એની જગ્યાએ બીજું કોઈ હોત તો ખબર પાડી દેત! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એની જગ્યાએ બીજું કોઈ
હોત તો ખબર પાડી દેત!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


કડવી, મીઠી, તૂરી છે ભૈ, મજબૂરી છે!
સૌને સૌની ધૂરી છે ભૈ, મજબૂરી છે!
પગવાળીને બેસે ક્યાંથી? એ કમભાગી,
નાભિમાં કસ્તૂરી છે ભૈ, મજબૂરી છે!
-વસંત રાવલ `ગિરનારી’


સંબંધનું એક નામ સમાધાન પણ હોય છે. સંબંધમાં સમાધાનો કરવાં પડતાં હોય છે. આપણે બધા જ આપણા લોકો સાથે સમયે સમયે સમાધાનો કરતા જ હોઇએ છીએ. આપણે શા માટે જતું કરી દઇએ છીએ? આપણે સંબંધ ગુમાવવો હોતો નથી! માણસ એવું તો વિચારતો જ હોય છે કે, એની સામે બાંયો ચડાવીને આખરે મને મળવાનું છે શું? ગમે એવી છે પણ એ વ્યક્તિ મારી છે. માણસ છે, ક્યારેક મગજ છટકે પણ ખરો! દરેક માણસ માથાકૂટનો કાયર હોય છે. રોજે રોજ કોઇ ને કોઇ સાથે માથાકૂટ કરતો માણસ પણ એવું કહેતો હોય છે કે, રે’વા દેને, મારે કોઇ માથાકૂટમાં પડવું નથી! આપણે કોઇ માથાકૂટ કરવી ન હોય, કોઇ ઝઘડો કરવો ન હોય, કંઇ સાબિત કરવું ન હોય તો પણ ઘણી વખત બબાલો થઇ જતી હોય છે. આપણે નમતું જોખી દઇએ તો પણ ઘણી વખત વાત પતતી નથી. પ્લીઝ, યાર જવા દેને, એવું કહીએ તો પણ સામેથી એવો સવાલ આવે કે, તું કહે એટલે જવા દેવાનું? દુનિયામાં સૌથી અઘરું જો કોઇ કામ હોય તો એ છે માણસને સમજવો. એમાંયે એ માણસ જો પોતાનો કે નજીકનો હોય ત્યારે એને સમજવો વધુ અઘરો બનતો હોય છે. તમે કોઇના વિશે છાતી ઠોકીને એમ કહી શકો છો કે, એને હું પૂરેપૂરો ઓળખું છું? હા, એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેના વિશે આપણે એવું પણ કહી શકીએ છીએ કે, હું તો એના વિચાર પણ વાંચી શકું છું! આવી વ્યક્તિનું પણ ગમે ત્યારે ફટકતું હોય છે. સંબંધમાં સૌથી વધુ એ સમજવાની જરૂર હોય છે કે, માણસમાં ગમે તે ઘડીએ બદલાવ આવી શકે છે. એનામાં બદલાવ આવે ત્યારે એટલું યાદ રાખવાનું હોય છે કે, મારે બદલવાનું નથી. તમે જો બેલેન્સ જાળવી શકો તો તમારો સંબંધ અકબંધ રહે છે.
બે મિત્રોની આ સાવ સાચી વાત છે. એક સામાન્ય વાતમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો. એક મિત્રએ ગુસ્સો ઠાલવવામાં કંઇ બાકી ન રાખ્યું. અપશબ્દો પણ બોલ્યો. બીજો મિત્ર કંઇ ન બોલ્યો. બધું સાંભળી લીધું. પેલો મિત્ર થાકી ગયો એટલે તેણે કહ્યું કે, તું બહુ બોલ્યો, હવે હું જાઉં છું. મિત્ર ચાલ્યો ગયો. જે મિત્રએ ઝઘડો કર્યો હતો એ ઘરે ગયો. રાતે શાંતિથી વિચારતો હતો ત્યારે તેને થયું કે, હું આટલું બધું બોલ્યો તો પણ એણે મને એક શબ્દ ન કહ્યો! બીજા દિવસે એ તેના મિત્ર પાસે ગયો. તેણે કહ્યું, મને માફ કરજે દોસ્ત, મારે જે ન બોલવું જોઇએ એવું હું બોલ્યો હતો. મને આ ભાન એટલા માટે થયું કે, તું સામું કંઇ જ ન બોલ્યો. તારી જગ્યાએ હું હોત તો કદાચ તું બોલત એના કરતાં પણ વધુ ગંદું બોલ્યો હોત! આપણો સંબંધ જ પૂરો થઇ ગયો હોત. દોસ્તી તૂટી ગઇ હોત! તેના મિત્રએ કહ્યું, હું તને ઓળખું છું. તારું મગજ જાય ત્યારે તને બોલવાનું ભાન નથી રહેતું. મને પણ તારા શબ્દો આકરા લાગ્યા હતા પણ મેં જતું કર્યું. મારા માટે તું વધુ મહત્ત્વનો છે. મારે તને એટલું જ કહેવાનું છે કે, મારાથી ક્યારેક આવું થઇ જાય તો તું સાચવી લેજે! સાચા સંબંધમાં એકબીજાને સાચવી લેવાના હોય!
સંબંધ કોઇ પણ હોય એ ક્યારેક તો કસોટી પર ચડે જ છે. આપણને કોઇ તબક્કે તો સંબંધ પૂરો કરી દેવાનું પણ મન થઇ આવે છે પણ આપણે કરી શકતા નથી. એક પરિવારના બે સભ્યની આ વાત છે. બંને વચ્ચે ખૂબ સારું બનતું હતું. એક વખત કોઇ મામલે બંને વચ્ચે ઝઘડો થઇ ગયો. એકે બીજા પર અયોગ્ય આક્ષેપો કર્યાં. બીજો સભ્ય ગમ ખાઇ ગયો. સહન કરી લીધું. તેના મિત્રએ તેને કહ્યું, તું કેમ કંઇ ન બોલ્યો. તેણે કહ્યું કે, શું કહું? એ ઘરનો સભ્ય છે. એની જગ્યાએ કોઇ બીજો હોત તો એની હાલત ખરાબ કરી નાખત! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, સાચી વાત છે તારી. અમુક સંબંધોમાં આપણે જતું કરવા સિવાય કંઇ કરી શકતા નથી. દુશ્મન હોય તો તેને આપણે ડરાવી ધમકાવી શકીએ પણ દોસ્ત કે સ્વજનને આપણે માત્ર ને માત્ર સમજાવી જ શકીએ. પેઇન ત્યારે થાય જ્યારે ખૂબ સમજાવવા છતાં પણ એ ન સમજે.
ઘણાં સ્વજનો પણ એવાં હોય છે જેને જોઇને એમ થાય કે, આના કરતાં તો દુશ્મનો સારા! આપણે લડી તો શકીએ! ન ગમે એવાં, ન સહન થાય એવાં અને ક્યારેય સીધાં ચાલતાં ન હોય એવાં સ્વજનોને ટેકલ કરવાં એ એક પ્રકારની આર્ટ જ છે. અમુક લોકોને ટોણા માર્યાં વગર ચાલતું જ નથી. એ મોકાની જ રાહ જોતા હોય છે કે, મેળ પડે એટલે ચોપડાવી દઇએ. હમણાંની એક ઘટના છે. એક ભાઇ ઊંચી પોસ્ટ પર જોબ કરતા હતા. કામનો બોજ ખૂબ રહેતો હતો. જવાબદારી મોટી હતી એટલે પરિવારના પ્રસંગોમાં પણ હાજરી આપી શકતા નહોતા. એ ભાઇ જોબમાંથી રિટાયર થયા. તેણે નક્કી કર્યું કે, હવે હું ફેમિલીને સમય આપીશ. બધા પ્રસંગોમાં જઇશ. નજીકના એક સંબંધીના દીકરાના મેરેજ હતા. એ ભાઇ સમયસર પહોંચ્યા. એને જોઇને તેના એક સંબંધીએ ટોણો માર્યો. કેમ હવે નવરા પડ્યા એટલે ટાઇમપાસ કરવા માટે આવી ગયા, અત્યાર સુધી તો કોઇનો ભાવેય પૂછતા નહોતા. હવે બધાની જરૂર પડવાની છે એટલે પ્રસંગોમાં આવવાનું ચાલુ કરી દીધું નહીં? એ ભાઇને પહેલો વિચાર તો એવો આવ્યો કે, ઊભો થઇને ચાલ્યો જાઉં, પછી તેને થયું કે ના, એવું નથી કરવું. જેને બોલવું છે એ તો બોલવાના જ છે! આપણે મગજ પર નહીં લેવાનું. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઇની વાતને વધુ પડતી ગંભીરતાથી લઇ લઇએ છીએ. એક કાર્યક્રમમાં બે સંબંધીઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ. વાત મારામારી સુધી પહોંચે એમ હતી. પરિવારના સભ્યો એકને દૂર લઇ ગયા. પેલાએ કહ્યું, એનાથી મને એવું કહેવાય જ કેમ? કોઇ કંઇ બોલે નહીં એટલે મનફાવે એમ બોલવાનું? પરિવારના સભ્યોએ કહ્યું, એ એક વ્યક્તિ જે બોલ્યો એમાં તું મેદાનમાં આવી ગયો, અમે પાંચ જણાં તને સમજાવી રહ્યા છીએ એનાથી તેને કોઇ ફેર પડતો નથી? તું એની વાત કાને ધરે છે તો અમારી વાત પણ માન અને છોડ બધી માથાકૂટ!
અમુક લોકોનું પોત સારા પ્રસંગે જ પ્રકાશે છે. દરેક પરિવારમાં એકાદ-બે વાયડી આઇટમ હોવાની જ છે. એમને પણ સમય આવ્યે સાચવી લેવાના હોય છે. આ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. માણસને વાંચતા આવડે તો ખબર પડે કે કેટલાંક માણસો સાવ સહેલા હોય છે અને કેટલાંક એવા અઘરા હોય છે જે સમજાય જ નહીં. એમને જોઇને આપણને વિચાર આવી જાય કે, કુદરતે શું વિચારીને આનું સર્જન કર્યું હશે? દરેક માણસના જુદા જુદા અનુભવો થવાના જ છે. કોઇ બાબતે ઉશ્કેરાઇ જઇને પટમાં આવી જવું નહીં! ટેકલ કરી લેવાના! મોટા ભાગે જતું કરવામાં આપણે કંઇ ગુમાવવાનું હોતું નથી. માથાકૂટમાં ઊતરતા પહેલાં એટલું વિચારી લેવાનું કે, આ માથાકૂટથી કોઇ ફેર પડવાનો છે ખરો? તમે ગમે એટલાં માથાં પછાડશો કે માથાં કૂટશો તો પણ જેને ફેર નથી પડવાનો એને નથી જ પડવાનો! માથાફોડી કરવાથી છેલ્લે આપણું જ માથું દુખશે! અમુક વખતે ઇગ્નોર કરીને અને અમુક વખતે જતું કરીને આપણે શાંતિ મેળવવાની હોય છે! ઘણી વખત અયોગ્ય વ્યક્તિને કોઇ જવાબ ન આપવો એ જ સાચો જવાબ હોય છે!
છેલ્લો સીન :
આંધળો ભરોસો મૂકતાં પહેલાં ખુલ્લી આંખે વાસ્તવિકતા ચકાસી લેવી જરૂરી હોય છે. અફસોસ થવાનું એક કારણ પસંદગી કરવામાં આપણી ભૂલ જ હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 11 ડિસેમ્બર ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *