હેલ્પિંગ નેચર : તમે છેલ્લે ક્યારે કોઈને મદદ કરી હતી? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હેલ્પિંગ નેચર : તમે છેલ્લે
ક્યારે કોઈને મદદ કરી હતી?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

લોકોમાં અગાઉ દયા, કરુણા અને ઉષ્માની જે લાગણી હતી એવી હવે રહી નથી.

હવે પોતાનો સ્વાર્થ ન હોય તો લોકો મદદ કરવા માટે પણ આગળ આવતા નથી.

મદદ કરવાની વૃત્તિ જ ઘટતી જાય છે!


———–

એક ઘટનાથી લેખની શરૂઆત કરીએ. એક ભાઈ હાઇવે પર જતા હતા. કારમાં પંક્ચર પડ્યું. મદદ માટે રોડ પર જતાં વાહનોને હાથ ઊંચો કરીને રોકવાનો તેણે પ્રયાસ કર્યો. કોઇએ વાહન રોક્યું નહીં. આ ભાઇએ એના મિત્રને કહ્યું કે, કેવો જમાનો આવ્યો છે? કોઇ કોઇને મદદ કરવા જ તૈયાર નથી! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, તું ક્યારેય કોઇને મદદ કરવા માટે ઊભો રહ્યો છે ખરો? આ નાનકડી ઘટના પાછળ ઘણો મોટો મર્મ છે. માણસને જ્યારે મદદની જરૂર હોય અને મદદ ન મળે ત્યારે આખી દુનિયા સામે બખાળા કાઢે છે. પોતે ક્યારેય એ વિચારતો નથી કે, આપણે કે’દી કોઇને મદદ કરી હતી? ગમે એવો ખમતીધર માણસ હોય એને ક્યારેક તો કોઇની જરૂર પડે જ છે. આપણે ત્યાં તો એવું પણ કહેવાય છે કે, ચપટી ધૂળનું પણ કામ પડે!
હવે એક સવાલ. તમને એવું લાગે છે કે, લોકો હવે મદદ કરવાનું ટાળી રહ્યા છે? અગાઉના સમયમાં લોકો એકબીજાની મદદ કરવા દોડી જતા હતા એવું હવે નથી! હવે લોકો એવું વિચારવા લાગ્યા છે કે, આપણે શું? લોકોની મદદ કરવાની વૃત્તિ વિશે બ્રિટનની સસેક્સ યુનિવર્સિટી દ્વારા વિશ્વના 144 દેશોમાં ઓનલાઇન સરવૅ હાથ ધરવામાં આવ્યો હતો. 60 હજાર લોકોને મદદ કરવા અને મદદ મેળવવા વિશે સવાલો કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, જો લોકોને પોતાનો સ્વાર્થ હોય અથવા તો કોઇ ફાયદો હોય તો જ મદદ કરે છે, બાકી મદદ કરવાનું ટાળે છે. માણસ દિલથી સારો હોય છે, એને બીજાની દયા પણ આવે છે પરંતુ જ્યારે મદદ કરવાની વાત આવે ત્યારે એ પોતાની જાતને સમજાવવા માટે બહાનાં કાઢે છે! આપણા માટે માંડ સમય મળે છે ત્યારે બીજાની મદદ માટે ટાઇમ ક્યાંથી કાઢવો? આપણી પાસે આપણા પૂરતું માંડ છે, બીજાને ક્યાંથી કંઈ આપવું? હું એને મદદ કરું એમાં મને શું ફાયદો થવાનો છે? આવા બધા સવાલો થાય છે અને માણસ મદદ કરવાનું માંડી વાળે છે! જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ માણસ વધુ ને વધુ સ્વકેન્દ્રી થતો જાય છે.
મદદ વિશે બીજી રસપ્રદ વાત ધર્મ વિશેની પણ છે. ગમે તે હોય, ધર્મના કારણે માણસ કોઇ ને કોઇ રીતે મદદ કરતો રહે છે. આ વાત દરેક ધર્મને લાગુ પડે છે. ધર્મગુરુ ગરીબોને મદદ કરવાનું કે કોઇને સહાયરૂપ થવાનું કહે તો લોકો હોંશેહોંશે બધું કરે છે. વ્યક્તિગત ધોરણે માણસ કોઇને મદદ કરવા આગળ આવતો નથી. માણસના મનમાં એવો પણ ડર રહે છે કે, ક્યાંક ધરમ કરવા જતા ધાડ ન પડે. આપણે કરવા જતા હોય સારું અને એનો બદલો ખરાબ મળે! મદદ કરવાના ઘણાને ખરાબ અનુભવો પણ થયા હોય છે. અલબત્ત, જેની વૃત્તિ અને દાનત કોઇને મદદ કરવાની હોય છે એ કોઈ ને કોઈ રીતે મદદ કરતા રહે છે.
ઘણા લોકો કોઇને ખબર ન પડે એ રીતે બીજાને મદદ કરે છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે, કોઇને મદદ કરવી તો એવી રીતે કરવી કે જમણો હાથ મદદ કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે! અમુક લોકો કોઇને મદદ કરે તો આખા ગામમાં ઢંઢેરો પીટતા ફરે છે. કોઇ માણસ આગળ વધી ગયો હોય તો પણ એવું કહેતાં ફરે છે કે, એ તો આપણે મદદ કરી હતી એટલે એનો મેળ પડ્યો, બાકી આજે એ છે એ જગ્યાએ હોત નહીં! દયા અને કરુણા બે એવા ભાવ છે જે માણસને સારો માણસ બનાવે છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના સંસ્કારો આપણને ઘરમાંથી મળે છે. નાના હોય ત્યારે જ મા-બાપ આપણા હાથમાં સિક્કાઓ આપીને દાન કરવાનું કહે છે. તારા હાથે આપી દે એવું કહેવા પાછળનો એક ઇરાદો સંતાનમાં દયાની લાગણી જીવતી રાખવાનો અને કોઇને મદદ કરતા શીખવવાનો પણ હોય છે. માત્ર આર્થિક મદદની વાત નથી, કોઇપણ પ્રકારે માણસને મદદરૂપ થવું એ માણસાઇ જ છે.
સમય સાથે બધું બદલાતું રહે છે. અગાઉના સમયમાં લોકો એવું વિચારીને પણ મદદ કરવા જતા હતા કે, આપણે કોઇને ત્યાં નહીં જઇએ તો કોઇ આપણે ત્યાં આવશે નહીં! આપણે કોઇના પડખે ઊભા રહીએ તો કોઇ આપણી પડખે ઊભું રહે. ઘરમાં લગ્ન લેવાયાં હોય તો અગાઉ બધું કામ સગાં-સંબંધીઓ અને ભાઈ-દોસ્તારોની સહાયે જ ચાલતું હતું. હવે એવું નથી. હવે તો ખાલી બિલ ચૂકવવાનું હોય છે, બાકીનું બધું રેડી જ હોય છે. લોકો હવે લગ્નમાં પણ કામ કરાવવા કે મદદ કરવા નથી આવતા, જલસા કરવા જ આવે છે! એક્ચ્યુઅલી હવે બધું કોન્ટ્રાક્ટ પર જ આપી દેવાતું હોવાથી કોઇ કામ હોતું જ નથી! પ્રસંગનો આખો કન્સેપ્ટ જ બદલાઇ ગયો છે.
બાય ધ વે, તમે છેલ્લે ક્યારે કોને મદદ કરી હતી? મદદ વિશે તમારું માનવું શું છે? મોટા ભાગે તો એવું જ વિચારતા હશો કે, કોઇના માટે આપણાથી થાય એટલું કરવું જોઇએ. તેમાં પણ કેટલું થઇ શકે છે એ સવાલ છે! હવે બીજો સવાલ, થોડુંક એ પણ વિચારજો કે, તમને છેલ્લે કોણે મદદ કરી હતી? તમારે મદદની જરૂર હતી ત્યારે કોઇ તમારી પડખે ઊભું હતું?
મદદ કરવા વિશે એક ફિલોસોફી એવું કહે છે કે, તમે કોઇને મદદ કરતા રહો, તમને મદદની જરૂર હશે ત્યારે કુદરત કોઇને મોકલી આપશે. આપણને બધાને એવા અનુભવો પણ થયા જ હોય છે કે, જેને મદદ કરી હોય એ લોકોએ ખરા ટાઇમે મોઢું ફેરવી લીધું હોય, સામા પક્ષે જેની પાસે ક્યારેય કોઇ અપેક્ષા ન રાખી હોય એ ખરા ટાણે ખડેપગે હાજર હોય! ક્યારેક તો એવું પણ બને છે કે, આપણે જેની સાથે કંઈ લાગતુંવળગતું ન હોય એની મદદ આપણને મળી જાય! આપણે જેને સતત ઇગ્નોર કર્યાં હોય એવા લાકો પણ ઘણી વખત આપણને મદદ કરવા આવી જતા હોય છે. કેટલીક વખત તો આસમાની સુલતાની મદદ મળે છે. આપણને ચમત્કાર જેવું લાગે છે. કોઇ રસ્તો સૂઝતો ન હોય અને અચાનક કોઇ પ્રકાશ જલાવે છે અને રસ્તો ચીંધાડે છે! એ કહે છે કે, કંઇ ચિંતા ન કર. આ રહ્યો રસ્તો, તું ચાલવા લાગ!
મદદ કરવાથી બીજાને તો ફાયદો કે લાભ થતો હશે પણ સૌથી મોટી વાત એ છે કે, કોઇને મદદ કરવાથી આપણને પણ સારું લાગતું હોય છે. કંઇક સારું કર્યાની લાગણી આપણને શુકુન બક્ષે છે. આપણને આપણી કમાણીથી માંડીને જિંદગી સાર્થક લાગે છે. આપણે કહીએ છીએ કે, ભગવાને આટલું આપ્યું છે તો કોઇના માટે કંઇક તો કરીએ. છેલ્લે એક વાત, મદદ માત્ર આર્થિક જ નથી હોતી, કોઇ અપસેટ હોય, મૂંઝાયેલું હોય, એકલું હોય ત્યારે એની સાથે રહેવું, એની વાત સાંભળવી અને એને સધિયારો આપવો એ પણ એક પ્રકારની મદદ જ છે. હવે એવી મદદની લોકોને જરૂર વધતી જાય છે. આપણે માણસ છીએ, આપણામાં માણસાઈ જીવવી જોઇએ અને સમય આવ્યે માણસાઇ છતી પણ થવી જોઇએ. કોઇની નજીક જવાથી સરવાળે તો આપણે આપણી નજીક જ જતા અને પહોંચતા હોઇએ છીએ!
હા, એવું છે!
કોઇને મદદ કરવા કે ઉપયોગી બનવા વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, જેમ જેમ ઉંમર વધે છે એમ એમ કોઇને મદદ કરવાની વૃત્તિ ઘટે છે. યુવાન વયે કોઇને ઉપયોગી થવાની વધુ ઇચ્છા હોય છે. જેમ જેમ લોકોના અનુભવો થતાં જાય છે એમ એમ મદદરૂપ થવાનો કોઇ મતલબ નથી એવી લાગણી પેદા થાય છે. ઉંમર વધવાની સાથે લોકો પોતાના પ્રશ્નોમાં જ વધુ ઘેરાતા જાય છે. પોતાનું માંડ થતું હોય ત્યાં બીજાને મદદ કરવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: