એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે! – ચિંતનની પળે

એક વ્યક્તિની આસપાસ

આખી જિંદગી હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

લાવ, તારો હાથ આપી જો મને,

તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને,

તું નસેનસમાં વહે છે રક્તવત,

કોઈ પણ છેડેથી કાપી જો મને.

-ત્રિલોક મહેતા

 

તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે. પહેલો કોળિયો મોઢામાં મૂકતી વખતે હું જમ્યો હોઈશ કે કેમ એવું તને થાય છે ત્યારે મને પ્રેમનો ઓડકાર આવે છે. મારું હોવું તને તારા હોવા જેવું લાગે છે એ મને સ્પર્શે છે. ક્યાંક જતો હોય ત્યારે સંભાળીને જજે એવું તું કહે ત્યારે મને સારું લાગે છે. મોડે સુધી મને ઓનલાઇન જોઈને તારો મેસેજ આવે કે સૂઈ જા હવે ત્યારે મારી ઊંઘ ઊડી જાય છે. અડધી રાતે વીડિયો કોલ કરીને તને જોવાનું અને તારી સાથે વાત કરવાનું મન થઈ જાય છે. તું સૂઈ ગઈ હોઈશ એ વિચારે અટકી જાઉં છું. તારું પ્રોફાઇલ પિક્ચર ઉઘાડીને તારી આંખ ઉપર ટેરવાંનો હળવો સ્પર્શ આપું છું અને સ્વીટ ડ્રીમ કહીને તારા સપનામાં ડૂબી જાઉં છું. તું મારા માટે અત્યંત પવિત્ર છે, ફૂલની પાંદડી પર છવાયેલાં ઝાકળનાં બિંદુ જેવી. તારી આસપાસ મારી આખી જિંદગી હોય છે, કારણ કે તારા ફરતે પણ હું જ હોઉં છું. કંઈક એવી અનુભૂતિ થતી રહે છે જે મને જ નથી સમજાતી. કંઈક એવો અહેસાસ થાય છે જેનું વર્ણન થઈ શકતું નથી. પ્રેમમાં હોય ત્યારે માણસ કદાચ કવિ ન બની શકે, પણ એ કવિતાની તમામે તમામ સંવેદનાઓને જીવતો હોય છે.

 

આપણી આખી જિંદગીમાં દરેક તબક્કે એક એવી વ્યક્તિ હોય છે જેની આસપાસ આપણું આખેઆખું અસ્તિત્વ જીવતું હોય છે. સમયની સાથે એ વ્યક્તિ બદલાતી પણ રહે છે. જન્મ થાય પછી સૌથી વ્હાલી વ્યક્તિ મા હોય છે. મા એટલે સર્વસ્વ. માના પ્રેમ માટે ભાઈ-બહેનની પણ ઈર્ષા થતી હોય છે. મા કોઈને વધુ ચાગલો કે ચાગલી કરે તો સહન નથી થતું. સિબલિંગ રાઇવલરીની શરૂઆત માના પ્રેમથી થાય છે. મા ઉપર એકાધિકાર જમાવવાનું મન થાય છે. મા મારા સિવાય કોઈને પ્રેમ કરવી ન જોઈએ એવી ફીલિંગ થાય છે. આમ તો દરેક સંબંધમાં આપણે સ્વાર્થી જ હોઈએ છીએ. મારા સિવાય એની જિંદગીમાં કોઈ ન હોવું જોઈએ. મોટા થઈએ પછી માને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એ તો કરે જ ને, મા જો છે તો! મા કરતી હોય છે, છેલ્લા શ્વાસ સુધી આપણી ચિંતા અને આપણા માટે પ્રાર્થના. એક તબક્કે આપણે જ કહી દેતા હોઈએ છીએ કે હવે કંઈ હું નાનો થોડો છું કે નાની થોડી છું, મારી આટલી બધી ચિંતા ન કર. મા શું કરે? એને તો આપણી ચિંતા કરવાની આદત પડી ગઈ હોય છે! આદતો એમ ક્યાં છૂટતી હોય છે! આપણામાં પેલી કહેવત છેને કે સીંદરી બળે પણ વળ ન છોડે. માનું પણ કદાચ એવું જ હોય છે. અગ્નિ સંસ્કાર વખતે દેહ બળતો હશેને તો પણ એની અંદર આપણી ચિંતા અને આપણા પ્રેમનો જે વળ વળી ગયો હોય છેને એ છૂટતો નહીં હોય! અસ્થિના વિસર્જન પછી પણ એ વહેતો નહીં હોય. એ તો એ પોતાની સાથે લઈ જતી હોય છે!

 

બાપ હોય છે, પણ એ એની જગ્યાએ હોય છે. પહેલી જગ્યાએ તો મા જ હોય છે. નાનું હોય ત્યારે દરેક બાળક બાપને થોડોક અન્યાય કરતું હોય છે. જોબ પરથી કે બિઝનેસથી બાપ પાછો આવે ત્યારે ભલે દોડીને તેને વળગી જતું હોય, પણ અંદરખાને તો મા જ હોય છે. પિતા ખિજાય ત્યારે બાળક છેલ્લે તો માની સોડમાં જ જતું હોય છે. મા દરેક ઊંહકારામાં હોય છે. પિતા બહારગામ ગયા હોય તો વાંધો આવતો નથી, મા આપણને મૂકીને ક્યાંય ન જવી જોઈએ. મોટા થઈએ પછી માનો મોહ ઘટી જતો હોય છે. હા, આદર, લાગણી, સ્નેહ અને બીજું ઘણું બધું મા અને બાપ સાથે આજીવન રહે છે, પણ મેઇન ફોકસ તો ચેઇન્જ થતું જ રહે છે!

 

જિંદગીના એક તબક્કે ફ્રેન્ડ્સ આપણો સૌથી મહત્ત્વનો હિસ્સો બનતા હોય છે. છોકરો કે છોકરી પ્રેમમાં પડે એ પછી સૌથી પહેલી એની વાત ફ્રેન્ડને જ કરી હોય છે. એ આપણી બધી વાત સાંભળે છે. સાચી કે ખોટી, એની સમજ મુજબ આપણને શિખામણ આપે છે. આપણને ઉશ્કેરે છે. ફસાઈએ ત્યારે આપણી જોડાજોડ ઊભો કે ઊભી રહે છે. આપણી ઘણી બધી સુટેવો અને અઢળક કુટેવો આપણા મિત્રોને જ આભારી હોય છે. સીધા રસ્તાઓની વાતો કરીને એ આપણને ઘણા આડા રસ્તે પણ ચડાવતા હોય છે! મિત્રો પણ સમયની સાથે બદલાતા રહે છે. જૂના મિત્રો ભુલાતા નથી, પણ નવા ઉમેરાતા તો રહે જ છે. દરેકને પોતાના લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ મળી જ આવતા હોય છે. ટોળામાંથી આપણે આપણા જેવા જ દોસ્તાર કે બહેનપણીને શોધી લઈએ છીએ. એ મળી પણ જાય છે. આપણને અમુક લોકો સાથે જ ફાવતું હોય છે, બધા સાથે ક્યાં એટલું બનતું હોય છે! થોડુંક વિચારી જોજો, તમારા દોસ્તાર કે તમારી બહેનપણીએ તમારા કેટલાં અઘરાં, નાદાન અને બેવકૂફીભર્યાં કામોમાં સાથ આપ્યો છે? મોટા થયા પછી મિત્રો સાથે એ જ બધું વાગોળવાની મજા આવે છે કે કેવા ધંધા કર્યા છે આપણે નહીં?

 

પ્રેમમાં હોઈએ ત્યારે પ્રેમી જગતની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ બની જાય છે. પ્રેમી  વિશે બધું જ જાણવાનું મન થાય છે. એને બધું જ કહેવાનું મન થાય છે. વાતો ખૂટતી જ નથી. સમય ઓછો જ પડે છે. એના માટે જ તૈયાર થવાનું મન થાય છે. છોકરો કે છોકરી પોતાના પ્રેમીને પ્યારા લાગવા માટે કેટલું બધું કરતાં હોય છે? દાંપત્ય શરૂ થાય પછી ધીમે ધીમે એ પ્રવાહ ઘટતો કેમ જાય છે? પ્રેમ ધસમસતો રહેવો જોઈએ. ઉંમર વધે એમ પ્રેમ બુઢ્ઢો શા માટે થવો જોઈએ? એ પરિપક્વ કેમ થતો નથી?

 

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે મને જિંદગીમાં બહુ ખાલીપો લાગે છે. પત્ની છે, મિત્રો છે, સંતાનો છે છતાં એવું લાગે છે કે કોઈ મને પ્રેમ કરતું નથી. ફિલોસોફરે કહ્યું કે, તેં કોને કોને પ્રેમ કર્યો છે? એ માણસે પોતાની પત્ની સાથેના પ્રેમના દિવસોની વાત કરી. અમે સાથે સ્ટડી કરતાં હતાં. લવમેરેજ કર્યા. બહુ પ્રેમથી રહ્યાં, પણ પછી એક ગેપ આવતો ગયો. મિત્રો સાથે પણ એવું જ થયું. ફિલોસોફરે કહ્યું કે, તેં ગેપ આવવા શા માટે દીધો? ગેપ ક્યારેય એક પક્ષેથી શરૂ થતો નથી. બંને પક્ષ થોડા થોડા જુદા થતા હોય છે. તારે તારો છેડો સાચવવો હતોને! હજુ ક્યાં મોડું થયું છે? ખાલીપો લાગે છે તો તમારી વ્યક્તિને આજથી જ પ્રેમ કરવાનું શરૂ કરી દોને!

 

કોઈ કપલ મેરેજના બે-ત્રણ દાયકાઓ પછી પણ પ્રેમથી રહેતું હોય ત્યારે લોકો એવું કહેતા હોય છે કે એ બંને હજુ પણ કેવા પ્રેમથી રહે છે નહીં? હવે આ વાતમાં આશ્ચર્ય થવા જેવું શું છે? આપણે એમ કેમ નથી કહેતા કે એ બંને જેમ રહેવું જોઈએ એમ જ રહે છે. લગ્ન ન કરવા ઇચ્છતાં છોકરા કે છોકરીઓને કારણો પૂછવામાં આવ્યાં ત્યારે સૌથી વધુ કારણ એ જ અપાયું હતું કે, અમે અમારાં ફાધર-મધરને રહેતાં જોયાં છે. એ રોજ ઝઘડે છે. એકબીજામાં એમને જરાયે રસ નથી. હવે જો લગ્ન કરીને આમ જ રહેવાનું હોય તો પછી મેરેજનો મતલબ શું? ઘણાં ઘરોની હાલત તો એવી હોય છે કે માણસને પ્રેમ ઉપરથી વિશ્વાસ ઊઠી જાય!

 

એક પતિ-પત્નીની આ વાત છે. પતિ બધી ફરજ નિભાવે, પણ પત્નીને પ્રેમ ન કરે. પત્ની અત્યંત સંવેદનશીલ. એના માટે પતિનો સંગાથ, એનું સાંનિધ્ય, એની વાતો અને એનો સ્પર્શ એ જ નજાકત. પતિ સારો માણસ પણ એનામાં સહજતા ન મળે. એક વખત પતિએ પત્નીને બોલાવીને કહ્યું કે, મારે તને થોડીક વાત કરવી છે. જો આ મારું બેન્ક બેલેન્સ છે. મેં આટલાનો વીમો ઉતરાવ્યો છે. મેં બધી જ વ્યવસ્થા કરી રાખી છે. કાલ ઊઠીને મને કંઈક થઈ જાય તો તને કોઈ તકલીફ પડવી ન જોઈએ. આ વાત સાંભળીને પત્ની હસવા લાગી. મારા માટે તું મરી જાય પછીની બધી જ આર્થિક વ્યવસ્થા તો કરે છે, પણ બીજું કેમ કંઈ કરતો નથી? થોડાંક એવાં સ્મરણો તો રાખ કે કદાચ તું ન હોય ત્યારે હું એને વાગોળું તો તું મારામાં જીવતો થઈ જાય. થોડીક યાદો તો આપતો જજે. મને કહે કે એવી કઈ વાત છે જે તને કહેવાનું મન થાય કે હું મરી જાઉં પછી તું આ વાતને યાદ કરજે. કયો પ્રસંગ વાગોળવાનું તું મને કહીશ? છે તારી પાસે એવું કંઈ રાખતા જવા માટે? અરે! એટલી બધી ચિંતા શું કરે છે? કોને ખબર છે કે કોણ વહેલું મરવાનું છે! કદાચ તારા પહેલાં હું પણ મરી જાઉં. જીવી લે, જિંદગીને ભરપૂર ઊજવવા દે કે બેમાંથી કોઈ ન હોઈએ ત્યારે સ્મરણો આપણો સહારો બની રહે. આપણે મરી ગયાં પછી રૂપિયાની જ ચિંતા કરીએ એ પ્રેમ નથી, પ્રેમ તો આપતો જવાની એવી ચીજ છે જે છેલ્લા શ્વાસ સુધી સાંભરે.

 

અત્યારે કઈ વ્યક્તિ તમારી સૌથી નજીક છે? એની સાથે જે રીતે જીવવું જોઈએ એ રીતે તમે જીવો છો? ઉંમર થોડીક ભલે વધી ગઈ હોય, પણ પ્રેમ કરવામાં મોટા ન થઈ જાવ. લગ્નનાં દસ વર્ષ થઈ જાય એ પછી દરેક કપલે જ્યાં પ્રેમીઓ જતાં હોય એવી હોટલ્સ, ગાર્ડન કે લવ પોઇન્ટ્સ ઉપર જતાં રહેવું જોઈએ. યંગસ્ટર્સને પ્રેમ કરતા જોવા જોઈએ. તમે પણ આ રીતે પ્રેમ કર્યો છે એ યાદો તાજી કરવી જોઈએ. માત્ર તાજી જ નથી કરવાની એને પાછી જીવંત કરવાની હોય છે. તમને કોણ યંગસ્ટર્સની જેમ પ્રેમ કરતા રોકે છે?

 

ઘણાં કપલ અમુક ચોક્કસ સ્થળોએ જવાનું ટાળે છે. એક વખત પત્નીએ તેના પતિને કહ્યું કે, ચાલને આપણે પેલા ગાર્ડનમાં ફરવા જઈએ. પતિએ કહ્યું કે ત્યાં નથી જવું, ત્યાં તો બધા લવરિયા જ આવે છે! પત્નીએ કહ્યું, ચાલને આજે આપણે પણ લવરિયા બની જઈએ! આપણને પ્રેમ કરવાની કોણ ના પાડે છે?

 

સુખી થવા માટે, ખુશ રહેવા માટે અને આપણને આપણો જ અહેસાસ થતો રહે એ માટે આપણા સંબંધોમાં તાજગી રહેવી જોઈએ. કઈ વ્યક્તિની આસપાસ તમારી આખી જિંદગી છે? એ વ્યક્તિને જરા પણ દૂર ન જવા દો અને હા, એવી કઈ વ્યક્તિ છે જેના માટે તમે સર્વસ્વ છો? તમારી આસપાસ કોની જિંદગી છે? એ વ્યક્તિને પણ નજીક રાખજો, કારણ કે તમે એના સુખનું કારણ છો! જિંદગી જીવવાનો એક અર્થ એ પણ થાય છે કે આપણા સંબંધોને સોળે સોળ કળાએ જીવવા! સાત્ત્વિક અને ઉમદા સંબંધો વગર જિંદગી જીવવા જેવી લાગતી નથી અને જીવવા જેવી રહેતી પણ નથી!

 

છેલ્લો સીન :

ખાલીપો એટલે એક એવી વ્યક્તિની ગેરહાજરી જે આપણને પોતાનામાં જીવતી હોય!   -કેયુ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે! – ચિંતનની પળે

  1. જિંદગી જીવવા માટે શું જોઈએ..?

    એક એવી વ્યક્તિ જે તમારાથી પણ વધારે તમારી હોય..!
    🙏 જયશ્રી ક્રૃષ્ણ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *