એ બોલી દે છે પણ એના
મનમાં કંઇ હોતું નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયાં ઉમંગમાં!
કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!
– હરજીવન દાફડા
ખરેખર જે રીતે બોલવું જોઇએ એ રીતે કેટલા લોકો બોલતા હોય છે? આપણે ઘણી વખત એવું કહેતા હોઇએ છીએ કે, સીધી રીતે વાત કરને, આમ ગોળ ગોળ ફેરવ નહીં! જે કહેવાનું હોય એ સ્પષ્ટ કહે! ઘણા લોકો એવી રીતે બોલશે કે આપણને સમજાય જ નહીં કે એ કહેવા શું માંગે છે? સરળ માણસ હંમેશાં જે કહેવાનું હોય એ સાદી અને સારી રીતે કહેશે. કોઇ રમત નહીં, કંઇ મોભમ નહીં, કોઇ કટાક્ષ નહીં. માણસ જન્મે ત્યારે એને રડતા અને હસતા આવડતું હોય છે, બોલતા માણસે શીખવું પડે છે. બોલતા આવડી જાય પણ કેવી રીતે બોલવું એ ઘણાને આખી જિંદગી આવડતું નથી. એવી વાયડાઇથી બોલે કે સામેનો માણસ ઊભેઊભો સળગી જાય. ઘણા શબ્દોની સાથે કરવત લગાવીને જ બોલતા હોય છે. માણસનું ચારિત્ર્ય એ કેવી રીતે બોલે છે એના પરથી મપાતું હોય છે. ઘણા લોકો બોલતા હોય છે મીઠું, પણ એમાં તેની રમત હોય છે. ઘણા લોકો બીજાને ઇમ્પ્રેસ કરવા, પોતાનો વટ પાડવા કે પોતાની જાતને વધુ હોશિયાર સાબિત કરવા જાતજાતની વાતો કરતા હોય છે. સામેનો માણસ અભિભૂત થઇ જશે, પણ જો આપણે ખોટા ફાંકા મારતા હોઇએ તો વહેલા કે મોડા વર્તાઇ આવીએ છીએ. ઘણા વિશે આપણે જ એવું કહેતા હોઇએ છીએ કે, એ બોલે છે કંઇ અને કરે છે કંઇ. ધ્યાન રાખજે હોં, એની વાતોમાં આવી ન જતો, કારણ વગર પસ્તાવું પડશે. આપણે બીજા કેવી રીતે બોલે છે એ માપતા રહીએ છીએ, પણ આપણે પોતે કેવી રીતે બોલીએ છીએ એનો આપણને અણસાર હોય છે ખરો? આપણો ટોન, આપણી વાત કરવાની રીત, આપણી દાનત કેવી હોય છે?
એક ઓફિસમાં બે યુવાનો કામ કરતા હતા. ધીમે ધીમે બંને મિત્રો બની ગયા. દોસ્તી થવાનું કારણ એ હતું કે, એક યુવાન બહુ સારી રીતે વાત કરતો હતો. બધાની સાથે બહુ સરસ ટોનમાં વાત કરે અને ખૂબ જ સારું વર્તન કરે. એક વખત એ મિત્ર તેની સાથે કામ કરતા મિત્રને ઘરે લઇ ગયો. ઘરે ગયા ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘરમાં એ માણસ સાવ જુદી રીતે જ બિહેવ કરતો હતો. તેની પત્ની સાથે અત્યંત તોછડાઇથી વાત કરતો હતો. મિત્રનું આવું રૂપ તો તેણે જોયું જ નહોતું. બીજા દિવસે ઓફિસમાં બંને મળ્યા. પેલા મિત્રએ કહ્યું કે, તને ખરાબ ન લાગે તો એક વાત કહું. તું બાકી બધા સાથે તો બહુ સારી રીતે વાત કરે છે, પણ તારી પત્ની સાથે તારો ટોન વિચિત્ર હતો. એ મિત્રએ કહ્યું, ઘરમાં થોડોક દાબ રાખવો પડે, નહીંતર આપણને ગણકારે જ નહીં! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એ તારાથી ડરે એને તું ગણકારવું કહે છે? એના ચહેરા પર દેખાતું હતું કે, તું હમણાં ઘાંટો પાડીશ. પોતાની વ્યક્તિને દાબમાં નહીં પણ પ્રેમમાં રાખવી જોઇએ. ગમે એવો ડર કે ભય હોય, એક સમય એવો આવે છે જ્યારે માણસ ડરને ભૂલીને સામો થાય છે. જે થવું હોય એ થાય એવું વિચારીને સામે બોલવા લાગે છે. એ પછી જે થાય એ સારું નથી હોતું. તારું ઘર છે, તારી વાઇફ છે અને તારી લાઇફ છે, તારે જે કરવું હોય એ કરજે, પણ એક મિત્રના નાતે એટલું ચોક્કસ કહીશ કે, તું જે કરે છે એ યોગ્ય નથી. જે ઘરમાં પોતાની વ્યક્તિ ફફડાટમાં જીવતી હોય એ ઘરમાં પડ્યો બોલ ઝિલાતો હોય છે, પણ એમાં પ્રેમ હોતો નથી, માત્ર હુકમનું પાલન હોય છે.
આપણે તો જે હોય એ મોઢામોઢ કહી દઇએ, કંઇ બાકી રાખવાનું જ નહીં, એવું પણ ઘણા લોકો કરતા હોય છે. જે કહેવું હોય એ કહેવામાં કંઇ વાંધો હોતો નથી, પણ જે રીતે કહેવાતું હોય છે એ રીત સારી હોવી જોઇએ. ઘણા લોકો તોછડાઇથી મન ફાવે એમ કહી દેતા હોય છે અને પછી પોતે જ જાણે સાચા હોય એમ પોતાને સર્ટિફિકેટ આપી દે છે કે, મને તો જે સાચું લાગે એ કહી જ દઉં છું. માણસ પોતાને સાચો જ માનતો હોય છે. વાત સાચી હોય એટલું પૂરતું નથી, રીત પણ સારી હોવી જોઇએ. એક ફેમિલી હતું. તેમાં એક વડીલ બધાને મન ફાવે એમ બોલી દે. પરિવારના એક છોકરાના મેરેજ થયા. એ પત્ની સાથે વડીલના આશીર્વાદ લેવા ગયો. એ વડીલે પોતાની આદત મુજબ મન ફાવે એમ કહ્યું. પતિ-પત્ની મળીને બહાર નીકળ્યાં ત્યારે પત્નીએ કહ્યું કે, એ વડીલ બહુ તોછડા લાગ્યા, એમની બોલવાની રીત સારી નહોતી. પતિએ કહ્યું, એ ગમે તેમ બોલી દે છે, પણ એમના મનમાં કંઇ નથી હોતું! પત્નીએ કહ્યું, એમના મનમાં ખરેખર કંઇ નહીં હોય, પણ આપણા મનમાંથી નીકળે નહીં એનું શું? તમે જ્યારે કંઇ કહો છો ત્યારે માત્ર તમારે બીજાના મનને શું અસર થશે એ પણ વિચારવું જોઇએ કે નહીં? તમારા શબ્દો બીજાને ઉઝરડા પાડી દે એવા તો ન જ હોવા જોઇએ. માણસ જે બોલે છે એમાં એની મીઠાશ કે કડવાશ ઝરતી હોય છે. સામેની વ્યક્તિ તો એ જ લઇ જવાની છે જે એને મળે છે. મીઠાશ હશે તો મીઠાશ અને કડવાશ હશે તો કડવાશ!
મોટા ભાગે વાદ, વિવાદ, વિખવાદ, ઝઘડા, માથાકૂટ, મતભેદ, સંઘર્ષ કે લડાઇ માત્ર ને માત્ર બોલવાના કારણે થાય છે. જેને વાત કરતા નથી આવડતી એ બીજા સાથે માથાકૂટ જ કરતા રહે છે. સમજ, ડહાપણ, આવડત, બુદ્ધિ અને જ્ઞાન છેલ્લે તો એનાથી વર્તાતું હોય છે કે, આપણે કેવી રીતે વાત કરીએ છીએ. આપણી વાતમાં ડેપ્થ હોય છે ખરી? કંઇ પણ બોલવું અને ગમે તેમ બોલવું એના કરતાં મૌન રહેવું વધુ સારું છે. એક યુવાન હતો. એ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો, શાંતિથી રહેવાય અને સંઘર્ષ ન થાય એના માટે શું કરવું? સંતે કહ્યું, બહુ જ સરળ છે. જ્યાં જરૂર ન હોય ત્યાં ન બોલવું, આપણી વાતને ગંભીરતાથી લેવાતી હોય તો જ બોલવું. કોઇ પૂછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી અને માને એમ ન હોય તેને કોઇ શિખામણ ન આપવી. આપણા શબ્દોનું મૂલ્ય હોય છે. એ મૂલ્ય કેટલું છે એ આપણે કેવું અને કેટલું બોલીએ છીએ એના પરથી નક્કી થતું હોય છે. આપણા શબ્દની જેને કોઇ કિંમત ન હોય ત્યાં બોલવાનો કોઇ મતલબ હોતો નથી! જે શબ્દોનું સન્માન નથી કરતા તેણે અપમાન સહન કરવું પડે છે!
છેલ્લો સીન :
બોલવામાં ધ્યાન રાખવું. બોલાયેલા શબ્દો પડઘાતા રહે છે. સારા શબ્દો કહેશો તો લોકો ભૂલી જશે, પણ હલકા અને ખરાબ શબ્દો કહેશો તો એ યાદ રાખશે પણ ખરા અને યાદ અપાવશે પણ ખરા! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 29 સપ્ટેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com