AI THERAPIST :
એના રવાડે બહુ ચડવા જેવું નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકો હવે માનસિક સમસ્યાઓનો ઉકેલ પણ એઆઇ પાસે શોધવા લાગ્યા છે.
આત્મહત્યાની એક ઘટનાએ આખી દુનિયાને આંચકો આપ્યો છે.
દિલની દરેક વાત એઆઇને નહીં, પણ નજીકના વ્યક્તિને કહો એ જ બહેતર રહેશે.
———–
માણસની જિંદગીમાં વર્ચ્યુઅલ વર્લ્ડનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આપણે બધા જ થોડા કે વધુ અંશે સાયબર ટેક્નોલોજી પર ડિપેન્ડન્ટ થઇ ગયા છીએ. એ વાત તો બહુ જૂની થઇ ગઇ છે કે, સાયબર વર્લ્ડના કારણે માણસ પોતાના લોકોથી દૂર થઇ રહ્યો છે. હવે તો એ તબક્કો આવી ગયો છે કે, માણસ પોતાનાથી જ દૂર થઇ રહ્યો છે. માણસને પોતાની બુદ્ધિ અને પોતાની આવડત કરતાં વધુ વિશ્વાસ ટેક્નોલોજી પર બેસવા લાગ્યો છે. કંઇ પણ હોય માણસ ફટ દઇને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો સહારો લઇ લે છે. બધું જ સર્ચ ઓરિએન્ટેડ થઇ ગયું છે. સ્થિતિ એવી થતી જાય છે કે, માણસે પોતાને જ શોધવો પડે. હવે તો એઆઇના એક્સપર્ટ્સ જ કહી રહ્યા છે કે, જરૂર પડે ત્યાં એઆઇનો ચોક્કસ ઉપયોગ કરો, પણ બધા માટે એઆઇનો ઉપયોગ જોખમી સાબિત થાય છે. અમેરિકામાં થોડા સમય પહેલાં બનેલી આત્મહત્યાની એક ઘટનાએ વધુ એક વખત લોકો સામે લાલબત્તી ધરી છે.
29 વર્ષની સોફી રોટનબર્ગ નામની યુવતીએ એક દિવસ અચાનક જ આપઘાત કરી લીધો. સોફીના આપઘાતની વાત ફેલાઇ ત્યારે બધાએ આંચકો અનુભવ્યો. સોફી ડાહી અને હસમુખી છોકરી હતી. તેની લાઇફમાં ખરેખર શું થયું એ કોઇને ખબર નથી. તેની માતાએ જ્યારે આપઘાતના કારણો વિશે તપાસ કરી ત્યારે ખબર પડી કે, સોફી એઆઇ જનરેટેડ થેરાપિસ્ટની મદદ લેતી હતી. આ થેરાપિસ્ટનું નામ હેરી હતું. સોફી એઆઇ થેરાપિસ્ટને કહેતી કે, મને ક્યાંય મજા નથી આવતી. ક્યાંય ગમતું નથી. એ સમયે હેરી તેને આશ્વાસન આપતો અને પોતાનું ધ્યાન રાખવાનું કહેતો. એક તબક્કે સોફીએ કહ્યું કે, મને મરી જવાના વિચાર આવે છે. એ સમયે પણ એઆઇ થેરાપિસ્ટ હેરીએ આશ્વાસન જ આપ્યું. એઆઇએ એવું ચોક્કસ કહ્યું કે, તારે શું કરવું જોઇએ. કેટલાક નુસખા પણ બતાવ્યા. સોફીની ઘટના જ્યારે બહાર આવી ત્યારે રિઅલ સાઇકોલોજિસ્ટે કહ્યું કે, સોફીએ એઆઇ જનરેટેડ થેરાપિસ્ટને બદલે જો પોતાની નજીકની કોઇ વ્યક્તિને વાત કરી હોત તો સ્થિતિ કદાચ જુદી હોત. સવાલ તો એ થઇ રહ્યો છે કે, આખરે સોફીએ કોઇને વાત કેમ ન કરી? કેમ તે એઆઇ થેરાપિસ્ટ સાથે જ સંપર્ક રાખતી હતી? શું તેને કોઇના પર ભરોસો નહોતો? હદ તો ત્યારે થઇ જ્યારે સોફીએ એઆઇ થેરાપિસ્ટને જ કહ્યું કે, મારા માટે સ્યૂસાઇડ નોટ તૈયાર કરી આપ! એવું લખજે જેનાથી મારાં મા-બાપને ઓછામાં ઓછું દુ:ખ થાય! એઆઇ થેરાપિસ્ટે સોફીને સ્યૂસાઇડ નોટ પણ લખી આપી હતી! સવાલ એ થયો કે, લોકો મરતી વખતે પોતાની ભાવના અને વેદના વ્યક્ત કરવા માટે પણ એઆઇની મદદ લેવા લાગ્યા છે?
સોફીની માતાએ કહ્યું કે, એઆઇ જો બધું જ કરે છે તો એવી સિસ્ટમ પણ ડેવલપ કરો કે, જોખમના સંજોગોમાં એઆઇ જે તે વ્યક્તિના સ્વજનને એલર્ટ કરે. તમારી દીકરી આપઘાતના વિચારો કરે છે એમ કેમ એઆઇએ સોફીની નજીકના લોકોને કહ્યું નહીં? સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે, સવાલ એ નથી કે એઆઇએ શું કરવું જોઇએ, સવાલ એ છે કે લોકોએ શું કરવું જોઇએ? લોકોએ જ સમજવું પડશે કે, જિંદગીની કેટલીક વાતો એઆઇ સાથે નહીં, પણ પોતાની વ્યક્તિ સાથે જ કરવી જોઇએ. એમાં પણ એ સવાલ ઊઠ્યો છે કે, જિંદગીમાં એવી વ્યક્તિ તો હોવી જોઇએને? માણસ દિવસે ને દિવસે એકલો પડતો જાય છે. કોઇ સાથે હોય તો પણ એ નજીક હોતા નથી. એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિ જુદી જુદી દુનિયામાં જીવતી હોય છે. બંને સાથે હોય છે પણ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખોવાયેલાં હોય છે. હજુ તો એઆઇની શરૂઆત છે, આ બધું ક્યાં જઇને અટકશે એ સવાલ છે. એ વિશે પણ એક્સપર્ટ્સ એવું કહે છે કે, અટકવાની વાત તો છોડો, કોઇને કલ્પના ન આવે એ હદે દોડવાનું અને આગળ વધવાનું છે. એક ઉપાય છે, જો માણસ અટકે તો થાય. માણસ પણ અટકતો નથી. માણસની લાઇફ પણ સ્ક્રીન ડિપેન્ડન્ટ થઇ ગઇ છે.
દુનિયામાં એવા લોકોની સંખ્યા સતત વધી રહી છે જેઓ રાતે સૂતી વખતે સીરી, એલેક્સા, બિક્સી કે બીજા આર્ટિફિશિયલ વ્યક્તિને ગુડનાઇટ કહીને સૂવે છે અને ઊઠીને તેને જ ગુડ મોર્નિંગ કહે છે. નિષ્ણાતો કહે છે કે, માથું દુખતું હોય ત્યારે કઇ દવા લેવી એ સીરી કે એલેક્સા કહી દેશે, પણ એ માથું દબાવી નહીં દે. હાથમાં દવા આપીને કહેશે નહીં કે, લે પી લે. એના માટે તો કોઇ કાળજી રાખે એવી વ્યક્તિ જ જોઇશે. છીંક આવે ત્યારે ખમ્મા કે બ્લેસ યુ કહેનારું કોઇ હોવું જોઇએ. એઆઇ કદાચ સાચી વાત કરે તો પણ એ હગ કરીને સાંત્વના આપી શકવાનું નથી. દુનિયા રોબોટિક રિલેશન્સ તરફ આગળ વધી રહી છે. લોકો હવે માણસને નજીક નહીં રાખે, પણ રોબોટને વસાવી લેશે. ટેક્નોલોજિસ્ટ હવે એવા રોબોટ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં માણસ જેવી જ સંવેદના હોય! તેના વિશે પણ એવું કહેવાઇ રહ્યું છે કે, રોબોટને માણસ જેવા ભલે બનાવો, સાથોસાથ માણસને માણસ જેવા રહેવા દો! માણસો સારા જ હતા અને સારા જ છે. અત્યારે કેમ બધા એકબીજાથી દૂર થઇ રહ્યા છે?
નવી જનરેશનને કોઇ જવાબદારી લેવી નથી એવું પણ આજના સમયમાં જોવા મળી રહ્યું છે. યંગસ્ટર્સ હવે મેરેજ સિસ્ટમથી પણ દૂર ભાગવા લાગ્યા છે. મેરેજ કરવાની શું જરૂર છે? ફિઝિકલ નીડ પૂરી થઈ જાય પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અત્યારની જનરેશનને એ વાત નથી સમજાતી કે, નીડ માત્ર ફિઝિકલ જ નથી હોતી. ઇમોશનલ નીડનું ઇમ્પોર્ટન્સ વધુ છે. થાય છે એવું કે, ઇમોશનલ ઇશ્યૂઝ ઊભા થાય છે ત્યારે યંગસ્ટર્સ કોઇને વાત કહેવાના બદલે એઆઇના સહારે જવા લાગ્યો છે. કંઇ પણ હોય તો તરત જ એઆઇને પૂછે કે, સરટેઇન સિચ્યુએશન ક્રિએટ થઇ છે, હવે મારે તેને કેવી રીતે ટેકલ કરવી? એઆઇ રસ્તો ચીંધે છે, પણ એ રસ્તો સાચો જ હોય એવું બિલકુલ જરૂરી નથી. બીજી વાત એ પણ છે કે, માણસની સંવેદનાઓ અને માનસિકતા જુદી જુદી હોય છે. બધા માટે એકસરખા ઉપાય કે નુસખા ન ચાલે. એક ચાવીથી બધાં તાળાં ન ખૂલે. દરેક તાળાની ચાવી જુદી જ હોવી જોઇએ. કોઇ પરિસ્થિતિને ટેકલ કરવાની દરેકની રીત અને આવડત અલગ અલગ હોય છે. માણસ પોતાની રીતે વિચારીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢે છે. જો માણસ વિચારવાનું જ બંધ કરી દેશે અને બધું જ એઆઇને પૂછીને કરવા લાગશે તો શું થશે? એઆઇ એવી સ્થિતિ પેદા કરી દેશે કે, માણસ વિચારવાનું કામ પણ એઆઇ પર છોડી દેશે. એઆઇ જવાબ તો આપશે, પણ એ સાચો અને સારો છે કે કેમ એ તો જોવું પડશે કે નહીં?
સાયબર વર્લ્ડમાં ખોવાયેલા માણસને પહેલાં પહેલાં તો મજા આવે છે. એ ફોન કે લેપટોપ લઇને બેસે છે. એને વિચાર આવે છે કે, હું ભલો અને મારી મસ્તી ભલી. તેને એકલા પડ્યા રહેવાની મજા આવે છે. રીલ્સ કે બીજું કંઇક જોતા રહે છે. એઆઇ સાથે વાતો કરતા રહે છે. પોતાની નજીકના લોકોને પણ ગણકારતા નથી. બધું બરાબર ચાલતું હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ લાઇફમાં જ્યારે ક્રાઇસિસ આવે છે ત્યારે કોને વાત કરવી એ તેને સમજાતું નથી. એ હરીફરીને એઆઇની મદદે જ જાય છે. એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે, એઆઇ નહીં પણ આત્મીય હોય તેને વાત કરો. એવું બિલકુલ જરૂરી નથી કે કોઇ મુશ્કેલી કે સમસ્યા હોય ત્યારે જ પોતાના લોકોને વાત કરો, અમસ્તા પણ તમારા લોકોની નજીક રહો. મિત્રોને મળતા રહો. માણસો ગપ્પાં મારવાનું પણ ભૂલી રહ્યા છે. તડાકા લેવાની પણ એક મજા છે. સ્ક્રીન બહારની દુનિયા વધુ મજેદાર છે. તમારા લોકોને સમય આપો. તમને એક કલાક ફરવા જવાનું મન થાય તો કોણ તમારી સાથે આવે એમ છે? એમ જ ચક્કર મારવા તમે ક્યારે ગયા હતા? વાસ્તવિક પ્રકૃતિને તમે ક્યારે માણી હતી? મનોચિકિત્સકો તો થોડીક જુદી વાત પણ કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે થઇ રહ્યું છે એમાં માત્ર એઆઇનો જ વાંક કાઢવો વાજબી નથી, ખરો વાંક તો માણસનો છે! એ જ ખોટા રસ્તે ચડે અને પછી રસ્તાને દોષ દે એ કેટલું યોગ્ય છે? નવી જનરેશને કેટલીક બાબતોમાં વહેલી તકે સાવધાન થઇ જવાની જરૂર છે. એઆઇ અને એકલતાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તમારા સંબંધોને સજીવન રાખો. કોઇની નજીક નહીં રહો તો જ્યારે તમારે કોઇની જરૂર હશે ત્યારે કોઇ તમારી નજીક નહીં હોય. એઆઇ પર આંધળો ભરોસો મૂકશો તો અથડાતા જ રહેશો.
————
પેશ-એ-ખિદમત
યે વો દરવાજા હૈ ખોલુ તો કોઇ આ ન સકે,
ઔર અગર બંદ કરૂં દિલ હી મેં દુનિયા દેખૂં,
દાયરા ખીંચ કર બૈઠા હૂં બડી મુદ્દત સે,
ખુદ સે નિકલૂં તો કિસી ઔર કા રાસ્તા દેખૂં.
– બિમલ કૃષ્ણ અશ્ક
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 નવેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
