દરેક પોતાની લાઇફમાં બિઝી
છે, મારી કોઇને પડી નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઇની શ્રદ્ધા ઝુકાવી શું મળ્યું?
ખોખલા પ્રશ્નો ઉઠાવી શું મળ્યું?
આબરુ ઘરની ફક્ત ઢાંકી હતી,
બારીથી પડદો હટાવી શું મળ્યું?
-દિનેશ કાનાણી
દરેક માણસને ક્યારેક તો એવું લાગે જ છે કે, હું સાવ એકલો છું. બધાં પોતપોતાની લાઇફમાં વ્યસ્ત અને મસ્ત છે. કોઇને એ વાતની જરાયે ફિકર નથી કે, આને શું થાય છે! આપણે મજામાં ન હોઇએ અને કોઇ જલસા કરતું હોય, ત્યારે પણ આપણને ગુસ્સો આવે છે. આખું જગત આપણને સ્વાર્થી લાગવા માંડે છે. બધાં સાથે સંબંધો કાપી નાખવાનું મન થઇ આવે છે. વિચારો તો ત્યાં સુધીના આવી જાય છે કે, આપણે હોઇએ કે ન હોઇએ, શું ફેર પડે છે? અમુક સમયે આપણી ઉદાસીનું કારણ જુદું હોય છે અને આપણે વિચારો બીજા જ કરવા લાગીએ છીએ. દિલ કોઇ એકે દુભવ્યું હોય છે અને આપણે જવાબદાર આખી દુનિયાને ઠેરવીએ છીએ. આપણે અંધારામાં રૂમ બંધ કરીને બેસી જઇએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે, કોઇને હું દેખાતો જ નથી! આપણે જ જો અદૃશ્ય થઇ જઇએ તો કોઇને ક્યાંથી દેખાવાના? અંધારામાંથી બહાર પ્રકાશમાં આવીએ તો જ કોઇની નજર જવાની છે ને?
એક મિત્રએ તેના મિત્રને ઘણા સમય પછી ફોન કર્યો. કેમ છે? એવું પૂછ્યું, એ સાથે તેનો મિત્ર તેના પર વરસી પડ્યો. ‘તને કંઇ ફેર પડે છે? હું જીવું છું કે મરી ગયો છું એની પણ તને પરવા છે? મારે જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, ‘હું અહીં જ હતો. એક ફોન કોલ દૂર હતો. તારે અવાજ તો આપવો જોઇએ ને? હું તરત જ હાજર થઇ જાત! હું થોડોક મારા કામોમાં અટવાયેલો હતો. મને તો કોઇ અંદાજ પણ નહોતો કે તું અપસેટ છે.’ આપણે કોઇ પર નારાજ થઇએ ત્યારે એની પાછળ ચોક્કસ કારણ હોવું જોઇએ. કોઇને કંઇ ખબર ન હોય અને આપણે એને દોષ દઇએ એ વ્યાજબી હોતું નથી. તમે કહો અને એ ન કરે, ત્યારે નારાજ થવાનું હજીયે વ્યાજબી હોય છે. આપણે ક્યારેક એવી અપેક્ષા રાખીએ છીએ કે, આપણી નજીકની વ્યક્તિને આપોઆપ બધી ખબર પડી જાય! દરેક વખતે આવું થતું નથી. વેવલેન્થ ગમે તેટલી સ્ટ્રોંગ હોય તો પણ ક્યારેક લાગણીઓ પકડાતી નથી.
એક છોકરી હતી. તેને પોતાની લવલાઇફમાં એક પ્રોબ્લેમ થયો. છોકરી આ વાતથી બહુ અપસેટ હતી. તેને થયું કે, કોઇને વાત કરું. એક ફ્રેન્ડને ફોન કર્યો તો એણે સીધી પોતાની જ વાત કરવાનું શરૂ કરી દીધું. છોકરીને પૂછ્યું જ નહીં કે, ‘તું કેમ છે? તારી લાઇફમાં શું ચાલે છે?’ તેને થયું કે, આ મને તો કંઇ પૂછતી જ નથી. આને અંગત વાત કહેવાનો શું મતલબ છે? એણે વાત ન કરી. એ છોકરીએ નક્કી કરી લીધું કે, હવે કોઇને કંઇ કહેવું જ નથી. એ મનમાં ને મનમાં ધૂંધવાતી હતી.
આખરે એ છોકરી એક ફિલોસોફર પાસે ગઇ. તેણે પોતાની લાઇફમાં જે ચાલી રહ્યું હતું, એની બધી વાત કરી. છેલ્લે એણે કહ્યું કે, ‘મેં નક્કી કર્યું છે કે હવે મારી વાત મારે કોઇને કરવી નથી.’ આ વાત સાંભળીને ફિલોસોફરે સવાલ કર્યો, ‘કોઇને ન કહેવાનું નક્કી કર્યું છે, તો પછી બધી વાત મને શા માટે કરી? હવે બીજી વાત, મને વાત ન કરી હોત, તો મને ક્યાંથી ખબર પડવાની હતી? હું કંઇ ભગવાન તો નથી ને કે મને ખબર પડી જાય?’ એ પછી ફિલોસોફરે કહ્યું કે, કોઇના માટે ક્યારેય કંઇ માની કે ધારી લેવું ન જોઇએ. આપણે બધા મોટા ભાગે ગમે એવું ધારી લેતાં હોઇએ છીએ. સામાવાળા માણસને જેનો અંદાજ કે અહેસાસ પણ ન હોય એ વિશે આપણે માન્યતાઓ બાંધી લેતાં હોઇએ છીએ. આપણે એમ પણ નથી કહેતા કે, મારે વાત કરવી છે, પ્લીઝ, મારી વાત સાંભળ!
માણસ વ્યક્ત થતો નથી. ક્યારેક વ્યક્ત થતાં ગભરાય છે. કોઇ પોતાના વિશે શું ધારી લેશે એની ફિકર હોય છે. ક્યારેક પોતાનો અહમ્ નડે છે. સમજુ અને શાણા માણસ સાથે પણ આવું થતું હોય છે. એક ભાઇની આ વાત છે. બહુ જ સમજુ અને હોશિયાર. ગામના કોઇને કંઇ સલાહ કે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે એની પાસે દોડી આવે. એ માણસ બધાને સાચી સલાહ આપે. એક વખત થયું એવું કે, એની લાઇફમાં જ ઇમોશનલ ક્રાઇસિસ આવી. એનું ધ્યાન પડતું નહોતું. કોઇને વાત કરવાનું મન થતું હતું, પણ એની હિંમત થતી નહોતી. બધા મારી પાસે સલાહ લેવા આવે છે અને હું બીજા પાસે જાઉં? એક વાત સમજવા જેવી એ છે કે, ગમે એવો શક્તિશાળી માણસ હોય, તો પણ એ ક્યારેક અવસાદમાં સરી પડે છે. એને પણ નબળા વિચારો આવી જાય છે. એ સમયે એને પણ કોઇની જરૂર પડે છે.
એક બુદ્ધિશાળી માણસ હતો. સમાજમાં એનું સારું એવું માન હતું. એના વિશે બધાં જ એવું માનતા કે, એને તો કોઇ પ્રોબ્લેમ જ ન હોય. એ તો બધા માટે રોલમોડલ છે. એક વખત એક કાર્યક્રમમાં એને સવાલ પૂછવામાં આવ્યો, ‘તમને ક્યારેય હતાશા જેવું લાગે છે? એવું લાગે ત્યારે તમે શું કરો છો?’ એ માણસે જવાબ આપ્યો, ‘હા, ક્યારેક મને પણ હતાશા જેવું લાગે છે. ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય, તો પણ અમુક વખતે એને એવા સવાલ ઊઠે છે કે, હું જે કહું છું એ બરાબર છે ને? હું સાચા રસ્તે તો છું ને? બીજું કંઇ ન થાય તો ક્યારેક કોઇને કંઇક વાત કરવાનું મન થાય છે. આવું થાય ત્યારે મને જે વ્યક્તિ મળે એની સાથે દિલ ખોલીને વાત કરું છું.’ માણસ પાસે થોડાક એવા ખૂણા હોવા જોઇએ જ્યાં પોતે દિલ ખોલીને વાત કરી શકે. કોઇ ન મળે તો એવા ખૂણા ઊભા કરવા જોઇએ. કોઇ તમને જજ કરશે એની ચિંતા પણ ન કરો.
માણસ બધાને બહુ જજ કરતો રહે છે. કોઇની વાત, કોઇના વર્તન, કોઇના દેખાવ પરથી એના વિશે અભિપ્રાયો બાંધી લે છે. કોઇને જજ કરવાનો જે સૌથી મોટો પ્રોબ્લેમ છે એના વિશે આપણે બહુ વિચાર કરતા નથી. જે બધાને જજ કરતાં ફરે છે, એને સૌથી વધુ ચિંતા એ વાતની હોય છે કે, કોઇ મને પણ જજ કરશે. આપણે દુનિયા સાથે જે કરતાં હોઇએ છીએ, એનાથી આપણામાં એ ભય પેદા થાય છે કે, દુનિયા પણ મારી સાથે આવું જ કરશે! સારા થવું અને સારા રહેવું એટલા માટે જ જરૂરી છે કે, આપણે સારા હોઇશું તો જ આપણને બધું સારું લાગશે! દુનિયા સરવાળે એવી જ દેખાવાની છે, જેવી આપણી દૃષ્ટિ હોય છે. કંઇ સારું ન લાગે ત્યારે મોટા ભાગે આપણે જ સારા થવાની જરૂર હોય છે. પોતાની જાત સાથે જેને ફરિયાદ નથી, એને કોઇનામાં કંઇ પ્રોબ્લેમ દેખાતો નથી!
છેલ્લો સીન :
આપણી ઔરા, આપણી ઇમેજ, આપણી છાપ, આપણી ઓળખ છેલ્લે એ જ બનતી હોય છે, જેવા આપણે અંદરથી હોઇએ છીએ! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 સપ્ટેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com