પ્રેમ છે તો મને દેખાતો કેમ
નથી?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એ કદી પાસે
અને ક્યારેક અંતર હોય છે,

એ ખરે વખતે
અહીં ગાયબ સદંતર હોય છે,

ખૂબ ઝંઝાવાતમાં
પણ ક્યારેય બુઝાતો નથી,

એક દીવો આપણામાં
ક્યાંક અંદર હોય છે.

– રાહુલ જોષી
દરેક ઘટનાનું એક વાતાવરણ હોય છે. વરસાદ પડવાનો હોય એ પહેલાં વાદળો છવાય છે. મેઘધનુષ વરસાદ પછી
જ સર્જાય છે. રાત પહેલાં સાંજ
થાય છે. ઝાંઝવાનાં જળ પણ
ખરા બપોરે જ દેખાય છે. અંધારામાં ઝાંઝવા ન સર્જાય. વાછટ વરસાદના અસ્તિત્વની હાજરી પૂરે છે. સંબંધોનું પણ એક
વાતાવરણ હોય છે. આત્મીયતાનું એટમોસ્ફિયર
હોય છે. વહાલની પણ વેધર હોય
છે. પ્રેમ, લાગણી, સ્નેહ, ઉષ્મા, હૂંફ, સાંનિધ્ય અને આત્મીયતાની
અનુભૂતિ થવી જોઈએ. પ્રેમ હોય એ પૂરતું નથી, પ્રેમનો અહેસાસ થવો જોઈએ. બે હાથ મળે ત્યારે દિલ ભરાઈ જવું જોઈએ. ગળે મળીએ ત્યારે
સાંનિધ્ય ખીલી ઊઠવું જોઈએ. ચુંબન ચુંબકીય હોવું જોઈએ. નજીક લાવે એવી નજાકત વગરનો પ્રેમ અધૂરો છે. સમર્પણ સેન્ટ પર્સન્ટ
હોય તો જ સાર્થક નીવડે છે. અધૂરો ઘડો છલકાઈ જાય છે. મધુરો સંગાથ બેવડાઈ જાય છે.

પ્રેમ બે વ્યક્તિ વચ્ચે સર્જાતી આત્મિક ઘટના છે. એક તું છે. એક હું છું. આપણે બંને એક છીએ. પ્રેમ બેને એક કરે
છે. એક અને અખંડ. અખંડ ત્યારે જ રહેવાય
જ્યારે પ્રેમ પ્રચંડ થાય. પ્રેમ છલકવો જોઈએ. ચહેરા ઉપર ખીલવો જોઈએ. ગાલ થોડાક ગુલાબી થવા જોઈએ અને ચાલ થોડીક શરાબી થવી જોઈએ. હાલ થોડાક બેહાલ
થવા જોઈએ અને નસીબ થોડાંક ન્યાલ થવાં જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. પ્રેમ છૂપો ન રહેવો જોઈએ. પકડાઈ જાય એ જ સાચો પ્રેમ. પ્રેમ રીઢો ન હોય, પ્રેમ મીંઢો ન હોય, પ્રેમ તો સીધો જ હોય. એક દિલથી સોંસરવો બીજા દિલમાં ઊતરે એવો સીધો ને સટ. પ્રેમ દેખાતો ન હોય
તો સમજવું કે કંઈક ખૂટે છે.
એક યુવાને એક ફિલોસોફરને પૂછ્યું. પ્રેમ કેવો હોવો જોઈએ? મૌન કે પછી બોલકો? ફિલોસોફરે હસીને કહ્યું કે, તારી પ્રેમિકા તારા પ્રેમને સમજી શકે એવો. જરૂરી માત્ર એટલું
જ છે કે તમારા બંનેની પ્રેમની ભાષા એક હોવી જોઈએ. એ તારું મૌન સમજતી હોય તો મૌન રાખ, પણ એને જો તારા શબ્દો જોઈતા હોય તો તેને દિલ ખોલીને કહે કે
હું તને પ્રેમ કરું છું. આપણે ભૂલ એ કરતા હોઈએ છીએ કે પ્રેમને આપણે આપણી ભાષામાં સમજીએ, માણીએ અને જીવીએ
છીએ. હકીકતે પ્રેમ આપણી
વ્યક્તિની ભાષામાં થવો જોઈએ. તારી વ્યક્તિને જેવો પ્રેમ ગમતો હોય એવો પ્રેમ કર.
પ્રેમ એટલે શું? પ્રેમની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? પ્રેમની કોઈ સાર્વત્રિક
વ્યાખ્યા હોઈ ન શકે? હા, પ્રેમની વ્યક્તિગત
વ્યાખ્યા હોઈ શકે. તમારા પ્રેમની વ્યાખ્યા તમે જ કરી શકો. દરેક પ્રેમ આગ‌વો હોય છે. દરેક પ્રેમ અલૌકિક હોય છે. પ્રેમ કોઈના જેમ ન થાય. પ્રેમ તો આપણે કરતા હોય એમ જ થાય. કોઈ કોઈને કેવો પ્રેમ કરે છે, તેનાથી કોઈને કશો ફેર પડતો નથી. તું મને કેવો પ્રેમ કરે છે તેનાથી મને મતલબ છે. દરેક પ્રેમી એ પ્રેમનું
જીવતું જાગતું ઉદાહરણ છે. ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે આ ઉદાહરણ ‘જીવતું’ અને ‘જાગતું’ રહે! આ ઉદાહરણ મરવું ન
જોઈએ કે સુષુપ્ત ન રહેવું જોઈએ. પ્રેમ એક ક્ષણ કે એક દિવસનો ન હોય, પ્રેમ તો જિંદગીનો હોય. પ્રેમ અટકવો ન જોઈએ. પ્રેમ અવિરત રહેવો જોઈએ. શ્વાસની સાથે પ્રેમ અંદર ઊતરતો રહેવો જોઈએ અને ઉચ્છવાસની સાથે
પ્રેમ સ્પર્શતો રહેવો જોઈએ.
ઘણા પ્રેમ માત્ર બોલકા હોય છે. હું તને પ્રેમ કરું છું એવું કહી દેવાથી પ્રેમ પૂરો થઈ જતો
નથી. શબ્દો સાથે એના સત્ત્વનો
પણ સ્રોત વહેવો જોઈએ. શબ્દો ભરેલા હોવા જોઈએ. પોલા શબ્દો ખાલીપો લઈને જ આવે. હું તને પ્રેમ કરું છું એવું એક યુવાને કહ્યું ત્યારે એની પ્રેમિકાએ
કહ્યું કે, પ્રેમ છે તો મને
દેખાતો કેમ નથી? તારા શબ્દોમાં ભીનાશ
કેમ વર્તાતી નથી? બોલવા ખાતર બોલતો હોય એવું કેમ લાગે છે? તારા ટેરવાની કુમાશ ક્યાં ગઈ? કંઈક ખૂટતું હોય એવું કેમ લાગે છે? હું લથબથ નથી, કારણ કે તું વરસતો નથી. હું મદહોશ નથી, કારણ કે તારામાં હોશ નથી. હું રંગીન નથી, કારણ કે તું ફીકો છે. હું સંગીન નથી, કારણ કે તું ગમગીન છે. હું સંપૂર્ણ નથી, કારણ કે તું અપૂર્ણ છે.
દરેક વખતે એવું પણ નથી હોતું કે પ્રેમ ન હોય. પ્રેમ હોય છે, પણ આપણે વ્યક્ત કરતા
નથી. આપણે કહેતા નથી. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ
લઈ લઈએ છીએ. પ્રેમની રીત બદલાઈ
જાય છે. એક કપલે લવમેરેજ
કર્યા. લગ્નની બીજી એનિવર્સરીએ
પતિએ પૂછ્યું કે હું તને હજુ એવો ને એવો જ પ્રેમ કરું છુંને? પત્નીએ કહ્યું કે, હા, તું હજુ એવો જ અને
એટલો જ પ્રેમ કરે છે. માત્ર તારી થોડીક રીત બદલી ગઈ છે. પહેલાં તું મને તારી પ્રેમિકાની જેમ પ્રેમ કરતો હતો અને હવે
તું મને તારી પત્નીની જેમ પ્રેમ કરે છે. પહેલાં ફિલ્મમાં જવાનું હોય ત્યારે તું કહેતો કે આજે તારા માટે
સરપ્રાઇઝ છે, તું મને કહ્યા વગર
સીધો મલ્ટિપ્લેક્સ લઈ જતો. મને છેક સુધી ખબર નહોતી પડતી કે કયા મલ્ટિપ્લેક્સમાં જવાનું
છે કે કઈ ફિલ્મમાં જવાનું છે. ઇટ વોઝ ફન. ફિલ્મમાં તો તું આજેય લઈ જાય છે, પણ હવે તું આવીને સીધો કહી દે છે કે આજે આ મલ્ટિપ્લેક્સમાં, આ શોમાં અને આ ફિલ્મમાં
જવું છે. પ્રેમ કરે છે, પણ દેખાતો નથી. ક્યારેક ડર લાગે
છે કે ક્યાંક તારું રોમેન્ટિઝમ બંધ ન થઈ જાય. એટલો બધો મેચ્યોર ન થઈ જા કે, જિંદગીની મજા ભુલાઈ જાય. તારી ક્રેઝીનેસ મને ગમતી હતી, હવે એ ક્રેઝ થોડોક કમ થઈ ગયો છે. તારો મસ્તીનો મિજાજ ક્યાં ગયો? ઉંમરની સાથે અમુક આદતો બદલવી ન જોઈએ. તું પ્રેમ કરે છે, પણ તને એટલિસ્ટ જ
રિક્વેસ્ટ છે કે તારા તોફાનને, તારી મસ્તીને અને તારી ધમાલને મૂરઝાવા ન દે. પ્રેમ માત્ર પરંપરા
નિભાવતા હોય એમ ન થવો જોઈએ. પ્રેમ સાથે રોમાંચ હોવો જોઈએ. રોમેરોમમાં વ્યક્ત એ જ સાચો પ્રેમ.
પ્રેમ કરવો જોઈએ અને પ્રેમ સ્વીકારવો પણ જોઈએ. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા
હતા. પતિ ઓલવેઝ એના જૂના
અને યંગ અંદાજ પ્રમાણે જ પત્ની સાથે વાતચીત અને વર્તન કરે. એક વખત પતિએ પત્નીની મજાક કરી. પત્નીને મજાક ગમી. પત્નીએ છતાં એમ કહ્યું કે, હવે આવી મજાક ન કરો, હવે કંઈ આપણે નાનાં નથી, છોકરાંવ પણ મોટાં થઈ ગયાં છે, બધું સમજવા લાગ્યાં છે. આ વાત સાંભળીને લાડકી દીકરીએ કહ્યું કે, હા હવે અમે બધું
સમજવા લાગ્યાં છીએ. અમને એ પણ સમજાય છે કે મારા ડેડી મારી મમ્મીને કેટલો લવ કરે છે. મોમ-પપ્પાની સૌથી મોટી
ખૂબી એ જ છે કે એ એવા ને એવા છે. તું પણ એવી ને એવી જ રહેને. તમને બંનેને જોઈને તો એમ થાય છે કે, કેવું લકી કપલ છે. જિંદગી તો આમ જ જીવાય. મા તને ખબર છે એક
રાતે તને તાવ આવ્યો હતો ત્યારે પપ્પા દર કલાકે તારા કપાળ અને ગળા પર હાથ મૂકીને ચેક
કરતા રહેતા કે તાવ ઊતર્યો. તાવ વધતો તો એમના ચહેરા પર ઉચાટ વર્તાઈ આવતો અને તાવ ઊતરતો
ત્યારે તેમના ચહેરા પર છલકતી હળવાશ અમે સ્પષ્ટ રીતે જોઈ શકતાં હતાં.
આપણે પ્રેમ તો કરતા હોઈએ છીએ, પણ રીત ઘણી વખત ભૂલી જઈએ છીએ. પ્રેમને સંતાડો નહીં છતો થવા દો. બોડીની લેંગ્વેજ હોય છે અને પ્રેમમાં આ ભાષા સૌથી વધુ છલકે
છે. કોઈ કપલને જોઈને
જ એમ થાય છે કે એ બંને વચ્ચેનો પ્રેમ કેવો દેખાય છે! ન દેખાતો હોય તો એને શોધીને સામે લાવો, પ્રેમ વધુ જીવતો
અને જાગતો થઈ જશે.
છેલ્લો સીન
પ્રેમ એટલે
ચાર આંખોથી જોવાતું અને જીવાતું એક સપનું. -કેયુ.

(“દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 એપ્રિલ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)

E-mail : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *