નવરાત્રિ, ફેસ્ટિવલ મૂડ,
સંસ્કૃતિ અને પરંપરા
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
નવરાત્રિના પર્વની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે.
નવરાત્રિ સાથે જ દિવાળીનો ફેસ્ટિવલ મૂડ જામવા લાગે છે.
આપણી ઇકોનોમીને ધબકતી રાખવામાં તહેવારોનો મોટો ફાળો છે!
———–
તહેવારો આપણી જિંદગીને તરોતાજા અને બહેતર બનાવે છે. તહેવારો રૂટિનને બ્રેક આપે છે અને લાઇફને રિચાર્જ કરવાનો મોકો આપે છે. તહેવારો વિશે એવું કહેવાતું આવ્યું છે કે, જેના તહેવારો જબરજસ્ત છે એમની સંસ્કૃતિ અદ્ભુત છે. આપણે ત્યાં દર થોડા દિવસે કોઇ ને કોઇ તહેવાર આવતા રહે છે. એક તહેવાર પતે ત્યાં બીજાની રાહ જોવાય છે અને નવી તૈયારીઓ શરૂ થઇ જાય છે. તહેવારો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરે છે અને લોકોને એકબીજાથી જોડી રાખે છે. અત્યારે નવરાત્રિની જોરદાર ઉજવણી થઇ રહી છે. નવરાત્રિને ધ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અલબત્ત, નવરાત્રિ એ માત્ર ડાન્સ ફેસ્ટિવલ નથી, નવરાત્રિ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું પવિત્ર પર્વ છે. અત્યારની નવરાત્રિને ભલે આધુનિક રંગ લાગ્યો હોય, પણ તેમાં માતાજીની શ્રદ્ધા અને ભક્તિ તો જોડાયેલાં છે જ.
નવરાત્રિ એનર્જીનો તહેવાર છે. કોઇ માને કે ન માને, નવરાત્રિ સાથે કોઇ અલૌકિક તત્ત્વ તો જોડાયેલું છે જ. ગરબા ગ્રાઉન્ડમાં છોકરી અને છોકરાઓમાં જે થનગનાટ જોવા મળે છે એ જોઇને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આટલી એનર્જી આખરે આવે છે ક્યાંથી? કલાકો સુધી ગરબા કરવા એ કંઇ નાનીસૂની વાત તો નથી જ. માણસ થોડુંક ચાલે ત્યાં થાકી જાય છે, પણ ગરબાની વાત આવે ત્યારે થાક અનુભવાતો જ નથી. ગરબા ક્રેઝી યંગસ્ટર્સ નવરાત્રિની રાહ જોતા હોય છે. નવરાત્રિ પૂરી થાય એ પછી થોડાક દિવસ તો નવરાત્રિની અસરોમાંથી મુક્ત થવાતું નથી. ગરબા રમનાર યુવાનોના મોઢે એવું સાંભળવા મળે છે કે, બે-ચાર દિવસ તો મજા જ ન આવે. ગરબા ગુજરાતીઓનું ગૌરવ છે. દરેક વિસ્તારના ગરબાની કંઇક જુદી જ ખૂબીઓ છે. ગ્રામીણ પંથકમાં પુરુષોના ગરબા અને અમુક જ્ઞાતિઓના ગરબા તો વળી આફરીન પોકાર્યા વગર ન રહેવાય એવા હોય છે. વડોદરાના ગરબા દેશ અને દુનિયાના લોકોને આકર્ષે છે. ગરબાના ગીત અને સંગીતમાં પણ ગજબનો જાદુ હોય છે. ગરબા રેકોર્ડેડ હોય કે લાઇવ હોય, ગરબા ગાવાનું કે વગાડવાનું શરૂ થાય એ સાથે જ હાથ પગ હલવા લાગે અને માથું ઝૂમવા લાગે. રોમેરોમમાં રોમાંચ છવાઇ જાય છે. હવે તો કોઇ પ્રસંગ હોય તો પણ ગરબા ગાવાની તક ગુમાવવામાં આવતી નથી. લગ્ન અને બીજા અવસરે યોજવામાં આવતા ગરબાનો પણ ઉત્સાહ માતો ન હોય તો પછી નવરાત્રિની તો વાત જ ક્યાં કરવી?
આપણા ગરબા હવે વિદેશીઓને પણ ખેંચી લાવે છે. વડોદરા આવેલા વિદેશીઓના એક ગ્રૂપે રસપ્રદ વાત કરી હતી. એકસાથે હજારો છોકરા-છોકરીઓને ગરબા લેતાં જોઇને તેમણે સવાલ કર્યો હતો કે, આ બધાના કોરિયોગ્રાફર કોણ છે? બધાના પગ એકસાથે એકસરખા કેવી રીતે પડે છે? તાળીઓ પણ બધા એકસાથે જ પાડે છે. આ બધું કેવી રીતે થાય છે? એને કોણ સમજાવે કે આ કોઇ શીખવાડતું નથી. ગરબા તો ગુજરાતીઓને ગળથૂથીમાં મળતા હોય છે. નાની બાળકીઓ સમજણી થાય એ પહેલાં જ ગરબે રમતા શીખી ગઇ હોય છે! ચણિયાચોળી પહેરીને ચાચરના ચોકમાં ઘૂમતી નાની નાની બાળાઓમાં સાક્ષાત્ માતાજીનાં દર્શન થાય છે. સમયની સાથે ગરબામાં પણ પરિવર્તન આવ્યું છે. ક્યાંક ફિલ્મી ગીતો પર ગરબા ગવાય છે તો ક્યાંક ડિસ્કો દાંડિયા પણ ચાલે છે. નવરાત્રિ હવે બિઝનેસ બની ગઇ છે. મોંઘા મોંઘા પાસ વેચીને ગરબાને એક ઇવેન્ટ બનાવી દેવામાં આવી છે. કોઇને ગરબાની બદલતી સ્ટાઇલ સામે ઇશ્યૂ છે, તો કોઇને ડ્રેસિંગમાં આવેલું પરિવર્તન જચતું નથી. આવું બધું તો ઠીક છે, સમયની સાથે બદલાવ આવતા જ રહેવાના છે. એને નજરઅંદાજ જ કરવા જોઇએ. બાકી શેરી ગરબા અને ટ્રેડિશનલ ગરબા પણ એવા ને એવા ગ્રેસ સાથે યોજાય જ છે. નવરાત્રિની કેટલીક પ્રથાઓ લુપ્ત પણ થતી જાય છે. નાનાં ગામડાંઓમાં નાની બાળાઓ માથે ગરબો લઇને અડોશપડોશમાં ગરબો ગાવા જતી હતી. બહેનપણીઓ સાથે છોકરીઓ ગરબો ગાવા ઘરે આવે એને શુભ માનવામાં આવતું હતું. ગરબા ગાવા આવનાર બાળાને ગરબામાં તેલ પૂરી આપવામાં આવતું, ભેટ રૂપે રોકડ પણ આપવામાં આવતી અને મીઠાઇ ખવડાવવામાં આવતી. હજુ પણ કેટલાંક નાનાં ગામોમાં આ પરંપરા ચાલી રહી છે. જોકે, ધીમે ધીમે આ પરંપરા બંધ થતી જાય છે. અમુક ગામોમાં નવરાત્રિની જુદી જુદી રીતે ઉજવણીઓ થતી હતી. હવે તેમાં પણ બદલાવ આવ્યો છે. સમયનો રંગ નવરાત્રિને પણ લાગવાનો જ છે. ગરબા હવે રીલ્સ બનીને સોશિયલ મીડિયા પર પણ ગાજે છે. પરિવર્તનને વગોવવાનાં ન હોય પણ માણવાનાં હોય છે!
નવરાત્રિની સાથે જ દિવાળીનો મૂડ શરૂ થઇ જાય છે. ફેસ્ટિવલ મૂડની પોતાની અસરો હોય છે. ફેસ્ટિવલ મૂડ પોઝિટિવ એનર્જી આપે છે. આખું વાતાવરણ જ બદલાઇ જાય છે. હવે દિવાળીનો તહેવાર પણ બદલાયો છે. અગાઉ નવરાત્રિ પૂરી થાય એ સાથે જ નવાં કપડાં સીવડાવવાનું અને ઘરની સાફસફાઇ કરવાનું શરૂ થઇ જતું હતું. દિવાળી વખતે લોકો ઘરે ટેલર બેસાડતા. આ ટેલર ઘરની દરેક વ્યક્તિનાં કપડાં સીવી આપતા હતા. જેમ ફેમિલી ડોક્ટર હોય એવી જ રીતે ફેમિલી ટેલર પણ હતા. ટેલર થોડા દિવસ માટે ઘરના સભ્ય જેવા જ બની જતા હતા. કોઇ વડીલ હોય એને પૂછી જોજો, ટેલર સાથેની સ્મૃતિઓ પણ યાદગાર રહેતી હતી. હવે કોઇની પાસે સમય નથી. બધું રેડીમેઇડ અને ઇન્સ્ટન્ટ મળે છે. દીવાળીના તહેવારોમાં બહાર ફરવા જવાનો જબરજસ્ત ટ્રેન્ડ પણ ચાલે છે. અગાઉના સમયમાં દિવાળીના શુભ દિવસોમાં ઘર બંધ રાખવાને સારું માનવામાં આવતું નહોતું. સારા દિવસોમાં ઘરનાં બારણાં બંધ રાખવાને પણ અપશુકન માનવામાં આવતું હતું. એક માન્યતા એવી પણ હતી કે, દિવાળીના દિવસોમાં લક્ષ્મીજી ઘરે પધારે છે. માતાજી આવે અને ઘર બંધ હોય તો? આજની તારીખે ઘણા લોકો તહેવારોમાં ફરવા જવાનું ટાળે છે. અલબત્ત, સમય બદલાયો છે. હવે દરેક માટે કામ ધંધા અને જોબની અનુકૂળતા પ્રાયોરિટી બની ગઇ છે.
તહેવારો ઇકોનોમીને ધબકતી રાખે છે. આપણા દેશનું અર્થતંત્ર નબળું પડતું નથી એનું એક કારણ સમયાંતરે આવતા તહેવારો પણ છે. લોકો તહેવારો પર ખરીદી કરતા રહે છે. એક સમયે તો દિવાળીના બોનસની રાહ જોવાતી હતી. બોનસ પછી માર્કેટમાં જબરજસ્ત ધરાકી નીકળતી હતી. તહેવારો પર દરેક માણસ પોતાની શક્તિ મુજબ ખર્ચ કરે છે. લોકો રૂપિયા વાપરે એટલે નાણાં બજારમાં ઠલવાય છે. ચીજવસ્તુઓની ડિમાન્ડના કારણે ઉત્પાદન વધે છે. ઇકોનોમીની એક આખી સાઇકલ ફરતી રહે છે. વિકાસ માટે પણ એ રીતે તહેવારો મહત્ત્વનું પરિબળ છે. બાકી બધું તો ઠીક છે, સૌથી મોટી વાત એ છે કે, તહેવારો જિંદગીને જીવવા જેવી બનાવે છે. લોકો એકબીજાને મળે છે, એના કારણે સંબંધો સજીવન રહે છે. હવે દરેક વ્યક્તિ બિઝી થઇ ગઇ છે. કોઇની પાસે પોતાના માટે પણ સમય નથી. એવું જરાયે નથી કે, લોકોને પોતાનાં સ્વજનોને મળવું નથી, પણ મેળ તો પડવો જોઇએને? રજા તો મળવી જોઇએને? તહેવારો પોતાના લોકોની નજીક આવવાનો મોકો આપે છે. તહેવારો સંબંધોના પોતને પાતળું પડવા દેતા નથી. જેમ જેમ દિવાળી નજીક આવતી જશે એમ એમ ફેસ્ટિવલ મૂડ જામતો જવાનો છે. તહેવારોનો એક મસ્ત ઉન્માદ ધીમે ધીમે બધા પર છવાતો જવાનો છે. આપણે નસીબદાર છીએ કે, આપણા દેશમાં શાંતિ છે. દુનિયાના અનેક દેશો અત્યારે યુદ્ધમાં અટવાયેલા છે. યુદ્ધગ્રસ્ત દેશોના લોકોની જે હાલત છે એની કલ્પના કરવી જ મુશ્કેલ છે. તહેવારો ભગવાનનો આભાર માનવાની ઘડી પણ છે કે, આપણને સહુને આટલી સારી જિંદગી આપી છે. નવરાત્રિ અને દિવાળી સુધીના દિવસોને પણ પૂરેપૂરા માણીએ અને જિંદગીને વધુ બહેતર બનાવીએ!
———
પેશ-એ-ખિદમત
કબ મૌસમ-એ-બહાર પુકારા નહીં ગયા,
હમને તેરે બગૈર ગવારા નહીં કિયા,
અબ હંસ કે તેરે નાજ ઉઠાયે તો કિસ લિયે,
તૂ ને ભી તો લિહાજ હમારા નહીં કિયા.
-અંબરીન હસીબ અંબર.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 ઓકટોબર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com