સાજા અને તાજા-માજા રહેવું હોય તો પ્રકૃતિની નજીક રહો – દૂરબીન

સાજા અને તાજા-માજા રહેવું
હોય તો પ્રકૃતિની નજીક રહો

43

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

—————————–

લોકો કુદરતથી દૂર થઇ રહ્યા છે.

ઘરમાં કે ઓફિસમાં પૂરાઇ રહે છે.

શારીરિક અને માનસિક બીમારીનું એક અને સૌથી મોટું કારણ એ છે કે

આપણો નેચર સાથે કોઇ ‘ટચ’ જ નથી રહ્યો.
—————–

તમે આખા દિવસ દરમિયાન કેટલો સમય એવી જગ્યાએ ઊભા રહો છો જ્યાં ઉપર આભ અને નીચે ધરતી જ હોય છે? છેલ્લે તમે બગીચામાં ફૂલને નીરખીને ક્યારે જોયું હતું? પક્ષીઓનો કલરવ તમે શાંતિથી કયારે સાંભળ્યો હતો? રાતના સમયે આકાશમાં ઊગેલા તારાઓને તમે જુઓ છો ખરાં? જંગલમાં જઇને તમે ક્યારેય લીલા રંગના કેટલા શેડ્સ હોય છે એનું નિરીક્ષણ કર્યું છે? ફૂલની પાંદડી કે ઝાડનાં પાન પર છવાયેલાં ઝાકળ બિંદુને ક્યારેય નિહાળ્યું છે? અરે, બીજી વાત જવા દો, છેલ્લે તમે ઊગતા સૂરજને ક્યારે જોયો હતો? સૂરજ આથમે ત્યારે આકાશમાં રચાતા રંગોને તમે જોયા છે ખરાં? જો આ પ્રશ્નોનો જવાબ ના હોય તો માનજો કે તમારા બીમાર પડવાના ચાન્સીસ વધારે છે!

અગાઉનો સમય યાદ કરો. કોઇ લાંબો સમય બીમાર રહે ત્યારે તબીબો એવી સલાહ આપતા કે હવાફેર કરી આવો. મતલબ કે થોડોક સમય ક્યાંક ફરી આવો. તમે એકની એક હવામાં તો નથી જીવતાં ને? હમણાં થયેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે માણસ વધુ બીમાર પડવા લાગ્યો એનું એક અને સૌથી મોટું કારણ એ છે કે માણસ પ્રકૃતિથી દૂર થઇ રહ્યો છે. સાવ મફત મળતા કુદરતના સાંનિધ્યથી તે દૂર થતો જાય છે.

શહેર અને ગામડાંમાં થયેલા આ સંશોધનમાં એવું પણ બહાર આવ્યું કે શહેરની સરખામણીમાં ગામડાંમાં રહેતા લોકો ઓછા બીમાર પડે છે. ગ્રામીણ લોકો કુદરતની વધુ નજીક રહે છે. વાડીમાં કામ કરે છે. રોજ ખુલ્લામાં ફરે છે. સિઝન બદલાય એ સાથે વાતાવરણનાં થતાં પરિવર્તનોને માણે છે. શહેરના લોકો તો વરસાદ પડે એટલે એકાદી વાર નહાવા નીકળે, ફોટા પાડે, સોશિયલ મીડિયામાં અપલોડ કરે અને એવું માની લે છે કે પોતે પ્રકૃતિને એન્જોય કરે છે. જંગલ અને રણ ડિસ્કવરી જેવી ચેનલમાં જુએ છે અને મન મનાવે છે કે આપણને નેચરના નિયમોની ખબર છે. કેટલા લોકો એવું વિચારે છે કે એ પોતે પણ નેચરનો જ એક ભાગ છે? જેમ બીજાં પશુ-પક્ષીઓ છે એમ હું પણ આ પ્રકૃતિનો જ એક જીવ છું. આપણે આપણી જાતને જ જુદી અને અલૌકિક માનવા લાગ્યા છીએ અને એવું વિચારવા લાગ્યા છીએ કે આ પ્રકૃતિનું સર્જન મારા માટે થયું છે. એવું માનવામાં પણ કંઇ ખોટું નથી, પણ સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે આપણે પ્રકૃતિનો એક અતૂટ હિસ્સો છીએ અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવામાં જ સાચી મજા છે.

આપણે સગવડ અને સાધનોને જ સુખ સમજવા લાગ્યા છીએ. ગરમી પડે તો એસી છેને. ખૂબ ઠંડી પડે તો હીટર ખરીદી લેવાનું. વરસાદની ગરજ હવે શાવર પૂરી કરી દે છે. નદી-તળાવની જગ્યા હવે સ્વિમિંગ પૂલે લઇ લીધી છે. હવે લોકોને ખુલ્લામાં ચાલવાની મજા માણવાને બદલે જીમમાં કેલેરી બાળવામાં વધુ રસ છે. કુદરતી દૃશ્યો હવે ટીવી અને મોબાઇલના સ્ક્રીન પર જોવાય છે. આપણે હાઇટેક થઇ ગયા છીએ. અલબત્ત, આ બધું જ ખોટું અને સાવ નક્કામું છે એવું જરાયે નથી. બધી જ ચીજો કામની છે પણ એ પ્રકૃતિના ભોગે વાપરવા સામે જ પ્રોબ્લેમ છે.

આપણે બાળકોને વધુ પડતા પેમ્પર કરવા લાગ્યા છીએ. એને તસુભારની પણ તકલીફ પડવા દેતા નથી. એક પીડિયાટ્રિસ્ટે કરેલી આ વાત છે. કરોડપતિ પરિવારમાં દીકરાનો જન્મ થયો. જન્મથી જ એની એટલી બધી કેર કરાતી કે એને જરાયે છરકો પણ ન પડે. બહાર ધૂળમાં તો જવા જ નહીં દેવાનો. બે-ત્રણ નોકર તેની તહેનાતમાં હોય. છોકરો થોડોક મોટો થયો. એક વખત એ બીમાર પડ્યો. તેની ઇમ્યુન સિસ્ટમ જ ડાઉન હતી. ડૉક્ટરે કહ્યું કે તેને બહાર જવા દો, બીજા છોકરાંવ સાથે રમવા દો. એને તમે આખો દિવસ ઘરમાં જ પૂરી રાખશો તો એનો પૂરો વિકાસ થવાનો જ નથી. ભલે ધૂળમાં રખડતો, ભલે ફ્રેન્ડ્સ સાથે ધીંગા-મસ્તી કરતો અને ભલે થોડાક જોખમ લેતો. એને કંઇ જ નથી થવાનું. નાનું-મોટું કંઇ થાય તોપણ એમાં ડરવાની જરૂર નથી. તમે એને અટકાવીને એનું ધ્યાન રાખવાનું ભલે માનતા હોવ પણ તમે તેનું અહિત કરી રહ્યા છો. આજનાં મા-બાપ સંતાનોની સેફ્ટીનું નામ આપી બાળકોને એની મસ્તીમાં રહેવા નથી દેતા.

હમણાં એક બીજા સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે મોટાભાગના લોકોમાં વિટામિન ડીની ઊણપ હોય છે. તેનું કારણ શું? સૌથી મોટું કારણ છે, સૂર્યપ્રકાશનો અભાવ! આપણા દેશમાં સૂરજ તો સોળે કળાએ ઊગે છે. વેસ્ટર્ન કન્ટ્રી જેવું નથી કે સની વેધર ન હોય અને સૂર્યનો પ્રકાશ મેળવવા કોઇ દેશના દરિયા કિનારે જવું પડે. આપણો પ્રોબ્લેમ જુદો છે. લોકો સૂરજથી છેટા રહે છે! એરકન્ડિશનર હવે કૉમન થઇ ગયાં છે. અમુક વિસ્તારોમાં તો એટલી ગરમી પડવા લાગી છે કે એસી લક્ઝરી નહીં પણ જીવન જરૂરિયાતની ચીજ બની ગયાં છે. ઘરમાં લોકો આખો દિવસ એસીવાળા રૂમમાં ભરાઇ રહે છે. બહાર જાય તો કારમાં પણ એસી હોય જ છે. ઑફિસમાં પણ એસીમાં જ બેસી રહેવાનું. અરે, હદ તો એ વાતની છે કે આપણને જિમમાં પણ એસી જોઇએ છે!

આપણે ક્યાંક ને ક્યાંક પુરાઇ રહેતા હોઇએ છીએ. જે લોકો ફિલ્ડ વર્ક કરે છે એ વધુ સ્ટ્રોંગ છે. એ ગમે તેવા વાતાવરણ સામે ટક્કર ઝીલી શકે છે. જે લોકો પુરાઇને રહેવાના આદિ બની ગયા છે એ થોડાક તડકામાં ચક્કર ખાઇને પડી જાય છે, થોડીક ઠંડી પડે ત્યાં ઠુંઠવાઇ જાય છે અને વરસાદમાં જરાક પલળે ત્યાં એને શરદી થઇ જાય છે. આવા ‘પેપલા’ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આમ તો આ સાવ સીધી અને સરળ વાત એ છે કે આપણે પ્રકૃતિની નજીક રહેવું જોઇએ. એ સમજવા માટે કોઇ સર્વે કે સંશોધનની પણ જરૂર નથી. ખાલી ખુલ્લામાં જવાની વાત નથી પણ પ્રકૃતિના દરેકે દરેક નજારાને માણવાની જરૂર છે. તમારી લાઇફ સ્ટાઇલ જો ઉપર લખ્યું છે એવી હોય તો તેમાં થોડુંક પરિવર્તન કરજો, તમને એવું ફીલ થયા વગર નહીં રહે કે, દિલ કો ચૈન ઔર રુહ કો સુકુન મિલ ગયા!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 31મી જુલાઇ 2016, રવિવાર, દૂરબીન કોલમ)

26.5 in size_rasrang.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “સાજા અને તાજા-માજા રહેવું હોય તો પ્રકૃતિની નજીક રહો – દૂરબીન

 1. Dear sir,
  Hu jetli Prakruti ni deewani chhu
  Etlu kadach a world ma koij nahi hoi.
  Zaad,pand,ful,akaash …taara….
  Savar ane sanjh samaye anera drashya…rango…’shade’
  Mari life ma aaj shodhu chhu sir…and you wrote exactly what I feel for “Nature”.
  Thats why I am your Fan.
  Thank you sir.
  Freshen up my mind
  Ty.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *