તું ખરાબ ન લગાડ,
એનો ટોન જ એવો છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખ દરિયો ના બની પણ સહેજ છલકાતી તો થઈ,
એ રીતે મારી બધી સંવેદનાઓ ગાતી તો થઈ,
સ્થિર આંખોનીય પાંપણ આજ અમથી ગઈ ઢળી,
વાત મારી છેવટે તેમને સમજાતી તો થઈ.
– હર્ષદ ત્રિવેદી
માણસ કેવું બોલે છે અને કેટલું બોલે છે એના પરથી એ કેવો છે એ વર્તાઇ આવે છે. કેટલાક લોકોનો અવાજ એટલો મધુરો હોય છે કે, સાંભળતા રહેવાનું જ મન થાય. કેટલાક લોકો માણસને ઊભેઊભા ચીરી નાખે એવા તોછડા હોય છે. જેની જીભ કડવી છે એ માણસ ક્યારેય કોઇને મીઠો લાગવાનો નથી. માણસની મેચ્યોરિટી એના અવાજ અને શબ્દો પરથી પણ વર્તાતી હોય છે. કાલું ઘેલું બોલતું બાળક ખૂબ જ વહાલું લાગે છે. અલબત્ત, એ બાળકને જ સારું લાગે. કોઇ યુવાન વ્યક્તિ બાળકની જેમ કાલું ઘેલું બોલતો હોય તો વેવલો લાગે છે. દરેક ઉંમરનો એક ગ્રેસ હોય છે. એવી જ રીતે દરેક ઉંમરનો એક ટોન પણ હોય છે. માણસની ભાષા સમયે સમયે બદલાતી હોય છે. ટોન પણ અમુક ઉંમરે ટર્ન લેતો હોય છે. ઘણા લોકોનો ટોન એની સત્તા અને શક્તિ મુજબ બદલાય છે. સત્તા હોય એટલે કેટલાક લોકોને શૂરાતન ચડે છે. મારી સામે ક્યાં કોઇ બોલી શકવાનું છે? ગમે એને ગમે એ રીતે ખખડાવું તો પણ એ ચૂપચાપ સાંભળી લેવાના છે. એ કદાચ ત્યારે તો નહીં બોલે, પણ મેળ પડે ત્યારે એ મોઢામોઢ ચોપડાવી દેતા હોય છે. કેટલાક લોકો સામે કોણ છે એ મુજબ પોતાનો ટોન રાખે છે. કોઇ મોટા માણસ સાથે વાત કરતી વખતે કેટલાક લોકો લટૂડાપટૂડા કરતા હોય છે અને વહાલા થવાના તમામ પ્રયાસો કરતા હોય છે. કોઇ નાનો માણસ હોય તો તેની સામે મન ફાવે તેમ વાત કરે છે. ઓકાત જોઇને જે વાત કરે છે એ પોતાની ઓકાત જતાવવાના પ્રયાસો કરે છે. આવા જ લોકો પાસે જ્યારે સત્તા નથી હોતી ત્યારે ગરીબડા પણ થઇ જતા હોય છે. માણસાઇનો એક અર્થ એ પણ થાય છે કે, દરેક માણસની સાથે માણસની જેમ વાત કરવી. માણસ ગમે તે હોય, આપણો ટોન બદલાવો ન જોઇએ.
એક યુવાન હતો. તેને ઊંચા હોદ્દાની નોકરી મળી. સોસાયટીમાં તેની સારી એવી આબરૂ હતી. એક વખત એ જ્યાં રહેતો હતો ત્યાં ગેટ-ટુ-ગેધર હતું. આ યુવાનને પણ એમાં આમંત્રણ હતું. યુવાન ગયો. બધાને મળ્યો અને બધા સાથે સારી રીતે વાત કરી. એ વખતે એક ભાઇએ કહ્યું કે, કેટલી સારી વાત છે, આ માણસને તેના હોદ્દાનું જરાયે અભિમાન નથી. બધા સાથે સરસ રીતે વાત કરે છે. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, બધા સાથે સારી રીતે બોલવું એ હું આપણા બગીચાના માળી પાસેથી શીખ્યો છું. હું નાનો હતો ત્યારે બધા મિત્રો સાથે રમતો હતો. એ વખતે બધા વચ્ચે ઝઘડો થયો. બધા એકબીજા પર રાડારાડી કરતા હતા. મેં પણ કરી. એ વખતે માળીકાકા મારી પાસે આવ્યા. મને કહે કે, આપણે સારી રીતે કેમ વાત ન કરી શકીએ? મેં એમને કહ્યું, મારો કોઇ વાંક નહોતો. માળીકાકાએ કહ્યું, તું આ બધાં ફૂલને જો. કોઇ ફૂલ સોળે કળાએ ખીલેલું છે. કોઇ નાનું છે, તો કોઇક થોડુંક નબળું છે. જે ફૂલ ખૂબ જ સુંદર છે એણે ક્યારે એવું કહ્યું છે કે, બીજાં બધાં તુચ્છ છે અને હું જ બેસ્ટ છું? જે બેસ્ટ હોય એણે કહેવું પડતું નથી, એ તો આપોઆપ સાબિત થતું હોય છે. તું સારી રીતે રહીશ તો તારે કહેવું નહીં પડે હું સારો છું. એ દિવસથી મેં નક્કી કરી લીધું હતું કે, વાત કરતી વખતે બધા સાથે નમ્ર રહેવું. આપણી સત્તા કે શક્તિને મન, મગજ કે જીભ પર ક્યારેય સવાર થવા દેવી નહીં.
આપણી વાત જો સાચી હોય તો લોકો આપણી વાત માનવાના જ છે. હમણાંની એક સાવ સાચી વાત છે. એક છોકરાએ એક ભૂલ કરી હતી. તેના એક વડીલ બહેને કહ્યું કે, મારે તને એક વાત કરવી છે, પણ મારી જીભ ઊપડતી નથી. એ યુવાને કહ્યું, જીભ તો શું, તમારો હાથ ઊપડે તો પણ વાંધો નથી. તમારા માટે આદર છે. આપણા ટોન પરથી આપણી એક છબી ઘડાતી હોય છે. આ વ્યક્તિ ખોટું બોલે જ નહીં, ખોટો ઠપકો આપે જ નહીં. એક બીજી સત્યઘટના છે. એક વડીલ હતા. કોઇ દિવસ ગુસ્સે થાય નહીં. બધા સાથે શાંતિથી વાત કરે. એક વખત ઘરના મામલામાં એ ગુસ્સે થઇ ગયા. તેના ગુસ્સાની વાત આખા ફેમિલીમાં ચર્ચાનો વિષય બની ગઇ. મોટાભાગના લોકોએ કહ્યું, એ ગુસ્સે થયા એનો મતલબ એ જ કે નક્કી કંઇક સીરિયસ મેટર હશે. બાકી એ ગુસ્સે ન થાય. તમારો ગુસ્સો પણ તો જ વાજબી ગણાશે જો એ કરવા જેવો હોય ત્યારે જ કરવામાં આવે. જે નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે એના ગુસ્સાને પણ કોઇ ગંભીરતાથી લેતું નથી. એને તો રાડો પાડવાની આદત પડી છે એમ કહીને ગણકારશે જ નહીં.
માણસની ઓળખ એ ગુસ્સા કે ઝઘડામાં કેવી રીતે વર્તે છે, કેવા શબ્દો બોલે છે એના પરથી છતી થતી હોય છે. સારો માણસ ગમે એ પરિસ્થિતિમાં અમુક શબ્દો નહીં જ વાપરે. તેનો ટોન પણ યોગ્ય જ હશે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, મારો બોલવાનો ટોન કેવો છે? કોઇને ગમે એવો તો છેને? એક છોકરીની આ વાત છે. તે માતા-પિતા અને ભાઇ-ભાભી સાથે રહેતી હતી. એક વખત ભાભીની ફ્રેન્ડ તેના ઘરે આવી. બધા સાથે બેસીને વાત કરતાં હતાં. ભાભીની ફ્રેન્ડ બોલવામાં તોછડી હતી. એ છોકરી થોડીવાર બેઠી અને પછી તેના રૂમમાં ચાલી ગઇ. પોતાની ફ્રેન્ડ ચાલી ગઇ, પછી ભાભી પોતાની નણંદ પાસે ગયાં. તેણે કહ્યું કે, તમે ખરાબ ન લગાડતાં, એનો ટોન જ એવો છે. પેલી છોકરીએ કહ્યું, ભાભી, તમારી ફ્રેન્ડ છે એટલે એનું ખોટું લગાડવાનો સવાલ જ નથી. મને એનો ટોન ગમ્યો નથી. તેનો ઇરાદો મને સંભળાવવાનો નહીં હોય, પણ એની કહેવાની રીત સારી નહોતી. હશે, હું તો તેનામાંથી એ વાત શીખી છું કે, કોઇની સાથે એવી રીતે વાત ન કરવી કે કોઇને માઠું લાગે. માઠું લાગશે તો એ પણ હું જેમ એનાથી દૂર ચાલી ગઇ એમ લોકો મારાથી દૂર ચાલ્યા જશે. તમારો ટોન તીક્ષ્ણ બની જાય ત્યારે સામેવાળાને જાણે અજાણે છરકો કરી જતો હોય છે. કેટલાક લોકો ઇરાદાપૂર્વક પોતાનો ટોન બદલતા હોય છે. મારે એને ખરાબ લગાડવું જ છે, એને એની ભૂલનું ભાન થવું તો જોઇએ. આપણે એવા લોકો માટે કહીએ છીએ કે, એ દાઢમાં બોલે છે. ઘણાની ફિતરતમાં જ વાયડાઇ હોય છે. એને બીજાને શબ્દોથી ચીંટિયો ભરવાની મજા આવતી હોય છે. આપણે તો સંભળાવી જ દઇએ, કંઇ બાકી જ નહીં રાખવાનું, મોઢામોઢ ચોપડાવી દેવાનું. આપણને પોતાને ઘણી વખત કંઇ કરતી વખતે એની ખબર નથી હોતી કે, સરવાળે આપણે સાબિત શું કરવા માંગીએ છીએ? આપણી તોછડાઇ છેલ્લે આપણને જ નડતી હોય છે. બધા લોકો સાથે ફાવે એવું જરૂરી નથી. જેની સાથે ન ફાવે એની સાથે પણ લડી લેવાને બદલે એનાથી કિનારો કરી લેવામાં વધુ શાણપણ હોય છે. જેવા સાથે તેવા થવાની વાતો પણ ખૂબ થતી હોય છે. અલબત્ત, બદમાશની સાથે બદમાશ થવાનો પણ કોઇ મતબલ હોતો નથી. જેવા સાથે તેવા થવાને બદલે આપણે જેવા હોઈએ એવા જ રહીએ એ વધુ બહેતર હોય છે. આપણે એવા રહીએ કે બીજાને પણ આપણા જેવા થવાનું મન થાય. લોકો એનું જ અનુકરણ કરતા હોય છે જેનાં વાણી અને વર્તન સારાં હોય છે. બાકી કોઇ નજીક પણ ફરકતું નથી. રહેવા દેને, એને વતાવવા જેવું નથી. આપણે આગ જેવા હોઇએ તો બધાને દાઝી જવાનો ડર લાગવાનો જ છે. આપણે જો પાણી જેવા હોઇએ તો જ બધા ટાઢક મહેસૂસ કરવા આવવાના છે. આપણા સંબંધો માટે આપણે જ જવાબદાર છીએ. આપણાથી લોકો દૂર થઇ જતા હોય તો સમજવું કે પ્રોબ્લેમ આપણામાં જ છે. તોછડાઇ કોઇને ગમતી નથી. આપણે ગમે એટલા સાચા હોઇએ, સામેવાળો ગમે એટલો ખોટો હોય, તો પણ આપણો ટોન તો સારો જ રહેવો જોઇએ. જેને વાત કરતા નથી આવડતી એ ગમે એવો હોશિયાર હશે તો પણ કોઇને પ્રિય લાગવાનો નથી.
છેલ્લો સીન :
સ્વમાન બધાને વહાલું હોય છે. આપણે કોઇનું અપમાન કરીએ ત્યારે એ કંઇ બોલી શકે નહીં તો પણ હર્ટ તો થાય જ છે. મોકો મળે ત્યારે એ પણ અપમાનનો બદલો અપમાનથી જ લે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 27 જુલાઇ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
