તમને કોઇ એવું કહે કે તમે જીવતા છો એ સાબિત કરો તો? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

તમને કોઇ એવું કહે કે તમે

જીવતા છો એ સાબિત કરો તો?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

દેશ અને દુનિયામાં એવા ઘણા કિસ્સા બને છે જ્યારે

માણસે એવું સાબિત કરવું પડે છે કે, હું જીવતો છું!

સરકારી પેન્શન મેળવતા નિવૃત કર્મચારીઓએ

રૂબરૂ જઇને કહેવું પડે છે કે, હું હયાત છું!

*****

 હમણા રીલીઝ થયેલી કાગઝ ફિલ્મ પોતાને જીવતો

સાબિત કરવા માટે 18 વર્ષ સુધી સંઘર્ષ કરનાર

લાલ બિહારી નામના એક વ્યક્તિ પર આધારિત છે.

હરતા ફરતા લોકો પણ કેટલા જીવતા હોય છે?

*****

તમારી પાસે આવીને કોઇ તમને એવું કહે કે, ચલો સાબિત કરો કે તમે જીવતા છો, તો તમે શું કરો? સૌથી પહેલા તો કદાચ તમારો મગજ છટકે! આવડો મોટો અને જીવતો જાગતો તમારી સામે ઉભો છું નથી દેખાતું? તમને ખબર છે આપણા દેશ અને આખી દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જે એવું સાબિત કરવા મથી રહ્યા છે કે, હું જીવતો છું કે હું જીવતી છું! સરકારી ચોપડે બધા કોઇ કારણોસર મરેલા છે! કાયદાની જેમ સરકાર પણ ઘણા બધા કિસ્સામાં પુરાવાઓ અને કાગળિયા માંગે છે કે જેનાથી માણસની હયાતી સાબિત થાય. એવા કિસ્સાઓની પણ કમી નથી કે, જીવતો માણસ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી સાબિત કરી શક્યો હોય કે હું હયાત છું. સાબિત કરે પહેલા શ્વાસ ખૂટી ગયા હોય અને એક અફસોસ સાથે મર્યા હોય કે હું જીવતો હતો ત્યારે પણ જિંદા સાબિત થઇ શક્યો!

ફ્રાંસની 58 વર્ષની મહિલા જીન પોચેન છેલ્લા ત્રણ વર્ષથી સાબિત કરવા મથી રહી છે કે, હું જીવું છું, મરી નથી ગઇ. 2017માં અદાલતે તેને મરેલી માની લીધી હતી. તેને કેમ મરેલી માની લીધી એની પાછળ પણ એક રસપ્રદ ઘટના છે. 2014માં તેની સામે વળતર અંગેનો એક કેસ થયો હતો. અદાલતે તેને ઘણા સમન્સ મોકલ્યા. જીનબેન કોર્ટમાં ક્યારેય હાજર થયા. 2017માં અદાલતે એવું જાહેર કર્યું કે, બહેન મરી ગયા છે. અદાલતે તેના પતિ અને પુત્રને કહ્યું કે, હવે એને બદલે તમે વળતર ચૂક્વો. જીને ત્યારે કહ્યું કે, મારો પતિ કે પુત્ર શા માટે ચૂકવે? હું કંઇ મરી થોડી ગઇ છું? અદાલતે કહ્યું કે, અમારા ચોપડે તો તમે મરી ગયા છો. જીનના મોતની નોંધ તમામ સરકારી દફતરોમાં પહોંચી ગઇ હતી. બેંકે તેનું એકાઉન્ટ બંધ કરી દીધું. ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઇ ગયું. સરકાર તરફથી તેને મેડિકલ અને બીજા જે લાભો મળતા હતા પણ બંધ થઇ ગયા! બધેથી એક જવાબ મળ્યો કે, તમે તો ગુજરી ગયા છો! કારની લોનવાળી બેંક એની કાર પણ ઉઠાવી ગઇ. બેન પોતાને જીવતા સાબિત કરવા માટે ગાંડા જેવા થઇ ગયા છે. ચાર વર્ષ થઇ ગયા એનો મેળ પડતો નથી. છેલ્લે તેણે સરકારને એવું કહ્યું કે, પ્લીઝ હું મરી જાવ પહેલા એક વખત મને જીવતી સાબિત કરી આપજો, નહીંતર હું અવગતે જઇશ!

આપણે ત્યાં થોડા સમય અગાઉ એક ઓટીટી પ્લેટફોર્મ પર પંકજ ત્રિપાઠી અને ગુજરાતી હીરોઇન મોનલ ગજ્જરની ફિલ્મ કાગઝ રીલીઝ થઇ છે. ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. પંકજ ત્રિપાઠીએ આઝમગઢના લાલ બિહારી નામના માણસનું પાત્ર ભજવ્યું છે જેમણે પોતે જીવતો છે સાબિત કરવા માટે અઢાર વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. એક બેંક લોન મેળવવા માટે તેની પાસે ગીરો તરીકે જમીનના કાગળો માંગવામાં આવ્યા હતા. પોતાના ગામ જમીનના કાગળિયા લેવા ગયા ત્યારે ખબર પડી કે, તેના કાકાએ તેને મરેલો ગણાવીને જમીન પોતાના નામે કરાવી લીધી હતી. લાલ બિહારી માટે પછી જમીન કરતા પણ મોટો મુદ્દો પોતે જીવતો છે સાબિત કરવાનો બની ગયો. 1976માં મૃત જાહેર કરાયેલા લાલ બિહારીને છેક 1994માં જીવતા જાહેર કરાયા હતા. વિધાનસભામાં દેખાવોથી માંડીને ચૂંટણી લડવા સુધીના પેંતરા તેમણે કર્યા હતા જેથી એવું સાબિત કરી શકે કે હું જીવતો છું! દેશના બે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને સ્વ. વી.પી. સિંહ સામે ચૂંટણી લડી તો પણ તેને અદાલતે જીવતા હોવાનો પુરાવો આપ્યો નહોતો! આપણા દેશમાં એવા તો સેંકડો લાલ બિહારીઓ છે જે એવું સાબિત કરવા મથે છે કે, અમે જીવતા છીએ. યુપીમાં તો ઉત્તર પ્રદેશ એસોસિએશન ઓફ ડેડ પિપલ છે! પોતાને જીવતા સાબિત કરવા મથતા લોકો સંસ્થાના સભ્યો છે!

આપણે ત્યાં જે લોકો નિવૃત સરકારી કર્મચારી છે અને પેન્શન મેળવે છે લોકોએ દર વર્ષે એક વખત સરકારી કચેરીમાં હયાતીની ખરાઇ કરવા જવું પડે છે. રૂબરૂ જઇને મોઢું બતાવીને, ચોપડામાં સહી કરીને કહેવું પડે છે કે, હું હયાત છું! નિવૃતિ પછી અમુક વર્ષો તો વાંધો આવતો નથી પણ ઉંમર વધી જાય પછી ઘણા લોકોને સરકારી ઓફિસે જીવતા હોવાનું સાબિત કરવા જવાનું અઘરૂ પડે છે. એક કિસ્સો તો એવો બન્યો હતો કે, હયાતીની ખરાઇ કરાવવા જતા હતા ત્યારે રસ્તામાં ગૂજરી ગયા. અમુક લોકો નિવૃતિ પછી પોતાના સંતાનો સાથે વિદેશ સેટ થઇ ગયા હોય છે. લોકોએ પણ વર્ષે એક વખત મોઢું બતાવવા આવવું પડે છે કે, અમે જીવતા છીએ. અનેક વખતે પદ્ધતિ બદલવાની માંગણી થઇ છે. મોટી ઉંમરના અશક્ત લોકોએ હયાત હોવાનું કહેવા માટે સરકારી ઓફિસે આવવું પડે કેટલું વાજબી છે? હવે તો ઓનલાઇન પણ તેઓ મોઢું બતાડી શકે છે કે, જોઇ લ્યો, હું જીવું છું.

હયાતીની નોંધ કરનાર એક સરકારી કર્મચારીએ એવું કહ્યું હતું કે, કોઇ વડીલ મારી પાસે હયાતીના ખરાઇ કરાવવા આવે ત્યારે ખરેખર એને પડતી તકલીફ જોઇને દિલ દ્રવી જાય છે. જો કે પછી તેમણે જે વાત કરી થોડીક ફિલોસોફિકલ હતી. તેણે કહ્યું કે, આમ તો શ્વાસ લેતા કેટલા લોકો ખરેખર જીવતા હોય છે? એવા લોકો ઘટતા જાય છે જેના ચહેરા પર જિંદગી ધબકતી દેખાય. જીવતા માણસોએ પણ ક્યારેક પોતાને સવાલ પૂછવો જોઇએ કે, હું જીવતો તો છુંને?

————————

પેશ-એ-ખિદમત

ઇક પરિંદા અભી ઉડાન મૈં હૈ,

તીર હર શખ્સ કી કમાન મૈં હૈ,

જિસ કો દેખો વહી હૈ ચુપ ચુપ સા,

જૈસે હર શખ્સ ઇમ્તિહાન મેં હૈ.

-અમીર કજલબાશ.

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *