સુખી થવું છે? ખુશ રહેવું છે?
તો આટલું ધ્યાનમાં રાખો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માણસ સુખી અને ખુશ રહેવાની આવડત ગુમાવતો જાય છે.
જિંદગીની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીએ તો
સુખી રહેવું અઘરું નથી. દુ:ખને કેવી રીતે
ટાળવું એની સમજ કેળવવા જેવી છે
———–
દરેક માણસને સુખી થવું હોય છે. દરેક માણસને ખુશ રહેવું હોય છે. બધાને એ વાતની ખબર જ હોય છે કે, જિંદગી સારી રીતે જીવવી જોઇએ. આપણા બધાની લાઇફમાં કંઇક ને કંઇક એવું બનતું રહે છે, જેના કારણે આપણું સુખ અને આપણી ખુશી અલોપ થઇ જાય છે. આવું કેમ થાય છે? આ વિશે હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, માણસ જિંદગી જીવવાનું ભૂલતો જાય છે. હાથે કરીને કેટલીક ઉપાધિઓ નોતરે છે. સુખી થવું કે ખુશ રહેવું બિલકુલ અઘરું નથી. એના માટે કેટલીક બાબતોની કાળજી રાખવી પડે એમ છે. દુનિયાના નિષ્ણાતો કહે છે કે, દુ:ખને ખંખેરવું પડે છે. માણસ સાથે એક સમયે એક જ વસ્તુ રહે છે, કાં તો સુખ અને કાં તો દુ:ખ. આપણે શેની નજીક રહેવું છે અને શેનાથી દૂર રહેવું છે એ આપણે નક્કી કરવું પડે છે. એક્સપર્ટે્સે સુખી થવા અને ખુશ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે. જે કહેવાયું છે એ કરવું બિલકુલ અઘરું નથી. થોડીક આદતો કેળવવી પડે છે અને માનસિકતાને થોડીક બદલવી પડે છે. પ્રયાસ કરીએ તો એવું બિલકુલ થઇ શકે છે.
સુખી થવા અને ખુશ રહેવાની પહેલી અને સૌથી મોટી શરત એ છે કે, ભૂતકાળને ભૂલો. માણસના દુ:ખનું સૌથી મોટું કારણ વીતી ગયેલા સમયના ખરાબ અનુભવો છે. આપણી લાઇફમાં કોઇ દુ:ખદ ઘટના બને ત્યારે એની આપણને પીડા થાય છે. એ ઘટના બની હોય ત્યારે વેદના થાય એ સ્વાભાવિક અને સમજી શકાય એવી વાત છે. આપણે જો એ ઘટનામાંથી પસાર ન થઇ જઇએ, એનાથી મુક્તિ ન મેળવી લઇએ તો એ આપણને કનડતી રહે છે. આપણને વારેવારે વેદના અને પીડા આપતી રહે છે. કોઇ ઘટના આપણને એક જ વખત વેદના આપવી જોઇએ. આપણે એ ભૂલીએ નહીં અને દુ:ખી થતા રહીએ તો એમાં વાંક આપણો જ હોય છે. એણે મારી સાથે આવું કર્યું, મારી સાથે દગો થયો, મને અન્યાય થયો, આવું બધું કરીને કેટલાક લોકો રોદણાં રડતા જ રહે છે. બહેતર એ છે કે, જે ચાલ્યું ગયું છે એને ભૂલી જાવ. ભૂતકાળમાં જ પડ્યા રહીએ તો વર્તમાનમાં જીવી જ ન શકીએ. ભૂતકાળને યાદ કરી કરીને દુ:ખી થવું એ સેલ્ફ ટોર્ચર છે. પોતાની જાત પર જ અત્યાચાર કરવાનું બંધ કરવું જોઇએ.
ભૂતકાળની જેમ ભવિષ્ય કાળ વિશે પણ એલર્ટ રહેવા જેવું છે. કેટલાક લોકો હવે શું થશેની ચિંતામાંથી જ મુક્ત થતા નથી. મારી પાસે જે છે એ નહીં રહે તો? મારા લોકો મારાથી દૂર થઇ જશે તો? મારી પોપ્યુલારિટી ખતમ થઇ જશો તો? કોઇ મને ડેમેજ કરશે તો? ભય અને ડર વિશે એક સત્ય એ છે કે, વાસ્તવિક કરતાં કાલ્પનિક ભય વધુ ખતરનાક હોય છે. તમને ખબર છે, એક અભ્યાસ એવું કહે છે કે, માણસ જે કલ્પના કરીને ડરતો રહે છે એમાં 90 ટકા એવું હોય છે ક્યારેય બનતું જ નથી. મુશ્કેલી આવે ત્યારે માણસ તેનો હિંમતભેર સામનો કરી લે છે. જે છે જ નહીં એની ચિંતા કરવાનો કોઇ અર્થ નથી. ભવિષ્યની ચિંતાને ટાળો. ભવિષ્યનું પ્લાનિંગ ચોક્કસ કરો, પણ કંઇ ખરાબ થશે તો શું થશે એવા વિચારો ન કરો. એવું કરશો તો વર્તમાનની મજા માણી નહીં શકો. આવનારા સમય વિશે કોઇને કંઇ અણસાર હોતો નથી. ભવિષ્ય વિશે પણ સારું જ વિચારો. જે થયું છે એ સારું થયું છે અને જે થવાનું છે એ પણ સારું જ થશે, એ વિચારમાં ગજબની તાકાત છે.
હવે ત્રીજી વાત. સંબંધો રાખો પણ કોઇને તમારી ખુશી કે તમારા સુખનો આધાર ન બનાવી લો. કોઇને આધાર બનાવી રાખીએ તો ગમે ત્યારે નિરાધાર બનવાનું જોખમ રહે છે. આપણી જિંદગીમાં જે લોકો હોય છે એ આપણી સપોર્ટ સિસ્ટમ હોય છે, લાઇફ સિસ્ટમ નહીં. કેટલાક લોકોની ખુશી બીજાના અભિપ્રાય પર નિર્ભર હોય છે. કોઇએ વખાણ કર્યાં તો રાજીના રેડ થઇ જાય છે. કોઇએ જરાકેય નબળું કહ્યું તો દુ:ખી અને પરેશાન થઇ જાય છે. આપણે ચાવીવાળું રમકડું નથી કે, કોઇ ચાવી ભરે ત્યારે જ આપણે ખુશ થઇએ. જિંદગીમાં સંબંધો બિલકુલ જરૂરી છે. સારા સંબંધો સારી લાઇફ આપે છે. જિંદગીને જીવવા જેવી બનાવે છે. અલબત્ત, તેમાં પણ એ વાતની કાળજી રાખવાની હોય છે કે, આપણે આપણું સુખ જ કોઇના હાથમાં આપી ન દઇએ.
આ ઉપરાંત નિષ્ણાતો એમ કહે છે કે, પોતાની જાતને ક્યારેય અંડરએસ્ટિમેટ ન કરો. જે માણસને પોતાની જ કદર નથી, એનો વિશ્વાસ લોકો ક્યારેય કરવાના નથી. જિંદગીમાં ક્યારેક નિષ્ફળતા પણ મળવાની છે. નિષ્ફળતાને અનુભવ સમજો, હાર નહીં. આજના સમયમાં બીજી એક સૌથી મહત્ત્વની વાત એ છે કે, પોતાની જાતની સરખામણી બીજા કોઇની સાથે ન કરો. સોશિયલ મીડિયા આવ્યું એ પછી લોકોના મનમાં એક નવી બીમારી ઘૂસી ગઇ છે. આપણે કોઇના ફોટા જોઇને એવું માનવા લાગીએ છીએ કે, એ બહુ સુખી છે. હું દુ:ખી છું. એની પાસે કેટલું બધું છે. મારી પાસે કંઇ નથી. લોકો કોઇને જોઇને પોતાને જજ કરવા લાગ્યા છે. હદ તો એ વાતની છે કે, કોઇની લાઇક્સ કે કમેન્ટ્સ જોઇને લોકો ડિસ્ટર્બ થઇ જાય છે. મને તો લાઇક મળતી જ નથી. સોશિયલ મીડિયાને કોઇ રીતે શેનું માધ્યમ સમજવું એ સૌથી મોટી ભૂલ છે. તમે યુનિક છો. તમે જે છો તે યોગ્ય જ છો. તમારી જાતને જરાયે નબળી, હલકી કે ઊતરતી ન સમજો.
કેટલીક વખત માણસ પોતાને જ કશું કરવા માટે અસમર્થ કે અયોગ્ય ગણી લે છે. અમુક વખતે ઉંમરને વચ્ચે લાવે છે. હવે મારાથી આ ન થાય એવું વિચારીને કંઇ નવું નથી કરતા. કંઇ પણ કરવા માટે ક્યારેય મોડું હોતું નથી. ના પાડે છે એ શરીર નહીં પણ મન હોય છે. મન જો મક્કમ હશે તો કોઇ પણ ઉંમરે કંઇ પણ કરી શકાશે. ઉંમરને જરાક જુદી રીતે પણ જોવી જોઇએ. આપણી ઉંમર એ આપણો અનુભવ છે. અનુભવનો ઉપયોગ કરી ગમે તે ઉંમરે નવો પ્રારંભ કરી શકાય છે. જિંદગીને સારી રીતે જીવવા માટે બીજી એક મહત્ત્વની વાત એ છે કે, સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. રોજિંદાં કાર્યોમાં નિયમિતતા જાળવો. ઊંઘ અને ફૂડ હેબિટ વિશે સતર્ક રહો. હવેના સમયમાં લોકો મોડે સુધી જાગતા રહે છે. કામનો કારણે સવારે વહેલું ઊઠવું પડે છે. ઊંઘ પૂરી થતી નથી. તબિયત બગડી તો બધાં જ સપનાં પર પાણી ફરી જવાનું છે એ વાત ક્યારેય ભૂલવી જોઇએ નહીં.
લાઇફમાં ઘણી વખત એટલું બધું કમ્ફર્ટ થઇ જાય છે કે, માણસ કોઇ નવું જોખમ લેવાનું ટાળે છે. અમુક સમયે માણસે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઇએ. બધું સારું હોય ત્યારે એક તબક્કે માણસનો ગ્રોથ અટકી જાય છે. લોકો ચાલતું હોય એ ચાલવા દે છે. ધીમે ધીમે એને સમજાય છે કે, બીજા લોકો આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. આખરે એ હતાશામાં ફેરવાઈ જાય છે. આપણાથી પાછળ હોય એ આપણી આગળ નીકળી જાય એનું પેઇન જુદું જ હોય છે. જોખમ લેતા જે ડરે છે એ ક્યારે અટકી જાય છે એની એને ખુદને સમજ નથી પડતી.
છેલ્લી એક વાત, ઓવરથિંકિંગથી બચો. કેટલાક લોકો વધુ પડતા વિચારો કરતા રહે છે અને પોતાના જ વિચારામાં અટવાયેલા રહે છે. વધુ પડતા વિચારોના કારણે એ નિર્ણય પણ લઇ શકતા નથી. અમુક સમયે અમુક નિર્ણયો કરી લેવાના હોય છે. કયા મુદ્દા પર કેટલો વિચાર કરવો એની સમજ જિંદગીમાં જરૂરી છે. વધુ વિચારો કરીને સમય વેડફવો સરવાળે નુકસાનકારક સાબિત થાય છે. જિંદગી સરળ અને સહજ જ હોય છે. મોટા ભાગે આપણે જ જિંદગીને ગૂંચવી નાખતા હોઇએ છીએ. જિંદગીમાં હળવાશ સૌથી વધુ મહત્ત્વની છે. બધું પકડી રાખવાનો પ્રયાસ ન કરો. જિંદગીને એની રિધમમાં વહેવા દો. જિંદગીની દરેક ક્ષણને માણો. કુદરત પર અને પોતાની જાત પર શ્રદ્ધા રાખો. નક્કી કરો કે, મારે મારી જિંદગી સારી રીતે જીવવી છે અને એના માટે જે કંઇ કરવું પડશે એ હું કરીશ. આપણી જિંદગી છેલ્લે તો આપણ જ સારી બનાવવાની હોય છે.
————
પેશ-એ-ખિદમત
મૈં એક ખાના-બ-દોશ હૂં જિસકા ઘર હૈ દુનિયા,
સો અપને કાંધોં પે લેકે યે ઘર ભટક રહા હૂં,
મૈં હર કદમ પર સંભલ સંભલ કર ભટકને વાલા,
ભટકને વાલોં સે કાફી બેહતર ભટક રહા હૂં.
– પલ્લવ મિશ્રા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 માર્ચ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
