માણસ કાયમ જલસા કરી શકે નહીં,
કામ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
બધાને મજામાં રહેવું હોય છે, જલસા કરવા હોય છે. અલબત્ત,
એક અભ્યાસ એવું કહે છે કે, માણસ કામ વગર રહી ન શકે.
મજાની મજા તો જ આવે છે જો માણસ કામ કરતો હોય.
સતત મજા પણ કોઇ ખમી શકતું નથી!
———–
માણસ જે કંઇ કરે છે એનો અલ્ટિમેટ ગોલ સુખ અને શાંતિ હોય છે. દરેક માણસ સતત કંઇક ને કંઇ કરતો રહે છે. કેટલાક લોકો તો એટલા બધા બિઝી હોય છે જેમને પોતાના માટે કે પોતાના લોકો માટે પણ સમય મળતો નથી. રજા આવે ત્યારે હાશ થાય છે. રજામાં પણ મજા જ હોય એવું બિલકુલ જરૂરી નથી. આખું વીક ખૂબ જ કામ રહેતું હોય ત્યારે ઘણા લોકો ઘરનું કે પર્સનલ કામ હોય એના માટે એવું વિચારે છે કે, સન્ડેના કરીશું. કામોના લિસ્ટના કારણે રવિવાર ઘણી વખત રિલેક્સ થવાને બદલે થાકી જવાય એટલો ટાઇટ થઇ જાય છે. સામાજિક જવાબદારીઓ પણ નિભાવવી પડે છે. ક્યારેક તો એવો વિચાર આવી જાય છે કે, આ રજામાં આખો દિવસ કંઇ જ કરવું નથી. પડ્યા જ રહેવું છે. માણસને પણ શાંતિ જોઇએ કે નહીં? આટલું બધું કામ તે કંઇ હોતું હશે? પારિવારિક પ્રસંગોમાં જવાનો પણ ક્યારેક કંટાળો આવે છે.
કામ અને કરિયર વિશે દરેક માણસની પોતાની ફિલોસોફી હોય છે. કઇ ઉંમર સુધી કામ કરવું અને કેટલું કામ કરવું એ વિશે પણ લોકો પોતાની રીતે વિચારતા હોય છે. તમે પણ કેટલાયના મોઢે એવું સાંભળ્યું હશે કે, આપણે તો પચાસ વર્ષ થાય એટલે બધું છોડી દેવું છે. પ્લાનિંગ જ એવું કરવું છે કે, પચાસ વર્ષ પછી કમાવવાની કંઇ ચિંતા ન રહે. આખી જિંદગી કંઇ ઢસરડા થોડા કરવાના છે? સામા પક્ષે કેટલાક લોકો એવું પણ વિચારતા હોય છે કે, આપણે તો જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કામ કરવું છે. જેને કામ કરવાની મજા આવે છે એ લોકો કામથી કંટાળતા નથી. કામ અને આરામ વિશે હમણાં એક ખૂબ જ રસપ્રદ અભ્યાસ થયો છે. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, કામ છે તો આરામની મજા છે. જો આરામ જ હોય તો એક તબક્કે આરામથી પણ કંટાળો આવવા લાગે છે. માણસ સરવાળે કામ વગર રહી શકતો નથી.
આ અભ્યાસમાં કેટલાક કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે. અમેરિકાનો એક કિસ્સો જાણવા જેવો છે. એક યુવાન હતો. તેણે આઇટીનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપ જબરદસ્ત ક્લિક થઇ ગયું. આઇટી ક્ષેત્રની એક જાયન્ટ કંપનીએ તેનું સ્ટાર્ટઅપ ખરીદવા માટે ઓફર કરી. એ યુવાને કિંમત પૂછી. આઇટી કંપનીએ જે રકમ ઓફર કરી એ સાંભળીને યુવાનની આંખો પહોળી થઇ ગઇ. તેને થયું કે, આટલી રકમ તો કદાચ હું આખી જિંદગી કામ કરતો રહીશ તો પણ નહીં કમાઇ શકું. તેણે ઓફર સ્વીકારી લીધી. સ્ટાર્ટઅપ વેચી દીધું. યુવાનને એટલી રકમ મળી કે આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે. એ યુવાને નક્કી કર્યું કે, એક સુંદર મજાના બીચ પર એક વિલા ખરીદવો અને ત્યાં આખી જિંદગી મોજથી રહેવું. એ યુવાન પાર્ટીનો શોખીન હતો. નાણાંની કોઇ કમી નહોતી એટલે તેણે પોતાની ઇચ્છા મુજબ બીચ પર વિલા ખરીદ્યો અને મનગમતી સજાવટ કરી. તે રોજ પાર્ટી કરતો. ક્લબ અને બારમાં જઇને મોજ કરતો હતો. થોડાક દિવસ તો તેને બહુ મજા આવી, પણ ધીમે ધીમે એ પાર્ટીઓથી કંટાળવા લાગ્યો. ધીમે ધીમે તેને રીતસરનું ડિપ્રેશન આવવા લાગ્યું. આખો દિવસ કરવું શું? પાર્ટી કરી કરીને કેટલી કરવી? દરેક માણસને એવો અનુભવ થયો જ હોય છે કે, બહાર ફરવા જાય ત્યારે મજા આવે. જો ટૂર લાંબી હોય તો એમ થાય કે, હવે તો જલદી ઘરે જવું છે અને કામે ચડવું છે. એ યુવાને સાઇકોલોજિસ્ટની મદદ લેવી પડી. સાઇકોલોજિસ્ટે તેને એક જ સલાહ આપી કે, પાછું કામ શરૂ કરી દો. તમને ગમે એ કરો, પણ કંઇક પ્રોડક્ટિવ કામ કરો. એમાં જ તમારું ભલું છે. બધું હોય તો પણ આખી જિંદગી જલસા થઇ શકે નહીં.
જિંદગી માત્ર નાણાં માટે નથી. એ વાતથી કોઇ ઇન્કાર ન થઇ શકે કે, સારી રીતે જીવવા માટે નાણાં જરૂરી છે. નાણાંની જેટલી જરૂર છે એટલી જ જરૂર કામની પણ છે. દુનિયામાં એવા કેટલાયે કરોડપતિઓ અને અબજોપતિઓ છે જેની પાસે એટલી સંપત્તિ છે કે, એની સાત પેઢી કોઇ કામ ન કરે તો પણ ન ખૂટે. એ લોકો પણ ચોવીસેય કલાક બિઝી રહેવાય એટલું કામ કરતા હોય છે. કામ માણસને માત્ર આવક નથી આપતું, ઓળખ પણ આપે છે. લોકોની એવી પણ ઇચ્છા હોય છે કે, લોકો મને ઓળખે, મને આદર આપે, મારા કામને એપ્રિસિએટ કરે, સમાજમાં મારું સ્થાન હોય. આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે, માણસ પાસે નાણાં થઇ જાય પછી એને પોતાની ઓળખ બનાવવાનો મોહ જાગે છે. પોતાની ઇમેજ માટે એ નાણાં ખર્ચવા પણ તૈયાર હોય છે. કહેવાનો મતલબ એ છે કે, માત્ર નાણાં માણસને સુખ આપતાં નથી.
માણસને પૈસો નહીં પણ પર્પઝ ધબકતા રાખે છે. તમારી જિંદગીનું ધ્યેય શું છે? આપણે ઘણી વખત એવું કહીએ કે સાંભળીએ છીએ કે, મારે તો જવાબદારી છે એટલે કામ કરવું પડે છે. જવાબદારી જ કામનું અને જિંદગીનું પ્રેરકબળ છે. જવાબદારી જ ન હોય તો કરવાનું શું? પરિવારની જવાબદારી ભલે ક્યારેક અઘરી લાગે, પણ એ માણસને કામ કરતી રાખે છે. જે લોકો તમામ જવાબદારીમાંથી પરવારી ગયા હોય એની જિંદગી જોઇ જજો, એને એવું લાગશે કે હવે તો કંઇ કરવાનું બાકી જ રહ્યું નથી. છેલ્લી જવાબદારી જ્યારે પૂરી થાય ત્યારે થોડો સમય સારું લાગે છે, પણ પછી કંટાળો આવવા માંડે છે.
કામનો એક બીજો પણ ફાયદો છે. આપણે નોકરી કે બિઝનેસ કરતા હોઇએ ત્યારે અનેક લોકોના સંપર્કમાં હોઇએ છીએ. અનેક લોકોને રોજેરોજ મળવાનું થતું હોય છે. પ્રસંગોએ એકબીજાને શુભકામનાઓ પાઠવીએ છીએ. કામમાંથી મુક્ત થઇ જઇએ પછી માણસ ધીમે ધીમે બીજા લોકોથી કટઓફ્ફ થઇ જાય છે. માણસ બધા વગર રહી શકે છે, પણ માણસ માણસ વગર રહી શકતો નથી. અમેરિકામાં થયેલો એક અભ્યાસ પણ આ વાત પર પ્રકાશ પાડે છે. એક પ્રયોગ માટે એક યુવાનને પસંદ કરવામાં આવ્યો હતો. તેને એવી ઓફર કરવામાં આવી હતી કે, તારે એક મકાનમાં રહેવાનું છે. આ મકાનમાં દુનિયાભરની તમામ સુવિધા હશે. જે જોઇતું હોય એ બધું જ તને મળી જશે. તારે એક જ શરતનું પાલન કરવાનું છે. કોઇને મળવાનું નથી, કોઇ સાથે વાત કરવાની નથી કે કોઇના સંપર્કમાં રહેવાનું નથી. એ યુવાન તૈયાર થઇ ગયો. મકાન ખૂબ સુંદર હતું, પણ એવી જગ્યાએ હતું જ્યાં કોઇ માણસ જ નજરે ન પડે. બધી સગવડવાળા ઘરમા પહેલાં તો તેને સારું લાગ્યું, પણ ધીમે ધીમે કંટાળો આવવા લાગ્યો. થોડા દિવસમાં એવી સ્થિતિ થઇ કે, એ યુવાન રાડો પાડવા લાગ્યો. મારે અહીં નથી રહેવું. મને છોડાવો. મારી ભૂલ થઇ ગઇ કે મેં આવું કરવાની હા પાડી. આ પ્રયોગ એ જ સાબિત કરવા માટે હતો કે, ગમે એટલી સંપત્તિ કે સુવિધા હોય, માણસને માણસ વગર ચાલતું નથી. કામ કરવાનું બંધ થાય એટલે લોકોનો સંપર્ક કપાતો જાય છે. આપણે ઘણાના મોઢે એવું સાંભળીએ છીએ કે, કામ હતું ત્યારે લોકો પાછળ પાછળ ફરતા હતા, હવે કોઇ યાદ પણ નથી કરતું.
દરેક માણસ એવું પણ ઇચ્છતો હોય છે કે, લોકોને મારું કામ પડે. લોકો મારી પાસે આવે. મને કામ માટે રિક્વેસ્ટ કરે. હું કામ કરી દઉં એટલે મારો આભાર માને. જો કામ જ ન હોય તો આવું કંઇ જ થવાનું નથી. એક તબક્કે તો વાત કરવા કે ક્યાંક જવા માટે કંપની શોધવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. દુનિયાના કેટલાક નિયમો છે. તમે કંઇક હોવ તો લોકો તમને બોલાવે છે. જેમ જેમ સમય જાય છે એમ એમ સ્થિતિ બદલી રહી છે. હવે કોઇની પાસે કોઇના માટે સમય નથી. સમય એના માટે જ છે જે કામના છે. તમારી પાસે માત્ર સંપત્તિ હોય એટલું પૂરતું નથી, તમારી પાસે કામ હોય તો તમે નસીબદાર છો. કામ છે તો નામ છે અને નામ છે તો જ જીવવાની મજા છે. કામથી ક્યારેક કંટાળો આવે એ સ્વાભાવિક છે, પણ છેલ્લે તો એ કામ જ માણસનું વજૂદ નક્કી કરે છે અને જિંદગીને જીવવા જેવી બનાવે છે.
—————-
પેશ-એ-ખિદમત
ફિર તેરા ઇંતઝાર દેખેંગે,
દિલ કો ફિર બે-કરાર દેખેંગે,
ચાહતોં કે કવચ પહન લેંગે,
ફિર જમાને કે વાર દેખેંગે.
– નીના સહર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 સપ્ટેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
