હું તો પહેલેથી કહું છું,
બધું અહીંનું અહીં છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એકલા ટોચ પર શું કરશો યાર?
એક બે જણને પણ ઉપર લાવો,
આપણા જેવું કોઇ છે જ નહીં.
એમ લાગે તો કેંક બદલાવો.
– ગૌરાંગ ઠાકર
શું કરવું અને શું ન કરવું એના વિશે દરેકના પોતાના ખયાલો હોય છે. સારું અને ખરાબ, યોગ્ય અને અયોગ્ય, વાજબી અને ગેરવાજબી, કાયદેસર અને ગેરકાયદેસર, કરવા જેવું અને ન કરવા જેવું, ગમતું અને અણગમતું એવી કેટેગરી માણસ પોતાની રીતે પાડતો હોય છે. ઘણા લોકો એવા હોય છે જેને સારા નરસાથી કોઇ ફેર પડતો નથી. ખોટું કરતા તેનું રુંવાડુંયે ફરકતું નથી. ઊલટું તેઓ એવું કહેતા હોય છે કે, આમ જ ચાલે. સીધી રીતે રહેવામાં કોઇ માલ નથી. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહિએ એવો ડાયલોગ ફટકારીને એવું પણ કહેતા હોય છે કે, આપણે ઝૂકવાવાળા નહીં પણ ઝુકાવવાવાળા છીએ. મોટી મોટી વાતો કરનારા પણ જ્યારે ફસાય છે ત્યારે તેને ભાન થાય છે કે, આપણાથી ખોટું થઇ ગયું. ક્રાઇમ કરનારા ઘણાયે પેટ ભરીને પસ્તાતા હોય છે. હવે પહેલાં જેવું નથી રહ્યું એવી વાતો ભલે થતી હોય, પણ સારા માણસોની આજેય કમી નથી. ખરાબ માણસો, બદમાશો અને રાક્ષસો તો સતયુગમાં પણ ક્યાં નહોતા? કોઇ સારા માણસની વાત સાંભળીએ ત્યારે લોકો એવું કહેતા હોય છે કે, આવા લોકોથી જ દુનિયા ટકેલી છે!
એક સાવ સાચો કિસ્સો છે. નાના ગામડામાં એક કપલ રહેતું હતું. તેને એક દીકરી હતી. દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ગામડામાં ભણવાની વધુ સગવડ નહોતી. વધુ ભણવું હોય તો શહેરમાં જવું પડે એમ હતું. શહેરમાં કોઇ સગુંવહાલું નહોતું. દીકરીને શહેરમાં ભણવા મોકલવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. આખરે પેઇંગ ગેસ્ટ તરીકે રાખીને દીકરીને ભણવા મોકલી. જ્યાં આ છોકરી રહેતી હતી તેની બાજુમાં જ એક કપલ રહેતું હતું. એ કપલને ખબર હતી કે, બાજુમાં પેઇંગ ગેસ્ટ તરીકે જે છોકરીઓ રહે છે તે મા-બાપથી દૂર એકલી રહીને ભણે છે. એ કપલ બધી છોકરીઓનું ધ્યાન રાખતું. કોઇને કંઇ જરૂર હોય તો તરત જ તેની મદદે દોડી જતું. ગામડાની એ છોકરી સાથે તો કપલને જબરી માયા લાગી ગઇ હતી. જાણે પોતાની જ દીકરી હોય એવી રીતે જ એ છોકરીનું ધ્યાન રાખતાં હતાં. દીકરીનાં મા-બાપે એક વખત એ કપલને કહ્યું કે, ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતો નથી એટલે એ તમારા જેવા ફરિશ્તાને મોકલી આપે છે. કેટલાક લોકો એવા હોય છે જે કોઇ પણ જાતના સ્વાર્થ વગર બધા માટે જે થાય એ કરી છૂટતા હોય છે. આપણી જિંદગીમાં પણ કેટલાક એવા લોકો આવતા હોય છે જેને આપણે જિંદગીભર ભૂલી શકતા નથી.
એક બીજો સાચો કિસ્સો પણ માણવા જેવો છે. એક છોકરો હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર. મા-બાપ ગરીબ હતાં એટલે દીકરાને વધુ ભણાવી શકે એમ નહોતાં. એક વડીલને આ વાતની ખબર પડી. તેણે કહ્યું કે, દીકરાનો ભણવાનો તમામ ખર્ચ હું આપીશ. તેને જેટલું ભણવું હોય એટલું ભણવા દો. થયું એવું કે એ છોકરો મોટો થઇને ડોક્ટર બન્યો. આખા શહેરમાં તેની નામના થઇ ગઇ. એક વખત એ ડોક્ટર પેલા વડીલ પાસે આવ્યો અને પૂછ્યું, હું તમારા માટે શું કરી શકું? વડીલે કહ્યું, કંઇ નહીં! તારે કંઇ કરવું હોય તો તને મારી જ વાત કરું. યુવાને હા પાડી. એ વડીલે કહ્યું, હું પણ ગરીબ હતો. એક સજ્જને મને મદદ કરી હતી. મેં પણ તારી જેમ જ એને સવાલ કર્યો હતો કે, તમારા માટે શું કરું? તેણે એટલું જ કહ્યું કે, મેં જે તારા માટે કર્યું છે એ તું કોઇના માટે કરજે! હું પણ તને એ જ કહું છું કે, તું પણ કોઇના માટે કંઇક કરજે! સારા કામની એક ચેઇન હોય છે, એ ચેઇન તૂટે નહીં તો ઘણું છે. દુનિયામાં કંઇક ખરાબ કે ખોટું થાય તો બહુ ગાજે છે, સારું હોય એની ચર્ચા બહુ ઓછી થાય છે, એ વાત સાચી પણ સારા કામની એક મહેંક હોય છે એ પ્રસરતી રહે છે.
જે ખોટું કરે છે એને એના હાલ પર છોડી દેવાના. ઘણા લોકો પોએટિક જસ્ટિસ અને કરો એવું ભરો એવી વાત પણ કરતા હોય છે. કોઇ વળી એવું પણ કહે છે કે, ઉપરવાળાને જવાબ આપવો પડશે. એક વ્યક્તિની આ વાત છે. એ કોઇનું પણ કરી નાખે. એને કોઇની દયા પણ ન આવે. બધા લોકો એનાથી ડરે. તેની છાપ જ એવી હતી કે, એ વિચિત્ર માણસ છે, આપણાથી કંઇ બોલાય જાય તો પણ એ ભૂલે એવો નથી. વેર વાળ્યા વગર ન રહે. એક વાર થયું એવું કે તેને એક્સિડન્ટ થયો. એના પગ ભાંગી ગયા. આખી જિંદગી વ્હીલચેર પર કાઢવી પડે એવી સ્થિતિ સર્જાઇ. તેને ઓળખનારા એવી વાતો કરવા લાગ્યા કે, જોયું, હું નહોતો કહેતો કે બધું અહીંનું અહીં છે, ઉપર કંઇ છે જ નહીં. તમારા કર્યાં તમારે અહીં જ ભોગવવાં પડતાં હોય છે. બાય ધ વે, તમે શું માનો છો? ખરેખર પોએટિક જસ્ટિસ જેવું કંઇ છે? બધું અહીંનું અહીં છે? મોટા ભાગના લોકો આવું માનતા હોય છે. આવું માનનારા પોતે ખોટું કરતા નથી, પણ તેને આ વાતને લઇને પણ ઘણી વખત શંકા જાગે છે. કેટલાક લોકો એવા હોય છે જે ખોટું કરવામાં કંઇ બાકી રાખતા હોતા નથી. બધાને ખબર હોય છે કે એ ભાઇ શું કરે છે અને એનાં કરતૂતો કેવાં છે. એનો રોફ, દબદબો અને દાદાગીરી જોઇને ક્યારેક માણસને એવો વિચાર પણ આવી જાય છે કે, બધા કહે છે કે અહીંનું અહીં છે તો પછી આને કેમ કંઇ થતું નથી? દરેક માણસ પોતાનો તર્ક લગાવે છે. એના પાપનો ઘડો ભરાશે એટલે એ પણ ફસાશે. કોઇ વળી એવું પણ કહે છે કે, અમુકના પાપનો ઘડો મોટો હોય છે, એ ભરાતા વાર લાગે છે.
એક યુવાન હતો. એક વખત તે એક સાધુ પાસે ગયો. સાધુને તેણે સવાલ કર્યો કે, દુનિયામાં બદમાશ લોકો વધુ મોજથી રહેતા હોય છે, સારા અને સંસ્કારી લોકો હેરાન થતા હોય છે. આવું કેમ? સંતે કહ્યું કે, તને કોણે કહ્યું કે એ બધા ખુશ અને સુખી છે? આપણને ઘણી વખત જે દેખાતું હોય છે એ સાચું હોતું નથી. બીજી વાત એ પણ છે કે, આપણે શા માટે કોઇની ફિકર કરવી જોઇએ. એનું જે થવું હોય એ થાય. આપણે માત્ર આપણા સુખ, આપણી ખુશી અને આપણને શોભે એવું કરવામાં જ ધ્યાન રાખવું જોઇએ. તમે જે કરો છો એ સારું છે? તમે જે કરો છો એનાથી તમને શાંતિ અને ખુશી મળે છે? તો એ પૂરતું છે. આપણે કોઇ શું કરે છે અથવા તો એ સારું કરે છે કે ખરાબ એના ત્રાજવા લઇને બેસવાની કંઇ જરૂર નથી. જે માણસ બીજાના જ વિચાર કરતો રહે છે એ પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આપણે બીજા પર નજર રાખતા રહીએ છીએ અને એના કારણે ઘણી વખત આપણા પરથી જ નજર હટી જાય છે. આપણે માત્ર એટલું જ નક્કી કરવાનું હોય છે કે, મારે શું કરવું છે? પોતાના રસ્તા પર જેનું ધ્યાન છે એ જ મંજિલ સુધી પહોંચી શકે છે. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. આપણે જો બધાની ચિંતા કરીએ તો આપણે પણ પારકી પંચાત કરનારા લોકોના પ્રકારમાં આવી જઇએ છીએ. આપણો રસ્તો એવો હોવો જોઇએ જે જોઇને કોઇને આપણા જેવા બનવાનું મન થાય. સારા લોકોને જોઇને આપણને પણ એમ થાય છે કે, કેવા સારા અને સજ્જન માણસ છે. આપણે જે કરીએ છીએ તેનાથી સોસાયટીમાં આપણી એક ઇમેજ ઘડાતી હોય છે. લોકો બહુ પારખું હોય છે. એ આપણી દાનત અને ફિતરત જાણી જ જતા હોય છે. આપણે જેવા હોઇએ એવા જ વર્તાઇ આવતા હોઇએ છીએ. આપણે સારા હોઇએ તો કોઇને કહેવાની પણ જરૂર નથી. લોકો જ આપણા વિશે અભિપ્રાય આપશે કે એ સારો, ભલો અને વિશ્વાસપાત્ર માણસ છે! કોનો ભરોસો કરવા જેવો નથી એની પણ બધાને ખબર જ હોય છે! સાચું કે નહીં?
છેલ્લો સીન :
શાંતિ અને સુખ તેના પર જ આધાર રાખે છે કે, આપણા મનમાં શું ચાલી રહ્યું છે. મનમાં જો ઉત્ત્પાત હશે તો જિંદગીમાં ઉકળાટ જ રહેવાનો છે! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 ફેબ્રુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
