તમે ઘરમાં વધુ સમય રહો છો કે બહાર? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે ઘરમાં વધુ સમય
રહો છો કે બહાર?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

ઘરમાં રહેવું બધાને ગમે, પણ એક હદ કરતાં વધુ સમય
ઘરમાં રહેવું સારી વાત નથી. બહાર નીકળીને કામ કરતા અને
લોકોને હળતા મળતા રહેવું જોઇએ. માણસે પોતાની જાતને
પણ અપડેટ કરતી રહેવી પડે છે


———–

ધરતીનો છેડો ઘર. આપણે સમજણા થયા ત્યારથી આ વાત સાંભળતા આવ્યા છીએ. વાત જરાયે ખોટી નથી. ગમે ત્યાં ગયા હોઇએ, ભલેને ફાઇવ સ્ટાર ફેસિલિટી હોય, પણ ઘરે આવીએ ત્યારે જ હાશ થાય છે. ઘરની પથારી જેવી ઊંઘ બીજે ક્યાંય આવતી નથી. આપણાં પલંગ, ગાદલા અને ઓઢવાની ચાદર સાથે પણ આપણું એક કમ્ફર્ટ હોય છે. એવા પણ ઘણા કિસ્સાઓ છે જેમાં કોઇ વ્યક્તિ બહાર જાય ત્યારે પોતાનું ઓઢવાનું સાથે લેતા જાય છે. એ ઓઢે તો જ એને ઊંઘ આવે છે. ઘર વિશે એવું પણ કહેવાય છે કે, ઘરનું અંધારું પણ પરિચિત હોય છે. લાઇટ ગઇ હોય તો પણ આપણે ઘરમાં આરામથી ક્યાંય અથડાયા વગર ફરી શકીએ છીએ. ઘર નાનું હોય કે મોટું, વન રૂમ હોલ કિચનનો ફ્લેટ હોય કે આલિશાન બંગલો હોય, દરેક માટે પોતાનું ઘર એ પોતીકું સ્વર્ગ જ હોય છે. ઘરનો મહિમા ખૂબ ગવાયો છે. જોકે, હમણાંનું એક રિસર્ચ એવું કહે છે કે, તમને જો ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થતું હોય તો માનજો કે કંઇક પ્રોબ્લેમ છે.
સતત ઘરમાં રહેવું એ માણસની પ્રકૃતિ જ નથી. માણસને બહાર નીકળવા જોઇએ છે. કોરોનાનો સમય યાદ કરો. ઘણા લોકો ઘરમાં ને ઘરમાં રહીને પાગલ જેવા થઇ ગયા હતા. પ્રાર્થનાઓ કરતા હતા કે, હવે આમાંથી છુટકારો મળે તો સારું. ઘણા લોકોના ઘરમાં બધી જ સુવિધાઓ હતી છતાં પણ તેઓ ઘરમાં કંટાળી ગયા હતા. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમે કેટલો સમય ઘરમાં વિતાવો છો અને કેટલો સમય બહાર રહો છો? મોટા ભાગના કિસ્સાઓમાં માણસ જાગતી અવસ્થામાં જેટલો સમય ઘરે હોય છે એના કરતાં વધુ સમય બહાર હોય છે. ઘરે ઊંઘવાના સાત-આઠ કલાકની ગણતરી આમાં કરવામાં આવતી નથી. મુંબઇ સહિત કેટલાંક મોટાં સિટીમાં તો એવી હાલત હોય છે કે, લોકો રાતના સૂવા માટે જ ઘરે આવે છે. સવાર પડતાંની સાથે કામ પર ભાગવું પડે છે. સરવાળે માણસનું કામ કેવું છે એના પરથી ઘરે રહેવાનો અથવા તો રહી શકવાનો સમય અને બહાર રહેવાનો સમય નક્કી થતો હોય છે.
ઘર વિશેનું આ રિસર્ચ એવું કહે છે કે, ઘર માણસને એવી એનર્જી પૂરી પાડે છે જેનાથી એ બહાર પોતાની જાતને સાબિત કરી શકે. માણસની ઓળખ કે કરિયર ઘરમાં મળવાની નથી, એના માટે તો માણસે ઘરની બહાર નીકળીને કામ, ધંધો, મહેનત કરવી પડે છે. માણસ સતત ઘરમાં રહી પણ નથી શકતો. તેણે જે કંઇ કરવું હોય એ ઘરની બહાર જ કરવું પડતું હોય છે. માનસિક અસ્વસ્થતાનું પહેલું લક્ષણ એ છે કે, માણસને ઘરની બહાર નીકળવાનું મન નથી થતું. કોઇને મળવાનું પણ મન નથી થતું. કોઇની સાથે વાત કરવાની ઇચ્છા નથી થતી. આપણે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા છે કે, કેટલાક લોકો દિવસો કે મહિનાઓ સુધી ઘરની બહાર નથી નીકળ્યા. એ બધા જ સરવાળે માનસિક બીમાર હોવાનું સાબિત થયું છે. કોઇ માણસને સતત ઘરમાં પૂરી રાખવામાં આવે અથવા તો ઘરની બહાર નીકળવા દેવામાં ન આવે તો એ ગાંડા જેવો થઇ જાય છે. માણસનો પ્રકૃતિ સાથેનો સંબંધ જીવવા માટે જરૂરી છે. માણસને ખુલ્લી હવામાં નીકળવું હોય છે અને વાતાવરણને માણવું હોય છે. અભ્યાસ તો ત્યાં સુધીની વાત કરે છે કે, કામનું સ્થળ પણ એવું ન રાખવું જ્યાંથી ખુલ્લું વાતાવરણ નજરે પડતું ન હોય. હવે એવી બિલ્ડિંગો બને છે જેમાં અંદર ગયા પછી ખબર જ નથી પડતી કે, બહાર શું ચાલે છે. બહાર વરસાદ પડતો હોય તો પણ ખબર પડતી નથી. આવી સ્થિતિ સારી નથી. પ્રાચીન સમયમાં એવાં મકાનો જ બનતાં જેમાં મોટી બારીઓ હોય અને સૂર્યપ્રકાશ તથા હવાની સારી અવરજવર હોય. માણસ ધીમે ધીમે પેક થતો જાય છે. આ પરિસ્થિતિના કારણે માણસની એકલતામાં વધારો થાય છે. ખુલ્લું વાતાવરણ હોય તો બહારથી આવતા અવાજો અને પક્ષીઓનો કલરવ સાથે માણસ તાદાત્મય સાધી શકે છે. જો કોઇ સંપર્ક જ ન રહ્યો તો સન્નાટો સર્જાવાના ચાન્સીસ વધી જવાના છે.
ડિજિટલ હેબિટ્સના કારણે પણ માણસ વધુ સમય ઘરમાં રહેવા લાગ્યો છે. માણસ મોબાઇલ લઇને ઘરમાં પડ્યો રહે છે. ટીવી પર વેબસીરિઝ જોતો રહે છે. રજાના દિવસોમાં આવું કરે એ ઓકે છે, પણ સતત જો આવું કરતા હોય તો સાવચેત થઇ જવાની જરૂર છે. બહાર નીકળો, લોકોને મળો, મિત્રો બનાવો અને જિંદગીને મજાથી જીવો. જે લોકો સતત ઘરમાં રહે છે તેની સાથે એવું થવાની શક્યતા રહે છે કે, લોકોને મળવાનો તેનો કોન્ફિડન્સ જ ખતમ થઇ જાય. આમેય આજના મોબાઇલના યુગમાં યંગસ્ટર્સ આંખમાં આંખ મિલાવીને વાત કરવાનું ભૂલી રહ્યા છે. આખો દિવસ મોબાઇલના સ્ક્રીનમાં જ નજર રાખતા યુવાનો બહારની દુનિયાથી અપરિચિત થતા જાય છે. માણસ ઘરમાં એકલો રહેવા લાગ્યો છે એના કારણે એ ક્યારે એકલતામાં સરી જાય છે એની ઘણી વખત એને જ ખબર નથી પડતી. એકલા હોઇએ ત્યારે આપણે કેવા વિચારો કરીએ છીએ? એકાંત અને એકલતા વચ્ચેનો ભેદ આપણે કેટલો જાણીએ છીએ? અમુક સમયે એકલા રહેવું સારી વાત હોય છે. કેટલાક સંજોગોમાં અને અમુક નિર્ણય કરતી વખતે જાત સાથે સંવાદ જરૂરી બને છે. એકલા હોઇએ ત્યારે જો નેગેટિવ વિચારો આવવા લાગે તો સાવચેત થઇ જવું જોઇએ. કોને શું ફેર પડે છે? હું જાઉં કે ન જાઉં, મળું કે ન મળું એનાથી કોઇને કશો ફર્ક પડતો નથી. કોઇને મળવામાં માલ નથી. બધા જ સ્વાર્થનાં સગાં છે. મારી કોઇને પડી નથી. આવા બધા વિચારો જો સતત આવે તો કેટલાક કિસ્સામાં જોખમી સાબિત થતા હોય છે. ઘરની બહાર નીકળીને છેલ્લે મિત્રો સાથે મળીને ગપ્પા મારવા જોઇએ.
આજનો સમય એવો છે કે, માણસે સતત અપડેટ રહેવું પડે છે. દુનિયાના જે નવા નવા પ્રવાહો છે તેનાથી પરિચિત રહેવું પડે છે. તેની સાથે જ સમાજમાં પણ કેટલાક બદલાવો આવતા હોય છે. એની સમજ તો જ પડે જો આપણે સમાજ સાથે ભળતા હોઇએ. લોકોને મળતા હોઇએ. કેટલાક લોકો એવા એકલસૂડા હોય છે જેને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ખબર જ હોતી નથી. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઘરમાં રહેવાનો સમય જ નથી મળતો. સરસ ઘર હોય, પણ એને એન્જોય જ કરી શકતા ન હોય. આવા લોકોને રજા મળે કે મેળ ખાય ત્યારે ઘરની બહાર નીકળવાનું મન ન થાય એ સ્વાભાવિક છે. એ લોકોને એવું તો થતું જ હોય છે કે, બહાર રહેવું પડે છે એટલે જ ઘરમાં મજા આવે છે. જો ઘરમાં જ રહેવું રૂટિન થઇ જાય તો ઘરનો પણ રોમાંચ રહેતો નથી.
ઘર સાથે આપણી માનસિકતા જોડાયેલી હોય છે. એક અભ્યાસ એવું કહે છે કે, ઘરમાં પણ સમયે સમયે થોડા થોડા ફેરફારો કરતા રહેવા જોઇએ. ભલે ચીજવસ્તુઓની જગ્યા બદલાવીએ પણ થોડું કંઇક બદલતું રહેવું જોઇએ. કેટલાંક ઘરોમાં એક વખત જે ચીજ જ્યાં રાખી હોય ત્યાંની ત્યાં જ રહે છે. શો પીસ પણ બદલતા નથી. આવી સ્થિતિ આપણી માનસિકતાને અસર કરે છે. આપણે કોઇ પરિવર્તન સ્વીકારી શકતા નથી. અમુક વસ્તુ અમુક જગ્યાએ જ જોઇએ એ બરાબર છે, પણ એ વસ્તુ બદલતા રહેવી જોઇએ. આવું કરવાથી એક ફ્રેશનેસ આવતી હોય છે. ઘરને પણ જીવંત રાખવું પડતું હોય છે. જેનું ઘર નિર્જીવ જેવું હોય છે એ માણસની જિંદગીમાં પણ ઉત્સાહ જેવું રહેતું નથી. આપણા ઘરની અસર આપણા પર અને આપણી અસર આપણા ઘર પર પડતી જ હોય છે. ઘર વિશે પણ માણસે વિચાર કરતા રહેવું જોઇએ. ઘર અને બહાર વચ્ચે બેલેન્સ રહેવું જોઇએ. ઘર સાથે અટેચમેન્ટ હોવું જોઇએ, પણ એ એટલું પણ ન હોવું જોઇએ કે એ આપણને બહારની દુનિયાથી ડિટેચ કરી દે!


—————-

પેશ-એ-ખિદમત
હમ અલગ બૈઠે રહે ચૂપ હોકર,
અબ તેરે જી મેં જો આયે સો કર,
અબ તુઝે ખોકે ખયાલ આતા હૈ,
તુઝકો પાયા થા બહુત કુછ ખોકર.
– બાસિર સુલ્તાન કાઝમી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 ઓગસ્ટ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *