મેં વિચારી હતી એવી લાઇફ તો છે જ નહીં! – ચિંતનની પળે

મેં વિચારી હતી એવી
લાઇફ તો છે જ નહીં!

50

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જહાં ભી જાના તો આંખોમે ખ્વાબ ભર લાના,
યે ક્યા કિ દિલ કો હમેશા ઉદાસ કર લાના.
– અહમદ ફરાઝ

તમારી જિંદગી કેવી છે? તમે વિચારી હતી એવી જ છે? ના, એવી નહીં હોય. વિચારી હશે તેનાથી કદાચ થોડી સારી હશે. કદાચ વિચારી હશે તેનાથી થોડીક નબળી કે જુદી હશે. જિંદગીમાં આપણને ઘણી વખત એવું થયું હોય છે કે, આવું તો મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. વિચાર્યું ન હોય એવું થાય એનું નામ જ જિંદગી છે. અચાનક કંઈક એવું બની જાય છે કે આખી જિંદગી બદલાઈ જાય. સમયની સાથે વ્યાખ્યાઓ બદલાતી રહે છે. શબ્દોના અર્થ બદલાતા રહે છે. સમજ બદલે છે, શાણપણ બદલે છે, સંવેદના બદલે છે અને સંબંધ પણ બદલે છે. બદલાવ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે એ સ્વીકારી શકતા નથી. સ્વીકાર ન હોય ત્યાં સંઘર્ષ હોવાનો જ.

સંઘર્ષ માત્ર બહારના સંજોગો કે બહારની વ્યક્તિનો જ નથી હોતો, મોટાભાગના સંઘર્ષો પોતાની સાથેના હોય છે. જે પોતાની જાત સાથેના સંઘર્ષમાં વિજયી બને છે તે બહારનાં પરિબળો સામે ઓછો પરાજિત થાય છે. આપણો સંઘર્ષ આપણી સાથે જ ચાલતો રહે છે. આ ગમે છે. આ નથી ગમતું. મારું ધાર્યું નથી થતું. મને ગમે એવું કોઈ કરતું નથી. મારું નસીબ મને સાથ નથી આપતું. મારો સમય ખરાબ છે. મારા ભાગે કંઈ સારું આવ્યું જ નથી. મારી કોઈને કદર નથી. મારી લાગણીઓને કોઈ સમજતું નથી. મને મારો પ્રેમ મળતો નથી. કેટલું બધું મનમાં ચાલતું રહે છે? ગુસ્સો એમ ને એમ નથી આવતો. ઉદાસી એમ જ ચડી નથી આવતી. હતાશા કંઈ એમ જ હાવી થઈ જતી નથી. એ બધાનાં કારણો હોય છે અને એમાં સૌથી મોટું કારણ આપણે પોતે હોઈએ છીએ. આપણે બધું કંટ્રોલ કરવું હોય છે, હકીકતે આપણે આપણને જ કંટ્રોલમાં રાખવાના હોય છે.

પરિબળો અને પરિસ્થિતિ હંમેશાં પડકાર જ આપે છે. કોઈને વધુ હોય છે અને કોઈને ઓછા પડકાર હોય છે. પડકાર ગમે તેવડો હોય, પણ આખરે તો એ એવડો જ હોય છે જેવડો આપણે તેને સમજીએ. જે છે એ છે, એનો સ્વીકાર થવો જોઈએ. સ્વીકાર પણ સહજ હોવો જોઈએ, કારણ કે આખરે સ્વીકારવું તો પડે જ છે. આપણે જિંદગીની કલ્પનાઓ સુંદર જ કરી હોય છે. ફિલ્મો, વાર્તાઓ અને ઇચ્છાઓ આપણાં મનમાં સુંદર વાર્તાઓ ઘડે છે. જિંદગી આવી હોય તો મજા પડે. લીલોતરી કલ્પનાઓમાં પણ ક્યારેક પાનખર બેસતી હોય છે. આપણે એને જિંદગીનો ભાગ સમજતા નથી એટલે આપણે દુ:ખી થતા રહીએ છીએ.

લગ્ન બાદ બે બહેનપણીઓ મળી. જિંદગી, પતિ અને સુખ વિશે વાતો થઈ. એક બહેનપણીએ કહ્યું કે, તારી લાઇફ કેવી છે? જવાબ મળ્યો, એકદમ રોકિંગ! હું તો એકદમ એન્જોય કરું છું. લાઈફ ઇઝ બ્યુટીફૂલ. બીજી બહેનપણીએ પૂછ્યું, તારી લાઇફ કેવી છે? બહેનપણીનો જવાબ હતો, જવા દે યાર, મેં વિચારી હતી એવી લાઇફ તો છે જ નહીં. આખો દિવસ બિઝી રહેવાય છે. કામ, કામ અને બસ કામ. નવરી જ નથી પડતી. મારા માટે મને સમય જ નથી મળતો. એણે પછી ગણાવાનું શરૂ કર્યું. સવારે ઊઠીને દીકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલવાનો. એ જાય પછી હસબન્ડ માટે તૈયારી કરવાની. એ પછી ઘરનું કામ. માંડ નવરી પડું ત્યાં દીકરો સ્કૂલેથી આવી જાય. એનું કામ અને એનું હોમવર્ક. એ પત્યું ન હોય ત્યાં હસબન્ડ ઓફિસથી આવી જાય. આખો દિવસ ક્યાં ચાલ્યો જાય છે એની ખબર જ નથી પડતી. આ સાંભળીને એની બહેનપણીને આશ્ચર્ય થયું. અરે યાર! મારું ડેઇલી શિડ્યુલ પણ આવું જ છે. તારા જેવું જ. નવરી તો હું પણ નથી રહેતી. તને ખબર છે આપણા બંનેની લાઇફ એકસરખી જ છે. છતાં મને એ લાઇફ રોકિંગ લાગે છે અને તને બોરિંગ! તારામાં પરિસ્થિતિનો સ્વીકાર નથી. તું તને ગમતું હોય એવું થોડુંક કરને! બાકી બધું તારું ગમતું જ થાય એ તો ક્યારેય શક્ય બનવાનું જ નથી. આપણે ફરિયાદ કરતાં હોઈએ છીએ ત્યારે ઘણી વખત આપણે જ ગુનેગાર હોઈએ છીએ.

બહેનપણીએ વાત આગળ વધારી. મને પણ અગાઉ તારા જેવું જ થતું હતું. લાઇફનો મતલબ સમજાતો ન હતો. એક વખત મેં મારા હસબન્ડને પૂછ્યું. તું તારી લાઇફથી ખુશ છે? તેં વિચારી હતી એવી જિંદગી છે? તેણે કહ્યું, એક પ્રશ્નનો જવાબ હા છે અને બીજા પ્રશ્નનો જવાબ ના છે. મારી લાઇફથી ખુશ રહેવું કે નહીં એ તો મારે નક્કી કરવાનું છે. મારા સિવાય એ નક્કી પણ કોણ કરે? મેં નક્કી કર્યું છે કે હું મારી લાઇફથી ખુશ રહીશ. લાઇફ લાઇફ હોય છે. કેવી છે એ લેબલ તો આપણે લગાડતા હોઈએ છીએ! હા, હું મારી લાઇફથી ખુશ છું. હવે બીજી વાત. મેં વિચારી હતી એવી લાઇફ છે કે નહીં? તેનો જવાબ છે, ના. બિલકુલ નથી. મારે ડૉક્ટર થવું હતું. ન થઈ શક્યો. કારણમાં નથી પડવું, કારણ કે કારણનો કોઈ અર્થ નથી હોતો, અર્થ પરિણામનો જ હોય છે, અર્થ પરિસ્થિતિનો હોય છે. મેં કમ્પિટિટિવ એક્ઝામ આપી. બેન્કમાં જોબ મળી. હસતા મોઢે સ્વીકારી લીધી. મહેનત કરી. મેનેજર થયો. આટલા દૂરના શહેરમાં આવવાનું વિચાર્યું ન હતું. આવવું પડ્યું. આવી ગયો. સ્વીકારી લીધું. ખુશ છું. જે છે તેનાથી. તું છે. દીકરી છે. ઘર છે. આપણી નાની-નાની ખુશીઓ છે. લાઇફ વિચારી હતી એવી નથી, પણ જે છે એને હું શા માટે ખરાબ, અયોગ્ય કે બેકાર સમજુ? પતિની વાત પછી મેં મારી જિંદગી પ્રત્યેનો નજરિયો બદલી નાખ્યો. ખુશી, આનંદ, સુખ, મજા એ બધું તો આખરે આપણું આપણા માટે અને આપણા દ્વારા જ બંધાતું પર્સેપ્શન છે. માનીએ તો જિંદગી સારી છે અને ન માનીએ તો જિંદગી ખરાબ છે. જિંદગી જેવી છે એવી જિંદગીને ન સ્વીકારીએ તો સુખનો અનુભવ થાય જ નહીં.

દરેક માણસ પાસે સુખી થવા જેટલું હોય જ છે. આપણે આપણી પાસે જે હોય છે તેને નાનું કે ઓછું સમજીએ તો સુખ નાનું અને ઓછું જ લાગવાનું છે. આફ્ટર ઓલ, મજા કે સુખ એ બહારની વાત જ નથી. એ તો અંદરની વાત છે. સુખ આપણી મુઠ્ઠીમાં હોય છે અને આપણે સુખ માટે બાચકાં ભરતાં હોઈએ છીએ. બધું ક્યારેય ગમતું નહીં હોવાનું. લાઇફ આપણે ઇચ્છીએ, આપણે વિચારીએ કે આપણે કહીએ એમ ક્યારેય નથી ચાલવાની, આપણે લાઇફના ઇશારે ચાલવાનું હોય છે. હા, લાઇફ આપણને એટલી ચોઇઝ ચોક્કસ આપે છે કે તમારે ખુશ અને સુખી રહેવું હોય તો રહો, મારી ના નથી. હું તો મારી રીતે જ ચાલવાની. હું એવું નથી કહેતી કે તમે પણ મારી જેમ ચાલો. હું તો કહું છું, તમે તમારી જેમ ચાલો. જિંદગી કહે છે કે તમે તમારી જેમ ચાલશો તો જ મારી આગળ નીકળી શકશો. હું તો ઇચ્છું છું કે તમે મારી આગળ નીકળો. મને જીતી લો. મને સ્વીકારી લો. મને એન્જોય કરો. આખરે એ તમારા જ હાથમાં છે. ન રહેવું હોય તો અમીર માણસ મહેલમાં પણ મજાથી રહી શકતો નથી અને કોઈ ફકીર એની ઝૂંપડીમાં પણ મસ્ત રહેતો હોય છે. જિંદગી કહે છે, હું તો તારી અંદર છું અને તું મને બહાર શોધતો રહે છે. તારી જિંદગી તારા હાથમાં છે. હું તો વહેતી રહેવાની છું, તું રડીશ તોપણ અને તું હસીશ તોપણ! હસતો રહીશ તો હળવાશ લાગશે. આખરે તારી લાઇફ એવી જ રહેશે જેવી તું એને માનીશ! હું તો સુંદર જ છું. તું મને સુંદર ન માને તો એમાં વાંક મારો નથી! હું તો તને ખુશ જોવા અને સુખી કરવા જ આવી છું, તું નક્કી કરી લે તારે મારી સાથે કેવો વર્તાવ કરવો છે. હું તો તું જેમ ઢાળીશ એમ ઢળી જઈશ. તું રાજા બનાવે તો રાજા બની જઈશ અને રાક્ષસ બનાવે તો રાક્ષસ બની જઈશ. નક્કી તો તારે જ કરવાનું છે કે તારે જિંદગીને કેવી બનાવવી છે!

છેલ્લો સીન:
જિંદગીને સમજવામાં જ જો રચ્યાપચ્યા રહેશો તો જિંદગી જીવવાનું રહી જશે! જિંદગી વ્યાખ્યા કરવા માટે નહીં, પણ જીવવા માટે હોય છે. –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.07 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

07 SEPTEMBER 2016 50

Krishnkant Unadkat

Krishnkant Unadkat

8 thoughts on “મેં વિચારી હતી એવી લાઇફ તો છે જ નહીં! – ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: