દરેક ભૂલને ગંભીરતાથી લેવાની કંઈ જરૂર નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દરેક ભૂલને ગંભીરતાથી
લેવાની કંઈ જરૂર નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

બધી ભૂલો ખોટી, ખરાબ કે અપરાધિક નથી હોતી.
કેટલીક ભૂલો નિર્દોષ હોય છે. કેટલીક ભૂલો અજાણતાં થઈ હોય છે.
કેટલીક ભૂલો હસી કાઢવા જેવી હોય છે.
કઈ ભૂલને સિરિયસલી લેવી એ સમજવું જરૂરી છે.
સેલ્ફ ડેપ્રિકેશનની ચર્ચા આજકાલ કેમ બહુ થઈ રહી છે?


———–

દરેક માણસ ભૂલ કરતો જ હોય છે. કોઇ માણસ એમ કહે કે, મેં ક્યારેય કોઇ ભૂલ કરી નથી, તો એ દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠો માણસ છે. ભૂલો થવી સ્વાભાવિક છે. કામ કરે એનાથી ભૂલો થવાની જ છે. જિંદગીમાં અને સંબંધોમાં પણ આપણે જાણે અજાણે ઘણી ભૂલો કરતા હોઇએ છીએ. કેટલીક ભૂલો ગંભીર હોય છે. એનાં પરિણામો ભોગવવાં પડે છે. કેટલીક ભૂલો સોરી કહી દેવાથી પૂરી થઇ જતી હોય છે. ભૂલોમાંથી માણસે શીખવું જોઇએ એવું પહેલેથી કહેવાતું રહ્યું છે. ભૂલોને બહુ વાગોળવાની પણ જરૂર નથી. ભૂલને સમજી, સ્વીકારી, સુધરી શકે એમ હોય તો સુધારી અને શીખવા જેવું હોય એ શીખીને ભૂલોથી પણ છુટકારો મેળવી લેવો જોઇએ. ભૂલોને ભૂલી જવી જ બહેતર હોય છે. ભૂલો વિશે ઘણું બધું કહેવાયું છે. એમાં એક રસપ્રદ વાત ભૂલોને હસી કાઢવાની પણ છે. દુનિયામાં આજકાલ સેલ્ફ-ડેપ્રિકેશનની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. સેલ્ફ-ડેપ્રિકેશનને સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે, પોતાની ભૂલોને બહુ સહજતાથી હસી કાઢવાની કળા.
દરેક ભૂલને બહુ ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી. કેટલીક ભૂલોને માણસ કારણ વગર વધુ ગંભીરતાથી લઇ લે છે. જાણે કોઈ મોટી ભૂલ થઇ હોય એમ ડિસ્ટર્બ થઇ જાય છે. નિષ્ણાતો એ વિશે એક રસપ્રદ ઉદાહરણ આપે છે. દરેક પુરુષથી ક્યારેક ને ક્યારેક એવું થયું હોય છે કે, પેન્ટની ચેઇન ખુલ્લી રહી ગઇ હોય. કપડાં ચેન્જ કરતી વખતે અથવા તો વોશરૂમ ગયા પછી ચેઇન ક્યારેક ખુલ્લી રહી જાય છે. કોઇનું ધ્યાન ગયું ન હોય અને માણસને ખબર પડે કે, મારી ચેઇન ખુલ્લી છે તો એ કોઇને ખબર ન પડે એ રીતે બંધ કરી દે છે. જો કોઇએ એવું કહ્યું કે, તારી ચેઇન ખુલ્લી છે ત્યારે માણસના રિએક્શન પર માટો આધાર રાખે છે. કેટલાક લોકોને એવો આઘાત લાગે છે જાણે એની ઇજ્જત લૂંટાઇ ગઇ ન હોય. કોઇ ઘોર પાપ થઇ ગયું હોય એમ એ ટેન્શનમાં આવી જાય છે, ડિસ્ટર્બ થઇ જાય છે. પોતાની ચેઇન ખુલ્લી રહી ગઇ હતી એ એના મગજમાંથી ખસતું જ નથી. આવા કિસ્સામાં જે વ્યક્તિમાં પોતાની ભૂલ હસી કાઢવાની આવડત હોય એ એકદમ નોર્મલ બિહેવ કરે છે. ઓહ! એવું છે, એમ કહી ચેઇન બંધ કરીને પોતાના કામે લાગી જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે, જે પોતાની આવી ભૂલ પર પોતે જ કમેન્ટ કરે છે, પોતે પણ હસે છે અને સાથે હોય એને પણ હસાવી દે છે. કેટલાક લોકો આવી ઘટનામાં પોતાનો બચાવ કરવા લાગે છે કે, આવું થયું એટલે ચેઇન બંધ કરવાની રહી ગઇ. જે લોકો આવી ભૂલોને હસી કાઢે છે એ જ સાચા અને સામાન્ય છે. માણસે પરફેક્ટ હોવાના ભારથી મુક્ત થવું જોઇએ. કોઇ પરફેક્ટ નથી. ભૂલ તો થાય. સ્ત્રીઓથી પણ ક્યારેક ડ્રેસિંગમાં કોઇ ભૂલ થઇ જતી હોય છે. શર્ટ કે ટોપનું એકાદ બટન ખુલ્લું રહી ગયું હોય કે અંડરવેરની પટ્ટી દેખાતી હોય એવું ક્યારેક બની શકે છે. સ્ટેજ પર આપણે ઘણી મોડલ કે હિરોઇનો સાથે વોર્ડરોબ માલફંક્શન થતાં જોયું છે. સ્ટેજ પર બધા લોકોની સામે કંઇ અજુગતું થાય ત્યારે એને હસીને કેવી રીતે ટેકલ કરવું એ પણ મોડલને શીખવવામાં આવે છે. આવી ઘટનાને લાઇટલી લેતાં આવડવું જોઇએ. આ મુદ્દે લોકોને પણ એવું કહેવામાં આવે છે કે, કોઇની ભૂલ એવી રીતે ન બતાવો કે એને ક્ષોભ થાય. કેટલાક લોકો કોઇને જાહેરમાં ઉતારી પાડતા હોય છે. આવું કરવાથી બચવું જોઇએ. જે એની સાથે થયું તે ક્યારેક આપણી સાથે પણ થઇ શકે છે. માનવીય ભૂલોને સમજતા અને સ્વીકારતા આવડવું જોઇએ.
આપણે બધા ક્યારેક રોજિંદા કામમાં લોચા મારતા હોઇએ છીએ. આંટા ન હોય એવી શીશીના ઢાંકણાને ફેરવતા રહીએ છીએ. આવું તો બીજું ઘણું બધું જિંદગીમાં થતું હોય છે. એ થવાનું છે. એવી ઘટનાથી ડિસ્ટર્બ થવાને બદલે એને એન્જોય કરી લેવી જોઇએ. સામાન્ય ભૂલોથી માણસ મૂરખ ઠરી જતો નથી. ક્યારેક આપણે બેધ્યાન હોઇએ, કોઇ વિચારમાં હોઇએ ત્યારે સામાન્ય ભૂલો થવી સહજ છે. એને બહુ સિરિયસલી ન લેવી જોઇએ.
માણસ જો પોતાની સામાન્ય ભૂલોને નજરઅંદાજ ન કરે તો ધીમે ધીમે ઇન્ફિયારિટી કોમ્પ્લેક્સનો ભોગ બની જાય છે. હીનતાગ્રંથિથી માણસે બચવું જોઇએ. ઇન્ફિયારિટી કોમ્પ્લેક્સનાં અનેક કારણો છે. બચપણમાં સતત ટીકા, સરખામણી, ઉપેક્ષાના કારણે કેટલાક લોકો હીનતા અનુભવે છે. કેટલાક વળી પોતાની ઊંચાઇ, રંગ કે વજન મુદ્દે હીનતાગ્રંથિથી પીડાય છે. સતત નિષ્ફળતા પણ માણસને આવી સ્થિતિમાં મૂકી શકે છે. જિંદગીમાં એક વાત એ પણ સમજવા જેવી છે કે, જે છે તે છે. તમે એને બદલી શકવાના નથી. ક્યારેક આપણે જે મુદ્દાઓને મગજ પર સવાર થવા દેવા ન જોઇએ એને સવાર થવા દઇએ છીએ અને પોતાની જાતને જ પાછળ મૂકી દઇએ છીએ. આગળ વધવા માટે આવી બાબતોથી બચવું ખૂબ જ જરૂરી છે.
દરેક માણસમાં પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ હોય છે. કોઇ ને કોઇ ખામી હોય છે. માણસે આગળ વધવા માટે એટલી સાવધાની રાખવાની હોય છે કે, પોતાની ખામીઓ પર નહીં, પણ પોતાની ખૂબીઓ પર ફોકસ કરવાનું હોય છે. આપણે દુનિયામાં એવા અસંખ્ય કિસ્સાઓ જોયા છે કે, અનેક ખામીઓ હોવા છતાં કોઇ એક ખૂબીને કારણે માણસે આખા જગતમાં જાણીતો થયો હોય. ચહેરો, રંગ, શરીર એ તો હન્ડ્રેડ પર્સન્ટ કુદરતી છે. એમાં આપણું કંઇ ચાલતું નથી. હાઇટ ઓછી હોય કે વધુ, રંગ ગોરો હોય કે ન હોય, અવાજ પણ ગમતો હોય કે ન ગમતો હોય, આવી બધી બાબતોને બહુ ધ્યાને લેવા જેવી હોતી નથી. જે છે એને સ્વીકારીને જે આગળ વધે છે એને ચોક્કસપણે મંજિલ મળે જ છે.
નક્કી કરો કે જિંદગીમાં કંઇક બનીને બતાવવું છે. એના માટે મહેનત કરવામાં કંઇ બાકી ન રાખો. ભૂલ તો ક્યારેક થવાની જ છે. ભૂલને એના પરથી આંકો કે, એ ભૂલ ખરેખર કેવી છે? જો ગંભીર ભૂલ હોય તો એવી ભૂલ ફરીથી ન થાય એની કાળજી રાખવાનું નક્કી કરો. સામાન્ય અને હસી કાઢવા જેવી ભૂલોને બહુ ગંભીરતાથી ન લો. આપણે જ નહીં, આવી ભૂલો બધા ભૂલી જતા હોય છે. આપણે ઘણી વખત કારણ વગર એવી ભૂલો યાદ રાખીને ડિસ્ટર્બ થતા હોઇએ છીએ. જરાકેય ડિસ્ટર્બ થયા એટલે આપણું ધ્યાન આપણા કામ પરથી હટી જવાનું છે.
આપણી જ નહીં, બીજા કોઇની સામાન્ય ભૂલોને પણ સહજતાથી સ્વીકારતા શીખવું જોઇએ. કેટલાક લોકો એવા હોય છે જે બીજા કોઇની સામાન્ય ભૂલમાં પણ તેને એટલી ખરાબ રીતે ઉતારી પાડે છે, જાણે કોઇ મહાઅપરાધ કરી નાખ્યો ન હોય. હશે, થઇ જાય, બીજી વખત ધ્યાન રાખજે, એવું કહીને ઘણા લોકો જતું કરતા હોય છે. માનવસહજ ભૂલો થવી સ્વાભાવિક છે. ભૂલ ખરેખર થઇ છે કે, જાણીજોઇને કોઇ બદઇરાદા સાથે કરવામાં આવી છે એ ચેક કરવું બહુ જરૂરી હોય છે. ભૂલના નામે કોઇ બેવકૂફ ન બનાવી જાય એનું પણ ધ્યાન રાખવું જોઇએ. જે ભૂલની જેટલી દરકાર કરવા જેવી હોય એટલી જ કરવી જોઇએ. જો વધુ પડતું થાય તો આપણો જ સમય અને આપણી જ શક્તિ વેડફાય છે.


————

પેશ-એ-ખિદમત
વો એક શખ્સ જો દિખને મેં ઠીક-ઠાક સા થા,
બિછડ રહા થા તો લગને લગા હસીન બહુત,
તૂ જા રહા થા બિછડ કે તો હર કદમ પે તેરે,
ફિસલ રહી થી મેરે પાંવ સે જમીન બહુત.
– સિરાજ ફૈસલ ખાન


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 એપ્રિલ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *