ધડાધડ ખૂટતું દાંપત્ય અને ફટાફટ થઈ રહેલા ડિવોર્સ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ધડાધડ ખૂટતું દાંપત્ય અને
ફટાફટ થઈ રહેલા ડિવોર્સ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

મેરેજ લાઇફ વિશેના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે,
દાંપત્યજીવનના કુલ છ તબક્કા છે. આજના યુવાનો ત્રીજા
તબક્કે પહોંચે ત્યાં જ એકબીજાથી કંટાળી જાય છે. વધી રહેલા
ડિવોર્સના કારણે આજની જનરેશનને મેરેજ સિસ્ટમ પરથી ભરોસો ઊઠતો જાય છે.


———–

આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં મેરેજ લાઇફ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. મેરેજ બાદ થોડો સમય બધું સારું લાગે છે, પણ પછી પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. આંખમાં આંજી રાખેલાં સપનાં તૂટવા લાગે છે અને દાંપત્યનું આયખું ખૂટવા લાગે છે. ડિવોર્સના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જરાકેય વાંધો પડે એટલે આપણે નથી રમતા કહીને યંગસ્ટર્સ ડિવોર્સ લઇ લે છે. સૌથી મોટો સવાલ એ છે કે, આખરે એવું કેમ થાય છે? આજના યંગસ્ટર્સની અપેક્ષાઓ વધી ગઇ છે કે પછી તેમની સહનશક્તિ ખૂટી ગઇ છે? નાની નાની વાતમાં લોકો કેમ છેડો ફાડવા સુધી પહોંચી જાય છે? શું કપલ્સમાં વાંધાઓ હવે જ પડે છે? અગાઉના સમયમાં ઝઘડાઓ નહોતા થતા? સમાજશાસ્ત્રીઓ આ વિશેના અભ્યાસમાં લાગેલા રહે છે. તેઓ કહે છે કે, એવું બિલકુલ નથી કે અગાઉના સમયમાં આવું બધું નહોતું થતું, કાગડા ત્યારે પણ કાળા જ હતા. એ સમયે લોકો સંબંધોને સમય આપતા હતા. થોડુંક જતું કરતા હતા અને થોડુંક સહન પણ કરી લેતા હતા. હવે કોઇને કંઇ જતું નથી કરવું અને સહન કરવાનો તો સવાલ જ પેદા નથી થતો? હું શા માટે સહન કરું? લગ્ન ટકાવવાની જવાબદારી કંઇ મારા એકલાની કે મારી એકલીની થોડી છે? દાંપત્યજીવન વિશેનો લેટેસ્ટ અભ્યાસ એવું કહે છે કે, મેરેજ લાઇફના બધા મળીને છ તબક્કાઓ છે. હવે બહુ ઓછા લોકો આ તબક્કાઓ પૂરા કરી શકે છે. આજના યંગસ્ટર્સ ત્રીજા તબક્કા સુધી તો માંડ સંબંધ જાળવી રાખે છે. એ દરમિયાન જ એકબીજાથી થાકી જાય છે અને જુદા પડી જાય છે.
વેલ, દાંપત્યજીવનના આ છ તબક્કા કયા કયા છે? સૌથી પહેલો તબક્કો રોમાંચ અને રોમાન્સનો છે. આ સમય બંને માટે ગોલ્ડન પિરિયડ હોય છે. ખરા અર્થમાં આ તબક્કામાં કપલ સ્વર્ગની અનુભૂતિ કરે છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, બંનેમાં ફીલિંગ સરખી જ હોય છે. છોકરો અને છોકરી પ્રેમમાં હોય ત્યારે તેમને અને સ્વર્ગને હાથવેંતનું જ છેટું હોય છે. અરેન્જ મેરેજમાં પણ સગાઇ અને લગ્ન વચ્ચેનો જ ગાળો આહ્‌લાદક હોય છે. વાતો ખૂટતી નથી અને પ્રેમનું ઝનૂન ઓસરતું નથી. બંને પાત્રો એકબીજાને ખુશ રાખવાનાં અને સુખી કરવાનાં સપનાં જોતાં હોય છે અને એ માટે થાય એ તમામ પ્રયાસો પણ કરતાં હોય છે. લગ્ન થાય એ સાથે પ્રેમનો પહેલો તબક્કો શરૂ થાય છે. હનીમૂન પત્યા પછી સેટલડાઉન થાય ત્યાં સુધી આ તબક્કો ચાલે છે. આ સમય એવો હોય છે જ્યારે બંનેના કેન્દ્રસ્થાને પોતાની વ્યક્તિ જ હોય છે. બંને કાલ્પનિક દુનિયામાં જ હોય છે. એનું એક કારણ એ પણ છે કે, લાઇફની રિયાલિટી હજુ સામે આવી જ નથી હોતી.
લગ્નના થોડા સમય બાદ બીજો તબક્કો શરૂ થાય છે. જો છોકરો અને છોકરી સમજું હોય તો આ તબક્કામાં સંબંધ મેચ્યોર થાય છે અને જો સમજ ઓછી હોય તો દાંપત્ય સામે સવાલો પેદા થાય છે. આ સમય દરમિયાન જ એકબીજાના માઇનસ પોઇન્ટ્સ સામે આવે છે. એકબીજાની આદતો અને દાનતો ખુલ્લી પડે છે. રોમાંચ ધીમે ધીમે ઓસરે છે અને સહજીવન રૂટિન અને ક્યારેક કંટાળાજનક લાગવા માંડે છે. સંબંધો અત્યંત સંવેદનશીલ બની જાય છે. આ સમયે જો બંને એવું વિચારે કે, ગમે એવી છે પણ આ મારી વ્યક્તિ છે. એનામાં માઇનસ પોઇન્ટ્સ છે તો મારામાં ક્યાં નથી? જો એટલી સમજ ન હોય તો વાત વણસતી જાય છે. એ સાથે જ લગ્નજીવનનો ત્રીજો તબક્કો શરૂ થાય છે. આ સમય દરમિયાન જો સંબંધ સચવાઇ ગયો તો વાંધો આવતો નથી, બાકી પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. બંને એકબીજા સામે ફરિયાદો કરવા લાગે છે. તને હવે મારી કદર નથી. તું મને પૂરતો સમય આપતો નથી. ઘરની જવાબદારીમાં તારું ધ્યાન જ નથી. તને બસ તારી જ પડી છે. બીજા કોઇનો વિચાર જ તારે કરવો નથી. આ બધું ચાલતું હોય છે ત્યારે જ કરિયર પણ પીક પકડી રહી હોય છે. હવેના સમયમાં પતિ-પત્ની બંને જોબ કરતાં હોય છે. ઓફિસમાં પણ બંનેએ પોતાની જાતને પ્રૂવ કરવાની હોય છે. ઓફિસ અને ઘરના એકસાથે શરૂ થતાં ટેન્શન અને પ્રેશરને કપલ ટેકલ કરી નથી શકતાં અને એવા વિચારો આવવા લાગે છે કે, શું મેં મેરેજ કરીને મોટી ભૂલ કરી છે? મારી કલ્પનામાં જે વ્યક્તિ હતી કે હું જે માનતો કે માનતી હતી એ આ વ્યક્તિ નથી. એમાંય જો બાળક હોય તો તેનું ધ્યાન રાખવા બાબતે પણ બંને વચ્ચે માથાકૂટો થવા લાગે છે. ત્રીજો તબક્કો પૂરો થાય ત્યાં સુધીમાં તો કપલ એકબીજાથી તંગ આવી જાય છે. એક તબક્કે બંને એવું વિચારવા લાગે છે કે, હવે છુટકારો જોઇએ છે. જુદા પડશું તો જ શાંતિ મળશે. સાથે રહેવાનો કોઇ અર્થ હવે દેખાતો નથી. આખરે એવું નક્કી કરે છે કે, હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અગાઉના સમયમાં સમાજ અને પરિવારની શરમે ઘણું બધું ચલાવી લેવામાં આવતું હતું. સમાજ શું કહેશે? લોકોને કેવું લાગશે? આ અને આવા બીજા વિચારોના કારણે પડ્યું પાનું નિભાવી લેતા લગ્નજીવનનું ગાડું ગબડતું રહેતું. હવે એવું રહ્યું નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે, જિંદગી મારે જીવવાની છે. હું પણ કમાઉં છું. હું કંઇ ડિપેન્ડન્ટ નથી. લાંબું વિચાર્યા વગર કપલ ડિવોર્સ સુધી પહોંચી જાય છે.
બહુ ઓછાં કપલ્સ આ તબક્કો સાચવી જાણે છે. જો આ સમય હેમખેમ પસાર થઇ ગયો તો દાંપત્યજીવન ટકી જાય છે. તેમાં પણ અમુક બદલાવ તો આવે જ છે. આ તબક્કામાં પતિ અને પત્ની એક રીતે જોવા જઇએ તો એકબીજા સાથે મન મનાવી લે છે. એકબીજાને સુધારવાના કે સમજાવવાના પ્રયાસો છોડી દે છે. કેટલાક કિસ્સામાં એવું સ્વીકારી પણ લે છે કે, હવે આનામાં કંઇ ફેરફાર થવાનો નથી. એ એવી અપેક્ષા પણ છોડી દે છે કે, એનામાં કંઇ બદલાવ થાય. એક રીતે આ તબક્કો સ્વીકારનો છે. પોતાની વ્યક્તિને જેવી છે એવી સ્વીકારી લે છે. એમાં પણ બધા દિલથી સ્વીકારી શકતા નથી. કેટલાક લોકો પાસે બીજો કોઇ રસ્તો ન હોવાથી એ ચલાવતા રહે છે. જો દિલથી ન સ્વીકારે તો પતિ-પત્ની વચ્ચે એક ડિસ્ટન્સ આવી જાય છે. એને જે કરવું હોય એ કરે, મને કંઇ ફેર પડતો નથી એવું વિચારવા લાગે છે. બંને સાથે રહેતાં હોય છે, પણ પ્રેમ નામનું તત્ત્વ નાશ પામ્યું હોય છે. જો સ્વીકાર સહજ હોય તો બંનેને એકબીજાની ચિંતા રહે છે અને ધ્યાન રાખવાનું શરૂ થાય છે. આ દરમિયાનમાં જ ઉંમર વધતી જતી હોય છે, શારીરિક જરૂરિયાતો ઘટતી હોય છે અને સ્વાસ્થ્યના પ્રશ્નો પણ પેદા થતા હોય છે. એકબીજાની ચિંતા અને કાળજી ઘણી વખત નવા પ્રેમનું સર્જન પણ કરે છે અને કપલ વધુ એક વખત ધીમે ધીમે એકબીજાની નજીક આવે છે.
લગ્નજીવનનો ચોથો અને પાંચમો તબક્કો હૂંફ, લાગણી અને એકબીજાની કેરનો હોય છે. પતિ-પત્નીને એવું સમજાય છે કે, મારી જિંદગીમાં આ વ્યક્તિ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એકબીજાની નાની-નાની વાતોનું ધ્યાન રાખવા માંડે છે. લાઇફ સ્ટાઇલ અને ફૂડ હેબિટ પણ બદલાય છે. હેલ્ધી ખાવાનું શરૂ થાય છે અને સવારે મેથી, હળદરવાળું પાણી, સવારે પલાળેલી બદામ કે બીજા કોઇ દેશી નુસખાઓ શરૂ થાય છે. સરવાળે એ પ્રેમમાં વધારો કરે છે. છઠ્ઠો અને છેલ્લો તબક્કો સાથે બુઢ્ઢા થવાનો છે. શરીર ધીમે ધીમે ઘસાઇ રહ્યું છે. એક સમય એવો આવે છે કે, એકબીજાનો હાથ પકડ્યો હોય તો જ સેફ્ટી લાગે છે. કેટલાક કિસ્સામાં આ સમય દરમિયાન જ પતિ-પત્ની એકબીજાના રોલમોડલ બની જાય છે. આ વ્યક્તિએ મારા માટે જિંદગીભર કેટલું બધું કર્યું છે. મારું કેટલું ધ્યાન રાખ્યું છે. સારું છે મને આ વ્યક્તિ મળી. અલબત્ત, છઠ્ઠા તબક્કા સુધી પહોંચનારાઓની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. મેરેજ લાઇફમાં મેચ્યોરિટીની સૌથી વધુ જરૂર હોય છે. બંને પક્ષે જો પ્રેમ, વફાદારી, જવાબદારી અને એકબીજાની કદર હોય તો વાંધો આવતો નથી. અપેક્ષાઓ અભાવ સર્જે છે અને સરવાળે સંબંધો શોષાઇ જાય છે. જોઇને આંખો ઠરે અને વાત સાંભળીને ટાઢક વળે એવાં કપલ ધીમે ધીમે દુર્લભ થઇ રહ્યાં છે એ આજના સમયની સૌથી મોટી કરુણતા છે.


—————-

પેશ-એ-ખિદમત
અબ તો હર બાત પે હંસને કી તરહ હંસતા હૂં,
ઐસા લગતા હૈ મેરા દિલ કભી ટૂટા હી નહીં,
મુઝસે મિલતી હી નહીં હૈ કભી મિલને કી તરહ,
ઝિંદગી સે મેરા જૈસે કોઇ રિશ્તા હી નહીં.
– સુલ્તાન અખ્તર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 સપ્ટેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *