તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઇતું હોય છે?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એહસાસ મર ચૂકા હૈ હવાદિસ કી ગોદ મેં,
અબ ગમ કા ગમ નહીં હૈ, ખુશી કી ખુશી નહીં.
– નરેશકુમાર ‘શાદ’ (હવાદિસ – દુર્ઘટનાઓ)
સંબંધ સમય આવ્યે પરખાઈ જતો હોય છે. જિંદગીના કોઈ તબક્કે સંબંધ સાબિતી માગે છે, સાથ માગે છે, સહયોગ માગે છે અને ‘સ્ટેન્ડ’ માગે છે. અંગત સંબંધ સ્પષ્ટ હોવા જોઈએ અને સ્વચ્છ હોવા જોઈએ. પ્રેમમાં છાનગપતિયાં ન ચાલે. પ્રેમમાં માણસ ફના થઈ જવા તૈયાર હોય છે પણ પહેલાં એને એ અહેસાસ જોઈતો હોય છે કે મારી પાસે કુરબાન થવાનું ‘પાક્કું’ કારણ છે. એ મારી સાથે છે, કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ સ્થિતિમાં. મારા માટે એ બધું કરવા તૈયાર છે. આપણાં માટે કોઈ ત્યારે જ બધું ન્યોછાવર કરવા તૈયાર હોય, જો તમારી પણ સામે એટલી જ તૈયારી હોય.
દરેક સંબંધ એનો જવાબ મેળવી લેતો હોય છે. આ જવાબ કાં તો પોઝિટિવ હોય છે અથવા તો નેગેટિવ હોય છે. માણસની નિયત ઉપરથી સંબંધોની નિયતિ નક્કી થતી હોય છે. કેટલાક સંબંધો તકલાદી હોય છે તો કેટલાક સંબંધો તકવાદી હોય છે. ઉમદા સંબંધોની બુનિયાદ ઉત્તમ હોય છે. આપણી વ્યક્તિને આપણી પાસેથી સુખ, શાંતિ, શ્રદ્ધા અને સહજીવન જોઈતું હોય છે. સંપત્તિ અને સાધન-સુવિધાની જરૂર પડતી હોય છે પણ જો સ્ટેન્ડ ન હોય તો કોઈ સંબંધ ટકતો નથી. દરેક સંબંધને આધાર જોઈતો હોય છે.
હમણાંનો એક કિસ્સો છે. એક પ્રેમી- પ્રેમિકા વચ્ચે બ્રેક-અપ થયું. પ્રેમિકાએ કારણ આપ્યું કે એના ઘરમાં એ માણસ મારા માટે કોઈ સ્ટેન્ડ જ લઈ શકતો ન હતો. મને વાયદાઓ કરતો રહે કે તારા માટે હું કંઈ પણ કરી શકું છું પણ એના ઘરમાં જ એ સ્પષ્ટતાથી વાત કરી શકતો ન હતો. એણે પોતાના ઘરમાં ચોખ્ખી ને ચટ વાત કરી દીધી હોત અને પછી કોઈ કારણસર જુદા પડવાનું થયું હોત તો કદાચ મને કોઈ અફસોસ ન થાત. કમ સે કમ એટલી તો ખબર પડત કે એણે મારા માટે પ્રયત્ન કર્યો હતો. જે વ્યક્તિ સંબંધોની શરૂઆતમાં જ સાથે ઊભી રહી ન શકે એ સાથે જીવી કેવી રીતે શકવાનો?
સંબંધ ક્યારેક એવા માર્ગ ઉપર આવી ચડે છે જ્યારે માણસે નક્કી કરવાનું હોય છે કે આ તરફ જવું કે પેલી તરફ જવું? આપણાં કદમ કઈ તરફ વળે છે, તેના ઉપરથી સંબંધની તીવ્રતા કે તકલાદીપણું છતું થતું હોય છે. પ્રેમી હોય કે પ્રેમિકા, પતિ હોય કે પત્ની, એ પોતાના સાથી પાસે સૌથી વધુ જો કંઈ ઇચ્છતા હોય તો એ છે કે આપણે તેના માટે કેવું અને કેટલું સ્ટેન્ડ લઈ શકીએ છીએ.
એક પ્રૌઢ પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. બંને ખૂબ જ પ્રેમથી રહે છે, તકલીફો નથી એવું નથી, તકલીફો ઘણી છે પણ બેમાંથી કોઈને એકબીજાં સામે ફરિયાદ નથી. જીવનના દરેક ચડાવ-ઉતારનો બંને સાથે મળીને અને હસતાં મોઢે સામનો કરે છે. એક દિવસ પતિએ તેની પત્નીને પૂછયું કે તને કેમ ક્યારેય મારી સામે કોઈ ફરિયાદ હોતી નથી? પત્નીએ પહેલી વખત સાચી વાત કરી. પત્નીએ કહ્યું કે મને પણ તારી સામે ઘણી ફરિયાદો હતી પણ તારા એક વર્તન સાથે મારી તમામ ફરિયાદો એક સામટી ખતમ થઈ ગઈ. એ દિવસે જ મેં નક્કી કરી લીધું હતું કે મને જોઈતું હતું એ મળી ગયું છે અને હવે મને કોઈ ફરિયાદ ક્યારેય નહીં હોય. એ ઘટના હતી મારા માટે સ્ટેન્ડ લેવાની તારી હિંમત. એ ક્ષણ જો તું ચૂકી ગયો હોત તો મારી ફરિયાદ કદાચ ક્યારેય દૂર ન થઈ હોત અને હું તને ક્યારેય માફ કરી શકી ન હોત.
એ પતિ-પત્નીના લવમેરેજ હતા. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. પતિને સરકારી જોબ મળી પછી બંનેએ લગ્ન કરી લીધાં. જોબ કોઈ મોટી ન હતી. સામાન્ય ક્લાર્કનું જ કામ હતું. લગ્ન પછી સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. ઘરનું વાતાવરણ યોગ્ય ન હતું. પતિના પિતાનો મગજ તેજ હતો. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય અને લગ્ન થઈ ગયાં હોવા છતાં દીકરા ઉપર હાથ પણ ઉગામી લે. પત્નીની નજર સામે પતિને તેના પિતાએ તમાચો ઝીંકી દીધો હોય એવી પણ ઘટનાઓ બની હતી. પત્ની કંઈ જ ન બોલતી. એ બાપ-દીકરાનો સંબંધ છે, એમાં મારે વચ્ચે નથી પડવું. પતિનો વાંક ન હોવા છતાં પણ તેની સાથે અયોગ્ય વર્તન થાય એ એનાથી સહન થતું ન હતું છતાં એ ચૂપ રહેતી. પતિ સમજુ હતો. પિતાના સ્વભાવથી પરિચિત હતો. પિતાનું વર્તન એ સહન કરી લેતો. એક વાર જુદી જ ઘટના બની. એક સાંજે ઘરમાં એક નાની વાતે ઝઘડો થયો. પિતાનો પિત્તો ગયો. એ જેમ તેમ બોલવા લાગ્યા. ગુસ્સામાં અને ગુસ્સામાં તેણે દીકરાને બદલે એ દિવસે વહુ પર હાથ ઉગામી દીધો. વહુ સસરા સામે કંઈ ન બોલી. તમાચો સહન કરી લીધો. દીકરો પણ કંઈ જ ન બોલ્યો. પત્નીનો હાથ પકડીને બોલ્યો કે ચાલ, આપણે જઈએ છીએ. પહેરેલ કપડે પત્ની સાથે એ ઘરમાંથી નીકળી ગયો. પિતાને એટલું જ કહ્યું કે હું ઘર છોડીને જાઉં છું અને હવે ક્યારેય પાછો આવવાનો નથી.
પત્નીએ કહ્યું કે બસ એ ક્ષણે મારી તમામ ફરિયાદો દૂર થઈ ગઈ. તેં મારા માટે સ્ટેન્ડ લીધું એ મારી જિંદગીની સૌથી મોટી ઘટના હતી. એ પછીનો સમય સહેલો ન હતો. મને યાદ છે એ રાતે આપણે તારા મિત્રના ઘરે ગયાં અને તેં કહ્યું કે આજની રાત તારે ત્યાં રહેવું છે. બીજા જ દિવસે તેં ભાડાનું ઘર શોધ્યું. ઘરમાં કંઈ જ ન હતું. એક એક વસ્તુ કરીને આપણે ઘર ઊભું કર્યું. ઘરમાં રસોઈ બને એમ ન હતી એટલે આપણે બે દિવસ તો રેંકડી પર ખાધું હતું. મને ત્યારે પણ એ વાતની ખુશી હતી કે તું મારા માટે બધું કરી શકે છે અને આજે પણ ખુશી છે કે તેં મારા માટે જ્યારે જે કરવું જોઈએ એ કર્યું છે.
સંબંધમાં દરેક વખતે મોટી ઘટના જ બને એવું જરૂરી નથી, ક્યારેક નાની નાની વાતોમાં પણ આપણું સ્ટેન્ડ છતું થતું હોય છે. ઘણી વખત આપણે કોઈને સારું લગાડવા માટે આપણી વ્યક્તિને હર્ટ કરી લેતા હોઈએ છીએ. એ સમયે આપણી વ્યક્તિ ભલે કંઈ ન બોલે પણ મનમાં એક રંજ રહી જતો હોય છે કે એ સ્પષ્ટ નથી. સંબંધમાં શું હોવું જોઈએ, એ ઘણી વખત મહત્ત્વનું બની જાય છે.
તમે તમારી વ્યક્તિ માટે સ્ટેન્ડ લઈ શકો છો? જરૂરી નથી કે દરેક વખતે આપણી વ્યક્તિ સાચી જ હોય, ખોટી હોય અથવા તો એની વાત વાજબી ન હોય, ત્યારે જે સાચું હોય તેના તરફે જ સ્ટેન્ડ લેવું જોઈએ. જ્યારે એવું લાગે કે મારી વ્યક્તિ સાચી છે અને હવે ક્લેરિટી સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારે તમારી વ્યક્તિ માટે સ્ટેન્ડ લો. જિંદગીની અમુક નાજુક ક્ષણોએ જ સંબંધ સાર્થકતા માગતો હોય છે. એ ઘડીએ તમે મોડું ન કરો તો તમારી વ્યક્તિને તમારી પાસેથી જે જોઈતું હોય એ મળી જાય છે. માણસને પોતાની વ્યક્તિ પાસેથી માત્ર એટલો અહેસાસ જ જોઈતો હોય છે કે એ મારો છે અથવા તો મારી છે. એ સિવાય કંઈ જ જોઈતું હોતું નથી. એ ક્ષણ જો સચવાઈ જાય તો પછી નથી રહેતી કોઈ ફરિયાદ કે નથી રહેતો કોઈ વસવસો.
છેલ્લો સીન :
સમય આવ્યે જે ખડેપગે નથી રહી શકતા એ માટીપગા જ હોય છે. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 17 નવેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

%d bloggers like this: