60 વર્ષ કંઈ હવે બહુ મોટી ઉંમર ગણાતી નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

60 વર્ષ કંઈ હવે બહુ
મોટી ઉંમર ગણાતી નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

દુનિયામાં લોકોનો એવરેજ લાઇફ સ્પાન
વધી રહ્યો છે. 60 વર્ષ હવે મિડલ એજ ગણવામાં
આવે છે. રિટાયરમેન્ટની ઉંમર વધારવા વિશે
દુનિયામાં નવેસરથી ચર્ચાઓ થઇ રહી છે


———–

જિંદગીની ઘણી વ્યાખ્યાઓ સમયની સાથે બદલાઇ રહી છે. એક સમય હતો જ્યારે 60 વર્ષની ઉંમર ઘણી મોટી ગણાતી હતી. લોકો ત્યાં સુધી વાત કરતા કે, હવે તો બુઢાપો આવી ગયો. પ્રાચીન સમયમાં તો વનપ્રવેશ થાય એટલે કે માણસ એકાવન વર્ષનો થાય એટલે બધી ઝંઝટ છોડીને પરવારી જવાની અને પ્રભુભજન કરવાની વાતો થતી હતી. હવે ઉંમરનો હિસાબ ધરમૂળથી બદલાઇ ગયો છે. ઉંમર વિશેનો હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, 60ની ઉંમર એ જિંદગીના અંતિમ પડાવ તરફ ગતિ એવું હવે માનવામાં આવતું નથી. હવે 60ની ઉંમરને મિડલ એજ ગણવામાં આવી રહી છે. એનું કારણ મેડિકલ સાયન્સનો વિકાસ અને લોકોની લાઇફ સ્ટાઇલમાં સુધારો છે. લોકોના એવરેજ આયુષ્યમાં વધારો થયો છે. હવે માણસ એંસીથી સો વર્ષ સુધી આરામથી જીવે છે. મેડિકલ સાયન્સે અનેક ચમત્કાર સર્જ્યા છે. દરેક બીમારીની સારવાર હવે અવેલેબલ છે. હજુ પણ રોજેરોજ તબીબી વૈજ્ઞાનિકો લોકોની જિંદગી લંબાવવા અને છે એના કરતાં પણ વધુ બહેતર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોની લાઇફ સ્ટાઇલ પણ સુધરી છે. ભલે ગમે એ કહેવાતું હોય, પણ લોકો હવે હેલ્થ પ્રત્યે વધુ સજાગ બન્યા છે. અગાઉના સમયમાં આટલા જિમ ક્યાં હતાં? જંક ફૂડની બોલબાલા છે એવી વાતો થઇ રહી છે, પણ સાથોસાથ ડાયટફૂડ અને મિલેટ્સનો દબદબો કંઇ ઓછો નથી. લોકો નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવી રહ્યા છે, જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ લઇ રહ્યા છે. યોગ અને કસરત કરે છે. આ બધા કારણે લોકોની જિંદગી લંબાઇ છે. મેડિકલ સાયન્ટિસ્ટો હજુ તો એવી આગાહી કરી રહ્યા છે કે, હવે એ સમય દૂર નથી જ્યારે વિકસિત દેશમાં માણસ સો વર્ષની જિંદગી જીવે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના લેટેસ્ટ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, 2030 સુધીમાં વિકસિત દેશોમાં લોકોનું આયુષ્ય સો વર્ષનું થઇ જશે. 60 વર્ષની ઉંમર વિશે આ રિપોર્ટમાં કહેવાયું છે કે, 60 ઇઝ ન્યૂ 30. નેચર એજિંગ જર્નલના એક રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, વૃદ્ધાવસ્થા કેલેન્ડરથી નહીં પણ શારીરિક અને માનસિક શક્તિથી નક્કી થાય છે. આજના સમયમાં જોઇએ તો દુનિયાના અનેક દેશના નેતાઓ મોટી ઉંમરે પણ દેશને લીડ કરી રહ્યા છે. માત્ર લીડ જ નથી કરતા, પણ તેમની કામ કરવાની ક્ષમતા પણ કાબિલેદાદ છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષના છે. આજની તારીખે તેઓ યંગસ્ટર્સને શરમાવે એ ત્વરાથી કામ કરે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 79 વર્ષના છે. આ ઉંમરે પણ ટ્રમ્પ જગત જમાદારી કરતા રહે છે. સાડા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી યુક્રેન સાથે યુદ્ધ લડતા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન 72 વર્ષના છે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની ઉંમર પણ 72 વર્ષની છે. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયોતોલા ખોમૈની 86 વર્ષના છે. માત્ર રાજકારણ જ નહીં, દરેક ક્ષેત્રમાં તમને એવા લોકો મળશે જેણે પોતાની ઉંમરને પોતાના કામ પર હાવી થવા દીધી નથી. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ ઊડીને આંખે વળગે એવું કામ કરી રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે, લોકોની ઉંમર સાથે કામ કરવાની શક્તિ પણ વધતી જાય છે.
લોકોના સરેરાશ આયુષ્યમાં વધારાના કારણે અનેક સવાલો પણ ખડા થયા છે. ખાસ તો રિટાયરમેન્ટ એજ મુદ્દે સૌથી મોટો ઇશ્યૂ ખડો થયો છે. અનેક દેશોમાં રિટાયરમેન્ટની ઉંમર 58થી 60 વર્ષની છે. લોકો હવે એવી માંગણી કરી રહ્યા છે કે, નિવૃત્તિની ઉંમર મર્યાદા વધારવામાં આવે. 60 વર્ષની ઉંમરે માણસ કામ કરી શકે છે. ઊલટું તેની પાસે અનુભવનું મોટું ભાથું હોય છે. એને કામ કરવું પણ હોય છે. આવા સંજોગોમાં તેમને નવરા કરીને ઘરે બેસાડી દેવા સારી વાત નથી. દુનિયાના અનેક દેશો પોતાને ત્યાં રિટાયરમેન્ટ એજમાં વધારો કરી રહ્યા છે. આપણા દેશમાં પણ કેટલીક ખાનગી કંપનીઓએ નિવૃત્તિની ઉંમરમાં વધારો કર્યો છે. આપણી સરકાર પણ તેના પર વિચાર કરી રહી છે. આપણા દેશમાં લોકોના સરેરાશ આયુષ્યની વાત કરીએ તો પુરુષોનું સરેરાશ આયુષ્ય 70.8 વર્ષ અને સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય 74.4 વર્ષનું છે. બનવા જોગ છે કે, આ સરેરાશ આયુષ્યમાં ભવિષ્યમાં મોટો વધારો થાય. એક રિસર્ચમાં એવું જણાવાયું છે કે, વૃદ્ધાવસ્થા હવે સાઠ નહીં પણ સિત્તેરની ઉંમરથી શરૂ થાય છે. વધતી ઉંમર સાથે લોકો કામ કરતા રહે એ જરૂરી છે. નિવૃત્ત થવાની સાથે માણસને એવું લાગવા માંડે છે જાણે પોતે કોઇ કામના રહ્યા ન હોય. આ વિચાર પણ લોકોએ બદલવાની જરૂર છે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે એ જિંદગીના અંત સુધી એક્ટિવ રહે છે. ગામડાંઓમાં આજની તારીખે ખેડૂતો મોટી ઉંમર સુધી કામ કરે જ છે. એ લોકો કહેતા નથી કે, હવે હું સાઠનો થઇ ગયો એટલે કામ નહીં કરું. કામ માણસને જિંદગી જીવવાનો ઉદ્દેશ પૂરો પાડે છે. સાયકોલોજિસ્ટો એવી સલાહ આપે છે કે, ઉંમરને બહુ ગણકારો નહીં, સતત કંઇક કરતા રહો. કોઇ શોખ પાળો. નિવૃત્ત થઇ ગયા હોવ તો પણ કોઇ કામ શોધી કાઢો. સતત પ્રવૃત્ત રહેવું એ જ જિંદગી જીવવાની નિશાની છે. આપણામાં જિજીવિષાની વાતો બહુ જાણીતી છે. ગમે તે થાય જિજીવિષા જીવતી રહેવી જોઇએ.
ઉંમર વધવાની સાથે કેટલીક હકીકતો પણ સમજવાની જરૂર રહે છે. જેમ જેમ ઉંમર વધશે એમ શરીરમાં ફેરફારો થવાના જ છે. વાળ સફેદ થવાના છે, ચામડી શિથિલ થવાની છે અને કરચલીઓ પણ ઉપસવાની છે. પાચન શક્તિમાં પણ ઘટાડો થવાનો છે. સ્મરણ શક્તિ પણ થોડીક મંદ થવાની છે. શારીરિક રીતે થોડાક નબળા પડાય એમાં વાંધો નથી, માનસિક રીતે નબળું પડી ન જવાય એની ખાસ કાળજી રાખવાની છે. આપણે એવા ઘણાય વૃદ્ધોને જોયા હોય છે જે મોટી ઉંમરે પણ જિંદગીને સોળે કળાએ જીવતા હોય. માણસ બુઢ્ઢો વહેલો થઇ જાય છે એનું સૌથી મોટું કારણ એ છે કે, એ પોતે જ એવું માનવા લાગે છે કે, હવે જીવી જીવીને કેટલું જીવવાના? મોટી ઉંમરે મોતનો તો જરાયે વિચાર કરવો જોઇએ નહીં. મોતના વિચારો માણસને નબળા બનાવે છે. દરેક ઉંમરે એવું જ વિચારો કે હજુ ઘણી જિંદગી બાકી છે. નાની-મોટી બીમારી હોય તો પણ ડર્યા વગર તેનો સામનો કરો. મન જેટલું મક્કમ હશે એટલી જ તંદુરસ્તી સારી રહેશે. કેટલાક લોકો પરવારી ગયા હોવાની વાતો પણ કરતા હોય છે. આપણે આપણી બધી જવાબદારીઓ પૂરી કરી લીધી છે, હવે જિંદગીથી સંતોષ છે એવું વિચારવાવાળા પણ ઘણા છે. એમાં પણ એક વાત યાદ રાખવા જેવી છે. જિંદગી માત્ર જવાબદારી પૂરી કરવા માટે નથી, જિંદગી જીવવા માટે છે. ઊલટું મોટી ઉંમરે એવું વિચારવું જોઇએ કે, આખી જિંદગી ખૂબ કામ કર્યું છે, તમામ જવાબદારીઓ નિભાવી છે, જીવવાની ઉંમર તો હવે શરૂ થઇ છે. હવે જ પૂરતો સમય મળે છે. જિંદગીને છેલ્લી ક્ષણ સુધી જીવી જાણવી છે.
લોકોની માનસિકતા પણ ધીમે ધીમે બદલી રહી છે. મોટી ઉંમરે કેટલાક માણસો ચીડિયા થઇ જાય છે. ફરિયાદો કરવા લાગે છે. કોઇ મારું ધ્યાન રાખતું નથી. મેં આખી જિંદગી બધાનું કર્યું, હવે કોઇને મારી પરવા નથી. અગાઉનો જમાનો બહુ સારો હતો. હવે બધું ખાડે ગયું છે. કંઇ સારું બચ્યું જ નથી. આવા વિચારો પણ મોટી ઉંમરના લોકોને શાંતિથી જીવવા દેતા નથી. આવા લોકો કેટલાક સંજોગોમાં પોતે પણ સારી રીતે જીવતા નથી અને બીજાને પણ શાંતિથી જીવવા દેતા નથી. બહેતર એ છે કે, ઉંમર ગમે તે હોય, જિંદગી પ્રત્યેનો નજરિયો પોઝિટિવ રહેવો જોઇએ. કેટલાક લોકો પોતાની ભૂલો અને અફસોસમાંથી પણ મુક્ત થઇ શકતા નથી. જિંદગીમાં દરેકે ભૂલો કરી હોય છે. જે ગયું એને ભૂલી જવામાં જ માલ હોય છે. નવી જનરેશન પાસે એટલી જ અપેક્ષા રાખવી જેટલી તમને ખરેખર જરૂર હોય. બધા આપણું કહ્યું કરે જ એવી અપેક્ષા ઘણી વખત આપણને શાંતિથી જીવવા દેતી નથી. મોટી ઉંમરે બધી જંજાળ છોડીને મસ્તીથી જીવવાનું હોય છે. પોતાની જાતને બિઝી રાખો. નવું શીખવા માટે કોઇ ઉંમર મોટી હોતી નથી. મિત્રો સૌથી મોટું ટોનિક છે. દરેક માણસે એ નક્કી કરવાનું હોય છે કે, મારે મારી જિંદગીની દરેકેદરેક ક્ષણ સંપૂર્ણપણે જીવવી છે, ઉંમર 60 તો શું 80 કેમ ન હોય?


—————-

પેશ-એ-ખિદમત
અપને સાયે કો ઇતના સમઝાને દે,
મુઝ તક મેરે હિસ્સે કી ધૂપ આને દે,
મૈં ભી તો ઇસ બાગ કા એક પરિંદા હૂં,
મેરી હી આવાઝ મેં મુઝકો ગાને દે.
– વસીમ બરેલવી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 ઓગસ્ટ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *