જિંદગી ક્યારેક સમજાય નહીં એવી અઘરી બની જાય છે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી ક્યારેક સમજાય નહીં
એવી અઘરી બની જાય છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


ખભા પર વજનદાર થેલા જ રાખ્યા,
અને વસ્ત્ર માયાથી મેલાં જ રાખ્યાં,
કશું પણ નથી હાથમાં એ છતાંયે,
સતત હાથ મુઠ્ઠી ભરેલા જ રાખ્યા.
– નીરવ વ્યાસ



જિંદગી ક્યારેય કોઇને પૂરેપૂરી સમજાઇ નથી અને ક્યારેય સમજાવાની પણ નથી. જિંદગી ક્યારેક મજાની લાગે છે તો ક્યારેક સજાની લાગે છે. જિંદગી એક જ ક્ષણમાં એવી પલટી મારે છે કે, આપણી મતી મૂંઝાઇ જાય. જિંદગી ક્યારેક તમામ સપનાંઓ સાકાર કરી દે છે. આપણને એવું લાગે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. આ જ જિંદગી ક્યારેક એક જ ઝાટકામાં બધું ખતમ અને ખેદાનમેદાન કરી નાખે છે. દુનિયામાં સૌથી વધુ જો કંઇ અનપ્રિડિક્ટેબલ હોય તો એ લાઇફ છે. જિંદગી ક્યારેક આસમાનમાં લહેર કરાવે છે તો ક્યારેક પતન નોતરી પાતાળમાં પહોંચાડી દે છે. જિંદગીની ફિતરત જ અવળચંડી છે. એકસરખી રહેવાનું એના મિજાજમાં જ નથી. જિંદગી સામે બળવો થઇ શકતો નથી. એ જેવી છે એવી જ તેને સ્વીકારવી પડે છે. જિંદગી અને સંબંધો વિશે એવું બહુ કહેવાયું છે કે, સંબંધો છે તો જિંદગી છે. આ વાત જરાયે ખોટી નથી. સાથોસાથ એ પણ હકીકત છે કે, સંબંધો જ ક્યારેક જિંદગીને દોજખ જેવી બનાવી દેતા હોય છે. જેના પર આંખો મીંચીને ભરોસો મૂક્યો હોય એ આંખો પહોળી થઇ જાય એવાં કરતૂતો કરે છે. બધા સંબંધોમાં આવું થતું નથી. કેટલાક સંબંધો સંપૂર્ણપણે અને સોળે કળાએ જિવાતા હોય છે. આ સંબંધો સાથે પણ ક્યારેક જિંદગી રમત રમતી રહે છે. જેની સાથે રહેવું હોય છે એની સાથે રહી નથી શકાતું. જેને ઝંખતા હોય એ મળી શકતા નથી અને મળેલા હોય એ ગમે ત્યારે છીનવાઇ જતા હોય છે. પ્રેમ, લાગણી, આત્મીયતા બંને પક્ષે ભારોભાર હોય તો પણ ક્યારેક વિરહ ભોગવવો પડે છે.
એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ. કાયમ બંને એકબીજામાં ઓતપ્રોત જ હોય. લગ્નનાં થોડાંક વર્ષો વીતી ગયાં. એક સરસ મજાની દીકરીનો જન્મ થયો. દીકરી સ્કૂલમાં ભણવા પણ લાગી. બધું જ બરાબર જઇ રહ્યું હતું. અચાનક સમયે પલટી મારી. એ ભાઇ જે ઓફિસમાં કામ કરતા હતા ત્યાંથી તેમની ટ્રાન્સફર બીજા શહેરમાં થઇ ગઇ. એ વ્યક્તિએ ટ્રાન્સફર સ્વીકારવાની ના પાડી. એને એવું કહેવાયું કે, નોકરી કરવી હોય તો જવું તો પડશે જ. દીકરીની સ્કૂલ સેટ હતી. પત્નીને પણ રહેતાં હતાં એ શહેરમાં ફાવી ગયું હતું. આખરે બંનેએ એવું નક્કી કર્યું કે, પતિ ટ્રાન્સફર થઇ છે એ સ્થળે જશે અને પત્ની તથા દીકરી જ્યાં રહેતાં હતાં ત્યાં જ રહેશે. પતિ ગયો તો ખરો, પણ એ પત્ની અને દીકરી વગર રહી શકતો નહોતો. તેણે કહ્યું, કોણ જાણે કોની નજર અમને લાગી ગઇ. અમારી જિંદગી જ પાટા પરથી ઊતરી ગઇ હોય એવું લાગે છે. જિંદગીમાં ક્યારેક આવું પણ થતું હોય છે. આપણો કંઇ વાંક ન હોય છતાં પણ જિંદગી ક્યારેક આપણને એવા મોડ પર લાવીને મૂકી દે છે જ્યાં આપણું કંઇ ધ્યાન જ નથી પડતું. જિંદગી જે ખેલ ભજવે એ જોવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ આપણી પાસે નથી રહેતો.
જિંદગી કરવટ લે ત્યારે બધા હોય તો પણ માણસ એકલો પડી જાય છે. જિંદગી ક્યારેક આપણને લલચાવતી હોય છે. આમ કરી લે પછી હું સેટ જ છું. આપણે સપનાંઓ જોઇએ છીએ. કેટલાંક સપનાંઓ સાકાર થઇ જાય એ પછી પણ સુખ આપે એવું જરૂરી નથી. એક યુવાનની આ વાત છે. તેને બચપણથી એવું સપનું જોયું હતું કે, વિદેશ ભણવા જવું છે. ભણીગણીને ફોરેનમાં જ સેટ થવું છે. તેનાં માતા-પિતા પણ દીકરાનું સપનું પૂરું કરવા માટે થાય એ તમામ પ્રયાસો કરતાં હતાં. દીકરાનું નસીબ સારું હતું. ભણવામાં ખૂબ હોશિયાર હતો. વિદેશ ભણવા જવા માટે એને તગડી સ્કોલરશિપ મળી. એ યુવાનને તો જાણે ચમત્કાર થયો હોય એવી લાગણી થઇ આવી. એ વિદેશ ભણવા ગયો. ભણવાનું પૂરું થયું. વિદેશમાં જ સારી નોકરી મળી ગઇ. બધાને એવું લાગ્યું કે, હવે બધું સેટ થઇ ગયું છે. કોઇ જ પ્રોબ્લેમ નથી. એ યુવાને મા-બાપને પોતાની પાસે બોલાવી લીધાં. મા-બાપ વિદેશ ગયાં કે તરત બંનેની તબિયત નરમ-ગરમ રહેવા વાગી. તબિયત ધીમે ધીમે બગડતી ગઇ. ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે એવું નિદાન કર્યું કે, અહીંનું વેધર તેમને માફક નથી આવતું. અહીં જ રહેશે તો એમની તબિયત સતત બગડતી જશે. આખરે માતા-પિતાએ વતન પાછાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. દીકરાને વતનમાં અહીં છે એવી જોબ મળે એવું નહોતું. મા-બાપે કહ્યું, તું અહીં રહે, અમે જઇએ છીએ. સ્થિતિ એવી સર્જાઇ કે, માતા-પિતા વિદેશમાં રહી ન શકે અને દીકરો વતનમાં જઇ ન શકે. એ યુવાનને વિચાર આવ્યો કે, આ માટે મેં બધું કર્યું હતું? મારાં માતા-પિતાએ મારા માટે કેટલું બધું કર્યું. એમને કદાચ એમ હશે કે, વૃદ્ધાવસ્થામાં દીકરો સાથે રહેશે. મા-બાપ પાછાં વતન આવી ગયાં. એ પછી નહોતો દીકરો ચેનથી જીવી શકતો કે ન તો મા-બાપ દીકરા વગર રહી શકતાં હતાં. યાદ આવે ત્યારે બધાની આંખો ભીની થઇ જતી હતી. મા-બાપે દીકરાનું મન મનાવવા માટે એવું કહ્યું કે, દરેક વખતે આપણું નથી ચાલતું. કુદરતે ધાર્યું હોય એવું થાય. તું જીવ બાળ નહીં. મા-બાપ ક્યાં કહી શકે એમ હતાં કે, તારા વગર અમારો જીવ કેટલો બળે છે!
આપણને ગમે કે ન ગમે, આપણાથી સહન થાય કે ન થાય, આપણે જિંદગી સાથે સમાધાનો કરવા પડતાં હોય છે. જિંદગી સાથે સંઘર્ષ કરીને પણ કોઇ ફાયદો હોતો નથી. જિંદગી સાથે ઝઘડો માંડીએ તો ઉઝરડા જ પડવાના છે. જિંદગી વિશે એવું પણ કહેવામાં આવે છે કે, જિંદગીને વહેવા દો. સાચી વાત છે જિંદગીને વહેવા દેવી જોઇએ, પણ જ્યારે જિંદગી અટકી ગઇ હોય એવું લાગે ત્યારે કેવી રીતે વહેવા દેવી? જિંદગી એવા સવાલો સર્જે છે જેના જવાબો હોતા નથી. એક યુવાન હતો. એક સમયે એ એવી સ્થિતિમાં મુકાયો કે તેનું ક્યાંય ધ્યાન પડતું નહોતું. એ યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું, મને કંઇ જ સમજાતું નથી કે શું થઇ રહ્યું છે. એક ઉપાધિમાંથી બહાર ન આવું ત્યાં બીજા ચાર ટેન્શન આવી જાય છે. જિંદગીએ એવા સવાલો સર્જ્યા છે જેના કોઇ જવાબ જ નથી. સંતે કહ્યું, ભલે આપણને એવું લાગે કે જિંદગીના કેટલાક સવાલોના કોઇ જવાબ નથી હોતા. જવાબ હોય જ છે. એ જવાબો સમયની પાછળ સંતાયેલા હોય છે. જવાબ મેળવવા માટે સમય પસાર થવા દેવો પડતો હોય છે. સમય આવ્યે જવાબો આપોઆપ મળી જતા હોય છે. જિંદગી ક્યારેક એવાં રહસ્યો છતાં કરે છે કે માણસ વિસ્મયમાં મુકાઇ જાય. એક યુવાન બેકાર હતો. કામનો ક્યાંય મેળ પડતો નહોતો. એક તબક્કે તો તેને એવું લાગવા માંડ્યું હતું કે, હું કંઇ કામનો જ નથી. મારામાં કોઇ લાયકાત જ નથી લાગતી. હું કોઇને યોગ્ય જ નથી લાગતો, એટલે જ મને કોઇ કામ નથી આપતું. તેણે પ્રયાસો કરવાનું જ બંધ કરી દીધું. સમય બદલાયો. અચાનક તેને એક કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો. એ યુવાન તો રાજીના રેડ થઇ ગયો. ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે તેણે મનોમન નક્કી કર્યું કે, જે કામ આપે તે અને જેટલો પગાર મળે એટલો, મારે જોબ માટે હા પાડી દેવી છે. એ ઇન્ટરવ્યૂમાં ગયો. તેણે ધાર્યું હતું એના કરતાં સારી ઓફર હતી. તેણે હા પાડી દીધી. એક વીક પછી જોબ જોઇન કરવાનું નક્કી થયું. એ જોબ જોઇન કરે એ પહેલાં જ એક બીજી કંપનીમાંથી ઓફર આવી. એ પહેલી કંપની કરતાં પણ વધુ સારી હતી. એને વિચાર આવ્યો કે, કામ નહોતું ત્યારે કંઇ નહોતું, હવે બે બે જગ્યાની ઓફર છે. હવે ટેન્શન એ વાતનું છે કે, ક્યાંની જોબ સ્વીકારવી અને કોને ના પાડવી. ઘણી વખત એવું થતું હોય છે કે, કોઇ રસ્તો સૂઝતો ન હોય અને થોડા જ સમયમાં એટલા બધા રસ્તા ખૂલી જાય કે આપણે નક્કી ન કરી શકીએ કે, ક્યા રસ્તે જવું. એક રીતે જોવા જઇએ તો જિંદગીની મજા જ એ છે કે, એ અનિશ્ચિત છે. જિંદગી આપણને સરપ્રાઇઝ આપતી રહી છે. ખરાબ સમયમાં પણ એવું જ સમજવાનું કે જિંદગી આપણી કસોટી લઇ રહી છે, આપણને પારખી રહી છે. ખરાબ સમય શાંતિથી પસાર થવા દેવો અને કોઇ ઉધામા ન કરવા એ પણ શાણપણની જ નિશાની છે. જિંદગી ભલે ઉતાર ચડાવવાળી હોય, પણ અંતે એ પણ સ્થિર થઇ જતી હોય છે. આપણે આપણા સંજોગો અને સ્થિતિને કેવી રીતે ટેકલ કરીએ છીએ એના પર આપણા સુખ કે દુ:ખનો આધાર રહેતો હોય છે. દરેક સ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહેવું એ જ અંતે તો જિંદગી પાસેથી શીખવાનું છે.


છેલ્લો સીન :
થશે, કરીશું, એવા વિચાર ઘણી વખત બહુ મોડું કરી દેતા હોય છે. એ ક્યારેક અફસોસ બનીને રહી જાય છે.    – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 20 સપ્ટેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *