તું બીજાની ખીજ મારા ઉપર ઉતાર નહીં! : ચિંતનની પળે

તું બીજાની ખીજ મારા

ઉપર ઉતાર નહીં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જિવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે બેફામ,

કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

– બરકત વીરાણી ‘બેફામ’

યાર એટલું બધું ટેન્શન છે ને કે વાત જવા દે. તનાવ એ જગતનો સાર્વત્રિક રોગ બની ગયો છે. બધા જ લોકો માથે ટેન્શન સવાર છે. દરેકના મોઢે ફરિયાદ છે. કોઈ પાસે પોતાના માટે પણ સમય નથી. કોઈને મરવાની પણ ફુરસદ નથી. જીવવાની આવડત નથી. બધા લોકો કોઈ એવી અજાણી દોડમાં જોડાયેલા છે જેનો કોઈ અંત જ નથી. દરેકને ક્યાંક પહોંચવું છે, પણ ક્યાં જવું છે એની કોઈને ખબર નથી. દરેકને પોતાને ગમતું કરવું છે, પણ કેવી રીતે કરવું એ સમજાતું નથી. બધાને પ્રેમ જોઈએ છે, પણ પ્રેમ કરવાનો કોઈ પાસે સમય નથી. સામાન્ય વાતમાં આપણે ચિડાઈ જઈએ છીએ. બહુ ઓછા લોકો એવું વિચારે છે કે, હું આ શું કરી રહ્યો છું. જે કરું છું એ બરાબર કરું છે કે નહીં? દરેકને ભાગી જવાનું મન થાય છે. બધું છોડી દેવાનું મન થાય છે. બધાથી ‘કટ ઓફ’ થઈ જવાની ઇચ્છા થતી રહે છે.

ઘણી વખત કોઈ જ વાતનો કોઈ મતલબ લાગતો નથી. બધું જ જાણે ભ્રમ હોય એવો અહેસાસ થાય છે. વાત એવી કરે છે કે જીવવા માટે કેટલું જોઈએ? છતાં કંઈ અટકાવતા નથી. જીવવા જોગું દરેક પાસે હોય જ છે. પેટ તો બધાનું ભરાઈ જતું હોય છે, અપેક્ષાઓનું ખપ્પર ખાલી જ રહે છે. સાત પેઢી સુધી ખૂટે નહીં એટલી સંપત્તિ હોવા છતાં સાત દિવસ પણ સુખી રહી શકાતું નથી. સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરી પોતે સુખી અને જાણીતાં હોવાનું સાબિત કરવા ધમપછાડા કરતા રહે છે અને કોઈના અપડેટ્સ જોઈને જલતા રહે છે. બધા જ મજા કરે છે અને હું મજૂરી કરું છું. એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસીને કામ કરનારી વ્યક્તિને પણ મજૂરી કરતા હોય એવું લાગે છે.

કોઈની લાંબી લીટી સહન થતી નથી અને પોતાની લીટી લાંબી થઈ શકતી નથી. માંડ માંડ પોતાની લીટી લાંબી કરી હોય ત્યાં કોઈ આવીને લીટી ભૂંસી નાખે છે. રાજકારણ માત્ર દિલ્હી કે ગાંધીનગરમાં જ નથી રમાતું, દરેક ઘરમાં અને દરેક દિલમાં દાવપેચ ચાલતા રહે છે. કાવાદાવા, ખટપટ, ખુશામત અને કોઈને પાડી દેવાની રમતો ચાલતી રહે છે. બધાને સફળતામાં નંબર વન થવું છે અને સુખમાં પોતાનો નંબર કેટલામો છે તેની કોઈને ચિંતા નથી. શાંતિથી વિચાર કરજો, હું ખુશ છું? હું મજામાં છું? મને સંતોષ છે? આપણે કહેશું હા, હું હેપ્પી છું, તો પછી આ બધો ઉચાટ શેનો છે? કપાળ પર પરસેવો કામનો નથી વળતો, પણ ટેન્શનનો વળે છે. એસીની ઠંડકમાં પણ આપણે અંદરથી બળતા હોઈએ છીએ!

બધાનો પારો ચડેલો હોય છે. દરેક પાસે પોતાનું ફ્રસ્ટ્રેશન છે. પોતાનો વલોપાત છે. પોતાનો વલવલાટ છે. ફ્રસ્ટ્રેશન કાઢવું ક્યાં? પોતાની વ્યક્તિ સૌથી પહેલો ભોગ બને છે! તને ખબર છે મને કેટલાં ટેન્શન છે? સર્વાઇવ થવા માટે કેટલી મહેનત કરવી પડે છે! મારો તો વિચાર કર! કોઈને મારી કંઈ ચિંતા જ નથી. બધાને બસ પોતાની પડી છે. આવો વિચાર છેક ત્યાં જઈને પહોંચી જાય છે કે બધા જ સ્વાર્થી છે, દરેક લોકો મતલબી છે, કામ હોય એટલે જ બધા સંબંધ રાખે છે.

આપણે આપણી હતાશા, નિરાશા, ઉદાસી, નારાજગી, ફ્રસ્ટ્રેશન કે પીછેહઠ સહન કરી શકીએ છીએ? બહુ ઓછા લોકો કરી શકે છે. બાકી લોકો બીજા ઉપર ઠોકી બેસાડે છે. એક પતિ-પત્નીની વાત છે. પતિ રોજ રાતે થાકી હારીને ઘરે આવે. ઘરમાં આવે ત્યારે એકદમ ફ્રેશ થઈ જાય. પત્નીને હગ કરીને મળે. બાળકોને વહાલ કરે. પત્નીને બહારથી ખબર પડી કે પતિને ઓફિસમાં હમણાં ટેન્શન ચાલે છે. બોસ રોજ તાડૂકે છે. ક્લીગ્સ રમત રમ્યા કરે છે. એક દિવસ પત્નીએ કહ્યું કે, તું ઓકે છેને? પતિએ કહ્યું, હા, બિલકુલ ઓકે છું. પત્નીએ કહ્યું, તને ઓફિસમાં પ્રેશર ચાલે છે. પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું, હા થોડુંક ચાલે છે. ચાલે, એ તો પાર્ટ ઓફ જોબ છે. તો પણ તું ઘરમાં આટલો રિલેક્સ કેમ રહી શકે છે? પતિએ કહ્યું, ઓફિસમાં જે પ્રેશર, ખટપટ, કાવાદાવા અને તનાવ ચાલે છે એ પાર્ટ ઓફ જોબ છે અને અહીં ઘરમાં જે છેને એ પાર્ટ ઓફ લાઇફ છે! ઘરની ડોરબેલ વગાડું છું ને એ સાથે હું ઓફિસનો દરવાજો ધડામ દઈને બંધ કરી દઉં છું અને તું ઘરનો દરવાજો ઉઘાડે એમાં પ્રવેશી જાઉં છું. આ ઘર અને તારો પ્રેમ તો મને બીજા દિવસે ટટ્ટાર ચાલવાની હિંમત આપે છે. એને હું શા માટે નબળું પડવા દઉં?

દરેક વ્યક્તિ બે જિંદગી જીવતી હોય છે. એક અંદરની અને બીજી બહારની. બંને મહત્ત્વની જિંદગી છે, પણ જો બેલેન્સ જાળવતા ન આવડે તો બંને અસ્તવ્યસ્ત અને ધ્વસ્ત થઈ જાય છે. બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ માત્ર પ્રેમનો અભાવ નથી હોતો, મોટાભાગે તો સમજદારીનો અભાવ હોય છે! ક્યારે કોને કેટલો સમય આપવો એની સમજ ન પડે તો સમય ખરાબ થઈ જાય છે. સમય ઓછો હોય તો ચાલે, પણ એ સમય સ્વચ્છ, સ્વસ્થ અને સંવેદનાથી છલોછલ હોવો જોઈએ.

માત્ર ઘરની બહાર જ નહીં, ઘરની અંદર પણ ક્યારેક તનાવનાં વમળો સર્જાતાં રહે છે. એક યુવાનની વાત છે. ઘરે પહોંચે ત્યાં જ પત્ની કહેવા લાગે કે આજે કામવાળીએ આ ફોડ્યું. દીકરો માનતો નથી. દીકરી મોબાઇલ લઈને બેસી રહે છે. તમે કેમ કંઈ કહેતા નથી. પતિએ પત્નીને નજીક લઈને કહ્યું તું બીજાની ખીજ મારા ઉપર શા માટે ઉતારે છે? પત્નીએ કહ્યું, તમને ન કહું તો કોને કહું? પતિએ કહ્યું, હા તારી વાત સાચી છે. મને કહે એનો વાંધો નથી, પણ કહી દીધા પછી તો હળવી થઈ જા. ચાલ હવે થોડુંક હસી દે! ખીજ પણ ક્યાં આસાનીથી ખંખેરી શકાતી હોય છે!

કોઈની પર ખીજ ઉતારી ન શકે એ ઘણી વખત પોતાના પર ઉતારતા હોય છે. મારે કોઈની સાથે વાત જ નથી કરવી. કોઈ સાથે કનેક્ટેડ જ નથી રહેવું. મોબાઇલ ડેટા પણ બંધ કરી દે છે. ભાગેડુવૃત્તિથી કંઈ શાંતિ મળતી નથી. બધી સમસ્યાને હસતા મોઢે ફેસ કરવાની અને સ્થિતિને સમજવાની જરૂર હોય છે. તમે ઉદાસ છો તો તેનું કારણ શોધો અને તેને અતિક્રમી જાવ, તેને હરાવી દો, તેની સામે જીત મેળવો. તમારા હસતાં મોઢાથી બીજાને તો ફેર પડતો હશે તો પડશે, તમને તો પડશે જ. બનવાજોગ છે કે તમારી વ્યક્તિ પણ તમારું હસતું મોઢું જોવા જ તડપતી હોય! દુનિયા ભલે એવું કહે કે, ગુસ્સો ન કરવો, પણ ગુસ્સો દરેકને ક્યારેક ને ક્યારેક તો આવી જ જાય છે. કોઈને ઓછો આવે અને કોઈને વધુ. ગુસ્સાનું પણ ભાન હોવું જોઈએ. જો ભાન ન હોય તો ગુસ્સો આપણને જ ભરખી જાય છે. કોઈના પરનો ગુસ્સો કોઈ ઉપર ઊતરે છે પરિણામે એક નહીં, પણ બે સંબંધ બગડે છે. ગુસ્સાથી પોતાને જે નુકસાન થાય છે એ તો કોઈ ગણતું જ નથી. તમે લાલચોળ હોવ ત્યારે તમારો તાપ માત્ર બીજાને જ નથી દઝાડતો હોતો, આપને પણ થોડો થોડો બાળતો હોય છે. શાંતિથી જીવવા માટે ખીજને સમજવી જરૂરી છે. જે લોકોને પોતાના સંબંધોની પરવા હોય તેમણે પોતાના સ્વભાવ પર નજર રાખતા રહેવી જોઈએ. સ્વભાવ સ્થિર ન હોય તો અભાવ સર્જાય છે.

છેલ્લો સીન :

આપણો ગુસ્સો, આપણી નારાજગી અને આપણી ઉદાસી સૌથી વધુ આપણને જ નુકસાન કરતી હોય છે. તમારી સ્થિતિ માટે તમે બીજાને દોષ દો તો એ વાજબી નથી. –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 મે 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “તું બીજાની ખીજ મારા ઉપર ઉતાર નહીં! : ચિંતનની પળે

  1. જિવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે બેફામ,

    કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

    very very very true…
    k.u.sir you are such a genious,ultimate & original in your writting.
    regards

Leave a Reply

%d bloggers like this: