તમારી ખૂબીના માલિક બનો, ગુલામ નહીં
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ.
આગ કો પતંગોને ખેલ સમઝ રખ્ખા હૈ,
સબ કો અંજામ કા ડર હો યે જરૂરી તો નહીં.
–ઝરીના સાની.
દુનિયા કોઈ નવો વિચાર આસાનીથી સ્વીકારતી નથી. દુનિયાના બનાવેલા રસ્તે ચાલતા રહેશો તો કોઈ ક્યારેય પૂછશે નહીં કે તમે ક્યાં જાવ છો. કોઈ નવી કેડી કંડારવા જશો તો દુનિયા તરત જ સવાલ કરશે કે આ તું શું કરે છે?કેટલાંક લોકો વિરોધ પણ કરશે કે તું જે કરે છે એ બરાબર નથી. આખી દુનિયામાં એવી કેટલીય પરંપરાઓ,રીતરિવાજો, માન્યતાઓ અને ધારણાઓ છે જે યુગોથી એમની એમ ચાલી આવે છે, તેનું સૌથી મોટું કારણ એ જ છે કે એને પડકારવાની કોઈ હિંમત નથી કરતું. દુનિયા એક જ નિયમમાં માને છે કે બધું જેમ ચાલતું હોય એમ ચાલવા દો. આપણા મનમાં ફરિયાદ હોય છે પણ આપણે સવાલ કરતાં નથી. સવાલ કરતા પહેલાં તમારી પાસે જવાબ હોવો જોઈએ. એ જવાબ સાચો પણ હોઈ શકે અથવા ખોટો પણ હોઈ શકે. મહત્ત્વ સાચા કે ખોટાનું નથી,મહત્ત્વ એનું હોય છે કે તમારી પાસે જવાબ છે એ જવાબ તમારો પોતાનો છે. કેટલા લોકો પોતાના જવાબને ચકાસે છે? આપણને બધાને જે જવાબો છે એ સ્વીકારી લેવાની આદત પાડી દેવામાં આવી હોય છે.
ઘણી બધી બાબતો એવી હોય છે જેના વિશે આપણે એવું માનતા હોઈએ છીએ કે આ બરાબર નથી. શું હોવું જોઈએ એનો અંદાજ પણ આપણી પાસે હોય છે, પણ આપણે બોલતા નથી. ઘરમાં કે ઓફિસમાં જ્યારે કોઈ ચર્ચા થતી હોય ત્યારે પણ આપણે આપણી માન્યતા અને વિચારોને દબાવી રાખીએ છીએ. મારી વાત કોઈ સ્વીકારશે નહીં અથવા તો મને મૂરખ કે નાસમજ માનશે એવું ઘણા માને છે પણ એવું હોતું નથી, જ્યાં સુધી તમે ચૂપ રહો છો ત્યાં સુધી તમે ટોળામાંના જ એક છો. દરેક માણસમાં એક લીડર જીવતો હોય છે છતાં દરેક માણસ લીડર બની શકતો નથી. એનું કારણ એ જ હોય છે કે માણસ પોતાનામાં રહેલા લીડરને જ સૌથી પહેલાં મારી નાખતો હોય છે. એના કારણે જ દુનિયામાં ફોલોઅર્સ, અનુયાયીઓ, શિષ્યો અને ગુલામોની સંખ્યા વધતી જાય છે.
દરેક માણસમાં એકાદ તો એવી ખૂબી હોય જ છે જે બીજા બધા કરતાં જુદી હોય. દરેકનું પોતાનું વજૂદ છે. આપણે આપણી ખૂબીને બહાર ન લાવીએ તો આપણામાં શું છે એ કોઈને ક્યારેય ખબર પડવાની નથી. આપણે એવું ધારી લેતા હોઈએ છીએ કે કોઈ કંઈ નહીં થવા દે, આપણી મહેનત પાણીમાં જશે. બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે આપણા સમાજમાં આ એક બદી છે. એને મારે નાબૂદ કરવી છે. બીજા મિત્રે કહ્યું કે રહેવા દે, કોઈ તારી વાત નહીં માને. પેલા મિત્રએ કહ્યું કે હા, પણ હું તો પહેલાં મારી વાત માનું. તું માને છે કે મારી વાત સાચી છે? જો આપણે બે માનશું તો જ આવતીકાલે આખી દુનિયા માનશે. હું જ માની લઉં કે કોઈ નહીં માને તો પછી કોઈ કેવી રીતે માનવાનું છે? કંઈ ન કરવા કરતાં કંઇક કરવાનો પ્રયત્ન વધુ ઉત્તમ છે. બહુ બહુ તો શું થશે? મારે જે બદી દૂર કરવી છે એ નહીં થાય, પણ એ તો અત્યારે પણ છે જને. એટલિસ્ટ મને તો એવું થશે કે મેં પ્રયત્ન કર્યો. કમસે કમ લોકોને એટલું તો થશે કે આપણા સમાજમાં આ બદી છે.
સફળ થવાનો એક માર્ગ એ છે કે બધા કહે એ માની ન લો, બધું જ સ્વીકારી ન લો, શંકા જાગે ત્યાં સવાલ કરો અને આ સવાલના જવાબ શોધો. દુનિયાએ નવું વિચારનારને પાગલ જ કહ્યા છે. પણ આવા પાગલો જ પછી ડાહ્યા સાબિત થતા હોય છે. દુનિયાનો નિયમ છે કે પહેલી વાર તમે કોઈ નવો વિચાર આપશો તો દુનિયા હસી કાઢશે, તમે તમારા પ્રયત્ન ચાલુ રાખશો તો પછી એવું કહેશે કે એ ભલે મહેનત કરે પણ સફળ થવાનો નથી, જેવા તમે સફળ થશો કે આખી દુનિયા તમને સ્વીકારવા લાગશે. તમારી વાત અને તમારી જાત પર તમને ભરોસો હોવો જોઈએ. તમારી વાતને વળગી રહો. બધા જેવા થવું બહુ જ સરળ છે પણ પોતાના જેવું થવું બધાનાં નસીબમાં નથી હોતું. દરેક માણસ યુનિક હોય છે પણ દરેક માણસ પોતાની યુનિકનેસ સાબિત કરી શકતો નથી. એટલે જ સામાન્ય લોકોની કાયમ બહુમતી રહે છે. ગમે તેવા ગંભીર સંજોગોમાં પણ તમારા વિચારને દૃઢતાપૂર્વક વળગી રહો.
એક રાજા હતો. રાજા અને તેના રજવાડાંના લોકો ખુશીથી જીવતા હતા. એક જાદુગર રાજાનો દુશ્મન હતો. આખા રજવાડાના લોકોને રાજાની સામે કરી દેવાના નુસખા તે શોધતો હતો. આખરે જાદુગરને એક ઇલમ સૂઝી આવ્યો. ગામના લોકો જે કૂવામાંથી પાણી પીતા હતા એ કૂવામાં જાદુગરે એક દવા મેળવી દીધી. આ દવા એવી હતી કે જે લોકો આ પાણી પીએ એ બધા જ પાગલ થઈ જાય. આખા ગામના લોકો એક જ કૂવાનું પાણી પીતા હતા એટલે ધીમે ધીમે બધા જ પાગલ થઈ ગયા.
રાજમહેલનો કૂવો મહેલની અંદર હતો. રાજા અને રાણી એ કૂવામાંથી પાણી પીતાં હતાં. જાદુગર રાજાના કૂવા સુધી પહોંચી ન શક્યો એટલે રાજા-રાણીને કોઈ અસર ન થઈ. ગામના બધા લોકો એકસરખા પાગલ થઈ ગયા હતા. ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા કે રાજા કરે છે એ બરાબર નથી. રાજા સામે વિરોધ ઊઠવા લાગ્યો. રાજાની વાત કોઈ માનતું ન હતું. તપાસ કરી તો રાજાને જાદુગરની દવાવાળી વાત ખબર પડી ગઈ કે આખું કાવતરું જાદુગરનું છે.
રાજાને સમજાતું ન હતું કે હવે શું કરવું ? એક દિવસે રાજા અને રાણી વાતો કરતાં હતા કે શું કરીએ તો આપણું રજવાડું પાછું હતું તેવું થઈ જાય? રાણીએ કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે પણ ગામના કૂવાનું પાણી પી લઈએ. આપણે બધા જેવા જ થઈ જશું પછી એ લોકો આપણને સ્વીકારી લેશે અને આપણે પણ એ લોકોની જેમ જ વિચારવા લાગીશું. બધા જેવા થઈ જશું પછી વાંધો નહીં આવે.
રાજાએ ખૂબ વિચાર કર્યો અને પછી રાણીને કહ્યું કે તમારી વાત તો સાચી છે, પણ એ રસ્તો વાજબી નથી. આપણે પણ એ લોકો જેવા થઈ જશું તો પછી આપણામાં અને તેનામાં ફર્ક શું રહેશે? આપણે એવું નથી કરવું. જો આપણા દુશ્મન જાદુગર પાસે એવો ઈલમ હતો કે એના દવાવાળા પાણીથી આખું ગામ પાગલ થઈ જાય તો કોઈ એવો ઇલમ પણ હશે કે એનાથી આખું ગામ પાછું ડાહ્યું થઈ જાય. બધા જેવા થઈ જવું સહેલું છે પણ બધાને પાછા આપણા જેવા કરવા એ જ સાચો માર્ગ છે. નજીકના રજવાડામાંથી રાજાએ જાદુગરોને બોલાવ્યા અને કોઈ રસ્તો શોધી કાઢવા કહ્યું. એક જાદુગરે એવી દવા આપી કે દુશ્મન જાદુગરની દવાની અસર ખતમ થઈ જાય. એ દવાને પાણીમાં મેળવી અને ગામના લોકો પાછા ડાહ્યા થઈ ગયા.
દરેક પાસે એક અનોખો ઇલમ હોય છે, આપણે બસ એને શોધી કાઢવાનો હોય છે. તમારા વિચારો જો બહાર જ ન આવે તો એ ક્યારેય સજીવન થવાના નથી. વિચારોને સાર્થક કરવા પડતા હોય છે. તમારી ખૂબીઓને ઓળખો અને એને દબાવી ન રાખો. તમારી ખરી ઓળખ તમારી અંદર જ છે. એને જ્યાં સુધી બહાર નહીં લાવો ત્યાં સુધી દુનિયા તમને ઓળખી શકવાની નથી.
છેલ્લો સીન :
માણસ પાસે બે જ રસ્તા હોય છે, કશુંક જુદું કરો અથવા શરણે થઇ જાવ. -અજ્ઞાત.
(‘સંદેશ’, તા. 2 જુન, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Nice!
i m agree wt dat