સેલ્ફ કાઉન્સેલિંગ : પોતાની
જાતને ધરપત આપતા રહો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
મુશ્કેલી અને ઉપાધિઓમાં જે માણસ પોતાનો જ સહારો લઈ
શકે છે, એણે બીજા પર આધાર રાખવો પડતો નથી.
મનની શક્તિને ઓળખી અને તેને કામે લગાડવા જેવી છે,
સાંત્વના અને આશ્વાસન માટે લાચાર ન બનો.
———–
મનની શક્તિ અગાઢ અને અપાર છે. મન કે હારે હાર હૈ ઔર મન કે જીતે જીત એમ જ તો નહીં કહેવાયું હોયને! જેણે પોતાના મનને જીતી લીધું છે એ સંસારમાં રહીને પણ સંતની કક્ષાએ જીવે છે. તન નબળું હોય તો વાંધો નથી આવતો, પણ મન જો નબળું પડ્યું તો તાકાતવર માણસ પણ નમાલો થઇ જાય છે. મન માણસને નચાવતું રહે છે. ક્યારેક મન મૂરઝાઇ જાય છે તો ક્યારેક મન મૂંઝાઇ જાય છે. દરેકેદરેક માણસ જિંદગીમાં ક્યારેક તો ડાઉન થાય જ છે. કેટલાક લોકો તરત જ તેમાંથી બહાર આવી જાય છે, જે બહાર નથી આવતા એ હતાશામાં સરી જાય છે. મનને ક્યારેક મારવું પડે છે અને ક્યારેક મનને પટાવવું પડે છે. મનને મનન સાથે નજીકનો નાતો છે. આપણે મન વિશે કેટલો વિચાર કરીએ છીએ? મન જ્યારે હાથમાંથી છટકતું લાગે ત્યારે આપણને કેટલી ખબર હોય છે? મનને મજબૂત રાખવા માટે માણસે પોતાના વિચારો પર નજર રાખવી પડે છે. નબળા વિચારો જે ટાળી કે ખાળી શકે છે એ મનને પોતાના વશમાં રાખી શકે છે. જિંદગીમાં પડકારો આવવાના જ છે. એ સમયે તેનો સામનો સ્વસ્થતાપૂર્વક કરવો પડે છે. જાતને સંભાળવી પડે છે.
ડિપ્રેશન અને સેલ્ફ કાઉન્સેલિંગ વિશે હમણાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. હતાશ થયેલા અને હતાશામાંથી બહાર આવેલા લોકો પર થયેલા આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, જેને સેલ્ફ કાઉન્સેલિંગ ફાવે છે એ વ્યક્તિ બહુ ઝડપથી હતાશામાંથી બહાર આવી શકે છે. માણસે અમુક અઘરા સંજોગોમાં પોતાની જાતને સાંત્વના અને આશ્વાસન આપવાં પડે છે. ઇટ્સ ઓકે, ચાલ્યા રાખે, આવું થાય એવું મનને કહેવું પડે છે. માણસ સાથે કંઇ ન બનવા જેવી ઘટના બને છે ત્યારે એ સમય, સંજોગ, સંબંધથી માંડીને નસીબને દોષ દેવા લાગે છે. એના કારણે આવું થયું, મારા લક જ ખરાબ છે, મારો કોઇ વાંક નથી એવું માણસ વિચારતો રહે છે. ઘણી વખત ખરેખર માણસનો કંઇ વાંક નથી હોતો. ખરાબ, અજુગતું કે નુકસાનકારક કંઇક ગમે તે કારણોસર થઇ શકે છે. આપણી લાઇફમાં સરવાળે જે બને છે એને આપણે કેવી રીતે લઇએ છીએ તેના પર ટટ્ટાર રહેવાનો કે ભાંગી પડવાનો બહુ મોટો આધાર રહે છે.
માણસ અત્યારના સમયે વધુ ને વધુ એકલો પડતો જાય છે. માણસ આસાનીથી કોઇ પર ભરોસો મૂકી શકતો નથી. ડિસ્ટર્બ હોય ત્યારે પણ માણસ કોઇને વાત કરતો નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતા માણસના વાસ્તવિક સંબંધો પણ એટલા સક્ષમ રહ્યા નથી. ખરાબ સમયમાં માણસને સાથ કે સાંત્વના મળતાં નથી. કોઇ સાંત્વના આપે તો પણ માણસ પર ધારી અસર થતી નથી. એમાંયે જેના પર ભરોસો હોય એના તરફથી સારો પ્રતિસાદ ન મળે ત્યારે માણસને એવું લાગે છે કે, જરૂર હોય ત્યારે કોઇ કામ આવતું નથી. બધાને જિંદગીમાં ક્યારેક તો એવું લાગ્યું જ હોય છે કે, હું સાવ એકલો છું. મારું કોઇ નથી. દરેક વખતે એવું હોતું નથી, પણ અમુક સમયે માણસની માનસિક સ્થિતિ જ એવી થતી હોય છે જ્યારે એને એકલા પડી ગયા હોય એવું લાગે છે. જે માણસનું મન મજબૂત છે એ આવી પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકે છે.
આમ તો એ બધાને ખબર હોય છે કે, મનને મજબૂત રાખવું જોઇએ. કોઇ પરિસ્થિતિથી ડરી કે ડગી જવું ન જોઇએ. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આવી બધી સમજનું બાષ્પીભવન થઇ જાય છે. અલબત્ત, તેના માટે પણ કેટલાક ઉપાયો સૂચવવામાં આવે છે. સૌથી પહેલી વાત તો જ્યારે નબળા પડીએ ત્યારે જ નહીં, સબળા હોઇએ અને કંઇ પ્રોબ્લેમ ન હોય ત્યારે પણ એવા વિચાર કરતા રહેવા જોઇએ કે, ગમે એવા સંજોગો આવે તો પણ હું નબળો નહીં પડું. બીજો પણ એક સરસ ઉપાય છે. એ દરેક માણસે ફોલો કરવા જેવો છે. રોજ સવારે ઊઠો ત્યારે પથારીમાં પડ્યા પડ્યા જ પહેલો વિચાર એવો કરો કે, મારે મારો આજનો દિવસ સરસ રીતે જીવવો છે. કોઇ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા હોવ તો પણ સૌથી પહેલો વિચાર એ કરો કે, આ મુશ્કેલી પણ ચાલી જવાની છે. મારે ખોટા વિચારો કરવાની કે કોઇ વાતથી ડરવાની જરૂર નથી. કેટલાક લોકો સવારે ઊઠતાંવેંત જ નેગેટિવ વિચારો કરવા લાગે છે. કેવી રીતે બધું થશે? હું પહોંચી વળીશ કે નહીં એવા સવાલો મનને ઘેરી વળે છે. સવાર જ જો નબળી હશે તો આખો દિવસ ખરાબ જશે. બને ત્યાં સુધી રાતના સૂતી વખતે પણ બને એટલા વિચારો ટાળવા જોઇએ. કંઇ સમસ્યા હોય ત્યારે માણસને ઊંઘ નથી આવતી, એનું કારણ બીજું કશું જ નહીં, પણ આપણને સતત આવતા નેગેટિવ વિચારો જ છે. એક ઉપાય એક્સ્ટ્રીમ વિચારવાનો પણ છે. થઇ થઇને શું થઇ જવાનું છે? કંઇ આભ ફાટી પડવાનું નથી! આ સમય પણ ચાલ્યો જવાનો છે. હકીકતે આપણે કાલ્પનિક ભયમાં વધારે જીવતા હોઇએ છીએ. આમ થશે તો તેમ થશે અને તેમ થશે તો ન થવાનું થઇ જશે. એવું કંઇ થતું હોતું નથી. એક વાત યાદ રાખવા જેવી છે કે, ગમે તે થાય તો પણ જિંદગી અટકવાની નથી. જિંદગી ચાલતી રહેવાની છે. જિંદગી ચાલે છે ત્યાં સુધી દરેક સમસ્યાનાં સમાધાન અને ઉકેલ છે.
દર વખતે બધું કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવાની પણ કંઇ જરૂર હોતી નથી. કેટલાક સંજોગોમાં આપણા હાથમાં કંઇ હોતું જ નથી. આવા સંજોગોમાં સમય અને કુદરત પર ઘણું બધું છોડી દેવું પડતું હોય છે. એવા સમયે પેલી થિયરી અપનાવવા જેવી છે કે, જે થાય છે એ સારા માટે થાય છે. જે થશે એ સારું જ થશે. ખરાબ થવામાં પણ કુદરતના કંઇ સંકેત હશે. ખરેખર એવું હોય પણ છે. આપણને ઘણી વખત પાછળથી સમજાય છે કે, ખરાબ થયું એ પણ સારા માટે થયું હતું.
જિંદગીને વધુ પડતી ગંભીરતાથી લેવાની પણ જરૂર હોતી નથી. કેટલાક લોકો લાઇફને વધુ પડતી સિરિયસલી લઇ લે છે અને એટલા બધા ભારે થઇ જાય છે કે, જિંદગી હળવાશથી જીવી જ શકતા નથી. બહુ ભાર લઇને ન ફરો. એનાથી કોઇ ફાયદો થવાનો નથી. બને ત્યાં સુધી તમારા સંબંધોને જીવતા રાખો. દોસ્તો અને સ્વજનોને મળતા રહો. કેટલાક એવા મિત્રો પણ રાખો જેને દિલની બધી જ વાત કહી શકાય. મૂંઝવણ અનુભવો ત્યારે તેમને કોઇ વાત સંકોચ રાખ્યા વગર કહો. અંદર ને અંદર શોષવાતા ન રહો. વ્યક્ત થતાં રહો. સૌથી મહત્ત્વની વાત સંબંધોને સજીવન રાખવાની છે. તમારી પાસે એવી વ્યક્તિ છે જે તમારી વાત સમજી અને સ્વીકારી શકે છે. જો હોય તો એને સાચવી રાખો. એક સિમ્પલ રસ્તો એ છે કે, સોશિયલ મીડિયાને જેટલો સમય આપો એટલો કે એનાથી વધુ સમય વાસ્તવિક સંબંધોને આપો. સંવાદ કરતા રહો. એ સાથે જ સેલ્ફ કાઉન્સેલિંગ પણ કરતા રહો. કેટલાક સંજોગોમાં આપણે જ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનવું પડતું હોય છે. જિંદગીમાં જે કોઇ ઘટના બને છે એને સાક્ષીભાવે જોતા પણ શીખવા જેવું છે. બધા સાથે સારું અને નરસું બનતું જ હોય છે. માનસિક તૈયારી રાખો કે, જિંદગીમાં ક્યારેક ખરાબ સમય પણ આવવાનો છે. તેની સાથે એવું પણ વિચારતા રહો કે, જે કંઇ થાય એને હું પહોંચી વળીશ. માણસે પોતાની તાકાતને ઓળખવી પડે છે અને જરૂર પડ્યે એ તાકાતને અમલમાં પણ મૂકવી પડે છે. ગમે તે થાય, વિચારોથી ક્યારેય નબળા ન પડીએ તો દરેક પ્રોબ્લેમનો સામનો સરળતા અને સહજતાથી થઇ શકે છે.
————
પેશ-એ-ખિદમત
પત્તે સબ ગિર ગએ પેડોં સે મગર ક્યા કહિએ,
ઐસા લગતા હૈ હમેં જૈસે હુઆ કુછ ભી નહીં,
ઢૂંઢના છોડ દો પરછાઇ કા મસ્કન યારોં,
ચાહે જિસ તરહ જિયો ઇસમેં નયા કુછ ભી નહીં.
(મસ્કન – નિવાસ, ઘર) – સલમાન અખ્તર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 નવેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
