માનસિક શાંતિ માટે કરવા જેવું કામ DIGITAL DETOX – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

માનસિક શાંતિ માટે

કરવા જેવું કામ

DIGITAL DETOX

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

નક્કી કરો કે રોજ અમુક કલાકથી વધુ મોબાઇલનો ઉપયોગ કરવો નથી.

મોબાઇલની પણ પરેજી પાડવી પડે એમ છે!

મોબાઇલથી થતાં નુકશાનની ખબર હોવા છતાં કોઇ તેને છોડી કેમ નથી શકતું?

આપણો સૌથી વધુ સમય મોબાઇલ ખાઇ જાય છે અને આપણને ખબર પણ પડતી નથી!

———-

દિલ પર હાથ મૂકીને એક વાતનો જવાબ આપજો. મોબાઇલમાં સમય બગાડ્યા બાદ તમને અફસોસ થાય છે કે નહીં? મોબાઇલના કારણે સમય અને મગજ બગડે છે એવો વિચાર તમને આવે છે કે નહીં? આવતો જ હશે. માત્ર તમને જ નહીં, બધા લોકોને એવું થાય જ છે કે, આ મોબાઇલ માથાનો સૌથી મોટો દુખાવો છે. મજાની વાત એ છે કે, આપણને બધાને બધી વાતનું ભાન હોવા છતાં આપણે મોબાઇલને છોડી શકતા નથી. મોબાઇલનો એવો ચસકો લાગી ગયો છે કે, એના વગર ચાલતું જ નથી. મોબાઇલના કારણે માણસ માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યો છે. માણશ જાતજાતના ભય અને ભ્રમમાં જીવવા લાગ્યો છે. માણસની સંવેદનાઓ બુઠ્ઠી થવા લાગી છે. માણસના સંબંધો પાતળા પડી રહ્યા છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં માણસ એવો ખોવાઇ ગયો છે કે, પોતાને જ મળતો નથી! આ બધામાં સારી વાત એ છે કે, લોકોને હવે એ વાત સારી રીતે સમજાવા લાગી છે કે, મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ. મોબાઇલથી બને એટલા દૂર રહેવાય એ માટે લોકોએ પ્રયત્નો પણ શરૂ કર્યા છે.

મોબાઇલના વધુ પડતા ઉપયોગ અંગે કેટલાંક સાયકોલોજિસ્ટ્સ જે વાત કહે છે એ સમજવા જેવી છે. તેઓ કહે છે કે, ગમે તેમ તો યે મોબાઇલ અને ઇન્ટરનેટ હજુ દુનિયા માટે નવું છે. કોઇ પણ સાધન કે ટેકનોલોજી નવી આવે એટલે પહેલા તો લોકોને એનો ક્રેઝ રહેવાનો જ છે. રેડિયો આવ્યો ત્યારે પણ લોકોમાં આવો જ ક્રેઝ જોવા મળ્યો હતો. ટેલિવિઝને પણ લોકોને ગાંડા કર્યા હતા. અત્યારે મોબાઇલનો જમાનો છે. લોકો ધીમે ધીમે એનાથી પણ કંટાળવાના છે. લોકોને એ વાત પણ સમજાશે કે, જિંદગીમાં મોબાઇલ કરતા પણ બીજું ઘણું બધું મહત્ત્વનું છે. લોકો પોતાની રીતે જ મોબાઇલનો ઉપયોગ મર્યાદિત કરી નાખશે. અત્યારે જ દેશ અને દુનિયામાં ડિજિટલ ડિટોક્સના પ્રયોગો શરૂ થઇ ગયા છે. દુનિયાની ઘણી સેલિબ્રિટિઝ મોબાઇલથી દૂર રહેવા લાગી છે. ફિલ્મ અભિનેતા આમિર ખાને હમણા એવું કહ્યું હતું કે, ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કામ પર ધ્યાન આપી શકું એ માટે હું ત્રણ મહિના મોબાઇલ ફોનથી દૂર રહ્યો હતો. હોલીવૂડની પોપસ્ટાર સેલેના ગોમેઝ થોડા થોડા દિવસે મોબાઇલથી દૂર રહે છે. સેલેનાએ એક વખત તો નેવું દિવસ સુધી ફોનને હાથ લગાડ્યો નહોતો.

લોકો થોડીક વાર મોબાઇલ ન જુવે તો એને ચેન પડતું નથી. ફોન થોડીક મિનિટો માટે પણ મિસપ્લેસ થાય તો માણસને બધાથી ક્ટઓફ થઇ ગયા હોય એવું લાગવા માંડે છે. ફોનની રિંગ અને બીપર જો વાગતા ન રહે તો માણસને એવું લાગવા માંડે છે કે, મને કોઇ યાદ કરતું નથી. સોશિયલ મીડિયા પર કંઇક અપલોડ કર્યા પછી માણસ કેટલી લાઇક મળી અને કોણે શું કમેન્ટસ કરી એ જોવા લલચાતો રહે છે. ફોનની બેટરી ડાઉન થઇ જાય તો માણસને ચેન પડતું નથી. મોટા ભાગના યંગસ્ટર્સને એવો ભય સતાવતો રહે છે કે, મારા ફોનની બેટરી ખતમ થઇ જશે તો? તેનો સીધો અને સરળ જવાબ એ છે કે, કંઇ આભ ફાટી પડવાનું નથી. મોબાઇલ બંધ હશે તો બધું અટકી જશે એવો ભ્રમ રાખવાની કોઇ જરૂર નથી. મોબાઇલ નહોતા ત્યારે પણ દુનિયા સરસ રીતે ચાલતી હતી. મનોચિકિત્સકો કહે છે કે, તમે સારી જિંદગી જીવવા ઇચ્છતા હોવ તો  મોબાઇલનો સાવચેતીભર્યો ઉપયોગ કરતા શીખી જાવ. નહીંતર તમારી હાલત ખરાબ થઇ જશે.

લોકોને મોબાઇલની જે રીતની આદત પડી ગઇ છે એ જોતા એક ઝાટકે મોબાઇલથી છૂટકારો મળે એ વાતમાં માલ નથી. એના માટે ધીમા અને હળવા પ્રયાસો અને પ્રયોગો કરવાની જરૂર પડે છે. અઠવાડિયામાં એક દિવસ મોબાઇલથી દૂર રહેવાનું નક્કી કરો. રજાનો દિવસ હોય ત્યારે જો મોબાઇલથી દૂર રહી શકાય તો વધુ સારી વાત છે. એ દિવસે તમે તમારા માટે કંઇક કરી શકશો. મોબાઇલથી દૂર રહેશો ત્યારે તમને એવું થયા વગર નહીં રહે કે, મારી પાસે કેટલો બધો સમય છે! મોબાઇલથી જે લોકો તમારા સંપર્કમાં રહેતા હોય એ લોકોને પ્રેમથી કહી દેવાનું કે, આ દિવસે હું મોબાઇલથી દૂર હોઇશ એટલે કંઇ કામ હોય તો સીધો ફોન કરવો.

ડિજિટલ ડિટોક્સ કરાવનારે જ્યારે તેના ગ્રૂપમાં જોડાયેલા લોકોને એક દિવસ મોબાઇલથી દૂર રહેવાનું કહ્યું ત્યારે લોકોએ કહ્યું કે, આખો દિવસ તો કેવી રીતે દૂર રહેવું? એના ઉપાયમાં એવું કહેવાયું છે કે, આખો દિવસ ન રહી શકો તો પ્રારંભમાં થોડાક કલાક દૂર રહો. પહેલા એવું નક્કી કરો કે, હું બે કલાક સુધી ફોનને હાથ નહીં લગાડું. ધીમે ધીમે એ સમયગાળો વધારતા જાવ. મોબાઇલનો ઉપયોગ કર્યા પછી એટલું પણ વિચારો કે, મેં આટલો સમય શું કર્યું? મને એનાથી કંઇ ફાયદો થયો? મેં જે કર્યું એનાથી મારા મન અને મગજ પર શું અસર થઇ? હવે તો એવી ઢગલાબંધ એપ્લિકેશનો પણ આવી ગઇ છે જે તમને એ બતાવે કે, તમે આખો દિવસ દરમિયાન કેટલો સમય મોબાઇલનો ઉપયોગ કર્યો? ડિજિટલ ડિટોક્સમાં માત્ર મોબાઇલ જ આવે છે એવું નથી, ઘણા લોકોને ટેબલેટ, લેપટોપ કે કમ્પ્યુટર સાથે પણ સતત વળગેલા રહેવાની આદત પડી ગઇ હોય છે. તમામ પ્રકારની સ્ક્રીનથી દૂર રહીને પ્રકૃતિ સાથે સંધાન સાધવું અને પોતાની નજીક જવું જરૂરી છે.

મોબાઇલ ખરાબ નથી. ટેક્નોલોજીના અસંખ્ય ફાયદા છે. ફાસ્ટ કમ્યુનિકેશન માટે ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે. સમસ્યા અતિરેકની છે. દેશ અને દુનિયામાં જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે એ ખતરનાક છે. ટેક્નોલોજીની દુનિયામાં માત્ર એક મિનિટ એટલે કે સાંઇઠ સેકન્ડમાં શું થાય છે એની ખબર છે? એક જ મિનિટમાં વોટ્સએપ પર 6.90 કરોડ મેસેજ મોકલવામાં આવે છે. એક મિનિટમાં લગભગ સાત લાખ જેટલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ થાય છે. આપણે ત્યાં ટિકટોક પર પ્રતિબંધ છે પણ જ્યાં ચાલે છે ત્યાં દર મિનિટે પાંચ હજાર ટિકટોક ડાઉનલોડ થાય છે. એક મિનિટમાં 19.7 કરોડ ઇમેલ મોકલવામાં આવે છે. દર મિનિટે યુટ્યૂબ પર પાંચસો કલાકનું કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ અને સાયબર એટેકના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે. આ બધું તો એવું છે જેને ગણી શકાય છે, જેનો હિસાબ માંડી શકાય છે પણ લોકોને જે માનસિક અસરો થાય છે એ માપી શકાતી નથી. માણસ રિયલ જિંદગીથી દૂર થઇ રહ્યો છે. પોતાના લોકોને ગુમાવી રહ્યો છે. દરેકને વાઇરલ થઇ જવાના અને સેલિબ્રિટી બની જવાના ધખારા ઉપડે છે. લોકો રાતના સૂતી વખતે પણ મોબાઇલ ડેટા ઓફ કરતા નથી. મોબાઇલ એડિકશન વિશે થયેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, 33 ટકા લોકો જો એના હાથમાંથી મોબાઇલ લઇ લેવામાં આવે તો આકુળ વ્યાકુળ થઇ જાય છે. 70 ટકા લોકોએ એવું કહ્યું હતું કે, તેઓ રાતે સૂતા પહેલા ફોન ચેક કરી લે છે. 44 ટકા લોકો રાતે સૂતી વખતે મોબાઇલ ફોનને પોતાનો હાથ પહોંચે એટલો નજીક રાખે છે. એક્સપર્ટ્સ સારી ઊંઘ માટે એવી સલાહ આપે છે કે, સૂતા પહેલા એક કલાક અગાઉ ફોન બંધ કરી દેવો. મોટા ભાગના લોકોને ઉઠતા વેંત ફોન જોવાની આદત પડી ગઇ છે. સવારે ઉઠીને આરામથી ફ્રેશ થઇને જ મોબાઇલ જુઓ. ઉઠીને તરત મોબાઇલ જોશો ઉઠતાં વેત  જ મગજ પર સ્ટ્રેસ પેદા થશે. એક વાત યાદ રાખો, મોબાઇલ આપણા માટે છે, આપણે મોબાઇલ માટે નથી. મોબાઇલનો ઉપયોગ નહીં અટકાવો તો મોબાઇલ તમારા પર સવાર થઇ જશે. દરેક માણસે એ વિચારતા રહેવું જોઇએ કે, મોબાઇલે મને તો કંટ્રોલમાં લઇ લીધો નથીને? જો જરાયે એવું લાગતું હોય તો આજે જ સાવચેત થઇ જાય અને મોબાઇલથી દૂર રહેવાના પ્રયાસો શરૂ કરી દો!

હા, એવું છે!

માણસનો જન્મ થાય ત્યારે તેના મનમાં માત્ર બે પ્રકારના જ ડર હોય છે. એક પડી જવાનો ડર અને બીજો તીવ્ર અવાજનો ડર. એ સિવાયના ડર કે ભય માણસે પોતે પેદા કરેલા હોય છે. માણસ મોટો થતો જાય એમ એમ એ જાત જાતના ડરથી પીડાવવા લાગે છે. ફોબીયાઓ એમાંથી જ પેદા થયા છે!

 (‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 ફેબ્રુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *