તું નાની નાની વાતમાં કેમ ઇરિટેટ થઇ જાય છે? – કૃષ્ણકાંત ઉનડકટ

તું નાની નાની વાતમાં

કેમ ઇરિટેટ થઇ જાય છે?

-કૃષ્ણકાંત ઉનડકટ

જુલ્મ કરતાં હૂં જુલ્મ સહતાં હૂં, મૈં કભી ચેન સે રહા હી નહીં,

તુમ કહાં હો જરા સદા તો દો, ઇસ સે આગે તો રાસ્તા હી નહીં.

-ફૈજી

આપણા બધાના ચહેરા ઉપર એક અજાણ્યો અજંપો અંજાયેલો છે. હસતા દેખાતા ચહેરાઓ ઉપર પણ તીણી નજર માંડીએ તો ઉશ્કેરાટ અને વલોપાતની લકીરો જોવા મળે છે. આપણી અંદર કોઇ યુદ્ધ ચાલતું રહે છે. જિંદગી જાણે હાંફી રહી છે. ક્યારેક વિચાર આવી જાય છે કે, આખરે મારે શું જોઇએ છે? શેના માટે આ બધો ઉત્ત્પાત છે? હું જે કરું છું એ બરાબર કરું છું? સવારથી સાંજ સુધી ઉકળાટનો જ અનુભવ કેમ થાય છે? ક્યારેક થોડીક મજા આવે તો પણ ડર લાગવા માંડે છે. ઉચાટ અને ઉદાસીની જાણે આદત પડી ગઇ છે. ક્યારેક એવું લાગે છે કે, જાણે બધું જ આડાપાટે ચડી ગયું છે. રોજેરોજ બધું સરખું કરવા મથું છું એમ વધુને વધુ ગૂંચવાતું જાય છે. મારા નસીબમાં સુખ અને શાંતિ છે જ નહીં? ખબર નહીં આ બધા ઝંઝાવાતનો ક્યારે અંત આવશે? દરેકની જિંદગીમાં એક એવો તબક્કો આવતા હોય છે જ્યારે નિરાશા આપણને ઘેરી વળે છે. જિંદગીમાં અમુક સમય તો એવો પણ આવતો હોય છે કે, કોઇ પ્રોબ્લેમ ન હોય તો પણ મજા ન આવે! આપણને પોતાને એમ થાય કે, બધું બરાબર છે તો પણ કેમ ક્યાંય મજા નથી આવતી? અંદરને અંદર કેમ મૂંઝારો થાય છે. સતત કંઇક ખૂટતું હોય એવું જ લાગે છે.

એક અજાણી ઝંખના સળવળતી રહે છે. કોઇક હોય જેને બધું કહી શકું. રડવાનું મન થાય તો રડી શકું. ક્યારેક કોઇ કારણ વગર રડવું આવે છે. ક્યાંક ભાગી જવાનું મન થાય છે. બધાથી દૂર. સાવ એકલા. એક યુવાનની આ વાત છે. એ દરવખતે કોઇને કંઇ કહ્યા વગર ફરવા ચાલ્યો જાય. બે-ચાર દિવસમાં પાછો આવી જાય. એક છોકરી તેની ખાસ દોસ્ત હતી. તેને અને પોતાની સાથે લાગતું વળગતું હોય એને એ યુવાન મેસેજ કરી દેતો કે, ત્રણ દિવસ મારો ફોન બંધ હશે એટલે સંપર્ક કરવાનો પ્રયાસ કરવો નહીં. એક વખત તેની ફ્રેન્ડે પૂછ્યું કે, આખરે તું જાય છે ક્યાં? યુવાને કહ્યું કે, હું એવી જગ્યાએ ચાલ્યો જાવ છું જ્યાં મને કોઇ જ ઓળખતું ન હોય. હું કોણ છું એની કોઇને ખબર ન હોય અને એનાથી કોઇને ફેર પણ પડતો ન હોય. તું કોઇ જાતની આઇડેન્ટિટી વગર ક્યારેય જીવી છે? માત્ર એક માણસ તરીકે? નામ, કામ, હોદ્દા કે બીજા કોઇ ભાર વગર જીવવાની મજા તેં માણી છે? આપણી આસપાસનું બધું જ ભૂલીને પોતાની જાત સાથે સંવાદ સાધવાનો પ્રયાસ ક્યારેક કરવા જેવો હોય છે. જિંદગીના બધા જ બેગેજ બાજુએ મૂકીને જીવવાનું શીખવા હું એકલો ફરવા જાવ છું. આ દરમિયાન બીજા વિશેની નારાજગી, ફરિયાદો, ગુસ્સો અને બીજું જે કંઇ પણ મારી અંદર ઘર કરી ગયું હોય એ બધું ઠાલવી દેવાનો પ્રયાસ કરું છું. મન થાય ત્યારે રડી લઉં છું. પોતાની જાત સાથે સતત લડી લેવા કરતા પોતાની જાત સાથે રડી લેવું મને વધારે સકૂન આપે છે. આપણે બધા આપણી આજુબાજુમાં બહુ બધું ખડકી દઇએ છીએ. અપેક્ષાઓ, ઇચ્છાઓ, ઇગો, આધિપત્ય અને એવો ઘણો બધો પથારો પાથરી દઇએ છીએ. આપણે બધું આપણા કાબુમાં કરવું હોય છે. બધું કાબુમાં કરવાની લ્હાયમાં આપણા ઉપર જ આપણો કંટ્રોલ રહેતો નથી. દૂર જઇને અને સાવ એકલો રહીને હું મારા ઉપર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરું છું. આ પ્રયાસ છે મુક્ત થવાનો, હળવા થવાનો, જિંદગીની નજીક જવાનો અને જિંદગીને જીવવાનો.

આપણે બધું જ શીખીએ છીએ, બસ જિંદગી જીવવાનું શીખતા નથી. જિંદગી જીવતા શીખવાડે એવા કોઇ ક્લાસ નથી હોતા. કાશ એવો કોઇ અભ્યાસ હોત જે જિંદગી જીવતા શીખવાડે. માનો કે આવો અભ્યાસ હોત તો પણ કેટલા લોકો પાસ થાત એ સવાલ છે! આપણે બધા બહારની બહુ ચિંતા કરીએ છીએ. બહારથી બધું ખૂબ શણગારીએ છીએ. આપણી અંદર બધું વેરવિખેર છે એની તો આપણને પરવા જ હોતી નથી. આપણે ક્યારેય ચેક કરીએ છીએ કે આપણી અંદર બધું બરોબર છેને? મન ક્યાંય ભટકતું તો નથીને? મગજ વાત વાતમાં છટકતું તો નથીને? સંવેદનાઓ જરાયે ખટકતી તો નથીને? સંબંધો ક્યાંક સરકતા તો નથીને? બધું જ્યાં હોવું જોઇએ ત્યાં જ છેને? જો બધું રાઇટ પ્લેસ પર હશે તો રોંગ ઇફેક્ટ નહીં થાય. બહારનું પણ બેલેન્સ તો જ જળવાશે જો અંદર બધું બેલેન્સ્ડ હશે. પોતાના ઉપર જેનો કાબુ નથી એનું બધું જ બેકાબુ રહે છે.

એક યુવતીની આ વાત છે. નાની નાની વાતમાં એનો મગજ છટકી જતો. ઘરમાં સાસુ કંઇ પણ કરે કે કહે એમાં એને વાંધો પડતો. કામવાળા સાથે માથાકૂટો થતી. એકના એક દીકરા ઉપર પણ એ રાડો પાડતી રહેતી. એક સમયે એનામાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. એ એકદમ શાંત થઇ ગઇ. તેનામાં પરિવર્તન જોઇને તેની ફ્રેન્ડે કહ્યું કે, તું બહુ ચેન્જ લાગે છે, તારામાં આવેલા બદલાવનું કારણ કહીશ? એ યુવતીએ કહ્યું કે, મારો હસબન્ડ ઓફિસેથી આવે એ પછી હું તેના મોઢે બધાની ફરિયાદો જ કરતી. તમારી માએ આમ કર્યું, દીકરો સખણો રહેતો નથી, કામવાળા સમયસર આવતા નથી, સરખું કામેય કરતા નથી, આજે આણે મને આમ કહ્યું અને તેણે તેમ કહ્યું. પતિ કંઇક કહેવા જાય તો એના ઉપર પણ તાડૂકે. તને પણ મારી વાત સાંભળવામાં રસ નથી. તને ન કહું તો કોને કહું? તારા સિવાય મારી પાસે બીજું કોઇ છે? મારા પતિએ કહ્યું, તારી પાસે મારા સિવાય પણ કોઇ છે, એ છે તું પોતે! મને એક વાતનો જવાબ આપીશ, તું નાની નાની વાતમાં ઇરિટેટ કેમ થઇ જાય છે? તને બધા સામે કોઇને કોઇ વાંધો છે. તું ખરાબ ન લગાડે તો કહું કે, તને સૌથી મોટો વાંધો તો તારા સાથે જ છે. બીજાની વાતનો ગુસ્સો તું ઇરિટેટ થઇને તારા પર જ ઉતારે છે. તને ચેન જ નથી. તું કહે છે કે, મને કોઇ ચેન લેવા દેતું નથી. બધા મારા દુશ્મનો જ છે. તું પહેલા તારી દોસ્ત બની જા પછી તને કોઇ દુશ્મન નહીં લાગે. તું ચેનથી રહે તો તને જરાયે એવું નહીં લાગે કે કોઇ તને ચેનથી રહેવા દેતું નથી. તું બીજાને નહીં બદલી શકે. તું ધારીશ તો તારી જાતને બદલી શકીશ. તું જ નહીં બદલે તો બીજું બધું બદલી જશે તો પણ તને કોઇ ફેર નહીં પડે. એક વખત નક્કી તો કરી જો કે, મારે કોઇ વાતથી ડિસ્ટર્બ નથી થવું, કોઇની સામે ફરિયાદો નથી કરવી, કોઇની સામે આક્ષેપો નથી કરવા, કોઇને ખરાબ નથી ચિતરવા. એ સમયથી મેં બીજાને સુધારવા કરતા જાતને સુધારવાનું શરું કર્યું.

જો બધા સાથે વાંધો પડતો હોય તો સમજવું કે પ્રોબ્લેમ ક્યાંય આપણામાં છે. આપણા લોકો તો ઘણી વખત આપણને પ્રેમથી, શાંતિથી, સુખેથી અને સારી રીતે રાખવા માંગતા હોય છે, આપણે જ એ લોકોને તક કે મોકો નથી આપતા. બધાને જિંદગી સરસ રીતે જીવવી છે પણ સરસ રીતે જીવવા માટે જે કરવું જોઇએ એ કરવું નથી. જતું કરી દો, ભૂલી જાવ, માફ કરી દો, ખંખેરી નાખો, બહારની બહુ ચિંતા ન કરો, બધું પકડી ન રાખો. બધું પકડી રાખવાનો પ્રયાસ જે કરે છે એના હાથમાં સરવાળે કંઇ રહેતું નથી. આપણી જિંદગીમાં જે ખાલીપો હોય છે એ મોટા ભાગે આપણે આપણા હાથે જ ખાલી કર્યો હોય છે. જે અવકાશ હોય એને હટાવી દો તો શૂન્યાવકાશ જ સર્જાય. અંદરથી છલોછલ હશો તો જ તરબતર રહી શકશો.  

છેલ્લો સીન :

જે માણસને પોતાને સુખી અને શાંત નથી થવું એને ભગવાન પણ સુખી કરી શકે નહીં. કોઇ આપણું સુખ બેવડાવી શકે પણ સુખ હોય તો બેવડાશેને? અંતે તો આપણી અંદર જે હશે એની જ અનુભૂતી આપણને થવાની છે.                –કેયુ.

 ( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 17 ઓકટોબર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું નાની નાની વાતમાં કેમ ઇરિટેટ થઇ જાય છે? – કૃષ્ણકાંત ઉનડકટ

    1. Manas no swabhav samaye samaye badlato j hoy che. Iccaha hoy ane prayas kariye to swabhav chokkas badli sake.

Leave a Reply

%d bloggers like this: