો દરિયાને અફસોસ ન થાય. વસંત પાનખરને પણ નવું સૌંદર્ય મળવાનું છે એવું સમજે તો પાનખરનું સૌંદર્ય પણ જળવાયેલું રહે. ઉદાસીનું પણ એક સૌંદર્ય હોય છે. ગ્રેસથી એ સૌંદર્ય જળવાય છે. ગમ ગમે તેવો હોય ગરિમા અડીખમ રહેવી જોઈએ. ગમને હમદમ કેટલા લોકો બનાવી શકતા હોય છે? ગમ હોય ત્યારે ગમગીન થઈ જવાય એ સ્વાભાવિક છે, પણ ગમગીની પણ સંગીન હોવી જોઈએ. કાળાશ પણ આખરે તો એક રંગ જ છેને? અંધારાનું પોતાનું સૌંદર્ય હોય છે. બ્લેક ઇઝ બ્યૂટીફૂલ કંઈ એમ જ તો નહીં કહેવાયું હોયને!

સમય અઘરો હોય છે. સમય આકરો હોય છે. સમય ક્યારેક આહ્્લાદક લાગે છે તો ક્યારેક આઘાતજનક. ક્યારેક અત્યંત વહાલો લાગે છે. આપણને સૌથી વહાલું હોય એ પણ ક્યારેક ક્યાં વાયડું થતું હોતું નથી? સમય પણ ક્યારેક વાંકો ચાલે છે. તમારી જિંદગીમાં સૌથી અઘરો સમય કયો હતો? કયો દિવસ એવો હતો જે કીડીની ગતિથી પસાર થતો હોય એવું લાગતું હતું? સમય જ ક્યારેક ટાઇમબોંબ બની જતો હોય છે. અચાનક એવો ફાટે છે કે આપણી આંખે અંધારા આવી જાય છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે કે આ બધું શું થવા બેઠું છે!

ચલો, પાછા એ સવાલ પર આવીએ કે તમારી જિંદગીનો સૌથી કપરો સમય કયો હતો? કઈ નિષ્ફળતા વખતે તમે સમયને દોષ દીધો હતો? નાપાસ થયા ત્યારે? પ્રેમી કે પ્રેમિકા સાથે જુદા પડવાનું થતું ત્યારે? વતન છોડીને બહાર કામ-ધંધા અર્થે જવાનું થયું ત્યારે? કોઈ અકસ્માત નડ્યો ત્યારે? નોકરીમાં પ્રમોશન ન મળ્યું ત્યારે? નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે? કોઈ મિત્રએ વિશ્વાસઘાત કર્યો ત્યારે? ડિવોર્સ સુધી વાત પહોંચી ત્યારે? મોટો આઘાત પહોંચે એવી ઘટનાઓ આખરે જિંદગીમાં કેટલી હોય છે? એ વાત જુદી છે કે આપણે તો નાની નાની વાતોમાં પણ દુ:ખી અને ડિસ્ટર્બ થઈ જઈએ છીએ! પ્લેન મિસ થાય તો પણ સમયને કોસીએ છીએ. નેટવર્ક પ્રોબ્લેમને કારણે મેઇલ ન થાય તો પણ આપણને નસીબ ભંગાર લાગવા માંડે છે. બાકી દિલને વેદના થાય અને અસ્તિત્વ હચમચી જાય એવી ઘટનાઓ તો બહુ ઓછી હોય છે. તમને ખબર છે, જિંદગીનો સૌથી ખરાબ સમય કયો હોય છે?

એક મોટી ઉંમરની વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીનો વર્સ્ટ ટાઇમ કયો? કયા સમયની વેદનાને તમે ભૂલી શકતા નથી? એ માણસની આંખોના ખૂણા થોડાક ભીના થઈ ગયા. બોલવા માટે પ્રયાસ કરવો પડે એવી અમુક ક્ષણો હોય છે. અમુક વાત ગળામાં બાઝેલા ડૂમામાંથી ખેંચીને બહાર લાવવી પડતી હોય છે. ગળગળા કંઈ એમ જ થઈ જવાતું નથી હોતું, દિલમાં અને આંખમાં ગળતર થાય ત્યારે માણસ ગળગળો થઈ જતો હોય છે! એ માણસે કહ્યું કે, મારી પત્ની જ્યારે મને છોડીને ચાલી ગઈ ત્યારનો સમય સૌથી અઘરો હતો. હોસ્પિટલના બિછાના પરથી મેં એને ધીરે ધીરે જતા જોઈ છે. આપણી વ્યક્તિ આપણી સામે હોય અને એ એક એક કદમ દૂર જતી હોય છે. એનો હાથ હાથમાં હોય અને સંગાથ પાતળો પડતો જતો હોય છે. એક દૃશ્ય જરાયે ભુલાતું નથી. એના ચહેરા પર ઓક્સિજન માસ્ક હતું. હું એકધારું એની સામે જોતો હતો. એવી જ રીતે જ્યારે એના પ્રેમમાં પડ્યા પછી અમે બગીચામાં મળતાં હતાં ત્યારે તેની સામે એકધારું જોતો. મારી સામે એણે આંખો માંડી. એ જરાક હસી. જાણે મને કહેતી ન હોય કે હજુ તું એવી જ રીતે મારી સામે જુએ છે જેમ પહેલાં જોતો હતો. હું ટગરટગર જોતો ત્યારે એ કહેતી કે આમ એકધારું ન જો. મને કંઈક થાય છે. આજે કદાચ કહેતી હતી કે, એકધારું જો. જોઈ લે મને જેટલી જોવી હોય એટલી. હજુ આંખો ખુલ્લી છે. હજુ શ્વાસ ચાલે છે. થોડાક તો થોડાક હજુ હોઠ મલકે છે. આજે એમ નહીં કહું કે મને આમ એકધારું ન જો. આજે તું પણ જોઈ લે અને મને પણ તારી સામે જોઈ લેવા દે. હું ટ્રેનમાં જતી ત્યારે ટ્રેન ઉપડી ગયા પછી હું દેખાતી હોઉં ત્યાં સુધી તું ન ખસતો. એરપોર્ટ પર દેખાય ત્યાં સુધી તું ઊંચો થઈ મને જોતો. છેલ્લે તો માત્ર તારો હાથ દેખાતો. એ હાથ ચૂમી લેવાનું મન થતું. હવે પણ જવાની છું ત્યારે આમ છેક સુધી મને જોતો રહે. આજે હું ચાલીને નથી જતી. ફક્ત મારી આંખોનું દૃશ્ય ઝાંખું ઝાંખું થતું જાય છે. દેખાતો બંધ ન થાય ત્યાં સુધી તને જોઈ લેવો છે.

એ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. એણે પછી બોલવાનું બંધ કરી દીધું. સ્વજનની વિદાય એ જિંદગીનો સૌથી કપરો સમય છે. આપણે પણ આપણી સામેથી ઘણાને પસાર થતા જોયા છે, જેની સાથે એટલું હસતા હોઈએ છીએ કે આપણાથી હવે બસ એવું બોલાઈ જાય છે. જેને બસ કહેતા હોય એ જ શબ બની જાય ત્યારની વેદના અકલ્પનીય હોય છે. જે સર્વસ્વ હોય છે એ સ્વર્ગસ્થ બની જતું હોય છે. આપણને એ ખબર નથી હોતી કે કોણ કેટલો સમય છે. આપણે છતાંયે લડતા-ઝઘડતા રહીએ છીએ. તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો એ કાલે ન હોય તો? પ્રેમ કરી લો, પૂરેપૂરું જીવી લો, લાગણીમાં તરબોળ થતા અને પોતાની વ્યક્તિને તરબોળ કરતા રહો. અત્યારે સારો સમય છે. આવો સમય વેડફાઈ ન જાય એવી તકેદારી રાખજો. થોડુંક એકધારું જોઈ લો. થોડોક શ્વાસ સાંભળી લો. એકબીજાને શોધવા ન પડે એવી રીતે ખોવાઈ જાવ. સારા સમયને પણ સાર્થક કરવો પડતો હોય છે.

છેલ્લો સીન :

આ ક્ષણ મહત્ત્વની, નિર્ણાયક અને નાજુક નથી એમ માની લેવું એ જીવનનો સૌથી મોટો ભ્રમ છે. પ્રત્યેક પળ વર્ષની સર્વોત્તમ ક્ષણ છે. એ વાત તમારા હૈયામાં કોતરી રાખો.    -એમર્સન.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 જુન 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *