તારામાં અંતરઆત્મા જેવું કંઈ છે કે નહીં? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારામાં અંતરઆત્મા જેવું
કંઈ છે કે નહીં?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કીર્તિ સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
– મકરંદ મુસળે



દુનિયાનો શ્રેષ્ઠ સંવાદ એ છે જે માણસ પોતાની જાત સાથે કરતો હોય છે. એકાંતનું માહાત્મય એટલે જ છે, કારણ કે એ આપણને આપણી સાથે રહેવાની અને પોતાની જાત સાથે વાત કરવાની તક આપે છે. આપણે આપણી જાત સાથે આપણાં સુખ, દુ:ખ સહિત તમામ લાગણીઓની વાતો કરતા હોઇએ છીએ. સુખ હોય ત્યારે એવું થાય છે કે, ઇશ્વરની દયા છે કે બધું સારું છે. ટચ વૂડ કહીને ક્યારેક લાકડાને હાથ લગાડી દઇએ છીએ તો ક્યારેક ઇશ્વરનો આભાર માની લઇએ છીએ. દુ:ખી હોઇએ અને ક્યાંય ધ્યાન પડતું ન હોય તો પણ મનને મનાવતા રહીએ છીએ કે, બધું થઇ રહેશે. આ દિવસો પણ ચાલ્યા જશે. મન અને અંતરઆત્મા આપણને સતત જાગૃત, સતર્ક અને સંવેદનશીલ રાખતા હોય છે. અતંરઆત્મા ક્યારેક કોચવાય છે. આપણે જ ઘણી વખત કહેતા હોઇએ છીએ કે, એવું કરતાં મારો જીવ નથી ચાલતો. જીવ કેમ નથી ચાલતો? જીવને કોણ ના પાડે છે? આપણો જીવ તો આપણો જ હોય છે છતાંયે કેમ ક્યારેક આપણી સામે દલીલો કરે છે? કેમ ક્યારેક બળવો પોકારે છે? રાતે કોણ સૂવા નથી દેતું? ઊંઘ ક્યાં ગુમ થઇ જાય છે? અંદરથી કંઇક કોરી ખાતું હોય એવું લાગે ત્યારે ખરેખર શું કોરાતું હોય છે? આપણો માહ્યલો દરેક વખતે આપણને પંપાળતો નથી, ક્યારેક ચેન પણ લેવા દેતો નથી.
સુખ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, સુખ બીજે ક્યાંયથી મળવાનું નથી, કારણ કે સુખ તો આપણી અંદર જ છે. સુખ અંદર હોય તો પણ કેમ ક્યારેક મળતું નથી? ઉચાટ પણ અંદર જ હોય છે. ઉશ્કેરાટ પણ અંદર જ હોય છેને? એ કેમ હાવી થઇ જાય છે? આ બધા સાથે એક સવાલ એ પણ છે કે, આપણે આપણી જાત સાથે કેટલાં પ્રામાણિક હોઇએ છીએ? ઘણી વખત તો આપણે આપણી જાતને જ છેતરતા હોઇએ છીએ. મન, જાત, માહ્યલો ના પાડતો હોય ત્યારે પણ આપણે તેની સાથે દલીલમાં ઊતરીએ છીએ. ચાલે હવે, બધા એવું જ કરે છે, બહુ ભલા રહેવામાં માલ નથી, જેવા સાથે તેવા થવું જ પડે છે. આપણે દલીલો કરીને મનને પણ મનાવી લઇએ છીએ. મન એક હદથી વધારે માથાકૂટમાં ઊતરતું નથી. આપણે એનું ચાલવા જ ન દઇએ તો એ બિચારું શું કરી શકવાનું છે? આપણે ઘણી વખત કંઇ સ્વીકારી નથી શકતા. સહન કરી નથી શકતા. એવું વિચારીએ છીએ કે, આવું થોડું હોય? કોઇ આવું કેવી રીતે કરી શકે? કોઇ ગમે તે કરી શકે છે એ વાત સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. ઘણી વખત સ્વીકારી લેવાથી હળવાશ થાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. પિતાની મિલકતના ભાગ પડ્યા હતા. એને ખબર પડી કે મોટાભાઇએ રમત કરીને કેટલીક મિલકત પોતાના નામે કરી લીધી છે. એ યુવાન ખૂબ ડિસ્ટર્બ થયો. સગો ભાઇ આવું કેવી રીતે કરી શકે? એને કંઇ વિચાર નહીં આવ્યો હોય? એને ચેન પડતું નહોતું. આખરે એ યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, મારા ભાઇએ થોડીક મિલકત પડાવી લીધી. સંતે કહ્યું, તારા ભાગે જે આવ્યું એ તારા પૂરતું છેને? યુવાને કહ્યું, હા એ તો પૂરતું છે જ, પણ બાકીનામાંથી પણ મને મળવું જોઇએને? સંતે કહ્યું, એવું વિચારીશ તો શાંતિ જ નહીં થાય. એ પછી સંતે કહ્યું, આપણને બધાને ખબર છે કે આપણે એક દિવસે આ બધું જ છોડીને ચાલ્યા જવાનું છે. કંઇ જ સાથે લઇ જઇ શકવાના નથી. બધું જ છૂટી જવાનું છે. માણસ જો થોડુંક જીવતેજીવ છોડી દેને તો જિંદગી વધુ સારી બની જાય. એક બીજી સાચી ઘટના છે. એક વ્યક્તિ મારું મારું કરતો હતો અને બીજી જ મિનિટે તેને હાર્ટએટેક આવ્યો. થોડી જ મિનિટોમાં તેનું મોત થયું. શું મારું અને શું તારું? જિંદગીમાં છોડવાનાં માત્ર નાણાં, સંપત્તિ કે મિલકતો જ નથી હોતાં, તેનાથી પણ મહત્ત્વની વાત છે ઇગો, ઇર્ષા, લાલચ અને લોભ છોડવાનું. ક્યારેક થોડુંક જતું કરી દો, બહુ સારું લાગશે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે જરાયે જતું કરી શકતા નથી. વાતે વાતે બાંયો ચડાવી લઇએ છીએ, સવાલો કરવા લાગીએ છીએ. સરવાળે આપણે જ દુ:ખી થતા હોઇએ છીએ.
જિંદગીમાં અમુક તબક્કે અંતરઆત્મા સાથે સંવાદ સાધવો જોઇએ કે, હું રાઇટ ટ્રેક પર તો છુને? હું કઇ તરફ જઇ રહ્યો છું? જ્યાં પહોંચવાનું છે એ મંજિલ કેવી છે? ત્યાં પહોંચીને પણ શું કરવાનું છે? એક યુવાનની આ વાત છે. એ ખોટાં કામો જ કરતો હતો. પિતા દીકરાનાં કરતૂતોથી પરેશાન હતા. એક વખત પિતાએ દીકરાને કહ્યું કે, તારામાં અંતરઆત્મા જેવું કંઇ છે કે નહીં? તને કેમ બીજાને હેરાન કરવાનું સૂઝે છે? કેટલાક લોકો જ એવા હોય છે જેને કોઇનો વિચાર આવતો નથી. માણસને ઓળખવાની એક રીત એ છે કે, ચેક કરવું કે, એ એના સ્વજનો સાથે કેવો છે? જે પોતાના સ્વજનોનો ન થયો હોય એ ક્યારેય ભરોસાપાત્ર હોતો નથી. પોતાના લોકોનું કરી નાખે એને બીજાનું કરી નાખતા કંઇ વાર નથી લાગતી કે કંઇ સંકોચ થતો નથી. દરેક માણસની એક મથરાવટી હોય છે. મેલી મથરાવટી મેલી જ રહે છે. એને ધોઇને ધોળી કે ચોખ્ખી કરી શકાતી નથી. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, મારી મથરાવટી કેવી છે? હું ખરેખર કેવો માણસ છું? અરીસામાં આપણું તન દેખાય છે. મનમાં પણ એક અરીસાનું સ્થાપન કરવાનું હોય છે, જેમાં આપણું મન દેખાય કે, ખરેખર આપણે કેવા છીએ? આપણે બીજાની બહુ ચિંતા કરતા રહીએ છીએ. બીજા શું કરે છે તેનાથી માંડીને કોણે શું કરવું જોઇએ ત્યાં સુધીની વાતો કરતા રહીએ છીએ. આપણે એ ઓછું વિચારીએ છીએ કે, હું જે કરું છું એ વાજબી છે? એ મને શોભે છે?
જિંદગી સુખ અને શાંતિથી જીવવા માટે અંતરઆત્માને પણ જીવતો રાખવો પડે છે. કેટલાક લોકો અંતરઆત્માને જ મારીને બેઠા હોય છે. જિંદગીના જે બેઝિક સવાલો છે એમાં સૌથી મોટો સવાલ એ છે કે, આખરે મારે જિંદગી પાસેથી શું જોઇએ છે? એનો સાચો જવાબ મેળવતા પણ આવડવો જોઇએ. જો જવાબ જ ખોટો શોધીએ તો જિંદગી ખોટા રસ્તે જ ચડી જવાની છે. કેટલાક લોકો એવું જ માનતા હોય છે કે, બળથી જ બધું ચાલે છે. એવા લોકો કાવાદાવા જ રચતા રહે છે. એને બધા લોકોમાં દુશ્મન જ દેખાય છે. બધા લોકો સાથે વાંધા જ પડે છે. આવા લોકો ક્યારેય સુખ અને શાંતિનો અનુભવ કરી શકતા નથી. જે માણસ બીજાને સુખી જોઇ નથી શકતો એ પોતે ક્યારેય સુખી નથી થતો. આપણે આપણી જગ્યાએ યોગ્ય હોઇએ એ જ સૌથી સારું છે. એક સામાન્ય માણસ હતો. એક વખત એ સંત સાથે વાત કરતો હતો. સંતને તેણે કહ્યું કે, મને ખબર છે કે હું સામાન્ય માણસ છું. મારી નાનકડી ઇન્કમ છે. નાનકડો પરિવાર છે. નાનકડું ઘર છે. જે છે એટલું મારા માટે પૂરતું છે અને એમાં હું ખુશ છું. આ વાત સાંભળીને સંતે કહ્યું કે, તું માત્ર આર્થિક રીતે સામાન્ય છે, માનસિક અને આધ્યાત્મિક રીતે તું મહાન છે. તું ખુશ છે એ જ સૌથી મોટી વાત છે. જેની પાસે અઢળક સંપત્તિ છે એ પણ ક્યાં ખુશ છે? તું તારી જાતને ખુશ અને સુખી માને છે એ જ જિંદગીનો સૌથી મોટો મતલબ છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું મારી જે જગ્યાએ અને જે કક્ષાએ છું એનાથી ખુશ છું? જો એનો જવાબ હા હોય તો માનજો કે તમે સૌથી વધુ સુખી, ખુશ અને નસીબદાર છો. આપણા પૂરતું સુખ આપણી પાસે હોય જ છે. આપણે એને ઓળખીએ અને માણીએ એ જ જિંદગીનું અંતિમ સત્ય છે.


છેલ્લો સીન :
કંઇ કરતા પહેલાં એક વખત એટલો વિચાર કરવો જોઇએ કે, હું જે કરવા જઇ રહ્યો છું એમાં કંઇ ખોટું કે ખરાબ તો નથીને? મનનું ગ્રીન સિગ્નલ મળે પછી જ એ કોઇ કામમાં આગળ વધવું જોઇએ. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 એપ્રિલ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *