ચેક કરજો, તમે રજાને
પૂરી એન્જોય કરો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકો ફરવા જાય ત્યારે પણ મોબાઇલ કે લેપટોપમાં
કામ કરતા રહે છે. કંઇ ન હોય તો ફોટા પાડવામાં અને
સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે.
મજા કરતી વખતે માત્ર મજા કરવામાં જ ધ્યાન આપો
———–
વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇલ યુ પ્લે. કામ કરતી વખતે કામ કરો અને આરામ કે મજા કરતી વખતે સંપૂર્ણપણે મજા જ કરો. આ વાત પ્રાચીન સમયથી કહેવાતી આવી છે. જેમ જેમ સમય જાય છે એમ એમ માણસ વધુ ને વધુ બિઝી થતો જાય છે. દરેક માણસના મોઢે એવી વાત સાંભળવા મળે છે કે, મરવાની પણ ફુરસદ નથી. મરવાની ફુરસદ ન હોય ત્યાં સારી રીતે જીવવાનો તો સમય જ ક્યાંથી હોવાનો? માણસે હવે રજા અને મજા માટે પ્લાનિંગ કરવા પડે છે. આરામ કરવાનો કે ફરવા જવાનો માંડ માંડ મેળ પડે છે. સવાલ એ છે કે, મજા કરવા ગયા હોઇએ છીએ ત્યારે પણ આપણે ખરેખર કેટલું એન્જોય કરીએ છીએ? રિલેક્સ થવા ગયા હોઇએ પછી કેટલા રિલેક્સ થઇએ છીએ? હમણાં આ વિશે થયેલો એક સરવે એવું કહે છે કે, હવેના સમયમાં માણસ ફરવા ગયો હોય ત્યારે પણ કંઇ ને કંઇ કામને લઇને બેઠો હોય છે. માણસથી પોતાનો બિઝનેસ, ઓફિસ કે કામ છૂટતા જ નથી. મોટાભાગના લોકો ફરવા જાય ત્યારે પોતાનું લેપટોપ સાથે લેતા જતા હોય છે. ગમે ત્યારે કામ આવી પડે, પ્રેઝન્ટેશન તૈયાર કરવું પડે, રિપોર્ટ તૈયાર કરવો પડે, એક્સેલ શીટ અપડેટ કરવી પડે, જવાબ આપવો પડે. ફરવા ગયા હોય ત્યારે પણ એનું કામ ચાલુ હોય છે. ફેર માત્ર એટલો હોય છે કે, ઓફિસમાં વેલ ડ્રેસ્ડ થઇ કામ કરતા હોય છે અને અહીં કેઝ્યુઅલ વેરમાં કામ કરે છે. કેટલાક કિસ્સામાં તો એ ફરીને આવે ત્યારે થાકી ગયા હોય છે. લેપટોપ ન હોય તો મોબાઇલ તો બધાની સાથે હોય જ છે. મોબાઇલ પણ હવે હરતી ફરતી ઓફિસ થઇ ગયો છે.
એક એક્સપર્ટે આ વિશે બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું કે, આજના હાઇટેક જમાનામાં લોકોને કામ કરતા સારી રીતે આવડી ગયું છે, પણ આરામ કે મજા કરતા નથી આવડતું. લોકો આરામનો અર્થ જ ભૂલી ગયા છે. ખુલ્લા વાતાવરણમાં બેસીને પ્રકૃતિને માણતા માણતા ચા પીવી, દરિયાની ભીની રેતીમાં ચાલવું, કોઇ શાંત ખૂણે બેસીને પુસ્તક વાંચવું કે ગમતું મ્યુઝિક સાંભળવું, પોતાની વ્યક્તિ સાથે બેસીને વાતો કરવી, જૂની યાદો વાગોળવી, નવી જગ્યાએ ગયા હોઇએ ત્યારે ત્યાંના લોકોને મળવું, તેના ઇતિહાસ પર નજર કરવી, એના કલ્ચર વિશે જાણવું અને બને તો એની સાથે દોસ્તી કરવી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને લેખક જોની થોમ્પસને વર્ક અને રેસ્ટ વિશે અનેક સંશોધનો કર્યાં છે. ઊંડા અભ્યાસ બાદ તેઓએ કહ્યું છે કે, આરામ એ આળસ નથી, પણ નવી ઊર્જા મેળવવાનું અને નવા સર્જનાત્મક વિચારો લાવવાનું એક માધ્યમ છે. જો તમે ફરીને આવ્યા હોવ અને તમે તાજગી મહેસૂસ ન કરતા હોવ તો માનજો કે તમારી રજા એળે ગઇ છે. તેઓ કહે છે કે, ઘણાં મહાન કામો અને નિર્ણયો કામના સમયે નહીં પણ આરામના સમયે થયા છે. જ્યારે આપણે આરામ કરતા હોઇએ ત્યારે આપણું સબકોન્સિયસ માઇન્ડ બેક ગ્રાઉન્ડમાં આપણાં કામ, સમસ્યા અને પ્રશ્નો પર વિચાર કરવાનું કામ કરતું જ હોય છે. અચાનક જ કંઇક એવો વિચાર આવી જાય છે જેની આપણે ક્યારેય કલ્પના જ કરી હોતી નથી. એ ત્યારે જ બને જ્યારે આપણે કંઇ કામ કરતા ન હોઇએ. ક્રિએટિવિટીને તો એની સાથે સીધો સંબંધ છે. આપણું મગજ જો કોઇ કામમાં જ ઓક્યુપાઇ હોય તો એ બીજો વિચાર જ નથી કરી શકતું. નવા વિચાર માટે મગજને ફ્રી અને રિલેક્સ રાખવું પડે છે.
જર્મન ફિલોસોફર જોસેફ પાઇપરે પોતાના પ્રખ્યાત પુસ્તક `લેઝર : ધે બેઝિસ ઓફ કલ્ચર’માં કામ, આરામ અને નવરાશ વિશે ખૂબ જ સુંદર વાતો કહી છે. તેઓ કહે છે કે, આધુનિક યુગમાં લોકો એવું માનવા લાગ્યા છે કે માત્ર કામ જ બધું છે. આ વાત ખોટી છે. માત્ર કામને જ મહત્ત્વ આપવું એ જિંદગી નથી. માણસે યાદ રાખવું જોઇએ કે એ મશીનનો હિસ્સો નથી. તેમણે એક રસપ્રદ વાત એ કરી છે કે, આરામ એ કામનો વિરોધી નથી. આરામ, હળવાશ કે નવરાશ એ આત્માની એવી સ્થિતિ છે જ્યારે માણસ શાંતિનો અનુભવ કરે છે. સાચો આરામ એટલે મનની એવી સ્થિતિ જ્યાં માણસ કુદરત, સુંદરતા અને સત્યને સ્વીકારવા તૈયાર હોય. માણસ જ્યારે પોતાની જાત સાથે રહીને કંઇ પણ કર્યા વગર ખુશ રહી શકે, ત્યારે જ તેને સાચા આરામ અને શાંતિનો અનુભવ થાય છે. જોસેફ પાઇપર એરિસ્ટોટલ સહિતના પ્રાચીન સમયના ગ્રીક ફિલસૂફોના ઉદાહરણો આપીને કહે છે કે કલા, ધર્મ, સંસ્કૃતિ અને ફિલોસોફીનો જન્મ નવરાશ કે આરામ દરમિયાન જ થયો હતો.
માણસ માર્ગ ભૂલી ગયો છે અને આપણે જિંદગીની હકીકતોના ખરા અર્થો પણ બદલાવી નાખ્યા છે. સ્કૂલ આપણા માટે ભણવાની જગ્યા છે. સ્કૂલને આપણે ટેન્શન જ સમજવા લાગ્યા છીએ. સ્કૂલ શબ્દની હકીકત ખબર છે? અંગ્રેજી શબ્દ સ્કૂલ મૂળ ગ્રીક શબ્દ સ્કોલે પરથી આવ્યો છે. સ્કોલેનો અર્થ જ નવરાશનો સમય થાય છે. પ્રાચીન ગ્રીસમાં એવું માનવામાં આવતું હતું કે, જ્યારે વ્યક્તિ પોતાના રોજિંદા કામમાંથી મુક્ત હોય એટલે કે નવરો હોય ત્યારે એ સમય જ્ઞાન મેળવવા, નવું શીખવા કે ફિલોલોફીની ચર્ચા કરવા માટે કરી શકે છે. નવરાશના સમયમાં જ્યાં લોકો ચર્ચા કરવા ભેગા થતા તેને સ્કોલે કહેવાનું શરૂ થયું. એના પરથી સ્કૂલ આવી ગયું. હકીકતે સ્કૂલ એ તો નવરાશની પળોમાં કંઇક નવું શીખવાનો જ અર્થ બયાન કરે છે. તેની પાછળનું તાત્પર્ય એ જ છે કે, માણસ નવરાશની પળોમાં જ કંઇક નવું શીખી શકે છે. આપણે રજા લઇએ કે ફરવા જઇએ ત્યારે આનંદ પણ માણી શકીએ છીએ?
એક્સપર્ટ્સ એવું કહે છે કે, ફરવા જાવ ત્યારે ઇ-મેલ, મેસેજીસ, રિપોર્ટ્સ કે નોટિફિકેશનથી દૂર રહો. લોકો હવે ફરવા જાય છે ત્યારે ફરે છે ઓછું અને ફોટા વધુ પાડે છે. લોકો હવે જે જુએ તેને એન્જોય કરતા નથી, પણ સારો ફોટો પડે એના માટે લોકેશન તરીકે જ જે તે સ્થળને જુએ છે. ફોટા પાડે કે વીડિયો ઉતારે તેની સામે પણ વાંધો ન હોય. આ ફોટાઓને કે રીલ્સને પાછા તરત સોશિયલ મીડિયા પર અલપોડ કરવા હોય છે. અપલોડ કરીને પછી એ જોતા રહે છે કે, કેટલી લાઇક મળી અને કોણે કેવી કમેન્ટ્સ કરી? આ બધામાં તમારો ફરવાનો, મજા કરવાનો અને આરામ કરવાનો કેટલો સમય પસાર થઇ જાય છે એનો ક્યારેય વિચાર કર્યો છે? એ બધું કરવાનું પણ એક ટેન્શન રહે છે, જે તમારી મજા ખાઇ જાય છે.
રજા માણતા નથી આવડતું એના કારણે સંબંધોમાં પણ ઓટ આવી રહી છે. જેની સાથે ફરવા ગયા હોય એને પણ પૂરો સમય આપતા નથી. લોકોને ફોટા જ પાડવા હોય છે. સાથે હોય એને પણ કહેતા રહે છે કે, થોડાક ફોટા પાડી આપોને. પતિ-પત્ની ફરવા ગયાં હોય ત્યારે વાતો બહુ ઓછી કરે છે. એકબીજાને જે ક્વોલિટી ટાઇમ આપવો જોઇએ એ આપતા જ નથી. લોકો ટાઇમ નથીની ફરિયાદો કરતા હોય છે, હકીકતે ટાઇમ હોય જ છે, આપણે એ ટાઇમ મોબાઇલ અથવા તો બીજા નક્કામાં કામોમાં વેડફી દેતા હોઇએ છીએ. માણસ અત્યારે વર્ક અને એન્ટરટેઇનમેન્ટ વચ્ચે બરાબરનો ફસાઇ ગયો છે. માણસ કાં તો કામ કરતો હોય છે અને કાં તો મોબાઇલ પર સોશિયલ મીડિયા કે બીજા મનોરંજનમાં વ્યસ્ત હોય છે. એના કારણે એનું મગજ ફ્રી જ રહેતું નથી. જોસેફ પાઇપર વોર્નિંગ આપે છે કે, આપણો સમાજ જો કામ અને મનોરંજનમાં જ અટવાયેલો રહેશે તો આપણી સંસ્કૃતિ ખતમ થઇ જશે. આપણી સંવેદનાઓ પણ ક્ષીણ થઇ જશે. ફરવા જાવ એ ખૂબ જરૂરી છે, પણ ફરવા જાવ ત્યારે કામ કે મનોરંજનથી દૂર રહો અને પોતાની નજીક રહો. પોતાની જાત ફીલ કરો અને પોતાના લોકો સાથે સાત્ત્વિક સંબંધ સાધો. જિંદગીનો અર્થ સમજો. રજાને પૂરેપૂરી માણો. રજા પર હોવ કે ફરવા જાવ એ પછી જરાકે એટલો વિચાર કરજો કે, તમે ખરેખર રિલેક્સ થયા છો કે નહીં?
———-
પેશ-એ-ખિદમત
હમેં ભી આપ સે ઇક બાત અર્જ કરના હૈ,
પર અપની જાન કી પહલે અમાન માંગતે હૈં,
કુબૂલ કૈસે કરૂં ઉનકા ફૈસલા કિ યે લોગ,
મેરે ખિલાફ હી મેરા બયાન માંગતે હૈં.
– મંજૂર હાશમી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 સપ્ટેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
