હસું છું પણ મારી આંખો ભીની થઇ જાય છે! – ચિંતનની પળે

હસું છું પણ મારી આંખો ભીની થઇ જાય છે!

44

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી સે યહી ગિલા હૈ મુઝે,
તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મોહબ્બત સે કોઇ ચાલ તો ચલ,
હાર જાને કા હૌસલા હૈ મુઝે.
– અહમદ ફરાઝ

તું નથી. જાણે કંઇ જ નથી. બધું જ ખાલીખમ. શૂન્યવકાશની વ્યાખ્યા એટલે તારી ગેરહાજરી. તારા વગર મારામાં એક સન્નાટો સર્જાય છે. તારી યાદ સનનન કરતી આ સન્નાટા સાથે પડઘાય છે અને મારો પડછાયો પણ તરફડવા માંડે છે. પડછાયાને પરસેવો નથી થતો તો પણ મને કેમ એ ભીનો લાગે છે? કદાચ મારી આંખોમાં તારા સ્મરણની ભીનાશ બાઝી ગઇ હોય છે. પ્રેમ આટલો તીવ્ર હોય એની મને ખબર હોત તો કદાચ હું પ્રેમ કરત જ નહીં. પ્રેમ વિશે તો એવું કહેવાય છે કે એ જિંદગીને હરીભરી બનાવી દે છે, પણ આ પ્રેમ તો મને ઓગાળી રહ્યો છે! હું રોજ થોડી થોડી ગળતી જાઉં છું અને તારા વગર રોજ થોડી થોડી મરતી જાઉં છું. તું છે પણ મારી પાસે નથી. તું હયાત છે, પણ હાજર નથી. મને ખબર છે કે તું પણ મને આવો જ તીવ્ર, ઉગ્ર અને અનહદ પ્રેમ કરે છે. તને પણ કદાચ આવું જ અથવા તો આના જેવું જ કંઇક થતું હશે.

વિરહભીની પ્રેમિકા આગળ લખે છે. તું એવું કહીને ગયો હતો કે સદાયે હસતી રહેજે. તું મુસ્કુરાતી હશે તો એની નજાકત હું મહેસૂસ કરીશ. હા, હું હસતી રહું છું. મને એક વાત નથી સમજાતી કે હસું છું ત્યારે મારી આંખો કેમ ભીની થઇ જાય છે? તારી સાથેની મજાક-મસ્તી યાદ આવે છે અને થોડીક ક્ષણો મારા હોઠ મલકાઇ જાય છે, હૈયું છલકાય છે, પણ પછી તરત જ આંખો ભરાઇ જાય છે. સાવ સાચું કહું, ક્યારેક કુદરત પર ગુસ્સો આવી જાય છે. એને પૂછવાનું મન થાય છે કે તું કેમ આવું કરે છે? મેં તારું શું બગાડ્યું છે? આટલા દૂર રાખવા હતા તો ભેગાં શા માટે કર્યાં હતાં? કયા ગુનાનો તું બદલો લે છે? હું કોઇ માનતા રાખું તો જ તું મને ફળીશ? તું પણ માણસ જેવો થઇ ગયો છે કે બદલામાં કંઇક જોઇએ જ? થોડીક તો દયા કર!

કોલેજમાં હતી ત્યારે પ્રેમ થયો. માંડ માંડ બંનેના ઘરના લોકો માન્યા. એ સમય સ્વર્ગ જાણે હાથવગું હતું. એવું લાગતું હતું કે જાણે કુદરતે આખી દુનિયાની કૃપા અમારા પર વરસાવી દીધી. લગ્ન થયાં. જિંદગી કેટલી સુંદર હોય છે તેનો અહેસાસ થતો હતો. એક જ અરમાન હતા કે બંનેને સારી જોબ મળી જાય એટલે બસ. મને પહેલી જોબ મળી. સારી જોબ. પછી એને મળી. સરસ નોકરી. તકલીફ એક જ હતી કે એ દૂરના શહેરમાં હતી. પંદર દિવસે કે મહિને માંડ એક વખત આવી શકાય. બંને સાથે બેઠાં. વાતો કરી. જવું તો પડશે જ. આવો ચાન્સ કંઇ થોડો વારેવારે મળે છે? તું ગયો ત્યારે ખૂબ રડવું આવતું હતું પણ મોઢું હસતું રાખતી હતી. તું ગયો પછી? આખી રાત ઓશિકું ભીનું હતું. સવાર ઉદાસી આંજીને આવી હતી. પ્રકાશ હતો પણ મને ઉજાસ લાગતો ન હતો.

પ્રેમ કરનાર માટે ક્યારેક તો પ્રેમ જ પીડાદાયક બનતો હોય છે. બધું જ હોય છે છતાં પણ એની કમી હોય છે. બે બહેનપણીઓ હતી. બંને સુખી હતી.એકનો પતિ ફર્ધર સ્ટડી માટે એક વર્ષ ફોરેન ગયો હતો. બધા ખૂબ ખુશ હતા. બધા એક જ વાત કરતાં હતાં કે ગોલ્ડન ઓપર્ચ્યુનિટી છે. લકી લોકોનો જ મેળ ખાતો હોય છે. સ્ટડી પતે પછી એની કરિયર ફાસ્ટ દોડવા લાગશે. બહેનપણીએ કહ્યું કે, સારી વાત છે. એ વખતે તેણે કહ્યું કે દોસ્ત બધી વાત સાચી પણ એક વાત કહું. મને ક્યાંય ગમતું નથી. આ વાત મારે કોને કરવી? હા, સારું છે. સારું થશે, પણ અત્યારનું શું? એ રોજ ફોન કરે છે. વીડિયો કોલિંગ થાય છે. એનો ચહેરો દેખાય છે. સ્પર્શ નથી થતો. વળગી જવાનું મન થાય છે ત્યારે શરીર તૂટે છે. કલ્પનાઓ પણ કેટલી કરવી? કલ્પનાના અંતે શું? અંતે તો અફસોસ જ છે! અંતે તો તલસાટ જ છે, અંતે તો તરફડવાનું જ છે. તરસ, તડપ મારા તરવરાટને મુરઝાવી નાખે છે.

મુગ્ધાવસ્થા એટલે શું? ઉંમર સાથે મુગ્ધતાને કેટલું લાગેવળગે છે? હશે, એ ઉંમરે દરેકને જે થતું હોય છે એ થતું હશે, પણ મુગ્ધતાને કોઇ ઉંમર નથી હોતી. માણસ ગમે એ ઉંમરે પ્રેમમાં હોય કે પોતાની વ્યક્તિને પ્રેમ કરતો હોય તો એ મુગ્ધ જ હોય છે. એ મધુર જ હોય છે, એ મસ્ત જ હોય છે. કવિ સુરેશ દલાલની એક રચના છે. કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. આમ તો પ્રેમ કરવાની કોઇ ઉંમર જ નથી હોતી. માણસ ગમે એ ઉંમરે પ્રેમ કરે એ કમાલ જ કરતો હોય છે.

એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું. એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં. જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી.

પ્રેમિકા ઊભી થઇ અને એ અેજેડ કપલ પાસે ગઇ. પ્રેમી પણ તેની પાછળ ગયો. પ્રેમિકાએ એ બંનેને પૂછ્યું, અંકલ, પ્રેમ એટલે શું? અંકલે કહ્યું, પ્રેમ એટલે સાથે બુઢ્ઢા થવાની મજા. પત્નીનો હાથ ઊંચો કરીને કહ્યું કે આ કરચલીવાળો હાથ છે એની દરેક સળ મેં જીવી છે. અમારી ઊંડી ઊતરી ગયેલી આંખોમાં અમે એકબીજાને સંઘરી અને સાચવી રાખ્યાં છે. અરે મેં તો એને પ્રપોઝ જ એવી રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તને મારી સાથે ઘરડું થવું ગમશે? એણે હા પાડી અને જિંદગીની સુંદર સફર શરૂ થઇ. હા, એ સમયે શરીરની ચામડી તંગ હતી. ચહેરા પર કુમાશ હતી. આ દરિયાની રેતી પર અમે દોડતાં હતાં. સ્વિમિંગ કરતાં હતાં. ધીમે ધીમે મોટાં થતાં ગયાં. દોડવાનું બંધ થયું. પછી ચાલતાં હતાં અને અત્યારે સાવ ધીમાં ધીમાં ડગલાં ભરીએ છીએ. ઘણું બદલ્યું છે પણ એક ચીજ ક્યારેય નથી બદલાઇ. એ છે આ હાથ. એ છે આ સાથ. એ છે આ સંગાથ અને એ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય.

તમે અમને બંનેને રેતી પર ચાલતાં જોયાં એમ અમે પણ તમને બંનેને એ બાંકડા પર બેઠેલાં જોયાં હતાં. તારી આન્ટીએ કહ્યું કે, જો આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકે છે. અમે એ જ બાંકડા પર બેસતાં. ઉંમર પણ કદાચ તમારા જેવડી જ હતી. તમને બંનેને એક જ વાત કરવાનું મન થાય છે કે, એકબીજા સાથે બુઢ્ઢા થવાની એક એક પળ માણજો. ઉંમરને અને પ્રેમને કોઇ સંબંધ નથી, હા એટલું છે કે પ્રેમ કરતાં રહેશો ત્યાં સુધી જીવંત હશો. ક્યારેક ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે, પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં.

વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે છોકરીએ છોકરાને કહ્યું, મારી સાથે વૃદ્ધ થઇશ? મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ? આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ? આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ? છોકરાએ એક શબ્દ બોલ્યા વિના પ્રેમિકાના હાથ હાથમાં લઇને પોતાના ચહેરા ઉપર મ્ૂકી દીધા. દરેક વખતે સંમતિ શબ્દોથી જ મળતી હોતી નથી.

વિરહ ઘણી વખત એ પણ સાબિત કરતો હોય છે કે તમારો પ્રેમ કેટલો ઉત્કટ છે. કોને હાજરી અને ગેરહાજરીથી કેટલો ફેર પડે છે. એક મિત્રએ કરેલી આ વાત છે. એનાં મમ્મી-પપ્પાને એકબીજા વગર જરાય ન ચાલે. ઘરમાં જ હોય, પણ બીજા રૂમમાં હોય તો તરત જ બૂમ પાડે કે ક્યાં ગઇ? એને બસ નજર સામે જ જોઇએ. ઘણી વખત તો બોલાવવા માટે બહાનાં શોધતા હોય છે. એને ખબર હોય કે બોલપેન ક્યાં પડી છે તો પણ અવાજ મારે કે, બોલપેન ક્યાં છે? મને આપ તો. એક વખત મમ્મીએ કહ્યું કે, કબાટના પહેલા ખાનામાં છે. તો સામેથી જવાબ આપ્યો કે, એમ નહીં, અહીં આવીને આપી જા.

આ સંવાદ સાંભળીને મેં એકવાર મમ્મીને કહ્યું હતું કે, પપ્પા પણ ખરા છે. એક બોલપેન હાથે લઇ નથી શકતા. એ વખતે મમ્મીએ કહ્યું હતું કે એવું નથી દીકરા. એને બોલપેન નથી જોઇતી એને હું જોઉં છું. એને મારી હાજરી જોઇએ છે. સાચું કહું, એ આવું કરે છે એ મને પણ ગમે છે. ઝૂરવાનું ક્યારેક થોડીક ક્ષણો પૂરતું પણ હોય છે. મેં પછી પપ્પાને આ વાત કરી. ત્યારે તેણે કબૂલ્યું કે, હા એ વાત સાચી છે. તેણે પછી કહ્યું કે અમે બંને બહુ દૂર રહ્યાં છીએ. કામ સબબ હું બહાર રહેતો હતો. એ વખતે મેં એને બહુ મીસ કરી છે. એ વખતથી વિચારતો હતો કે મારો સમય આવશે ત્યારે એને મારી નજર સામેથી ખસવા નહીં દઉં. ઉંમર ગમે તે હોય દીકરા, પણ વિરહ એ વિરહ હોય છે અને પ્રેમ એ પ્રેમ હોય છે.

પ્રેમ થવો એ અલૌકિક અનુભવ છે, પણ પ્રેમ કરતાં રહેવું એ જિંદગીને જીવતી રાખવાની કળા છે. વિરહ ગમતો નથી, વિરહ સહન થતો નથી છતાં એ પ્રેમનો જ એક પ્રકાર છે. ઉંમર ગમે તે હોય, તમારી વ્યક્તિને સતત પ્રેમ કરતા રહો. શરીર ભલે ઘસાયેલું હોય, દિલ કસાયેલું હોવું જોઇએ. ડગલાં ભલે ધીમે ભરાય, પણ દિલ ધબકતું રહેવું જોઇએ. કુદરતે સૃષ્ટિની રચના અને પ્રકૃતિનું સૌંદર્ય પ્રેમ કરવા માટે જ સર્જ્યું છે, કુદરતના આ સર્જનને સાર્થક કરવા અને તેને ફિલ કરવા માત્ર એક જ વસ્તુ કરતી રહેવાની હોય છે અને એ છે પ્રેમ!

છેલ્લો સીન:
પ્રેમ એવી અવસ્થા છે જે તમને તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. – કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 જુલાઇ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

27 JULY 2016 44

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “હસું છું પણ મારી આંખો ભીની થઇ જાય છે! – ચિંતનની પળે

 1. I am a regular reader of your articles.
  “Hasu chhu pan mari aankho bhini thai jay chhe!!!!”
  Till now whatever articles i have read of yours, this one is the best.it touched to the depth of my heart, it so true , i could not accumulate the words to describe my feeling after reading this.
  thank you for writing such a wonderful creation.
  A fan Of your writing.

 2. Dear sir,
  “Hasu chhu pan
  Mari ankho bhini thay jay chhe.”
  You have described such amazing feelings through “words”
  Sir,you live up the life on the pages of ‘rasrang’
  I am always grateful.
  Thank you for inspiration.

 3. તમારો આ અહેવાલ પેલી વાર વચ્યો છે .
  પણ ખૂબ સરસ લખ્યું છે એમાં.
  સાચેજ જેને હું પ્રેમ કરું છું ને એ હવે મારાથી દૂર જાય છે .
  હું સહન નથી કરી શકતો બસ હવે જીવન ની મજા નથી બસ એકજ રાહ જોવું છું ક્યારે મારો મારવાનો વરો અવવસે.
  એક વાત કહું મનો તો મારા જીવન પર પણ એક અહેવાલ લખી અપો ને please.
  Sorry but …

  1. જિંદગી સુંદર છે. મરવાના વિચારો ટાળો અને જિંદગીને માણો. સુંદર જિંદગીની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *