આ જે કંઈ છે એમાં તારું શું કન્ટ્રિબ્યૂશન છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આ જે કંઈ છે એમાં
તારું શું કન્ટ્રિબ્યૂશન છે?


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું,
ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં,
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું.
– કુણાલ શાહ



સંબંધો ઘણી વખત હિસાબ માંગે છે. તેં મારા માટે શું કર્યું? કેટલીક વખત ગણીગણીને કહેવાય છે કે, તેં મારી સાથે આટલું ખોટું અને ખરાબ કર્યું છે. ટોણા મરાય છે. આપણે ભાગ્યે જ કહીએ છીએ કે, તેં મારા માટે કેટલું સારું કર્યું છે! આપણી જિંદગી માત્ર આપણા કારણે બનતી હોતી નથી. આપણી જિંદગીમાં ઘણા લોકોનો હિસ્સો હોય છે. આપણે કોઇએ બનાવ્યું હોય એ યાદ રાખતા નથી, બગાડ્યું હોય એને ક્યારેય ભૂલતા નથી. આપણી હયાતી, આપણું અસ્તિત્ત્વ, આપણું વજૂદ અને આપણે જે કંઇ છીએ એ આખરે કોના કારણે હોઇએ છીએ? મોટાભાગના લોકો એવું જ કહે છે કે, આ જે કંઇ છે એ મેં કર્યું છે. મારી મહેનત છે. મારી આવડત છે. મેં રાત-દિવસ એક કર્યાં છે ત્યારે આ બધું ભેગું થયું છે. દરેક માણસ મહેનત કરતો હોય છે. જિંદગીની એક હકીકત એ પણ છે કે, આપણે જો ટટ્ટાર ઊભા હોઇએ તો એની પાછળ કોઇનો ટેકો હોય છે. કેટલાક લોકો કોઇને ક્રેડિટ આપી શકતા નથી. એને ખબર હોય છે કે, મારી જિંદગીમાં કોણે કોણે ભાગ ભજવ્યો છે? જ્યારે મને જરૂર હતી ત્યારે કોણ મારી પડખે ઊભું રહ્યું હતું? ક્યારેક પાછળ ફરીને જોઇએ તો કેટલાક એવા ચહેરા નજરે પડે છે, જેણે આપણા ચહેરાને ચમકતો રાખવા માટે એનાથી થાય એ બધું કર્યું હોય છે. સંબંધોમાં જ્યારે હિસાબ માંડવામાં આવે ત્યારે સરવાળો ખોટો જ પડતો હોય છે. એનું કારણ એ છે કે, સંબંધોનું કોઇ ગણિત હોતું નથી. જ્યાં ગણિત હોય ત્યાં ગણતરી હોવાની છે. સાચો સંબંધ એ છે જ્યાં ગણતરીને કોઇ અવકાશ હોતો નથી. ફાયદા કે ગેરફાયદાનું વિચારાતું નથી. આપણે કેટલાક લોકો માટે કંઇ કરતી વખતે કશું વિચારતા નથી. માણસ ઘણી વખત પોતાના માટે કંઇ લેતી કે કરતી વખતે વિચાર કરે છે, પણ જ્યારે પોતાની વ્યક્તિ માટે કરે છે ત્યારે જરાયે વિચારતો નથી. દરેક માણસે એક વખત તો પોતાની વ્યક્તિને એવું કહ્યું જ હોય છે કે, તારા માટે તો બધું કરું છું.
માણસને સૌથી મોટો આઘાત ત્યારે લાગે છે જ્યારે પોતાની વ્યક્તિ એવું કહે કે, તેં મારા માટે કંઇ નથી કર્યું. કેટલીક વખત માણસને પોતાને પણ એનો અંદાજ જ નથી હોતો કે, તેણે પોતાની વ્યક્તિ માટે શું કર્યું છે. એક પતિ-પત્ની હતા. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને વેલએજ્યુકેટેડ હતા. જોકે, પતિ પાસે કોઇ કામ નહોતું. પત્નીએ કહ્યું, તું કંઇ ચિંતા ન કર, મારો સેલરી આવે છેને, આપણને કંઇ વાંધો નહીં આવે. પત્નીના પગારથી ઘર સારી રીતે ચાલતું હતું. ઘણો સમય થયો તો પણ પતિને કામ મળતું નહોતું. એક વખત પતિએ પત્નીને કહ્યું કે, આ ઘર ચલાવવામાં મારું કોઇ કન્ટ્રિબ્યૂશન નથી. પતિની વાત સાંભળીને પત્ની નજીક આવી. પતિનો હાથ પકડીને કહ્યું કે, આ ઘરના સુખમાં તારું સૌથી મોટું કન્ટ્રિબ્યૂશન છે. મારી જિંદગીમાં તારું કન્ટ્રિબ્યૂશન છે. બધા કન્ટ્રિબ્યૂશન કંઇ રૂપિયાથી જ નથી મપાતા. બધું હોય અને સુખ ન હોય તો સંગાથ અને સાંનિધ્યનો કોઇ અર્થ નથી. આ જે કંઇ છે એમાં કશું તારું નથી કે કંઇ મારું નથી, આ બધું આપણું છે. આપણું સુખ સહિયારું છે. ક્યારેય એવું ન બોલતો કે ન વિચારતો કે તારું કંઇ કન્ટ્રિબ્યૂશન નથી.
કોઇ આપણી સાથે હોય ત્યાં સુધી આપણને તેનું મૂલ્ય સમજાતું નથી. એ ન હોય ત્યારે ભાન થાય છે કે, એ વ્યક્તિ આપણા માટે કેટલી મહત્ત્વની હતી. એક વ્યક્તિની આ વાત છે. એની કંપનીમાં એનો એક પ્યૂન હતો. એ પ્યૂન બધી જ કાળજી રાખતો. એને ખબર હતી કે, સાહેબને ક્યારે ચા જોશે અને ક્યારે શું કામ હશે. એ બધું જ કરતો હતો. એ પ્યૂનને બીજી કંપનીમાંથી નોકરીની ઓફર થઇ. જ્યાં કામ કરતો હતો તેના કરતાં પગાર વધુ હતો. તેણે નોકરી છોડી દીધી. બોસને હતું કે, બીજો પ્યૂન શોધી લઇશ. એક પ્યૂનને રાખ્યો પણ એની સાથે ફાવ્યું નહીં. બે-ચાર પ્યૂન બદલાવ્યા, પણ કોઇનું કામ ગમતું નહોતું. આખરે એ બોસે પેલા જૂના પ્યૂનને બોલાવ્યો અને કહ્યું કે, પાછો આવી જા. તને ત્યાં મળે છે એના કરતાં પણ વધારે પગાર આપીશ. એ પાછો આવ્યો. એ સમયે બોસે તેને કહ્યું કે, તું ગયો એ પછી મને તારી કિંમત સમજાઇ. તને ખબર નથી કે, તેં મારી જિંદગીમાં કેવડો મોટો ભાગ ભજવ્યો છે. બોસે ખુલ્લા દિલે પછી સાચી વાત કરી. તેણે કહ્યું, મારે અને મારી પત્નીને થોડાક ઇશ્યૂ ચાલે છે. હું તેનાથી છૂટા પડવાનો વિચાર કરતો હતો. તું ગયો એ પછી મને કોઇ સાથે ફાવ્યું નહીં. મને એ વખતે વિચાર આવ્યો કે, જો પત્ની નહીં હોય તો? મેં વિચાર્યું કે, એણે મારા માટે શું કર્યું છે? એ મારા માટે શું કરે છે? એ પછી મને સમજાયું કે, મારી જિંદગીમાં તેનો કેટલો મોટો રોલ છે. મેં નક્કી કર્યું કે તનેય પાછો બોલાવી લેવો છે અને એનેય મારી જિંદગીમાંથી જવા દેવી નથી. આપણા લોકો સાથે ઝઘડો થાય ત્યારે એટલું વિચારવું જોઇએ કે, મારી જિંદગીમાં તેનું શું મહત્ત્વ છે? ઘણી વખત આપણે ઇગોને વચ્ચે લાવીને ન ભરવાં જેવાં પગલાં ભરી લેતાં હોઇએ છીએ. ઇગો તો રહી જાય છે, પણ બાકીનું જે કંઇ પણ હોય એ આપણે ગુમાવી દેતા હોઇએ છીએ.
ઘણા લોકો એવું માનતા હોય છે કે, હું છું તો બધું થાય છે. મારા થકી બધું ચાલે છે. હું હટી જાઉં તો ખબર પડે કે, કેટલી વીસે સો થાય છે. એક સાધુ હતા. એક ઝૂંપડીમાં રહેતા હતા. એક ધનવાન માણસ તેની પાસે આવતો હતો. સાધુ તેને જિંદગી કેવી રીતે જીવવી તેની સલાહ આપતા હતા. એ માણસ સાધુની કહી બધી વાત માનતો હતો. ધીમે ધીમે એ માણસ અતિશય ધનાઢ્ય થયો. તેને થયું કે, સાધુ ઝૂંપડીમાં રહે છે એના કરતા એમને એક આશ્રમ બનાવી આપું. સાધુ માટે આશ્રમ બનાવ્યો. જોતજોતાંમાં તો આશ્રમ જાણીતો થઇ ગયો. સાધુને સાંભળવા લોકો ઊમટવા લાગ્યા. આશ્રમ ધમધમવા લાગ્યો. પેલા ધનવાન માણસને એવું થયું કે, મારા કારણે આશ્રમ ચાલે છે. મેં આશ્રમ બનાવ્યો એટલે સાધુને ઓળખ મળી છે. એક દિવસ સાધુને ખબર પડી કે, એ વ્યક્તિ એવું બોલે છે કે, તેના કારણે જ આ આશ્રમ ચાલે છે. સાધુ કંઇ જ ન બોલ્યા. એક સવારે કોઇને ખબર ન પડે એ રીતે સાધુ આશ્રમ છોડીને ચાલ્યા ગયા. હવે સાધુ નથી એ ખબર પડતાં જ લોકોએ આવવાનું બંધ કરી દીધું. સાધુ તો દૂર ક્યાંય જઇને ફરીથી ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. પેલા માણસે સાધુને શોધ્યા અને આજીજી કરી કે, તમે આશ્રમે પાછા આવો. સાધુએ પ્રેમથી ના પાડી. સાધુએ કહ્યું, હું તો પહેલાં પણ ઝૂંપડીમાં જ રહેતો હતો. મને ઝૂંપડી કે આશ્રમથી કંઇ ફેર પડતો નથી. તને જિંદગીમાં ઘણી સલાહ આપી છે, તેં માની પણ છે. હવે તને છેલ્લી સલાહ આપું છું કે, તારી જિંદગીમાં જે કોઇ હોય એની કદર કર. હું જરાયે એવું જતાવવા નથી માંગતો કે, આશ્રમ મારા કારણે ચાલતો હતો. આખરે આશ્રમ તો તેં બનાવ્યો હતો. મારો કહેવાનો મતલબ એ જ છે કે, જે કંઇ થાય છે, એ સર્જન હોય કે વિસર્જન, એના માટે કોઇ એક નહીં પણ ઘણા બધા જવાબદાર હોય છે. એમાંયે ઘણી વખત આપણે પોતે જ જવાબદાર હોઇએ છીએ. માણસે માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે, જે કંઇ થયું છે એના માટે હું તો જવાબદાર નથી? જે થયું છે એ મારા કારણે તો નથી થયુંને? આપણો માહ્યલો સાફ હોય તો પછી કંઇ ચિંતા કરવા જેવું હોતું નથી. કોના માટે શું કર્યું, કોણે સારું કર્યું કે ખોટું એ વિચારવાના બદલે એટલું જ વિચારીએ તો બસ છે કે, મેં તો કંઇ ખોટું નથી કર્યુંને? આપણે આપણા પૂરતું ધ્યાન રાખવાનું હોય છે. બીજા જે કરવાના હશે એ કરવાના જ છે. જેને એટલી ખબર છે કે, મારે શું કરવું છે, મારે શું કરવું જોઇએ, એ માણસ સુખી અને શાંત રહે છે. આપણાં સુખ અને શાંતિના સર્જક છેલ્લે તો આપણે જ હોઇએ છીએ.
છેલ્લો સીન :
માણસને સૌથી વધુ જરૂર મેન્ટલ સપોર્ટની હોય છે. માનસિક રીતે સાથે ન હોય તો સાથે રહેવાનો કે હોવાનો કોઇ મતલબ રહેતો નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 માર્ચ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *