પ્રેમ નહીં, નફરત કરનારાને
માણસ વધુ યાદ રાખે છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
—–0—–
માણસની ગજબની ફિતરત હોય છે. આપણને બધાને જે હોય છે એની કદર હોતી નથી
અને જે નથી હોતું એની પાછળ આપણે સહુ દોડતા રહીએ છીએ.
હમણા થયેલો એક સર્વે એવું કહે છે કે, માણસ પોતાને જે પ્રેમ કરે છે એને નહીં પણ
જે નફરત કરે છે, જેણે દગો કર્યો છે, જેણે બેવફાઇ કરી છે કે જેણે હર્ટ કર્યા છે
એને વધુ યાદ રાખે છે!
જરાક વિચારજો, ક્યાંક તમે તો એવું નથી કરતાંને?
—–0—–
માણસને જિંદગીમાં શું જોઇતું હોય છે? એનો સાવ સીધો અને સરળ જવાબ છે, સુખ અને શાંતિ. આપણા આખા દિવસની પળોજણ છેલ્લે તો આ બે વસ્તુની આસપાસ જ ફરતી રહે છે. જિંદગી વિશે એટલે જ એવું કહેવાતું રહ્યું છે કે, સુખ અને શાંતિની સતત ચાલતી શોધ એટલે જિંદગી. સૌથી મોટો સવાલ એ છે કે, સુખ અને શાંતિ આખરે મળે કેવી રીતે? સુખ અને શાંતિ માટે જિંદગીમાં માણસ શું પસંદ કરે છે અને કેવું વિચારે છે એના પર ઘણો મોટો આધાર રહે છે. ઘણા ફિલોસોફરોનું કહેવું એવું છે કે, સુખ અને શાંતિ તો હાજરાહજૂર જ હોય છે. માણસ એની પરવા જ નથી કરતો. મોટા ભાગે માણસ હાથે કરીને દુ:ખ અને અશાંતિ પેદા કરે છે. માણસ અત્યારે ઘડીકમાં છંછેડાઇ જાય છે, એટલે એને દુ:ખી કરવો બહુ આસાન થઇ ગયો છે. તમે કોઇને જરાક અમથું કંઇક કહો, થોડાક ઊંચા સ્વરમાં વાત કરો કે બે-ચાર નબળા બોલ બોલો એટલે સામેવાળા માણસનું મગજ તરત જ છટકી જાય છે. દરેક માણસ પોઝિટિવિટીની વાતો કરતો રહે છે પણ પોતે સતત નેગેટિવિટી તરફ જ ખેંચાતો રહે છે. કોઇ વખાણના સો શબ્દો બોલશે તો એ યાદ નહીં રાખે પણ કોઇ એક ખરાબ શબ્દ બોલી ગયો તો એને આખી જિંદગી નહીં ભૂલે!
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે એ ખબર છે? જે યાદ રાખવા જેવું હોય છે એ યાદ રાખતો નથી અને જે ન યાદ રાખવાનું હોય એ સતત યાદ કર્યા રાખે છે. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, જે ભૂલવા જેવું હોય એ ભૂલતો નથી અને ન ભૂલવા જેવું એને યાદ રહેતું નથી. હમણા થયેલો એક સર્વે એવું કહે છે કે, માણસ પોતાને હેરાન કરનારને વધુ યાદ રાખે છે અને જે પ્રેમ કરે છે તેને લાઇટલી લે છે. દુશ્મનો ઘડીકમાં ભૂલાતા નથી અને દોસ્તોને આપણે બહુ યાદ કરતા નથી.
આ વાતને સમર્થન આપે એવી એક સાચી ઘટનાની વાત કંઇક આવી છે. એક છોકરીને બે બહેનપણી હતી. બેમાંથી એક ફ્રેન્ડે તેની સાથે ચીટિંગ કર્યું. આ વાતથી છોકરીને બહુ આઘાત લાગ્યો અને અતિશય ગુસ્સો પણ આવ્યો. તેણે નક્કી કર્યું કે, એ હાથમાં આવે એટલે એને જોઇ લેવાની છું. એ સતત એના વિચારો અને એની જ વાતો કરતી હતી. એક વખત તેની બીજી ફ્રેન્ડે કહ્યું, એ તને બનાવીને ચાલી ગઇ એ પછી પણ તું સતત એને જ પકડીને બેઠી છે. હું તારી સાથે છું, તારી સામે છું, તારા પ્રત્યે આટલી લાગણી છે, તારું આટલું ધ્યાન રાખું છું એની તને જરાયે કદર નથી! જાણે અજાણે આપણે બધા આવું કરતા હોઇએ છીએ. આપણા મગજમાં આપણા દુશ્મનો, હરીફો કે વિરોધીઓ જ ઘૂમતા હોય છે. આપણી નજીક હોય એની આપણને કેટલી પરવા હોય છે?
મનોચિકિત્સકો એવું કહે છે કે, આમાં જો થોડુંક જ પરિવર્તન કરી દો તો સુખ હાથવગું લાગે છે. જે ગયા એ ગયા, જે છે એને સાચવી રાખો. આપણી લાઇફમાં અમુક લોકો પરેશાનીઓ પેદા કરવા માટે જ આવતા હોય છે. તમે માર્ક કરજો, અમુક લોકોથી આપણે એટલા ત્રાસી જઇએ છીએ કે, આપણને એવું થાય છે કે આ મને ક્યાં ભટકાઇ ગયો અથવા તો ક્યાં ભટકાઇ ગઇ? ક્યારેક તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે, આપણે અમુક લોકો સાથે નથી રહી શકતા કે નથી તેનાથી મુક્તિ મેળવી શકતા! આપણને સમજ નથી પડતી કે, હવે આનાથી છૂટકારો કેવી રીતે મેળવવો? છૂટકારો મેળવવાનો એક રસ્તો એ છે કે, એના વિશે વિચારવાનું બંધ કરી દો. એને મગજમાંથી ખસેડી દો. તેને બદલે જે ગમે છે, જે વ્હાલું છે, જે સારું છે, જેને તમારી ચિંતા છે અને જે તમને પ્રેમ કરે છે એના વિશે વિચારો. આપણી લાઇફમાં બે પ્રકારના લોકો હોય છે, એક જે આપણું સારું ઇચ્છે છે અને બીજા જે આપણી ઇર્ષા કરતા રહે છે અને મેળ પડે તો ટાંટિયા ખેંચવાના પ્રયાસો પણ કરે છે.
દુનિયાને આપણે બદલી નથી શકવાના. કોઇને બદલવાનો પ્રયાસ જ ન કરવો જોઇએ. એવું કરીને પણ આપણે આપણી શક્તિ જ વેડફતા હોઇએ છીએ. તમારે કંઇ બદલાલ જોવો છે તો તમે બદલી જાવ. આપણામાં જો પરિવર્તન લાવીએ તો બધું જ આપોઆપ બદલી જશે. દુનિયામાં નેગેટિવિટીની કમી નથી. માણસોની વાતો ઉપર નજર નાખજો, એમાં કેટલી બધી વાતો બીજાની હોય છે? કોણે શું કર્યું? કોણે શું કરવું જોઇએ? એમાંથી જ માણસ નવરો નથી પડતો. આપણે બસ એ જ વિચારવાનું હોય છે કે, મારે શું કરવું છે? મારે શું કરવું જોઇએ?
આપણી જિંદગીમાં દરેક પ્રકારના લોકો આવવાના છે. એમાંથી આપણે કોને યાદ રાખીએ છીએ અને કોને ભૂલી જઇએ છીએ એના ઉપર આપણા સુખ અને આપણી શાંતિનો આધાર રહે છે. આપણી તકલીફ એ જ હોય છે કે, આપણું બૂરું કર્યું હોય એને જ આપણે યાદ રાખીએ છીએ. એ લોકો એક તો આપણને હેરાન કરીને ચાલ્યા ગયા હોય છે અને ઉપરથી આપણે એને યાદ કરીને વધુ દુ:ખી થતા રહીએ છીએ. અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે. આપણે સોશિયલ મીડિયામાં શું જોઇએ કે વાંચીએ છીએ? આપણને શેમાં રસ પડે છે? આપણે એ પણ ચેક કરતા રહેવું જોઇએ કે, હું જે કરું છું એની મારા પર શું અસર થાય છે? જેની સાથે આપણે કંઇ લેવાદેવા ન હોય, જેનાથી આપણી જિંદગીમાં કંઇ ફેર પડતો ન હોય, એવા બધામાં પડીને આપણે આપણો મગજ બગાડતા હોઇએ છીએ.
દુનિયામાં બધું ખરાબ જ છે એવું બિલકુલ નથી. સારા લોકો છે જ. જે સારા છે એના પ્રત્યે આપણો નજરિયો કેવો છે એ મહત્ત્વનું છે. આપણે પારકા લોકોને વધુ ઇમ્પોર્ટન્સ આપતા હોઇએ છીએ. આપણે આપણા લોકોને કેટલું મહત્ત્વ આપીએ છીએ? જિંદગીને સારી રીતે જીવવા માટે બહુ ઓછા લોકોની જરૂર પડતી હોય છે. આપણે માત્ર પસંદગીમાં ધ્યાન રાખવાનું હોય છે. અમુક લોકો આપણા સુખનું કારણ હોય છે અને કેટલાંક લોકો આપણા દુ:ખ માટે જવાબદાર હોય છે. જે લોકો પીડા, વેદના, ઉદાસી, નારાજગી, ગુસ્સો અને નકારાત્મકા સર્જતા હોય એને હળવેકથી દૂર કરી દો. દૂર કરીને એનાથી સંપૂર્ણપણે મુક્ત થઇ જાવ. આપણે તો કોઇ દૂર ચાલ્યું જાય પછી પણ એને મગજમાંથી કાઢતા નથી. માણસ ધારે તો સુખી થવું કે ખુશ રહેવું એ બહુ અઘરું નથી. કરૂણતા એ છે કે જે સહેલું છે એ જ આપણને આસાનીથી સમજાતું નથી. છેલ્લે, ફરીથી એ જ વાત, જરાક વિચાર કરી જોજો કે, હું કોને વધારે યાદ કરું છું? સાથોસાથ એ પણ વિચારજો કે, મારે કોને યાદ રાખવા જોઇએ. આપણી જિંદગીમાં આપણને પ્રેમ કરનારા હોય જ છે, જરાક આજુબાજુમાં નજર કરજો, મળી જ આવશે. પોતાના લોકો પર નજર માંડવા માટે પરેશાન કરનારાઓ ઉપરથી નજર હટાવવી પડશે. માણસ પ્રેમ અને નફરત એક સાથે ન કરી શકે. માણસ કાં તો પ્રેમ કરી શકે અને કાં તો નફરત કરી શકે. એક વાત યાદ રાખવા જેવી છે કે, નક્કામા લોકોને નફરત કરવામાં જેટલો સમય વેડફીએ છીએ, આપણા લોકોને પ્રેમ કરવાનો એટલો સમય આપણે ગુમાવતા હોઇએ છીએ!
હા, એવું છે!
સપના વિષે થયેલા એક અભ્યાસમાં જબરી વાત બહાર આવી છે. માણસને જે સપના આવે છે એમાં ખરાબ સપનાઓનું પ્રમાણ સારા સપનાઓ કરતા ઘણું બધું હોય છે! મતલબ કે, આપણને ખરાબ સપનાઓ જ વધારે આવે છે! સપનામાં પણ સુખ નથી એ આનું નામ!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 જુલાઇ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com