એણે જે કર્યું છે એનું
ગિલ્ટ પણ એને નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જો તને આપી શકે વરદાનમાં,
માનવા હું લાગું બસ ભગવાનમાં,
દિલ રડે એ ક્યાં ખબર છે કોઇને?
આંખ જો ટપકે તો આવે ધ્યાનમાં.
– અક્ષય દવે
સંવેદના માણસની ઓળખ છે. જિંદગીમાં સતત કંઈક ને કંઈક બનતું રહેવાનું છે. થોડુંક ગમે એવું, થોડુંક ન ગમે એવું, થોડુંક સહન થાય એવું, થોડુંક સહન ન થાય એવું જિંદગીમાં બનતું જ રહેવાનું છે. ક્યારેક આપણે કેટલીક ઘટનાઓને હસી કાઢીએ છીએ અને કેટલીક ઘટનાઓ માટે છાના ખૂણે રડી પણ લઇએ છીએ. બધી પીડા, બધી વેદના બધાને કહી શકાતી નથી. કેટલીક સહન જ કરવાની હોય છે. રાતે અચાનક ઊડી જતી ઊંઘ આપણને વિચારોના વમળમાં ખેંચી જાય છે. આપણને ખબર હોય છે કે, આવા વિચાર કરવાનો કોઇ અર્થ નથી. જે થવાનું હતું એ થઇ ગયું છે. હજુ પણ જે થવાનું હશે એ જ થશે. આપણે વિચાર ખંખેરવાના પ્રયાસો કરીએ છીએ, પણ દરેક વખતે એમાં ક્યાં સફળતા મળે છે? ઊંઘ વગરની રાતોની સળ સવારે આંખોમાં વર્તાય છે. આમ તો દરેક એ સળ વાંચી કે પારખી શકતા નથી, પણ કેટલાક લોકો એવા હોય છે જે આપણી આંખોની ભાષા જાણતા હોય છે. નજર ફરે ત્યાં એને ખબર પડી જાય છે કે, આ માણસ શું વિચારે છે? કેમ એ જવાબ આપ્યા વગર નીચું જોઇ ગયો? કેમ એની આંખોના ખૂણા ભીના થઇ ગયા? આંખો બહુ બોલકી હોય છે, પણ એનો ધ્વનિ બધાને સંભળાતો નથી. આંખોની ભાષા સાંભળવા માટે દિલના કાનની જરૂર હોય છે.
જિંદગીમાં જે કંઇ બને છે તેની સામે આપણો પ્રતિભાવ કેવો હોય છે એના પરથી આપણી સંવેદના કેવી છે એની ખબર પડી જાય છે. બધાની સંવેદના એકસરખી નથી હોતી. કેટલાકની સંવેદના સાવ છીછરી હોય છે. એવા લોકો પાસે તરબતર થવાતું નથી. જડ જેવા માણસ પાસે જળની આશા રાખવી એ પણ એક પ્રકારની મૂર્ખામી જ હોય છે. આપણે કોની પાસે અપેક્ષા રાખીએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. બધા લોકો અપેક્ષા રાખવા જેટલી લાયકાત પણ ધરાવતા હોતા નથી. આપણે જ ઘણા વિશે કહેતા હોઇએ છીએ કે, એની પાસે મને કોઇ અપેક્ષા જ નથી. હું ઇચ્છતો પણ નથી કે, એ મારા માટે કંઇ કરે. મારે એનું કંઇ જોઇતું જ નથી. કેટલાંક નામો પર આપણે આપણા હાથે જ ચોકડી મારી દીધી હોય છે. ચોકડી પણ એમ જ નથી મરાતી. ચોકડી મારતી વખતે હાથ પણ જરાક થરથર્યો હોય છે. ચોકડીની સાથે દિલમાં એક ઘસરકો પણ પડ્યો હોય છે. એક તબક્કો આવે છે જ્યારે આપણને થઇ જાય છે કે, હવે બસ, હવે એની સાથે કોઇ નિસબત નથી. નિસબત ખૂટે ત્યારે સમજવું કે સંબંધ તૂટી રહ્યો છે. સંબંધ તૂટવાના અવાજ નથી આવતા, પણ એના સણકા બહુ લાંબા સમય સુધી વાગતા હોય છે. જ્યારે જ્યારે યાદ આવે ત્યારે એક ટીસ ઊઠે છે. કેટકેટલાયે વિચારો ઘેરી વળે છે. શું ધાર્યું હતું અને શું થઇ ગયું? આવી તો કલ્પના પણ નહોતી. કલ્પના બહારનું થાય એનું નામ જ જિંદગી છે. બધાં નાળિયેર ક્યાં ભરેલાં હોય છે? કોઇ ખોરાં તો કોઇ ખોખલાં પણ હોય છે. માણસોનું પણ એવું જ હોય છે. બધા સો ટચના નથી હોતા. કોઇ બોદા તો કોઇ બદમાશ હોય છે. ક્યારેક આપણા કમનસીબે એવા લોકો સાથે પનારો પડી જાય છે. એક તબક્કે એનાથી છુટકારો પણ મળે છે. જોકે, એ હોય છે ત્યાં સુધીમાં એટલું બંધુ પેઇન આપ્યું હોય છે કે એના ગયા પછી પણ વેદનાનો અનુભવ થતો રહે છે.
એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. પહેલાં તો એ છોકરો બહુ સારી રીતે વર્તતો હતો, પણ ધીમે ધીમે એનું પોત પ્રકાશતું ગયું. એ દાદાગીરી કરવા લાગ્યો. હું કહું એમ જ કરવાનું. હું કહું એની સાથે જ વાત કરવાની. સોશિયલ મીડિયા પર બધાની પોસ્ટ લાઇક નહીં કરવાની. અમુક પ્રકારનું જ ડ્રેસિંગ કરવાનું. આખો દિવસ શું કર્યું, કોની સાથે વાત કરી, શું વાત કરી એ બધું જ કહેવાનું. રોજેરોજ નવાં નવાં બંધનો એ લાદતો ગયો. એક હદ સુધી તો છોકરીએ સહન કર્યું, પણ પછી એને સમજાયું કે, એ જે કરી રહ્યો છે એ વધુ પડતું છે. તેણે નક્કી કર્યું કે, હવે તેનાથી મુક્ત થઇ જવું છે. એક દિવસ તેણે છોકરાને કહી દીધું કે, આજથી આપણા સંબંધ પૂરા. મારી સાથે હવે પછી વાત ન કરતો. પ્રેમીથી મુક્તિ બાદ તેને હાશકારો થતો હતો. જોકે, રહી રહીને તેને વિચાર આવતો હતો કે, મારી સાથે આવું કેમ થયું? મને કેમ સારો માણસ ન મળ્યો? એ છોકરીને એક સંત મળ્યા. સંતને તેણે સવાલ કર્યો કે, મારી સાથે આવું કેમ થયું? સંતે કહ્યું, દરેક સાથે ક્યારેક આવું થયું જ હોય છે. કોઇ ને કોઇ રૂપે બદમાશ માણસો આપણી જિંદગીમાં આવી જતા હોય છે. સારી વાત એ છે કે, તું એને ઓળખી ગઇ અને તેનાથી મુક્તિ મેળવી લીધી. કોની નજીક રહેવું જોઇએ અને કોને દૂર કરી દેવા જોઇએ એની સમજ પણ જિંદગીમાં બહુ જરૂરી છે. છોકરીએ પછી સંતને બીજો સવાલ કર્યો. એણે જે કર્યું એનું જરાયે ગિલ્ટ પણ એને નથી. સંતે કહ્યું કે, પથ્થર પર તું પાણી નાખ તો એ ભીનો થાય પણ ઓગળે નહીં. કેટલાક માણસો તો પથ્થર કરતાં પણ વધુ જડ હોય છે. એને કોઇ ભીનાશ પણ સ્પર્શતી નથી. બીજી વાત એ કે, તું શા માટે તેની પાસે એટલી પણ અપેક્ષા રાખે છે કે એને ગિલ્ટ થાય. અફસોસ એને જ થતો હોય છે જેને એ વાત સમજાય કે મારાથી ખોટું થયું છે, મારી ભૂલ થઇ છે. દુનિયામાં સૌથી ખતરનાક લોકો એ જ છે જે ખોટું અને ખરાબ કર્યા પછી પણ એવું જ માને છે કે, તેણે કંઇ ખોટું નથી કર્યું. જે કર્યું એ બરાબર જ છે. ખોટું કર્યા પછી પણ એને કોઇ પસ્તાવો હોતો નથી. આવા લોકોથી દૂર થઇ જવું અને પછી એને યાદોમાં પણ આવવા નહીં દેવાના. એ જો યાદ આવશે તો પણ પેઇન જ આપવાના છે.
દરેક માણસથી ક્યારેક ને ક્યારેક કોઇ ભૂલ થઇ જતી હોય છે. જાણે અજાણે આપણાથી કેટલુંક ન કરવા જેવું વર્તન થઇ જતું હોય છે. ભૂલ થાય એનો વાંધો નથી. માણસ છીએ, ભૂલ થઇ જાય. એ ભૂલનો અહેસાસ આપણને હોવો જોઇએ. પોતાનાથી ખોટું થયું છે એનું ભાન હોવું એ પણ સભાનતાની નિશાની છે. બની શકે તો ભૂલ સુધારવાનો પ્રયાસ પણ કરવો જોઇએ. ખોટું કર્યા પછી પણ, કોઇને હર્ટ કર્યા પછી પણ, કોઇને નુકસાન કર્યા પછી પણ અને કોઇને દુ:ખી કર્યા પછી પણ જો જરાયે ગિલ્ટ ન થાય તો સમજી લેવાનું કે આપણામાં કંઇક મરી ગયું છે. સંવેદના એનું જ નામ છે કે, દરેક વસ્તુની અસર આપણને થાય. સારું બને ત્યારે હરખ થાય અને કંઇક અયોગ્ય બને ત્યારે પેઇન પણ થાય. માણસ હોવાની ખાતરી એ જ છે કે, દરેકે દરેક ઘટના, પ્રસંગ અને બનાવની આપણને અસર થાય. એમાંથી જે શીખવા જેવું હોય એ શીખીએ. ભૂલના કિસ્સાઓમાં એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે, સતત ગિલ્ટમાં રહેવામાં પણ કોઇ માલ નથી. કોઇ પણ પ્રકારનું ગિલ્ટ હોય એમાંથી પણ એક તબક્કે બહાર નીકળી જવાનું હોય છે. જેનું દિલ દુભાવ્યું હોય એની માફી માંગી લઇએ અને બીજી વખત એવું ન થાય એની કાળજી રાખીએ એ પૂરતું છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણી આસપાસ જે કંઇ બને છે એની આપણા પર કેવી અને કેટલી અસર થાય છે? ધરતીકંપ આવે ત્યારે બધું ધ્રૂજી ઊઠે છે, પણ થોડી જ ક્ષણોમાં પાછું બધું સ્થિર થઇ જાય છે. જિંદગીમાં પણ જે બનાવો બને એના કંપન અનુભવીને સ્થિર થઇ જવું પડતું હોય છે. જિંદગી ચાલતી રહેવાની છે. ઠોકરો વાગતી રહેવાની છે. પેઇન પણ થવાનું છે. કેટલીક ઘટનાઓમાં પાછળ વળીને ન જોવામાં જ માલ હોય છે.
છેલ્લો સીન :
દરેક માણસની ભૂલ થતી જ હોય છે. ભૂલ સ્વીકારતા અને સુધારતા ન આવડે એ માણસ ભૂલ કરતો જ રહે છે. પોતાની ભૂલનું જેને ભાન નથી હોતું એનો એક તબક્કે કોઇ ભરોસો કરતું નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 14 સપ્ટેમ્બર, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
