સ્ટ્રેસ, ઇમોશન અને યંગસ્ટર્સ
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
————————–
ટેલિવિઝન અભિનેત્રી પ્રત્યુશા બેનરજીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આપઘાત કરનારી તે પહેલી નથી અને છેલ્લી પણ નથી જ. માત્ર કલાકારો માટે જ નહીં પણ આજના દરેક યંગસ્ટર્સ સામે સૌથી મોટા પડકાર છે, સ્ટ્રેસ અને ઇમોશન મેનેજમેન્ટ.
—————————-
મોત કા ભી ઇલાજ હો શાયદ, જિંદગી કા કોઇ ઇલાજ નહીં. એક શાયરે આવું કહીને જિંદગી ચેલેન્જિસથી ભરેલી હોવા તરફ ઇશારો કર્યો છે. જો કે તેણે એમ નથી કહ્યું કે જિંદગીનો ઇલાજ મોત છે. જિંદગી ગમે તેવી હોય તો પણ જિંદગી જીવવા માટે છે, મરવા માટે નહીં. આજના લોકો અને ખાસ કરીને યંગસ્ટર્સને એવું તે શું થઇ જાય છે કે એને જિંદગી અઘરી અને મોત સહેલું લાગવા માંડે છે? ક્યાં થાપ ખવાઇ જાય છે?
અચાનક શું ખૂટવા લાગે છે? હા, કટથ્રોટ કમ્પિટિશન છે, ટકવા માટે ટક્કર આપવી પડે છે, ગોલ છે, ટાર્ગેટ છે અને બીજું ઘણુંબધુ છે. રિલેશનશીપના ઇસ્યુઝ છે, ડીચ છે, બ્રેકઅપ છે, થોડોક પ્રેમ છે અને ઘણીબધી નફરત છે. પોતે જ બનાવેલા જાળાઓમાં માણસ એવો ગૂંચવાઇ જાય છે કે પછી એ એમાંથી બહાર જ નીકળી શકતો નથી. હવે એ સમય પાકી ગયો છે કે નવી જનરેશનને સ્ટડીમાં સ્ટ્રેસ અને ઇમોશન મેનેજમેન્ટ શીખવવાનું શરું કરવામાં આવે. લોકો તૂટી ન જાય અને ગમે તેવા પડકાર સામે ટટ્ટાર ઉભા રહી શકે એવું શીખવાડવામાં આવે.
ફક્ત 25 વર્ષની ટેલિવિઝન અભિનેત્રી પ્રત્યુશા બેનરજીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. ‘બાલિકા વધુ’ સિરિયલે તેને ઘર ઘરમાં જાણીતી કરી દીધી હતી. ક્યુટ દેખાતી પ્રત્યુશા અંદરથી તૂટી ગઇ હતી. તેના મોત અંગે જાતજાતની વાતો બહાર આવી રહી છે. તે ડ્રગ લેતી હતી, સ્મોકિંગનો તેને કોઇ છોછ ન હતો. બોય ફ્રેન્ડ રાહુલ રાજ સિંઘ સાથે તેને ઝઘડો થયો હતો. તે કામમાં ધ્યાન આપતી ન હતી. સિન્સયર ન હોવાના કારણે તેણે ઘણી સિરિયલ્સ ગૂમાવી હતી. કારણ ગમે તે હોય તેનાથી હવે કોઇ ફેર પડતો નથી. વાત એટલી જ છે કે આ ઉંમર મરવાની ન હતી. આ ઉંમરે તો માણસ સુંદર જિંદગીના સપના જોતો હોય છે. પ્રત્યુશાએ પણ સફળતા અને સુખના સપના જોયા હશે. એ સફળતાની નજીક તો પહોંચી પણ ગઇ હતી. અમુક સફળતા એવી હોય છે કે માણસને સમજાતું નથી કે ખરેખર હવે તેને શું જોઇએ છે? જેટલી મળી હોય એટલી સફળતાને ટકાવવી અને તેને એન્જોય કરવી. એ પણ કંઇ નાનો સૂનો પડકાર નથી. પ્રત્યુશા પોતાની જાત પર કંટ્રોલ ન રાખી શકી.
આપણું ક્ષેત્ર જો એવું હોય કે જ્યાં રાતોરાત સફળતા મળતી હોય ત્યારે એક વાત યાદ રાખવાની હોય છે કે આ ક્ષેત્રમાં નિષ્ફળતા પણ અચાનક અને અણધારી હોય છે. પ્રત્યુશાની જેમ આપઘાત કરનારાઓનું તો લાંબુ લિસ્ટ છે. આપઘાતના કારણો પણ ઓલમોસ્ટ સરખા છે. સરવાળે જે વાત બહાર આવે છે એ એવી જ છે કે એ લોકો સ્ટ્રેસ ટેકલ કરી શકતા ન હતા અને પોતાના ઇમોશનને કંટ્રોલ કરી શકતા ન હતા. ફિલ્મ અભિનેત્રી જિયા ખાન પણ આ જ રીતે લટકી ગઇ હતી. સુરજ પંચોલી સાથે તેને ઝઘડો ચાલતો હતો. સવાલ એ થાય કે બોયફ્રેન્ડ સાથે વાંધો પડે એમાં મરી જવાનું? બીજા કોઇનો કંઇ વિચાર જ નહીં કરવાનો? જો કે જેને પોતાનો જ કોઇ વિચાર ન આવતો હોય એને બીજાનો વિચાર તો ક્યાંથી આવે!
આજે ટોપની અભિનેત્રીમાં જેનું નામ છે એ પ્રિયંકા ચોપરાના એક સમયના સેક્રેટરી પ્રકાશ જીજુએ એવું કહ્યું કે પ્રિયંકાએ પણ બે-ત્રણ વખત આપઘાતના પ્રયાસ કર્યા હતા. દીપિકાએ તો પોતે કબુલ્યું છે કે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. કંગનાની લાઇફમાં પણ જબરજસ્ત ચડાવ-ઉતાર આવ્યા છે. કોઇ પણ રીતે આ અભિનેત્રીઓએ તેની હતાશા પર કાબુ મેળવી લીધો. તેને કદાચ નસીબે સાથ આપ્યો હશે. બધાને નસીબ સાથ આપતું નથી. આવી બાબતોમાં નસીબને સહારે બેસી પણ ના રહેવાય. તમારે તમારું મનોબળ કેળવવું પડે. આપણને એમ થાય કે આ ગ્લેમરની દુનિયા જ એવી છે. બહારથી ઝાકમઝોળવાળી દેખાતી આ દુનિયામાં અંદરથી પોલમપોલ છે. જો કે માત્ર ગ્લેમર વર્લ્ડમાં જ આવું છે એવું નથી. ગ્લેમરની દુનિયાનું હોય એટલે એ વધુ ચર્ચાય છે. બીજા ક્ષેત્રની વાતો બહુ બહાર આવતી નથી. દરરોજ ક્યાંકને ક્યાંક અનેક લોકો જિંદગીની દોર પોતાના હાથે કાપી નાખે છે. તેના કારણો પણ ક્યાંકને ક્યાંક પ્રત્યુશા અને બીજા લોકો સાથે મળતા-ઝૂલતાં જ હોય છે.
યંગસ્ટર્સ માટે આજે ડગલે ને પગલે સ્ટ્રેસ છે. પોતાની જાતને સાબિત કરવા માટે એ પોતાની જાત ઘસી નાખે છે. તેને સતત ભય રહે છે કે દુનિયાની દોડમાં હું એલર્ટ નહીં રહું તો હું પાછળ રહી જઇશ. એ દિવસ-રાત ભાગતો રહે છે. સફળ થઇ ગયા પછી પણ એવું તો નથી જ કે હવે હાશ થઇ ગઇ. હવે મને કોઇ ચિંતા નથી. અમુક મુકામ પર પહોંચી ગયા પછી ત્યાં ટકી રહેવાનું પ્રેશર હોય છે.
યંગસ્ટર્સ માટે બે વસ્તું સૌથી અગત્યની હોય છે. એક તો કરિયર અને બીજી પર્સનલ લાઇફ. છોકરો હોય કે છોકરી, બંનેને આ લાગું પડે છે. ‘કી એન્ડ કા’ ફિલ્મમાં ભલે એવી વાત હોય કે પુરુષ ઘરે રહે અને પત્ની કમાય, હકીકત તો એ છે કે આજે ઘરની બંને વ્યક્તિ કમાતી હોય તો જ બે છેડા ભેગા થાય અને લાઇફ કંઇક જીવવા જેવી લાગે. સ્ટ્રેસ અને ઇમોશન ચેલેન્જિસ લેડીઝ હોય કે જેન્ટસ બંને માટે એકસરખા જ છે. સ્ટ્રેસનું વળી એવું છે કે એ દરેક તબક્કે હોય છે. સ્ટ્રગલ હોય, નિષ્ફળતા હોય કે પછી સફળતા હોય, સ્ટ્રેસ તો રહેવાનો જ છે. તમે હજુ કરિયર બનાવતા હોય ત્યારે એવું થાય કે એક વખત સારી તક મળી જાય ને તો દુનિયાને બતાવી દઉં કે મારામાં કેટલી તાકાત છે. માનો કે તક મળી ગઇ અને નિષ્ફળ ગયા તો હતાશા ચડી બેસે છે. માનો કે સફળ થઇ ગયા તો જે સ્થાને હોવ તેનાથી આગળ જવા અને આગળ ન જઇ શકાય તો કમસે કમ પાછળ ન ધકેલાઇ જઇએ તેનું પ્રેશર રહેવા લાગે છે. આ બધાની અસર પર્સનલ રિલેશન્સ પર પડે છે. ઘર અને ઓફિસ વચ્ચે બેલેન્સ નથી રહેતું. મા-બાપની પણ અપેક્ષાઓ હોય છે. માણસ બસ રાહ જોતો રહે છે કે એક દિવસ બધું સરખું થઇ જશે. એ દિવસની રાહ જોવામાંને જોવામાં માણસ થાકી જાય છે, હારી જાય છે અને એક તબક્કે તેને એવા વિચારો આવવા લાગે છે કે આ બધાનો કોઇ મતલબ જ નથી. ગમે એટલું દાડીશું તો પણ ક્યાંય પહોંચી શકાવાનું નથી.
ક્યાં પહોંચવું છે? કેવી રીતે પહોંચવું છે? ત્યાં ન પહોંચ્યા તો શું? અને પહોંચી ગયા પછી પણ શું? એ કોઇ વિચારતું નથી, કોઇ શીખતું નથી અને કોઇ શીખવાડતું પણ નથી. રુપિયા, નામ અને શોહરત મળી જવાથી જ સુખ મળી જવાનું નથી. સુખી થવા માટે સુખને સમજવું પડે છે અને ઘણુંબધું સ્વીકારવું પડે છે. છોકરાઓને આવું બધુ શીખવાડવાનો મા-બાપ પાસે ટાઇમ નથી, મા-બાપની તૈયારી હોય તો છોકરાઓ શીખવા તૈયાર થતાં નથી. બધા પોતાના રસ્તા નક્કી કરી લે છે અને એ રસ્તાને જ સાચા માની લે છે, એ રસ્તા ખોટા પડે ત્યારે જિંદગીનો રસ્તો જ કાપી નાખે છે. સ્ટ્રેસ અને ઇમોશનલ ઇમરજન્સીથી કોઇ બચી શકવાનું નથી, તેને ટેકલ અને મેનેજ કરતા શીખવું અને શીખવાડવું પડશે, નહીંતર પ્રત્યુશા જેવા બનાવો બનતાં જ રહેશે.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 એપ્રિલ, 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
email : kkantu@gmail.com