જિંદગીની સચ્ચાઈ, સત્યનો રણકો
અને સોશિયલ મીડિયાની એક કથા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જર્મનીના બર્લિનની મેટ્રો ટ્રેનમાં ગેમ ઓફ થ્રોન્સની સુપ્રસિદ્ધ હિરોઇન
મેસી વિલિયમ્સ સફર કરતી હતી. તેની બાજુમાં ભારતીય મૂળનો યુવાન બેઠો હતો. તેણે મેસીની સામે પણ ન જોયું. એક ફોટો ખેંચાયો, ક્લિપ ઉતારાઇ અને વાઇરલ થઈ ગઈ. એ પછી સોશિયલ મીડિયા પર જે વાર્તા ચાલી એ સાચી ન હોવા છતાં ધૂમ મચાવી ગઈ.
———–
કેટલીક ઘટનાઓ, કેટલીક કથાઓ અને કેટલીક કલ્પનાઓ એવી હોય છે, જે લોકોના દિલને સીધો ટચ કરી જાય છે. લોકો બોલી જાય છે કે, ખરેખર નસીબ જેવું કંઇક હોય છે. વાત સાચી હોય કે ખોટી એનાથી લોકોને બહુ ફેર પડતો નથી. કોઇ એ ચેક કરવાની પણ ફિકર કરતું નથી કે, આ વાતમાં કોઇ તથ્ય છે કે નહીં. હમણાં સોશિયલ મીડિયામાં એક વીડિયોએ ધૂમ મચાવી હતી. એ વીડિયોની જે વાર્તા હતી એ ઓછી ગજબની નહોતી. જર્મનીના બર્લિનની મેટ્રો ટ્રેનમાં ગેમ ઓફ થ્રોન્સની મશહૂર અભિનેત્રી મેસી વિલિયમ્સ સફર કરતી હતી. મેસી માત્ર જર્મનીમાં જ નહીં, આખી દુનિયામાં એવું સ્થાન ધરાવે છે કે, તેની એક ઝલક મેળવવા માટે લોકો પાગલ હોય છે. મેસી વિલિયમ્સ આવવાની છે એ ખબર પડે એટલે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડે છે. એમાંયે જો મેસી સાથે સેલ્ફી લેવાનો મેળ પડી જાય તો લોકોને પોતાનું સપનું સાકાર થઇ ગયું હોય એવું લાગે છે. આ મેસી વિલિયમ્સની બાજુની સિટમાં જ એક ભારતીય યુવાન સફર કરી રહ્યો છે. તેણે મેસીની સામે પણ ન જોયું. મેસી તેની સામે ઇશારા કરતી હતી તો પણ એ યુવાને ધ્યાને ન લીધું.
મેસી અને એ યુવાનની આ ક્લિપ જબરદસ્ત વાઇરલ થઇ ગઇ. લોકોએ કમેન્ટમાં જાતજાતની વાતો લખી. કોઇએ લખ્યું કે, એને જ્યારે હકીકત ખબર પડશે ત્યારે અફસોસ થશે. કોઇએ વળી ત્યાં સુધીનું લખ્યું કે, મૂરખ માણસ છે. આટલી મોટી હસ્તી પાસે બેસવાનો ચાન્સ મળ્યો અને તેને ખબર જ નહોતી. જેટલાં મોઢાં એટલી વાતો થઇ. આ ક્લિપ જર્મનીના ખૂબ જાણીતા મેગેઝિન ડેર સ્પીગલ સુધી પહોંચી. મેગેઝિનના એડિટરે પોતાની ટીમને કહ્યું, જાવ, ગમે તેમ કરીને એ છોકરાને શોધો અને તેનો ઇન્ટરવ્યૂ કરો. આખરે કેમ તેણે મેસી વિલિયમ્સ જેવી પર્સનાલિટી સામે પણ ન જોયું? મેગેઝિનના પત્રકારે એ યુવાનને શોધી કાઢ્યો. એની સાથે વાત કરી. એ યુવાને જે વાત કરી તેણે વળી નવી જ હલચલ મચાવી. યુવાને કહ્યું કે, હું અહીં ગેરકાયદે રહું છું, મારી પાસે લિગલ પરમિટ નથી, મારા ખિસ્સામાં એક યુરો પણ નથી. ચોરી છૂપીથી મેટ્રોમાં સફર કરું છું, ભય અને અનિશ્ચિતતા સાથે જિંદગી જીવું છું.
એ યુવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, તને ખબર હતી કે તારી બાજુની સિટમાં જે છોકરી સફર કરતી હતી એ મશહૂર એક્ટ્રેસ મેસી વિલિયમ્સ હતી? એ યુવાને કહ્યું, જેની પાસે કોઇ કામ નથી, રહેવા માટે ઘર નથી, પકડાઇ જવાનો ડર છે અને ક્યારે શું થશે એની ખબર નથી એવી વ્યક્તિને એનાથી શું ફેર પડે છે કે એની બાજુમાં બેઠેલી છોકરી કોણ છે? આ યુવાનની વાતમાં સચ્ચાઇનો રણકો હતો અને જિંદગીની વાસ્તવિકતા હતી. ડેર સ્પીગલ મેગેઝિને તરત જ તેને નોકરીએ રાખી લીધો. દર મહિને 800 યુરો પગાર નક્કી કરાયો. નોકરીના આર્ડરને આધારે તેને જર્મનીમાં રહેવાની પરમિટ પણ મળી ગઇ. એ યુવાનની જિંદગી બની ગઇ. ફરીથી આ યુવાનની ક્લિપ અને વાર્તા વાઇરલ થઇ ગઇ. વળી કમેન્ટનો મારો ચાલ્યો. આને કહેવાય નસીબ, નસીબનો બળિયો છે, લક ક્યારે ચેન્જ થાય એ કોઇ કહી શકતું નથી. આખરે ઇશ્વરે એ છોકરાની સામે જોયું ખરું. કોઇએ વળી મેગેઝિનના પ્રયાસને પણ બિરદાવ્યો. જર્મનીથી આગળ વધીને આ યુવાનની કથા આખી દુનિયામાં ફેલાઇ ગઇ.
હવે આ કહાનીની ખૂબ જ રસપ્રદ વાત જાણો. ફેક્ટ ચેકમાં ખબર પડી કે, આખેઆખી વાર્તા જ ખોટી અને ઉપજાવી કાઢેલી છે. આખી ક્લિપ એડિટેડ છે. જે મેટ્રો ટ્રેન બતાવવામાં આવી છે એ જર્મનીની છે જ નહીં. જે છોકરી છે એ પણ મેસી વિલિયમ્સ નથી. જેને ઇન્ડિયન બોય કહેવામાં આવ્યો એ છોકરો કોણ છે અને અત્યારે ક્યાં છે એની કોઇને ખબર નથી. તેનાથી આગળ વધીએ તો, ડેર સ્પીગલ મેગેઝિને કહ્યું કે, અમે આવી કોઇ સ્ટોરી કરી જ નથી કે કોઇ યુવાનને નોકરી પણ આપી નથી. બે ઘડી માની લો કે મેસી વિલિયમ્સ ખરેખર મેટ્રો ટ્રેનમાં સફર કરતી હોય તો પણ એ જે રીતે છોકરા તરફ ઇશારા કરતી હતી એમ ન જ કરે. આખેઆખી વાર્તા ઘડી કાઢવામાં આવી અને દુનિયાએ તેને સાચી માની લીધી. ફેક્ટ ચેક કરનારાએ કહ્યું કે, વાતમાં કંઇ દમ નથી. જોકે, કોઇ સાંભળે તોને? આજની તારીખે આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ફરી રહી છે. કદાચ તમારા સુધી પણ આ ક્લિપ અને વાર્તા પહોંચી હશે.
હવે બીજો સવાલ. આ વાત સાવ ખોટી હોવા છતાં લોકોને આટલી બધી સ્પર્શી કેમ ગઇ? તેના પર પણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. એ વિશે એવું તારણ નીકળ્યું કે, એ યુવાનની વાતમાં સચ્ચાઇ હતી. મજબૂરીનો સ્વીકાર હતો અને જિંદગીની કરુણ વાસ્તવિકતા હતા. દરેક માણસે નાનો મોટો સંઘર્ષ કર્યો જ હોય છે. તમામ લોકોએ એ યુવાન સાથે સીધું રિલેટ કર્યું. એ યુવાન કોણ છે એનાથી કોઇને કંઇ ફેર પડતો નહોતો. લોકોએ કહ્યું કે, આપણે ફિલ્મો જોઇએ છીએ એ ક્યાં સાચી હોય છે, છતાં કેટલીક ફિલ્મો આપણને ગમી જાય છેને? આનું પણ એવું જ થયું છે.
સોશિયલ મીડિયા પર કેટલીક વાતો જોઇ અને સાંભળીને લોકો ભાવુક થઇ જાય છે. એ વિશે પણ એવું કહેવામાં આવે છે કે, પૂરું જોયા જાણ્યા વગર તણાઇ ન જાવ. તમારી સંવેદનાનો ફાયદો ઉઠાવવાવાળા પણ ઘણા બધા છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી ક્લિપો બને છે કે, આપણે નક્કી જ ન કરી શકીએ કે આ સાચી છે કે ખોટી? લોકો હવે વાત સાચી છે કે ખોટી એ જાણ્યા વિના જ કાં તો સંવેદનશીલ થઇ જાય છે અને કાં તો ઉશ્કેરાઇ જાય છે. કોઇની પર્સનલ લાઇફમાં પણ ચંચુપાત કરવા માંડે છે. સોશિયલ મીડિયા પર ગમે તે ચાલી જાય છે. કોઇ ડાન્સનાં સ્ટેપ કે કોઇનાં નખરાંની પણ કોપી થવા લાગે છે. નેટિજન્સને રોજેરોજ કંઇક ને કંઇક નવું જોઇએ છે. ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનાં ડાન્સ સ્ટેપમાં ખાસ એવું કંઇ ન હોવા છતાં તેની એક્શન વાઇરલ થઇ ગઇ. થોડા સમય પહેલાં ઇન્ડોનેશિયામાં ઔરા ફાર્મિંગ બોટ રેસિંગ દરમિયાન બોટના આગળના ભાગમાં ડાન્સ કરતા 11 વર્ષના રાયન અરકાન ડીખાની મસ્ત એક્શન વાઇરલ થઇ હતી. લોકો તેની એક્શનની કોપી કરવા લાગ્યા હતા. તેનાં સ્ટેપ્સ તો છેક ગરબા સુધી પહોંચ્યાં હતાં. સોશિયલ મીડિયા પર નવું નવું કંઇક આવતું રહે છે. લોકો નકલ કરે છે, રીલ્સ બનાવે છે, અપલોડ કરે છે, મજા કરે છે અને ભૂલી જાય છે. જરાકેય નવું કે જુદું લાગે એટલે લોકોમાં ચાલી પડે છે. મેસી વિલિયમ્સ અને કહેવાતા ભારતીય છોકરાની વાર્તાનું પણ એવું જ થયું છે. ગમે તે હોય, જેણે પણ આ કથા સાંભળી એના દિલના એકાદ તાર ઝણઝણ્યા તો ચોક્કસ હતા જ! થોડીક વાર સંવેદનાઓ ઝણઝણીને પાછી સ્થિર થઇ જાય છે. આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં બાકી ક્યાં કોઇને બહુ ફેર પડે છે?
————
પેશ-એ-ખિદમત
દિલ ધડકને કા સબબ યાદ આયા,
વો તેરી યાદ થી અબ યાદ આયા,
હાલ-એ-દિલ હમ ભી સુનાતે લેકિન,
જબ વો રુખસદ હુઆ તબ યાદ આયા.
– નાસિર કાઝમી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 ડિસેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
