તું ખોટા અને ખરાબ
વિચાર કરવાનું બંધ કર

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી,
એવા દિલને કોઈ ઇચ્છાનો અધિકાર નથી,
ભૂલી જાઓ તમે એને તો સારું છે મરીઝ,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.
– મરીઝ
સમજદારી અને ડહાપણનો એક અર્થ વિચારો પર કાબૂ જેવો પણ થાય છે. જે માણસ પોતાના વિચારોને આડા પાટે ચડવા દેતો નથી એ માણસ સમજદાર છે. જે માણસ કયા વિચાર કામના છે અને કયા નકામા છે એનો ભેદ જાણે છે એ માણસ સમજુ છે. વિચારને જો કંટ્રોલ ન કરીએ તો વિચારો ગિયર બદલીને સ્પીડ વધારતા રહે છે. વિચારોની ગતિ બેકાબૂ થઇ જાય તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. ઘણા લોકોનું વર્તન જોઇને આપણે એવું કહેતા હોઇએ છીએ કે, એની ડાગળી ચસકી ગઇ છે. આપણે એવું પણ કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે, એની કમાન છટકી ગઇ છે. ઘડિયાળ અથવા તો બીજી કોઇ વસ્તુમાં એક હદ કરતાં વધુ ચાવી ભરવામાં આવે ત્યારે તેની કમાન છટકે છે. વિચારોનું પણ એવું જ છે. એક વખત એક સંત પાગલોની હોસ્પિટલની મુલાકાતે ગયા. હોસ્પિટલના તબીબે સંતને પૂછ્યું, આ લોકો સાથે કેમ આવું થયું? સંતે જવાબ આપ્યો, એ લોકો પોતાના વિચારો પર કાબૂ રાખી શક્યા નહીં. વિચારોનો પણ અતિરેક ન થવો જોઇએ. અતિની કોઈ ગતિ નથી હોતી. અતિ હંમેશાં અંત જ નોતરે છે.
તમને ખબર છે તમારા માટે કયા વિચારો સારા છે અને કયા ખરાબ છે? એક ફિલોસોફર હતો. એક માણસે તેને સવાલ પૂછ્યો કે, વિચારોને કેમ પારખવા? ફિલોસોફરે કહ્યું, બહુ જ સરળ છે. જે વિચારો તમને દુ:ખી કરે, ઉદાસ કરે, નારાજ કરે, ગુસ્સે કરે કે ઉશ્કેરે એ વિચારો ખરાબ છે. જે વિચાર તમને હળવાશ આપે, ખુશી આપે, પોતાની હયાતીનો અહેસાસ કરાવે એ સારા વિચાર છે. માણસની માનસિક સ્વસ્થતાનો આધાર તેના વિચારો પર જ રહે છે. જિંદગીમાં ક્યારેક કંઇ ન ગમે એવું, દુ:ખી કરે એવું, હતાશા થાય એવું બનવાનું જ છે. બધું આપણું ધાર્યું થતું હોત તો કોઇ માણસ ન ગમે એવું થવા જ ન દેત. અમુક સમય, અમુક સંજોગ અને અમુક સ્થિતિ આપણા કંટ્રોલમાં હોતી નથી. આપણે તેને ફેસ કરવી જ પડે છે. એની સાથે એ પણ જરૂરી છે કે, એનાથી જેમ બને એમ મુક્ત પણ થવું પડે છે. મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ તેના વધુ પડતા વિચારોથી બચવાનો છે. એકને એક વિચારો કરતા રહો તો તેમાંથી ક્યારેય છુટકારો મળવાનો નથી. એક ટીચરે આ જ વાતને જરાક જુદી રીતે કહી. આપણે આંકડા લખવાનું શીખતા હોઇએ ત્યારે એકને એક આંકડો વારંવાર ઘૂંટીએ છીએ. જેમ જેમ ઘૂંટીએ એમ એમ એ ઘટ્ટ થતો જાય છે. એક આંકડો આવડી ગયા પછી એને ઘૂંટવાનું બંધ કરવું પડે છે. એને છેકીને નવો આંકડો લખવો પડે છે. જિંદગીમાં પણ કેટલાક બનાવને છેકવા પડે છે. શું યાદ રાખવું એ શીખવા કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે, શું ભૂલી જવું? ઘણા લોકોને એની જિંદગીમાં જે બની ગયું હોય છે એ ભૂલવું હોય છે, પણ એને એ ખબર નથી હોતી કે, ભૂલવા માટે શું કરવું? જે થઇ ગયું છે એના વિચારો જ નહીં કરવાના. વિચારોના વમળમાંથી બહાર ન નીકળીએ તો એમાં જ ઘેરાઇ જઇએ છીએ.
એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. સમય જતાં તેને સમજાયું કે, જે છોકરાને તે પ્રેમ કરે છે એ સારો માણસ નથી. છોકરી સમજુ હતી. તેણે એ છોકરા સાથે બ્રેકઅપ કરી નાખ્યું. બ્રેકઅપ તો થઇ ગયું, પણ એ છોકરો તેના મગજમાંથી ખસતો નહોતો. તેણે કહ્યું કે, મારે તેને ભૂલવો છે, મને સમજાતું નથી કે હું શું કરું? તેની ફ્રેન્ડે કહ્યું કે, તું જ્યાં સુધી એના વિચારો કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તારો છુટકારો થવાનો જ નથી. ભૂલવાના થોડાક ઉપાય તને કહું. તું તારા વિચારોને નવી દિશા આપ. તને ગમતું હોય એવું કંઇક કર. સંગીત સાંભળવું ગમે તો એ કર અને વાંચવાની મજા આવતી હોય તો તારું ગમતું પુસ્તક લે. એક ઉપાય વાતાવરણ બદલવાનો પણ છે. ક્યાંક ફરવા જા. અંદરનું વાતાવરણ બદલવા માટે ક્યારેક બહારના વાતાવરણમાં પરિવર્તનનો પ્રયોગ પણ કરી જોવો જોઇએ. એમાંથી કંઇ પણ કરતાં પહેલાં તો તું તારા મનથી નક્કી કર કે, મારે આમાંથી મુક્ત થવું છે. હું તો તને માર્ગદર્શન આપી શકું, પણ છેલ્લે તો જે કરવું પડશે એ તારે જ કરવું પડશે. મંજિલનો રસ્તો કોઇ ચીંધી શકે, પણ ચાલીને ત્યાં તો આપણે જ પહોંચવું પડે. હા, તું નક્કી કરી લે તો કંઇ અઘરું નથી.
આપણે જો ધ્યાન ન રાખીએ તો ખોટા અને ખરાબ વિચારોની પણ આદત પડી જાય છે. એક યુવાનની આ વાત છે. એ સતત ચિંતામાં જ રહે. મારી સાથે આમ થશે તો? કોઇ મને હેરાન કરશે તો? મને નિષ્ફળતા મળશે તો? મારા લોકો મને છોડી જશે તો? મારી પાસે જે છે એ ચાલ્યું જશે તો? આવા કોઇ ને કોઇ વિચારો તેને સતત પજવતા રહેતા હતા. એક વખત એ એક સંતને મળ્યો. સંતને તેણે કહ્યું કે, મને આવી વાતનો ડર લાગે છે. સંતે બધી વાત સાંભળીને કહ્યું, તને જે વાતનો ડર લાગે છે એવું કંઇ તારી જિંદગીમાં થયું છે? યુવાને કહ્યું, કંઇ થયું તો નથી પણ થશે તો? સંતે કહ્યું, પહેલાં થવા તો દે! કંઇ થાય ત્યારે વિચારજે કે હવે શું કરવું? થયું નથી ત્યાં સુધી શા માટે ચિંતા કરે છે? કંઇ થયું હોયને તું સલાહ લેવા આવે એ સમજી શકાય એવી વાત છે. કંઇ થયું જ નથી અને તને ડરે લાગે છે એ તારો ભ્રમ છે. તું ખોટા અને ખરાબ વિચાર કરવાનું બંધ કરી દે. મને ખબર છે ત્યાં સુધી તારી જિંદગીમાં બધું જ સારું છે. કુદરતે તને તારી જિંદગી સરસ રીતે જીવી શકાય એ બધું જ આપ્યું છે. તું સરખી રીતે ન જીવે તો એમાં તારા સિવાય બીજા કોઇનો વાંક નથી.
એક ફકીર હતો. એક માણસે તેને સવાલ પૂછ્યો. આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ છે? ફકીરે કહ્યું, જે પોતાને સૌથી સુખી માણસ સમજે એ! તું જો તારી જાતને સૌથી સુખી માને તો તું પણ વિશ્વનો સૌથી સુખી માણસ છે. દુનિયામાં કોઇ એવો ક્રાઇટેરિયા નથી કે, આટલું હોય એ માણસ સુખી ગણાય અને આટલું ન હોય એ માણસ દુ:ખી ગણાય. સુખનું કોઇ માપ નથી. સુખ મીટર, લિટર, કિલો કે કોઇ વજનથી માપી શકાતું નથી. જે માપી શકાતું નથી એ પામી શકાતું હોય છે. આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે, આપણે માપવાની વેતરણમાં જ પડ્યા રહ્યા છીએ, પામવાનો પ્રયાસ જ નથી કરતા. પામવું હોય તો આપણા પૂરતું આપણી પાસે હોય જ છે.
આપણું મન, આપણા વિચારો આપણને શાંતિ લેવા દેતા નથી. આપણે આપણા જ કોઇ ને કોઇ વિચારોમાં જકડાઇ જઇએ છીએ અને પછી આપણે જ એમાંથી મુક્ત થવા માટે ફાંફાં મારીએ છીએ. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે ફિલોસોફરને પૂછ્યું, જિંદગીને સરસ રીતે જીવવાનો શ્રેષ્ઠ રસ્તો શું છે? ફિલોસોફરે કહ્યું, મનમાંથી તમામ પ્રકારના ભય હટાવી દો. કોઇ જ ડરને તમારી જિંદગીમાં પ્રવેશવા ન દો. આપણે કોઇ ને કોઇ ડરમાં જીવીએ છીએ એટલે જિંદગીને સરસ રીતે જીવી શકતા નથી. બધું સરખું હોય તો આપણને મોતનો ડર સતાવવા લાગે છે. જિંદગીને સંપૂર્ણ રીતે જીવવા માટે મનમાંથી ડરને હડસેલવો પડે છે. જિંદગીમાં કશા પર આપણો કંટ્રોલ નથી. આપણા જન્મ પર પણ ક્યાં આપણો કંટ્રોલ હતો? કુદરતે નક્કી કર્યું હતું ત્યાં આપણો જન્મ થયો. એમાં આપણી કોઇ ચોઇસ હતી જ નહીં. મૃત્યુ પર પણ ક્યાં આપણો કંટ્રોલ છે? ક્યાં અને કેવી રીતે મૃત્યુ થશે એ કોઇ નથી જાણતું. કશા જ પર આપણો કંટ્રોલ ન હોય તો પછી ડર કઇ વાતનો છે? જિંદગીમાં કંઇ જ કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો. જિંદગીને વહેવા દો. તમે વહેવા નહીં દો તો પણ જિંદગી રોકાવાની તો નથી જ. જિંદગી માટે સૌથી મહત્ત્વની વાત હોય તો એ જ છે કે, એને જીવી જાણો. વિચારો પણ એવા જ કરો જે જિંદગીને વધુ જીવવા જેવી બનાવે. કેવી રીતે જીવવું એ આપણે જ નક્કી કરી શકીએ. ઇશ્વરે દરેકને એની ચોઇસ આપી જ છે. કોણ સરસ રીતે જીવવાની ના પાડે છે? મનથી અને વિચારોથી ખડા થતા અવરોધોને હટાવી દો. જિંદગી જીવવાનો રસ્તો એકદમ સાફ અને સરળ બની જશે.
છેલ્લો સીન :
મૌનનો મહિમા ખૂબ ગવાયો છે. ચૂપ રહેવું એ જ માત્ર મૌન નથી. વિચારોને વિરામ આપવો એ પણ એક પ્રકારનું મૌન જ છે. કંઇ વિચાર ન કરવાની અવસ્થા જે મેળવી જાણે છે એ સંસારમાં રહીને પણ સંતની કક્ષાને પામતા હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 06 જુલાઇ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

તું ખોટા અને ખરાબ વિચાર કરવાનું બંધ કર –
ઉત્તમ લેખ છે. બાલપણમા એકડો ઘૂંટતા હતા તેમ સ્વના દોષ પર વિચાર કરતા રહીને પોતેજ મુક્ત થવાનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરતા રહેવું, અને પ્રયત્ન કરતા મુંજાઈ જવાય ત્યારે કોઈ જ્ઞાની ને મળીને સમાધાન લાવવું એજ સાચો ઉપાય હોય છે.
Thank you. 🙂