તું મને પ્રેમ કરે છે?

તો વફાદારીની સાબિતી આપ!
દૂરબીન – કૃષ્ણકાન્ત ઉનડકટ
————————————
 હોલિવૂડની
મશહૂર અભિનેત્રી એન્જેલિના જોલીએ
પોતાના પતિ અને હોલિવૂડ સ્ટાર બ્રાડ પિટને વફાદારીની સાબિતી આપવા ડીએનએ ટેસ્ટ કરાવવાનું કહ્યું છે! પ્રેમ
અને વફાદારીની વ્યાખ્યાઓ ધીમે ધીમે
બદલતી જાય છે!
——————————– 

પ્રેમ
અને વફાદારી એકબીજા સાથે સખત રીતે
જોડાયેલાં છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે પ્રેમ અને વફાદારી એકબીજાના પર્યાય જ છે. વફાદારી વગરનો પ્રેમ હોઇ ન શકે. આ વાત
સદીઓ પહેલાં જેટલી સાચી હતી, એટલી જ આજે પણ સાચી છે અને સદીઓ પછી પણ સાચી જ હશેઆમ છતાં સમયની સાથે ઘણું બધું બદલાય છે. એક સમય
હતો જ્યારે એમ કહીએ કે હું તને પ્રેમ
કરું છું એટલે સમજી લેવાનું કે હું તને વફાદાર છું. હવે એવું નથી. હવે કોઇ કહે કે હું તને પ્રેમ કરું છું તો સામેથી એવો સવાલ પણ થાય કે, એની
ખાતરી શું? તું મને પુરાવો આપ તો ખબર પડે. કોઇ
વ્યક્તિ પુરાવા ન આપે તો પ્રેમી કે પ્રેમિકા પુરાવા મેળવી
પણ લે છે. એ પુરાવા એવા હોય છે
કે મારી વ્યક્તિ બીજા કોઇને પ્રેમ કરતી નથી! માત્ર અને માત્ર મને જ પ્રેમ કરે છે. મારા
સિવાય એની જિંદગીમાં બીજું કોઇ છે જ નહીં.
માનો કે
એવી ખબર પડે કે પોતાની વ્યક્તિ
બીજા કોઇ સાથે જોડાયેલી છે તો ફટ દઇને સ્પષ્ટતા માગી લે છે કે, તું
નક્કી કરી લે, કાં તો એ અને કાં તો હું. ચોઇઝ ઇઝ
યોર્સ! એક મ્યાનમાં બે તલવાર રહી ન શકે. તારે જવું હોય તો જા પણ ડબલ ઢોલકી નહીં વગાડવાની! એવું નહીં કે માત્ર છોકરાઓ જ આવું કરે છે, છોકરીઓ
પણ પોતાની રિલેશનશિપમાં આટલી જ સ્પષ્ટ છે. સંબંધોમાં
સેન્ટ પર્સન્ટ ક્લેરિટી જોઇએ છે. એક
છોકરીએ એવું કહ્યું કે વાત આધિપત્યની નથી પણ વફાદારીની છે. હું તેને વફાદારી હોવ તો તે પણ મને લોયલ હોવો જોઇએ.
ફિલ્મ દિલ હી
તો હૈનું પેલું ગીત છે ને, તુમ અગર
મુજકો ન ચાહો તો કોઇ બાત નહીં, તુમ કીસી ઔર કો ચાહોગી તો મુશ્કીલ હોગી. હવે આવું ગીત છોકરીઓ પણ ગાય છે કે, જો બીજા કોઇને પ્રેમ કર્યો તો મુશ્કેલી થશે. વફાદારી
જોઇએ છે તો વફાદારી આપ, સમર્પણ માગે છે તો તું પણ મને સમર્પિત રહે. સંબંધોમાં રમત ન જોઇએ. તને ફાવતું ન હોય કે ગમતું ન હોય તો તું તારા રસ્તે અને હું મારા
રસ્તે. હવે આવી વાત સારી છે કે ખરાબ છે એ એની જગ્યાએ છે પણ યંગ જનરેશન
હવે ઘણી બધી સ્પષ્ટ તો છે જ! જિંદગીમાં પ્રેમ મહત્ત્વનો છે એની ના નહીં પણ જિંદગીમાં મેં ઔર ભી બહોત કુછ હૈ મહોબ્બત
કે સીવા! તારી જુદાઇમાં હું કંઇ મરી ફીટવાની કે મરી ફીટવાનો
નથી. લાઇફ ઇઝ બ્યુટિફુલ. મારી જિંદગી છે, મારી કેરિયર છે, પ્રેમની મારી પોતાની વ્યાખ્યા છે તારી પણ એ જ વ્યાખ્યા હોય તો જ
બાત બનતી હૈ!
હોલિવૂડની
મશહૂર અભિનેત્રી એન્જેલિના જોલી વધુ
એક વખત અને સાવ જુદા જ કારણોસર ચર્ચામાં છે. એન્જેલિનાએ તેના પતિ અને હોલિવૂડ સ્ટાર બ્રાડ પ્રિટ સમક્ષ એવી ઇચ્છા વ્યક્ત કરી છે
કે તે પોતાની વફાદારી સાબિત કરવા માટે
ડીએનએ ટેસ્ટ કરાવે! આ સેલિબ્રિટી કપલની નાનીનાની
વાતોમાં અમેરિકન્સ અને યુરોપિયન્સને રસ પડે છે. વફાદારી
અને ડીએનએ ટેસ્ટની વાતથી તો એ બંને
વિશેની ગોસિપ્સ જોરશોરથી ચાલી રહી છે. આખરે અેવું તે શું થયું કે એન્જેલિનાએ બ્રાડ પ્રિટને વફાદારી સાબિત કરવાનું કહેવું પડ્યું? તેનું
કારણ છે હોલિવૂડ સેલિબ્રિટી મેલીસા
ઇથરેજ.
54 વર્ષની મેલીસા
ઇથરેજ હોલિવૂડની એક્ટ્રેસ, રોક સિંગર, સોંગ રાઇટર, ગિટારિસ્ટ અને એક્ટિવિસ્ટ છે. મેલીસાએ ઓસ્ટ્રેલિયન ટીવી શોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન એવો ધડાકો કર્યો કે તેણે સંતાન
પ્રાપ્તિ માટે બ્રાડને સ્પર્મ ડોનેટ
કરવા કહ્યું હતું. તેણે એ ખુલાસો ન કર્યો કે બ્રાડે પછી સ્પર્મ આપ્યું હતું કે નહીં? હવે આ વાતથી એન્જેલિનાના મનમાં શંકા ઘૂસી ગઇ કે દાળમાં કંઇક કાળું છે. એન્જેલિનાએ
કહ્યું કે, બ્રાડ પિટ ડીએનએ ટેસ્ટ કરાવીને એ સાબિતી આપે કે તે મને વફાદાર
છે. મેલીસાએ વર્ષો અગાઉ એવું જાહેર કર્યું હતું કે તે લેસ્બિયન છે. જોકે તેને પુરુષો સાથે પણ સંબંધો હતા. તેના
વિશે એવી વાતો પણ થતી રહી છે કે તે બાયસેક્સ્યુઅલ છે. તેને
સંતાનો છે એ કોનાં છે એની ચર્ચાઓ પણ થતી
રહે છે. મેલીસા પાછી એન્જેલિનાની જાહેરમાં ટીકા કરે છે. એન્જેલિનાએ પોતાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર કર્યું. ત્યારે મેલીસાએ કહ્યું હતું કે આ બહાદુરી નથી પણ ડરપોકવૃત્તિ છે!
વેલ જે
હોય તે, હવે ચર્ચા એવી છે કે વફાદારીના પુરાવા માગવા એ યોગ્ય છે? પોતાની વ્યક્તિ
એમ કહે કે હું તને વફાદાર છું એ પૂરતું નથી? રિલેશનશિપમાં
એટલો ભરોસો ન હોવો જોઇએ? આમ છતાં, ઘણા લોકો એન્જેલિનાની વાતને વાજબી અને ઘણા ગેરવાજબી ગણાવે છે!
હવેની
રિલેશનશિપ વફાદારી અને શંકા વચ્ચે
ઝૂલતી રહે છે. સંબંધોનો પણ લોકોને ડર લાગે છે કે મારી વ્યક્તિ મારી જ છે ને? એને મારામાંથી રસ ઊડી ગયો નથી ને? એકબીજાના પાસવર્ડ આપવાને પણ હવે વફાદારી ગણાવાય છે. ખાનગીમાં
સ્ટેટસ ચેક થાય છે. એટલું જ નહીં, કોણે કમેન્ટ કરી, શું કમેન્ટ કરી તેનાથી માંડી શા માટે કમેન્ટ કરી ત્યાં સુધીનું ચેકિંગ થાય છે. અમુક લોકો લાઇક કરે તો પણ ગમતું નથી. તેં એના
માટે શું કામ આવું લખ્યું? તારો મતલબ શું હતો? પોતાની વ્યક્તિના
મેઇલ બોક્સ પણ ચેક થાય છે કે કોના ઇમેલ આવ્યા.
મોબાઇલ
ફોન હવે કંઇ છૂપું રહેવા દેતા નથી. ઘરે જતાં
પહેલાં ઘણા લોકોને ફોન બુકમાંથી અમુક નંબર ડિલીટ કરવા પડશે. નંબર જોઇ જશે તો વળી શંકા કરશે! પૂછશે કે
એનો ફોન શા માટે આવ્યો હતો? શું વાત કરી? બસ એમ જ હાયહલો થયું હતું એવું કહીએ તો પણ એવું સાંભળવું પડે છે કે તું પૂરી વાત કેમ કરતો નથી કે
એક્ઝેટલી શું વાત થઇ?
મુંબઇના
એક પ્રાઇવેટ ડિટેક્ટિવે હમણાં એવી વાત
કરી કે હવે લોકો પોતાની અંગત વ્યક્તિ પર વોચ રખાવે છે. ક્યાં જાય છે? કોને મળે છે? બંને વ્યક્તિ કામ કરતી હોય ત્યારે ઓફિસમાં કોની નજીક છે એની પણ
તપાસ કરાવાય છે. એક યુવાને એવું કહ્યું કે હવે આપણી વ્યક્તિ પર પણ અાંધળો
ભરોસો મૂકી શકાય એમ નથી! સંબંધો બદલાયા
છે કારણ કે સમય બદલાયો છે, ગણતરીઓ બદલાય છે. આપણે મૂરખ ન બનવા જોઇએ!
પ્રેમમાં
શ્રદ્ધા હોય તો જ પ્રેમ ટકે છે. એક વખત
શંકા સળવળી એટલે સંબંધમાં પલીતો ચંપાય છે. બધાને પ્યોરપ્રેમ જોઇએ છે, પ્યોર પ્રેમ જોઇએ એમાં પણ કશું ખોટું નથી પણ સામાપક્ષે શુદ્ધ અને સાત્ત્વિક પ્રેમ આપવો
પણ જોઇએ. વફાદારીની અપેક્ષા એ જ રાખી શકે જે પોતે વફાદાર હોય. બધા એવા
નથી, ઘણા લોકો એવા પણ છે
જેને ગળા સુધી ખાતરી છે અને પૂરેપૂરો ભરોસો છે કે મારી વ્યક્તિ મારી જ છે. આમ છતાં
એક હકીકત એ પણ છે કે વોચ રાખનાર અને પુરાવા માંગનાર
પ્રેમીઓ, પતિઓ અને પત્નીઓનો વર્ગ દિવસે ને દિવસે મોટો થતો જાય છે!
  (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 17 એપ્રિલ, 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)


email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *