ભલે ગમે એવો છે
પણ છે તો માણસને

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર,
હોત તું પથ્થર તો સારું થાત,
હું તને પૂજી શકત પૂછ્યા વગર.
– મુકેશ જોશી
દુનિયામાં સંપૂર્ણ રીતે ક્યારેય ન સમજાય એવું કંઇ હોય તો એ માણસ છે. માણસને વાતાવરણ સાથે સરખાવવામાં આવે છે. માણસ વાતાવરણની જેમ ગમે ત્યારે બદલી શકે છે. વાતાવરણની તો હજુયે આગાહી થઇ શકે છે. માણસની કોઇ આગાહી થઇ શકતી નથી. સારો માણસ ગમે ત્યારે કપટી બની શકે છે. ખરાબ માણસ ગમે ત્યારે આશ્ચર્ય થાય એવું વર્તન પણ કરી શકે છે. માણસ બદલે છે તેની પાછળ ઘણાં કારણો પણ હોય છે. ઘણી વખત આપણને એવા અનુભવો થાય છે કે, બધા પરથી વિશ્વાસ ઊઠી જાય છે. જેના પર આપણે હંમેશ માટે ખરાની નિશાની કરી રાખી હોય છે એના પર જ આપણે ચોકડી મારી દઇએ છીએ. કોઇ માણસ કાયમ માટે એકસરખો રહેતો નથી. માણસ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, માણસ સામાજિક પ્રાણી છે. આ પ્રાણી ક્યારે અસામાજિક બની જાય એ નક્કી હોતું નથી. આપણા મનમાં જુદી જુદી વ્યક્તિ માટે એક ચોક્કસ માન્યતા હોય છે. અમુક વ્યક્તિની છાપ આપણા મનમાં એવી હોય છે કે, એ માણસ અમુક પ્રકારનું વર્તન ન જ કરે. એ વ્યક્તિ કંઇક અણગમતું કરે ત્યારે આઘાત લાગે છે. આપણે એવું કહીએ છીએ કે, એ આવું કરશે એવી કલ્પના નહોતી. સાચી વાત એ છે કે, માણસ ક્યારેય આપણી કલ્પના મુજબનો હોતો નથી. હોય તો પણ એ લાંબો સમય એવો રહેતો નથી. આપણા બધાની જિંદગીમાં એવા લોકો આવ્યા જ હોય છે, જેના વિશે આપણે માનતા હોઇએ જુદું અને એણે કર્યું હોય કંઇક જુદું જ. માણસ ક્યારેક આઘાત તો ક્યારેક આશ્ચર્ય આપતો રહે છે.
એક યુવાન હતો. તેને માણસ વિશે ઘણા બધા સવાલો હતા. એક વખત એ યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો. માણસને કેવી રીતે ઓળખવો? સંતે કહ્યું, માણસને રોજેરોજના વર્તન પરથી જ ઓળખવો જોઇએ. કોઇ માણસે આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય એટલે આપણે એવું જ માની લઇએ છીએ કે એ ખરાબ છે. બનવા જોગ છે કે, એ જ માણસ બીજા દિવસે સારું વર્તન કરે. માણસ આજે અને આ ક્ષણે આપણી સાથે કેવું વર્તન કરે છે એના પરથી જ તેને ઓળખી શકાય છે. કોઇ માણસની કોઇ ઓળખ કાયમી રહેતી નથી. માણસ પાસે પૈસો કે સત્તા આવે ત્યારે ભલભલા માણસ બદલાઈ જતા હોય છે. બધું મળી ગયા પછી પણ એકસરખો જ રહે એ માણસ સાંસારિક હોય તો પણ સંતની કક્ષાનો હોય છે. કોઇ માણસ વિશે ક્યારેય એવું ધારી લેવું નહીં કે, એ ક્યારેય ખોટું કે ખરાબ નહીં કરે. એ યુવાને સંતને બીજો સવાલ કર્યો. તો શું માણસનો ક્યારેય ભરોસો ન કરવો? સંતે કહ્યું, ભરોસા વગર તો ચાલવાનું જ નથી. માણસને માણસ સાથે જ પનારો રહેવાનો છે. ભરોસો તો કરવો જ જોઇએ. ભરોસો ન કરીએ તો ખબર જ ક્યાંથી પડવાની છે કે, કોણ કેવો છે? બીજી એક વાત એ પણ યાદ રાખવી જોઇએ કે, મોટાભાગે માણસ આપણી સાથે કેવું વર્તન કરે છે અને કેવી રીતે રહે છે તેનો આધાર આપણા પર પણ હોય છે. આપણે જ જો કોઇ સાથે સરખા ન રહીએ અને બીજા આપણી પાસે સરખા રહે એવી અપેક્ષા રાખીએ તો એવું ક્યારેય બનવાનું નથી. આપણે બીજાને તપાસતા અને ચકાસતા પહેલાં આપણા વિશે પણ વિચાર કરવો જોઇએ કે, હું કેવો છું અથવા તો હું કેવી છું? પડઘો એવો જ પડવાનો છે જેવો આપણે સાદ દઇએ. ચીસ પાડીએ તો મૃદુ અવાજ ક્યારેય આવવાનો નથી. આપણે જેવું બીજા માણસ પાસે ઇચ્છતા હોઇએ એવા જ આપણે પણ એના માટે હોવા જોઇએ.
જિંદગીમાં મહત્ત્વની વાત એ પણ છે કે, આપણે માણસ છીએ અને આપણે દરેકની સાથે માણસની જેમ વર્તવું જોઇએ. મોટાભાગે આપણે માણસની સાથે એની શક્તિ અને એના સામર્થ્યને જોઇને વાત અને વર્તન કરીએ છીએ. મોટા માણસ હોય તો એની સાથે સલુકાઇથી વર્તીએ છીએ. એમાં પણ કશો વાંધો નથી. આપણે નાના માણસ સાથે કેવી રીતે વર્તીએ છીએ? ખરા અર્થમાં મોટો માણસ એ જ છે જે નાના માણસ સાથે પણ સારી રીતે વર્તે છે. એક યુવાનની આ વાત છે. તેને એક વ્યક્તિ પર ચીડ હતી. એ માણસ પરિવારનો જ હતો. એક વખત એ યુવાનના પિતાએ તેની સાથે એક કામ બાબતે વાત કરવાનું કહ્યું. દીકરાએ ના પાડી દીધી. મારે એની સાથે વાત નથી કરવી. એ માણસ મને નથી ગમતો. એ સમયે પિતાએ કહ્યું, કોઇ માણસ પર ક્યારેય અંતિમ નિર્ણય પર ન આવવું જોઇએ. એ ગમે એવો છે પણ છે તો માણસ જને. મેં એને સારું વર્તન કરતા જોયો છે. જો ખરાબ વર્તન કરે તો એ તારાથી દૂર તો છે જ. માણસને સમયે સમયે માપતા અને ચકાસતા પણ રહેવું જોઇએ. સારો હોય તો પણ ચેક કરતા રહેવું પડે છે કે, એનામાં સારાપણું ટક્યું તો છેને?
કોઇ માણસ ભૂલ કરે તો પણ એને એક ચાન્સ પણ આપવો જોઇએ. માણસથી ક્યારેક ભૂલ થઇ જતી હોય છે. એક પતિ પત્નીની આ વાત છે. બંને વચ્ચે ઝઘડો થયો. પત્ની ઘર છોડીને પિયર આવી ગઇ. પિતાએ દીકરીને કંઇ ન કહ્યું. થોડા દિવસ નીકળી ગયા. પતિને એની ભૂલ સમજાઇ. તેણે પત્નીને સોરી કહ્યું. પત્ની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતી. આખરે તેના પિતાએ કહ્યું, એને પોતાની ભૂલનો અહેસાસ હોય તો એને એક ચાન્સ આપવો જોઇએ. એની ભૂલ એવી તો નથી જ કે, માફ ન કરી શકાય. આ વાત સાંભળીને દીકરીએ સવાલ કર્યો. બીજી વાર આવું થયું તો? પિતાએ કહ્યું, તો પછી તારી બધી વાતમાં હું તારી સાથે હોઇશ. બીજી વખત એ કંઇ કરે છે કે નહીં એ જાણવા માટે પણ એને એક ચાન્સ તો આપવો જોઇએને? હા, એક કરતાં વધુ ચાન્સ આપવો મૂર્ખાઇ છે. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ પત્ની હતાં. બંને વચ્ચે ઝઘડાઓ થતા રહેતા. પતિનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો હતો. તે પત્ની પર હાથ પણ ઉપાડી લેતો હતો. આ વાતની જ્યારે દીકરીના પિતાને ખબર પડી ત્યારે તેણે દીકરીને કહ્યું કે, તું નક્કી કર કે તારે શું કરવું છે? દીકરીએ સવાલ કર્યો કે, આવા માણસ સાથે રહેવાય કે નહીં? પિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ના. પિતાએ કહ્યું, માણસથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો એ સુધરી શકે છે, પણ પ્રકૃતિ ક્યારેય બદલાતી નથી. એ માણસ પાસે સારી અપેક્ષાઓ રાખવી વધુ પડતી છે. માણસ થોડાક અનુભવોથી ઓળખાઇ જતો હોય છે. પિતાએ કહ્યું તો પણ એ યુવતી પતિથી છૂટી થવા તૈયાર નહોતી. પિતાએ કહ્યું, તારી મરજી. તારી જિંદગી છે. તારી જિંદગીનો નિર્ણય કરવાનો તને અધિકાર પણ છે. એક પિતા તરીકે હું તારા તમામ નિર્ણયોમાં તારી સાથે છું.
આપણો દરેક માણસ સાથેનો સંબંધ હંમેશાં વન-ટુ-વન હોતો નથી. એવું હોય તો આપણે જે તે માણસ સાથે સંબંધ રાખવો કે નહીં તેનો નિર્ણય કરી શકીએ છીએ. પેઇન ત્યારે થાય છે જ્યારે આપણી નજીકની વ્યક્તિ સાથે બીજી કોઇ વ્યક્તિ યોગ્ય વર્તન કરતી ન હોય. એક છોકરીની આ વાત છે. તેની એક ફ્રેન્ડ હતી. એની દોસ્તી એક છોકરા સાથે હતી. પેલો માણસ એની ફ્રેન્ડને હેરાન કરતો હતો. એ છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, તું શા માટે એને ટોલરેટ કરે છે. એને કહી દે કે, કાં તો સીધો રહે અને કાં તો દૂર રહે. એની બહેનપણીએ કહ્યું કે, તું અમારી વચ્ચે ન આવ. અમે અમારી રીતે સમજી લેશું. આપણે દરેક વખતે આપણે ઇચ્છતા હોઇએ એવું કરી શકતા નથી. આપણે એવું પણ બોલતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોઉં તો આવું ચલાવી જ ન લઉં. સાચી વાત એ હોય છે કે, આપણે ક્યારેય કોઇની જગ્યાએ હોતા નથી. દરેક માણસ પોતાની જગ્યાએ હોય છે અને એની સ્થિતિ એ જ સમજતો હોય છે. આપણે કોઇના બદલે નિર્ણય લઇ શકતા નથી. કોઇ સલાહ, સૂચન કે માર્ગદર્શન માગે તો ચોક્કસ આપી શકીએ, પણ જેને પોતાનું ધાર્યું જ કરવું હોય તેના માટે આપણે કંઇ ન કરી શકીએ. કેટલાક કિસ્સાઓમાં આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા હોતા નથી. માણસ સાથે હંમેશાંથી સમજી વિચારીને રહેવું પડે છે. દુનિયામાં સારા માણસોની પણ કમી નથી. સારા માણસોને પણ ઓળખતા આવડવું જોઇએ. માણસની પસંદગીમાં થાપ ખાઇએ તો ભોગવવાનો વારો આવે છે. માણસને પણ મનથી ટકોરા મારવા પડે છે કે, એ બોદો તો બોલતો નથીને?
છેલ્લો સીન :
માણસ પોતાની ફિતરતથી ઓળખાય છે. આદત અને દાનતના આધારે જ માણસ પર સારા કે ખરાબ, લાયક કે નાલાયક જેવાં લેબલ લાગે છે. છેલ્લે તો, માણસ જેવો હોય તેવો વર્તાઇ જ આવવાનો છે.
– કૃષ્ણકાંત ઉનડકટ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 જાન્યુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
